તલાશ - 2 ભાગ 54 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 2 ભાગ 54

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.
.... "બહુ જલ્દી " નિનાદે કહ્યું.
"એટલે કે 30 મે ના દિવસે લગભગ સવા  મહિના પછી. બરાબરને?" નીતા એ કહ્યું. અને નિનાદ એની તરફ તાકતો રહ્યો. કે આને કેવી રીતે ખબર પડી.
"તને, તું... મને મારી જાત પર શરમ આવે છે કે મેં તને પ્રેમી, પતિ તરીકે પસંદ કર્યો. તને તારી નવી બ્રાન્ચ ખોલવા નવું લફડું ચલાવવા આપણું જ શહેર મુંબઈ જ મળ્યું? અને તારી નવી બ્રાન્ચનું ઓપનિંગ પણ આપણી એનિવર્સરી પર ... આઈ હેઈટ યુ નિનાદ. અત્યારે કંપનીના આ કપરા કાળમાં મારે વધુ મુશ્કેલી ઉભી નથી કરવી. પણ યાદ રાખજે આપણો પતિ-પત્નીનો સંબંધ.."
"બસ નીતા એક પણ શબ્દ નહીં બોલતી મને માત્ર એક મોકો આપ. આજે રાત્રે હું તને બધું કહીશ. પછી તને જે યોગ્ય લાગે એ નિર્ણય તું લેજે. હું વગર દલીલ એને સ્વીકારી લઈશ. અને તું માન કે ન માન મારા જીવનમાં માત્ર 2 જ સ્ત્રીઓ આવી છે એમની એક તું છે. અને બીજી.. બીજી તું જાણે છે. અત્યારે તો હું જાઉં છું કોર્ટમાં જવાનું મોડું થાય છે. બાકી રાત્રે તને જર્મની, દુબઈ અને બીજા 2 જગ્યાએ ચાલતી મારી બ્રાન્ડના પાર્ટનરથી લઇ બધા વિશે કહીશ. આપણા 13 વર્ષના સહજીવન ની સામે માત્ર 13 કલાક માંગુ છું"
"ઠીક છે.જો આજે રાત્રે તારા ખુલાસાઓ મારા ગળે નહીં ઉતરે તો સવારે ઉઠીને તું બીજે ક્યાંક રહેવા વ્યો જજે. અને તારે આ બંગલો ન છોડવો હોય તો હું મારા પપ્પાના ઘરે જતી રહીશ અમેરિકા, હવે ફટાફટ તૈયાર થા. પપ્પાજી રાહ જોતા હશે.
xxx
"આ મોહુડી પણ ખરી છે. ફોન જ નથી ઉંચકતી." કૈક અકળાતા સોનલે કહ્યું.
"હવે એને ફોન કરવાનું બંધ કરી દે સોનલ. હવે મને સમજાયું કે એનો પ્લાન શું હતો. એ સાંજ પહેલા ફોન નહિ ઉપાડે." પૃથ્વી એ કહ્યું.
"મને કઈ સમજાયું નહિ."
"મોહિની ભાભીને ખબર હતી કે હું આખો દિવસ લગભગ ફ્રી છું. અને તને જો બહાર ફરવા જવાનું કહીશ તો તને ફૈબા અને તારા પપ્પાનો સંકોચ નડશે. એટલે એણે કંઈક બહાનું કરીને તને અહીંયા બોલાવી. અને મને પણ એને એવુજ બહાનું કર્યું કે, જારેજા  માટે કૈક સરપ્રાઈઝ ગિફ્ટ લેવી છે. મેં એમને કહ્યું કે સોનલને સાથે બોલાવી લો તો એમણે  ના કહી. હવે એમનો ફોન બંધ આવે છે કેમ કે એમને આપણને બન્ને ને મળવાની ગોઠવણ કરવા જ આ કાવતરું કર્યું હતું. અરે વળી પછી શું કામ એમને ફોન લગાડે છે?"
"એ ફોન ઊંચકે તો એને થેન્ક યુ કહેવા માટે. બાય ધ વે આવા તડકામાં મને ક્યાં ફરવા લઇ જશો?"
"પહેલા તો તાજો ઠંડો ફ્રેશ જ્યુસ પીઈએ. પછી થોડું તારે નાનું મોટું શોપિંગ કરવું હોય તો એ કરીએ. પછી મસ્ત ગેટ વે ઓફ ઇન્ડિયા જઈ ત્યાં કોઈ રેસ્ટોરાંમાં જમી ને ત્યાંથી સુંદર મજાની બોટ રાઈડ કલાક પછી નજીકના કોઈ એસી  થિયેટરમાં ગઈ કાલે જ રજૂ થયેલી 'સરફરોશ પિક્ચર જોઈએ. પછી હું તને ઘરે મૂકી જઈશ."
"પણ બાપું .."
"તારા પપ્પાને હું સમજાવી દઈશ. તને આમેય એ આખેઆખી મહિના પછી મને દાનમાં આપવાના જ છે." 

