વારસદાર - 59 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસદાર - 59

વારસદાર પ્રકરણ 59

શીતલ ઝવેરી નિમ્ફોમેનીયા નામના રોગથી પીડાતી હતી. આ એક માનસિક રોગ છે જેમાં વધુને વધુ પુરુષનો સહવાસ કરવાની ઈચ્છા થાય છે. ગમે એટલું શારીરિક સુખ ભોગવ્યા પછી પણ સંતોષ થતો નથી. ક્યારેક પતિ પ્રત્યેની વફાદારી પણ રહેતી નથી અને મન ભટક્યા કરે છે.

શીતલે મંથનને પહેલીવાર નડિયાદમાં જોયો ત્યારથી જ એ એના તરફ આકર્ષાઈ હતી. પોતાની બહેન કેતાની જગ્યાએ મંથન સાથે પોતાનાં લગ્ન થાય એવા મનસુબા ઘડ્યા હતા.

હોટલમાં પહેલીવાર મળ્યાં ત્યારે પણ મંથન સાથે શારીરિક સુખ ભોગવવાની એની ઈચ્છા થઈ ગઈ હતી પરંતુ મંથન ખૂબ જ સંયમમાં હતો. મંથન ગયા પછી એણે મંથનને ઘણા બધા વોટ્સએપ મેસેજ કર્યા હતા. પરંતુ અદિતિ સાથેની વફાદારીના કારણે મંથને કોઈ પોઝિટિવ જવાબ આપ્યો ન હતો.

મંથનનો કોઈ રિસ્પોન્સ ન આવ્યો એટલે એણે કોઈપણ ભોગે મંથનને પામવા માટે બીજા રસ્તા અપનાવવાનું વિચાર્યું. એવામાં એણે નડિયાદમાં કોઈ બાબાજીની જાહેરાત વાંચી અને એ એની પાસે ગઈ. બાબાએ સારી એવી દક્ષિણા લઈ એને વશીકરણના મંત્રોથી સિદ્ધ કરેલી એક ભભૂતિ આપી હતી જેથી એ ખાવાથી સામેની વ્યક્તિ વશમાં આવી જાય.

મંથનને મળવાનો કોઈ સંયોગ પેદા જ ન થયો અને મંથન જ્યારે એને મળ્યો ત્યારે તો મંથનનાં લગ્ન થઈ ગયાં હતાં. એટલે એ ભભૂતિ એણે પોતાની પાસે જ રાખી મૂકી હતી.

મુંબઈ આવ્યા પછી પણ એની ઈચ્છા એકવાર મંથનને આ ભભૂતિ ખવડાવી દેવાની હતી કારણ કે મંથન હવે અબજોપતિ હતો. જો એ વશમાં આવી જાય તો એની કામેચ્છા પણ પૂરી થાય અને આર્થિક રીતે પણ એ સમૃદ્ધ થઈ શકે. પરંતુ એવો કોઈ ચાન્સ મળે તે પહેલાં જ મંથને એનાં લગ્ન રાજન સાથે કરાવી દીધાં.

રાજન ખૂબ સારો પતિ હતો. શ્રીમંત પણ હતો અને એની ખૂબ જ કાળજી પણ લેતો હતો. પરંતુ બેડરૂમની અંદર શીતલને જોઈએ એવો સંતોષ થતો ન હતો કારણ કે રાજન આધ્યાત્મિક પ્રકૃતિનો હોવાથી એનામાં કામવાસના ના આવેગો ઓછા હતા.

મંથન તે દિવસે ઘરે આવ્યો અને એને ચા પીવડાવવાનો મોકો મળ્યો એટલે શીતલના મનમાં અચાનક ભભૂતિ નો વિચાર આવ્યો. એણે કિચનમાંથી બારોબાર પોતાના બેડરૂમમાં જઈ બેગમાંથી નાનકડી પડીકી કાઢી અને એમાં સાચવેલી જરાક જેટલી ભભૂતિ મંથનના કપમાં ભેળવી દીધી જેથી પીનાર વ્યક્તિ એને વશ થઈ જાય.

પરંતુ ગોપાલદાદાએ આપેલી સિદ્ધિથી મંથનની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થઈ ગઈ હતી. જેવો ચાનો કપ એના હાથમાં આવ્યો કે એણે એમાં શું નાખવામાં આવ્યું છે એ પણ એક સેકન્ડમાં જોઈ લીધું. પળનો પણ વિચાર કર્યા વગર એણે એ કપ રાજનના હાથમાં આપી દીધો. એ બંને પતિપત્ની છે. બંને વચ્ચે આકર્ષણ વધે તો એમાં કંઈ ખોટું નથી.

જો કે શીતલ આટલી હદે જશે અને પોતાના પતિને બેવફા નિવડશે એવી તો મંથને કલ્પના પણ નહોતી કરી. એના મનમાં શીતલ માટે જે પણ માન હતું તે બધું ઉતરી ગયું.

ચા પીને એ ઊભો થઈ ગયો અને રાજનની રજા લઈને બહાર નીકળી ગયો. શીતલ હજુ પણ સમજી શકતી ન હતી કે મંથને કપ કેમ બદલ્યો !

શીતલ ના ઘરેથી નીકળી જઈને મંથન મયુર ટાવર અદિતિ પાસે આવી ગયો. સાંજના છ વાગી ગયા હતા.

"મળી આવ્યા શીતલને ? કેમ ચાલે છે એમનો સંસાર ? " અદિતિ બોલી.

" બંને જણા મજામાં છે. શ્રીમંત ઘર છે એટલે શીતલને ત્યાં કોઈ તકલીફ નથી." મંથન બોલ્યો.

" તમે પછી ઓખાના અનુભવની કોઈ વાત કરવાના હતા એ કરી નથી. મને આધ્યાત્મિક અનુભવોની વાત સાંભળવામાં બહુ રસ છે. " અદિતિ બોલી.

મંથને અદિતિને ઓખા પહોંચ્યા ત્યાંથી શરૂ કરીને ઓખા છોડ્યું ત્યાં સુધીના બધા જ અનુભવ વિગતવાર કહ્યા.

" શું વાત કરો છો તમને એરેસ્ટ કરેલા ? " અદિતિએ ચિંતાથી પૂછ્યું.

" હા પરંતુ તારા ઝાલા અંકલ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર છે એટલે એમનો સંપર્ક કરવાથી મારું કામ પતી ગયું. બાકી એ પ્રસંગને બાદ કરતાં મારો ઓખાનો અનુભવ અદભુત રહ્યો અદિતિ ! ગોપાલદાદાના સ્પર્શ માત્રથી મને સાત દિવસની સમાધિ લાગી ગઈ ! " મંથન બોલ્યો.

" દ્વારકા કેવું લાગ્યું તમને ? " અદિતિએ પૂછ્યું.

" દ્વારકા તો અદભુત છે અદિતિ ! મંદિર એટલું બધું ભવ્ય છે કે દૂર દૂરથી મંદિરનાં દર્શન થાય છે. મંદિરમાં પગ મૂકો અને તમને શાંતિનો અનુભવ થાય છે. શ્રીકૃષ્ણની ચેતના ત્યાં આજે પણ એટલી જ સક્રિય છે." મંથને કહ્યું.

" ચાલો તમારી યાત્રા સફળ રહી એનો મને આનંદ છે. આપણે ભવિષ્યમાં સાથે ફરી એકવાર જઈશું. " અદિતિ બોલી.

" તું જ્યારે કહે ત્યારે હું તૈયાર જ છું. અભિષેકને પણ મારે નાનપણથી જ આધ્યાત્મિક સંસ્કારો જ આપવા છે. ચાલો હવે હું નીકળું. વીણામાસીને રસોઈનું કહી દીધું છે. " મંથન બોલ્યો.

એ પછી દસેક મિનિટમાં મંથન ત્યાંથી નીકળી ગયો અને ડ્રાઇવરને ગાડી સુંદર નગર લેવાનું કહ્યું.

ઘરે પહોંચ્યો ત્યારે રાતના આઠ વાગી ગયા હતા એટલે સૌથી પહેલાં એણે જમી લીધું. આજે વીણા માસીએ જમવામાં મેથીના થેપલાં અને ચા નો પ્રોગ્રામ રાખ્યો હતો. સાથે બટાકાની થોડીક સૂકી ભાજી પણ મંથન માટે બનાવી હતી.