xxx      

"મનોજ તે ઓફિસે જણાવી દીધું ને કે હવે 2 દિવસ તું ઓફિસમાં નહિ જાય." ક્રિષ્નચંદજીએ પૂછ્યું.

"હા પપ્પા, કિશોર અંકલ (મેનેજર) ને બધું સમજાવી દીધું છે. અને આપવાના પેમેન્ટના ચેક પણ સાઈન કરી ને આપી દીધા છે."  

"સરસ, દીકરા, તું અને કામિની વહુ આ બધું સાંભળી રહ્યા છો એટલે મને નિરાંત છે. તારી માં આજે જીવતી હોત તો એ કેટલી રાજી થાત એવું જીગ્નાનું  સાસરું તે ગોતી કાઢ્યું."

"હા. પપ્પા એ તો નસીબ ની વાત છે. અને આમેય સુરજ કુમાર નો ઈરાદો 2-3 વર્ષમાં અહીં મુંબઈમાં જ સેટ થવાનો છે. જીગ્નાના મોટા સસરાનો દીકરો પણ અહીં બિઝનેસ શરૂ કરવા માંગે છે."

"હા મેં વેવાઈ સાથે વાત કરી તો એ કહેતા હતા કે અમારા રસોડા નોખા છે પણ હજી એક જ પેઢીના નામે ધંધો ચાલે છે  જીગ્નાના મોટા સસરાનો બંગલો પણ વેવાઈના બંગલાને અડી નેજ છે. પણ ભાઈ આગતા સ્વાગતા માં તું  અને કામિની વહુ બરાબર ધ્યાન દેજો. ક્યાંય કોઈ કચાસ ન રહે. કેમ કે એ લોકો બહુ જુનવાણી વિચારો વાળા છે. સગાઈમાં છોકરા વાળા તરફથી આવે છે તો જાનમાં આવ્યા હોય એવું માન સન્માન નહીં સચવાય તો ગરબડ થશે."

"પપ્પા તમે ફિકર ના કરો ભાઈ અને ભાભી બધું સાંભળી લેશે"  જીગ્ના એ કહ્યું. અને ઉમેર્યું "મારી કેટલીક સહેલી સગાઈમાં આવવાની છે. મોહિની અને સોનલ તો સવારે જ અહીં આવી જશે. અને જીતુભા અને પૃથ્વી સગાઈમાં આવશે."

"મોહિની અને સોનલ તો ઠીક છે. પણ આ જીતુભા અને પૃથ્વી કોણ છે? આવી મોંઘી હોટલમાં એ લોકો ને સગાઈમાં બોલાવવા જરૂરી હતા?" ક્રિષ્નચંદજી આધુનિક થતા હતા પણ હજીય જરા જુનવાણી હતા. 

"પપ્પાજી,"કામિની એ કહ્યું. "જીતુભા મોહિની નો થનારો પતિ છે. અને સોનલ નો ભાઈ છે હમણાંજ બન્ને ભાઈ બહેનની સગાઈ 10-12 દિવસ પહેલા હતી. અને પૃથ્વી સિંહ તમને ખબર હશે, ફ્લોદી, એના રાજકુમાર છે અને સોનલ સાથે એમની સગાઇ થઇ છે. હવે એ અહીં મુંબઈમાં બિઝનેસને કામે આવ્યા છે અને સોનલ આખો દિવસ અહીં આપણા ઘરે હશે તો એમને પણ સગાઈમાં આવવાનું આપણે આમંત્રણ આપવુંજ જોઈએને. એટલે મેં જ.." કામિનીનું વાક્ય કાપતા મનોજે કહ્યું"મને કામિનીએ આ વાત કરી એટલે મે એમને સગાઈમાં આવવાનું આમંત્રણ આપી દીધું. રાજકુમાર છે. જાગીર છે. અને એરિયામાં એનું માન સન્માન છે. આપણી જરૂરતે પડખે ઉભે એમ છે."