જમીને એકાદ કલાક મંથને લેપટોપમાં કામ કર્યું અને પછી સૂઈ ગયો.

હંમેશા સવારે ચાર ના ટકોરે મંથનની આંખ ખૂલી જ જતી ભલે પછી એ ગમે એટલો મોડો સૂતો હોય. એના સબકોન્સિયસ માઈન્ડ માં ચારનું એલાર્મ ફીટ થઈ ગયું હતું.

વહેલી સવારે ચાર વાગે ઊઠીને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો અને ધ્યાનમાં બેસી ગયો. અને બે ત્રણ મિનિટમાં જ ઊંડા ધ્યાનમાં સરકી ગયો. આ લેવલ ઉપર બહારનો કોઈપણ કોલાહલ તમને ડિસ્ટર્બ કરી શકતો નથી અને કોઈ વિચાર પણ આવતો નથી.

આજે કોણ જાણે કેમ મંથનના ગુરુજી સ્વામી સર્વેશ્વરાનંદજી સામેથી જ મંથનના ધ્યાનમાં આવી ગયા. મંથનને મનોમય જગતમાં એમનો અવાજ સંભળાયો.

" હવે તારે ખૂબ જ સાવધાન રહેવાનું છે. તું અત્યારે સિદ્ધિ ની કક્ષામાં આવી ગયો છે. ગાયત્રીની સાધનાના હિસાબે તને ગોપાલદાદાની મુલાકાત થઈ કારણ કે એ પણ પ્રખર ગાયત્રી ઉપાસક હતા. એમણે જ મને તને ઓખા મોકલવાની પ્રેરણા આપી હતી. તારે હવે ધંધાનો કોઈ વિસ્તાર કરવાની જરૂર નથી. તારી પાસે એટલી સંપત્તિ છે કે જીવનભર તને વાંધો નહીં આવે અને તારો દીકરો મોટો થઈને એ સંભાળી લેશે. હવે તું લોકોના કલ્યાણ માટે વિચાર. " સ્વામીજી બોલતા હતા.

" જી ગુરુજી. "

" તારે હવે મુંબઈની ચાર જાગૃત ચેતનાઓના આશીર્વાદ લેવા પડશે. મુંબઈની આજુબાજુ દરિયો હોવાના કારણે આ ચેતનાઓ વધુ જાગૃત છે. જ્યાં જ્યાં જલતત્વ હોય ત્યાં ચેતનાઓ વધુ સક્રિય રહેતી હોય છે. તને ખ્યાલ હશે જ કે ભારતનાં પવિત્ર તીર્થધામોની આજુબાજુ નદી કે દરિયો જરૂર હોય છે. અયોધ્યા, મથુરા, વૃંદાવન, દ્વારકા, સોમનાથ, બનારસ, જગન્નાથ, કૈલાશ, રામેશ્વરમ એનાં ઉદાહરણો છે." સ્વામીજી બોલતા હતા.

" મુંબઈની ભૂમિમાં રહીને સમૃદ્ધ થતાં બધા જ લોકોએ વર્ષમાં એકવાર મુંબઈની કુળદેવી મુંબા દેવીનાં દર્શન ભૂલેશ્વર જઈને કરવાં જ જોઈએ. કોઈપણ મહિનાની આઠમના દિવસે તું દર્શને જઈ શકે છે."

"મુંબઈમાં ગણેશજીની ચેતના ખૂબ જ સક્રિય છે. વિઘ્નહર્તા દેવ છે. મૂલાધાર ચક્રને જાગૃત કરવાની એમનામાં તાકાત છે. એમને પ્રાર્થના કરવાથી તને ઘણું બધું જ્ઞાન મળી રહેશે. ગણેશજી લેખન કળામાં પણ પાવરધા છે. પારાશર ઋષિના પુત્ર વેદ વ્યાસજીએ બ્રહ્મસૂત્ર, ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ જેવા ચાર વેદ, ૧૮ મહાપુરાણ અને મહાભારતની રચના કરી. આ તમામ સાહિત્ય ગણેશજીએ લખ્યું છે. વ્યાસજી બોલતા હતા અને ગણેશજી પોતાની કલમથી લખતા હતા. ત્રણ વર્ષ સુધી ચાલેલું આ લખાણ એટલું બધું હતું કે ગણેશજીની કલમ તૂટી ગઈ. વચ્ચે ન અટકવાની શરત હતી એટલે ગણેશજીએ પોતાનો એક દાંત તોડીને શાહીમાં બોળી લખવાનું ચાલુ રાખ્યું. એટલે વ્યાસજી એ એમનું નામ એકદંત રાખ્યું. ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે અને તે વ્યાસજીના બોલવા પ્રમાણે ગણેશજીએ પોતાના હસ્તાક્ષરમાં જ લખેલી છે. તારે વર્ષમાં એક વાર સિદ્ધિવિનાયકનાં દર્શન કરવાં જ જોઈએ. ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા છે. માત્ર ગણેશજીની ઉપાસના થી જ મુંબઈમાં ઘણા લોકો કરોડપતિ બનેલા છે. દર વર્ષે માગશર સુદ ચોથના દિવસે તું એમનાં દર્શન કરવાનું શરૂ કરી દે. " સ્વામીજી બોલતા હતા.

"મુંબઈના અનેક લોકો બાબુલનાથ મહાદેવનાં દર્શન કરીને સમૃદ્ધ બન્યા છે. માનસિક શાંતિ ન મળતી હોય એવા લોકોએ શિવની આરાધના કરવી જોઈએ. કર્મોનાં બંધન તોડવાની તાકાત શિવજીમાં છે. બાબુલનાથની ચેતના એકદમ જાગૃત છે. તારે વર્ષમાં એકવાર તો એમનાં દર્શન કરવાં જ જોઈએ. દરેક મહિનાની વદ ચૌદશ શિવરાત્રી ગણાય છે. તું કોઈ પણ શિવરાત્રીએ બાબુલનાથ જઈને શિવજીને અભિષેક કરવાનું ચાલુ કરી દે. આ બ્રહ્માંડમાં જે પણ જ્ઞાન વ્યાપેલું છે એ શિવજીના નિયંત્રણમાં છે." સ્વામીજીએ આદેશ આપ્યો.

"ચોથી ચેતના માતા મહાલક્ષ્મીની છે જે મુંબઈની સમૃદ્ધિની દેવી છે. મુંબઈમાં રૂપિયાની રેલમછેલ માતા મહાલક્ષ્મીની કૃપાના કારણે છે. શિવ અને શક્તિની તારે વર્ષમાં એકવાર તો વંદના કરવી જ જોઈએ. કોઈપણ મહિનાની નોમ અથવા ચૌદશના દિવસે તું એમનાં દર્શન કરી શકે છે." સ્વામીજીએ કહ્યું.

" જીવનમાં ક્યારે કઈ ચેતના તમને મદદ કરે છે એ તમને ખબર નથી હોતી. સૂક્ષ્મ જગતનાં રહસ્યો ઘણાં બધાં છે . હું એ તને સમજાવી શકું તેમ નથી. મુંબઈની આ ચારેય ચેતનાઓ એકદમ સક્રિય છે. દરેકનો ઋણાનુબંધ કોઈને કોઈ ચેતના સાથે હોય જ છે. અને જ્યારે મુંબઈની ભૂમિ ફળે તો તમારે આ ચેતનાઓનો વર્ષમાં એકવાર આભાર માનવો જ જોઈએ. હું તો સૂક્ષ્મ જગત સાથે જોડાયેલો છું એટલે આ બધી જ ચેતનાઓને હું જોઈ શકું છું. " સ્વામીજીએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું અને અદ્રશ્ય થઈ ગયા.

મંથન ધ્યાનમાંથી બહાર આવ્યો ત્યારે બે કલાક થઈ ગયા હતા છતાં સ્વામીજીએ કહેલી એકે એક વાત એને યાદ હતી.

સ્વામીજી વારંવાર ધંધાનો વિસ્તાર હવે નહીં કરવાની સલાહ આપતા હતા. જુહુ સ્કીમ અને બાંદ્રાની સ્કીમ તો પૂરી થઈ ગઈ હતી. અત્યારે એકમાત્ર અંધેરી ઈસ્ટની સ્કીમ ચાલુ હતી અને એ પણ અડધી સ્કીમ તો પેક થઈ ગઈ હતી.