"સારું કર્યું દીકરા. ફલોદી ના રાજા ખડકસિંહને તો હું એકાદ વાર મળ્યો છું સજ્જન અને ખમતીધર છે."  

xxx 


કોર્ટરૂમ ચિક્કાર ભરાયેલો હતો  ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટની આ સ્પેશિયલ અદાલત હતી બરાબર 3 વાગ્યે મોહનલાલને લઈને દિલીપ ગુરનાનીની આગેવાનીમાં આઈટી ઓફિસર હાજર થયા હતા. મોહનલાલ નો ચહેરો થોડો નંખાયેલો હતો એ આખી રાત ઊંઘ્યો ન હતો એવું સ્પષ્ટપણે દેખાતું હતું. અદાલતમાં હાજર લોકો પર એની નજર પડી પ્રેક્ષકોમાં અનોપચંદ સુમિત અને નિનાદ હાજર હતા. સાથે સાથે.અનોપચંદના વેવાઈ અને સ્નેહના પપ્પા ગિરિરાજજી પણ હાજર હતા. સરકારી વકીલ તરીકે જાણીતા વકીલ ઝુનઝુનવાલા તો મોહનલાલના પક્ષે શ્રીકાંત ભટ્ટ હતા. અદાલતની કાર્યવાહી શરૂ થઇ એટલે ઝુનઝુનવાલાએ કહ્યું.
આ મોહનલાલ કે જે અનોપચંદ એન્ડ કુ. કે જેનો દેશભરમાં જ નહિ અનેક દેશોમાં કારોબાર ચાલે છે ફ્લેગશિપ કંપનીમાં એટલે કે 'અનોપચંદ એન્ડ કુ.'માં 60 % હિસ્સો ધરાવે છે એમની મદ્રાસ બ્રાન્ચમાં કરોડો રૂપિયાના બેહિસાબી લેતીદેતી મળી છે. મારી જજ સાહેબ ને વિનંતી છે કે  ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટની આ સ્પેશિયલ ટિમ કે જે શ્રી દિલીપ ગુરનાની જીની અધ્યક્ષતામાં કામ કરે છે એમને આ મોહનલાલ ની કસ્ટડી 10 દિવસ માટે સોપવામાં આવે જેથી એ એમની પૂછપરછ કરી અને જેટલી રકમનો ગોટાળો હોય એ વસુલ કરી શકે."
આ સાંભળીને જજ સાહેબે શ્રીકાંત ભટ્ટ ને પૂછ્યું."આ બાબત માં તમારે કઈ કહેવું છે?"
"જી જજ સાહેબ, સૌથી પહેલા તો મારે આ સન્માનનીય ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટની આ સ્પેશિયલ ટિમ અને એના અધ્યક્ષ ગુરનાની જી ને કહેવું છે કે 'પ્લીઝ તમે લોકો કોઈ પણ કાર્યવાહી શરૂ કરતા પહેલા પાક્કું હોમવર્ક કરીને પછી જ કોઈ પણ ઉદ્યોગ ગૃહપર કાર્યવાહી કરો. કેમ કે તમને મળનારો પગાર અને સરકાર તરફથી મળતી બીજી ફેસિલિટી આવા ઉદ્યોગ ગૃહ અને પબ્લિકે ભરેલ ટેક્સ માંથી મળે છે. ને અધૂરી અને ખોટી માહિતી વળી મેટરમાં તમારો સમય બરબાદ ન કરો. કેમ કે તમે સરકારને અને સરકાર જનતાને જવાબદાર છે."
"એટલે તમે શું કહેવા માંગો છો? જજ સાહેબે પૂછ્યું.