હવે માત્ર એક જ સ્કીમ માટે પોતાની ઓફિસમાં આટલા એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર રાખવાની કોઈ જરૂર ન હતી. સ્ટાફ હવે થોડો ઓછો કરવો જ પડશે. મંથને નિર્ણય લઈ લીધો.

મંથને ઓફિસ જઈને એક એન્જિનિયર અને એક કોન્ટ્રાક્ટરને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા.

" જુઓ તમને તો ખબર છે જ કે મારી ત્રણ સ્કીમો પૂરી થઈ ગઈ છે. અત્યારે માત્ર આપણી અંધેરીની એક જ સ્કીમ ચાલે છે. હમણાં નવી કોઈ સ્કીમ ડેવલપ કરવાના મૂડમાં હું નથી. એટલે વધારે સ્ટાફ ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી. મને દુઃખ થાય છે પરંતુ તમને બન્નેને આજથી હું આ કંપની માંથી છુટા કરું છું. છતાં તમને કોઈ તકલીફ ના પડે એટલા માટે ત્રણ મહિના સુધી તમારો પગાર ચાલુ જ રહેશે." મંથન બોલતો હતો.

"તમે આ ત્રણ મહિનાના ગાળામાં કોઈ બીજી જોબ શોધી શકો છો. તમને બીજી કોઈ મદદની જરૂર હોય તો પણ મદદ કરવાની મારી પૂરી તૈયારી છે. મારા સ્ટાફને કોઈ તકલીફ પડે એવું હું જરા પણ ઈચ્છતો નથી." મંથન બોલ્યો.

બન્ને જણા જાણતા હતા કે હમણાંથી એમની પાસે કોઈ જ ખાસ કામ ન હતું. એમને એ સમજાતું ન હતું કે મુંબઈના એક સફળ બિલ્ડર હોવા છતાં બૉસ કેમ કોઈ નવી સ્કીમો હમણાં બનાવતા નથી. મંથનની વાતથી એમને ખૂબ જ સારું લાગ્યું. મંથનની આટલી કાળજી જોઈને બન્નેની આંખો ભીની થઈ ગઈ.

બંને બહાર ગયા પછી મંથને પોતાના એકાઉન્ટ કમ કેશિયર ને બોલાવ્યો અને એ બંનેનો હિસાબ કરી દેવાનું સૂચન કર્યું. સાથે સાથે ત્રણ મહિના સુધી એમને પગાર આપવાની પણ સૂચના આપી.

હજુ સાંજના ચાર વાગ્યા હતા. આજે સવારે ધ્યાનમાં ગુરુજી સાથે અદભુત સંવાદ થયો હતો એટલે મંથને મનોમન ભગવાન સિદ્ધિવિનાયક, બાબુલનાથ મહાદેવ, માતા મુંબા દેવી અને મહાલક્ષ્મીજીનું મનોમન સ્મરણ કર્યું.

એણે એની સેક્રેટરીને પોતાને ડિસ્ટર્બ ન કરવા સૂચના આપી અને ઓફિસની ખુરશીમાં જ ફરી ધ્યાનમાં બેસવા કોશિશ કરી.

એના આશ્ચર્ય વચ્ચે પાંચ જ મિનિટમાં એ ઊંડા ધ્યાનમાં સરકી ગયો. એને મળેલી સિદ્ધિઓના કારણે એનો આત્મા સુક્ષ્મ લોકમાં પહોંચી ગયો. મૃત્યુ પછીનો આ અદભુત લોક હતો.

અહીં સરોવરો હતાં. અદભુત રંગનાં વૃક્ષો અને બગીચા હતા. મંદિરો હતાં. નાની નાની વાદળીઓ જેવા અનેક આત્માઓ ફરતા હતા. કેટલાક આત્માઓ વારંવાર રૂપ પણ બદલતા હતા. અચાનક એને એની માતા ગૌરીનાં દર્શન થયાં. એ હવામાં તરતો હોય એમ એની નજીક ગયો.

" મમ્મી તું અહીં મજામાં તો છે ને ?" મંથને પૂછ્યું.

" હું અહીં મજામાં જ છું. આપણા મા દીકરાના સંબંધો માત્ર પૃથ્વી ઉપર હતા. ગુરુજીના આદેશથી તારા માટે તારી માતા ગૌરીના સ્વરૂપે હું તને મળવા આવી છું. અહીં માત્ર આત્માના સંબંધો છે. જો મા દીકરાનું એકબીજા તરફ બહુ ખેંચાણ હોય તો હું આ ચોથા લોકમાં ન આવી શકું. ત્રીજા લોકમાં જ અટકી જાઉ. માયા મમતા મૂક્યા પછી જ ચોથા લોકમાં પ્રવેશ મળે છે. " ગૌરી બોલતી હતી.

"હું હવે પુરુષ તરીકે પણ જન્મ લઈ શકું છું. દરેક જન્મમાં સંબંધો બદલાતા જાય છે એટલે કોઈ પણ સંબંધ સ્થાયી નથી. દરેક આત્માને પોતાના કર્મો પ્રમાણે અહીં જે તે લોકની પ્રાપ્તિ થાય છે. આ ચોથો લોક છે. થોડા વર્ષો અહીં રહ્યા પછી હું પણ જન્મ લેવાની છું. તારા પપ્પાનો જન્મ થઈ ચૂક્યો છે. એ મને મળ્યા હતા. એ પણ આ ચોથા લોકમાં જ હતા. અમે પતિ પત્ની તરીકે નહીં પણ બે આત્માઓ તરીકે મળ્યા હતા. મૃત્યુ સાથે જ સંબંધો પૂરા થાય છે. તારી ગાયત્રી સાધના તું ચાલુ જ રાખજે. તારી બધી જ પ્રગતિ એના કારણે છે." કહીને ગૌરી હવામાં ઓગળી ગઈ.

મંથને હવામાં ઉડતાં ઉડતાં એ પણ જોયું કે અહીં દરેક ધર્મનાં મંદિરો હતાં. અને જે તે ધર્મને માનનારા ભક્તો એમના મંદિરોમાં જ જતા હતા. અહીં શાળાઓ પણ હતી. વહેલી સવારના સૂર્ય જેવો અહીં પ્રકાશ હતો. કેટલાક સન્યાસીઓને પણ એણે જોયા. એક સંન્યાસી સાથે એણે વાતચીત કરવા પણ કોશિશ કરી. પરંતુ એ સન્યાસી એને જોઈ શકતા ન હતા એવું લાગ્યું.

પોતે પૃથ્વીલોક માંથી આવ્યો હતો એટલે હજુ એની વેવલેન્થ અલગ હતી. ગૌરીએ તો ખાસ એને મળવા માટે જ પોતાની વેવલેન્થ બદલી હતી. વેવલેન્થ બદલવા માટે આત્માએ આકાશમાંથી થોડું જળતત્વ અને પૃથ્વીતત્વ ખેંચવું પડતું હોય છે.

અદભુત અનુભવ હતો સૂક્ષ્મ જગતમાં ફરવાનો. સારા કર્મો કર્યા હોય એવા આત્માઓ જ આ ચોથા લોકમાં પ્રવેશ કરી શકતા હતા. બાકી તો બધા એક થી ત્રણ લોકમાં જ ફરી શકતા હતા.

" તારી ઈચ્છા હતી એટલે આજે તને સૂક્ષ્મ જગતમાં હું ખેંચી લાવ્યો છું. તારી મમ્મીની મુલાકાત પણ તને કરાવી દીધી. આ જન્મ પૂરતા જ સંબંધો હતા. આ બધી એક માયા છે. તારે આ માયાના બંધનોમાંથી પણ બહાર આવવાનું છે. હવે તારા દેહમાં તું પાછો જતો રહે. " સ્વામીજીનો અવાજ મંથનને સંભળાયો અને એક આંચકા સાથે મંથન અચાનક ખુરશીમાં જાગૃત થયો.

આંખો ખોલી તો બધું જ અદ્રશ્ય થઈ ગયેલું હતું. એ પોતાની ચેમ્બરમાં રિવોલ્વિગ ચેરમાં બેઠેલો હતો.

આ હા.... કેટલો અદભુત અનુભવ હતો એ !! હજુ પણ સૂક્ષ્મ જગતની એ અનુભૂતિ નજરની સામે જ તરવરતી હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)