"એજ કે ખોટી માહિતી દ્વારા એમને મોહનલાલને 60% ના પાર્ટનર માની લીધા. હકીકતમાં તો મોહનલાલ માત્ર 2% જ શેર હિસ્સો ધરાવે છે. અસલ મલિક એટલેકે લગભગ 56 % શેર તો અત્યારે આજની તારીખે આ સામે બેઠેલા અનોપચંદજીના નામે છે. ઉપરાંત એમના બે દીકરા સુમિત અને નિનાદ કે જે એમની બાજુમાં જ બેઠા છે એ અને એ બેઉની પત્નીઓ અનુક્રમે સ્નેહા અને નીતા એમ એ 4 મળીને દરેકના 9% લેખે 36 % હિસ્સો ધરાવે છે. એટલે મારા અસીલ ની અટકાયત જ ખોટી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ સાથે આ ફાઈલમાં 'અનોપચંદ એન્ડ કુ. નું શેર હોલ્ડરનું લિસ્ટ છે,"
"પણ એમની મદ્રાસ બ્રાન્ચમાં ગોટાળો..."ઝુનઝુનવાલા એ પૂછ્યું.  
"ગુરનાની સાહેબ તમને કેટલો ગોટાળો મળ્યો છે?" જજ સાહેબે  સવાલ કર્યો.  
"જી જજ સાહેબ, 4-5 એન્ટ્રી મળીને કુલ 9 કરોડ નો હિસાબ નથી મળતો."
"કંપનીની ફાઇનલ બેલેન્સશીટ બની ગઈ છે? ક્યાં વર્ષમાં ગોટાળો દેખાયો?" જજ સાહેબે પૂછ્યું.
"જી સર, 1998-99 ના ફાઇનાન્શિયલ વર્ષમાં અને એની ફાઇનલ બેલેન્સશીટ એમણે હજી જમા નથી કરાવી."
"શું એ જમા કરાવવાની છેલ્લી તારીખ વીતી ગઈ છે?"
"ના સાહેબ હજી 15 દિવસ બાકી છે."
"ઓકે. અને ધારો કે આ 9 કરોડની આવક એમને છુપાવી હોય તો એના પર કેટલો ટેક્સ ભરવાનો થાય?"
"30 % લેખે, એટલે કે 2.7 કરોડ નો ટેક્સ અને એના પર પેનલ્ટી."
"પેનલ્ટી કેટલી?
"300% એટલે કે કુલ 8 કરોડ અને 10 લાખ રૂપિયા થાય."
"ઠીક છે શ્રીકાંત જી, તમારા અસીલ કે તમે જેને કંપનીના અસલ મલિક કહો છો એ લોકો અત્યારે આ ગુરનાની સાહેબે કહી એ રકમ ભરવા તૈયાર છે?"
"જી સાહેબ, પણ હજી ફાઇનલ બેલેન્સશીટ બની નથી છતાં આપની અદાલત જે રકમ કહેશે એ રકમ અદાલતમાં જમા કરાવવા માટે એ લોકો તૈયાર છે. પછી ફાઇનલ બેલેન્સશીટ પ્રમાણે જે રકમ થતી હશે એ ભરીને બાકીની રકમ મારા અસીલ ને પરત મળવી જોઈએ."  
"ગુરનાની સાહેબ, તમારી પેનલ્ટી સાથે ની રકમ અદાલતમાં જમા થઈ રહી છે. ફાઇનલ બેલેન્સ શીટ જોઈ અને અદાલત ને જણાવજો "
"જી સર,"
"'અનોપચંદ એન્ડ કૂ 'ના અસલ માલિક પાસેથી આઠ કરોડ દસ લાખની રકમનો ચેક બાંહેધરી તરીકે લેવામાં આવે અને આ સ્પેશિયલ ટીમ ફાઇનલ હિસાબ કહે પછી એમની નીકળતી રકમ કાપીને બાકીની રકમ અનોપચંદ એન્ડ કૂ  ને પાછી કરવામાં આવે. અને સાથે સાથે અત્યારે જ મોહનલાલને છુટ્ટા કરવામાં આવે" જજ સાહેબે ફેંસલો સંભળાવતા કહ્યું.      

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.