Varasdaar - 57 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 57

વારસદાર પ્રકરણ 57

મંથનને ઓખામાં અદભુત અનુભવ થયો. ગુરુજીની આજ્ઞા પ્રમાણે એ ઓખા આવી ગયો. વહેલી સવારે ૫:૩૦ વાગે દરિયાકિનારે પણ પહોંચી ગયો. ગુરુજીએ કહ્યા પ્રમાણે સાધુ મહાત્માનાં પણ દર્શન થયાં. અને એમને ગુલાબનો હાર પણ પહેરાવ્યો. સાધુની સાથે ઓખાના નવી બજાર એરિયામાં ગોપાલદાદા ના મકાનમાં પણ ગયો અને એક કલાક એમની સેવા પણ કરી. એ પછી ગોપાલદાદાએ એના માથે હાથ મૂકીને સાત દિવસની સમાધિ અવસ્થા કરાવી દીધી ! આવો ચમત્કાર તો એણે પોતાની જિંદગીમાં ક્યારેય પણ જોયો ન હતો. સૌથી મોટી ઉપલબ્ધિ સમાધિના અનુભવની હતી.

મંથન રાધે હોટલમાં પહોંચ્યો ત્યારે સવારના ૬:૩૦ વાગી ગયા હતા. સૌથી પહેલાં તો બ્રશ વગેરે પતાવીને એણે નાહી લીધું. ઇન્ટરકોમ ઉપર ચાનો ઓર્ડર આપ્યો. ગાયત્રી માળાનો ક્રમ છોડાય એમ ન હતો. એટલે ચા પીને સાડા સાત વાગે એણે ગાયત્રીની માળા ચાલુ કરી. હવે ઓખામાં બીજું કોઈ કામ ન હતું એટલે આગળના પ્રોગ્રામ વિશે વિચારવાનું ચાલુ કર્યું.

અદિતિના ૮ ૧૦ મિસ કોલ હતા એટલે સૌથી પહેલા અદિતિને ફોન લગાવ્યો.

" હા અદિતિ સોરી... તારા બધા મિસ કોલ મેં અત્યારે જ જોયા. હું સાત દિવસ એક સાધનામાં હતો. એ વિશે હું રૂબરૂ આવીને તને વાત કરીશ. હું હજુ ઓખામાં જ છું અને આજે દ્વારકા દર્શન કરવા જવાનો છું. " મંથન બોલ્યો.

" અરે પણ સમય મળે ત્યારે મેસેજ તો કરી શકાય ને ? સાત સાત દિવસ સુધી તમારો ફોન નો રીપ્લાય મળે એટલે કેટલી બધી ચિંતા થાય ? " અદિતિ બોલી.

" તારી વાત સાચી છે. અગેઈન સોરી. જો હું મેસેજ કરી શકતો હોત તો પછી ફોન જ કરત ને ! અદભુત અનુભવ થયો છે મને પણ એ બધું રૂબરૂ કહેવાની જ મજા આવશે. તારી અને અભિની તબિયત કેમ છે ? " મંથને પૂછ્યું.

"બંનેની તબિયત સારી છે. એક રસી લેવાની હતી એટલે ગઈકાલે જ અહીંના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે અપાવી દીધી. " અદિતિ બોલી.

"ઠીક છે હવે હું દ્વારકા દર્શન કરીને પછી તને ફોન કરીશ. " કહીને મંથને ફોન કટ કર્યો.

સવારે ૧૧ વાગે સૌરાષ્ટ્ર મેલ છેક મુંબઈ સુધી જતો હતો પરંતુ દ્વારકા દર્શન કરવાના બાકી હોવાથી એણે આવતી કાલની દ્વારકાથી મુંબઈની સેકન્ડ એસીની ટિકિટ તત્કાલમાં બુક કરાવી. દ્વારકા માત્ર ૩૦ મિનિટનો રસ્તો હતો એટલે તત્કાલમાં ટિકિટ લેવાનો કોઈ મતલબ ન હતો.

એણે સવારે ૧૦ વાગે હોટલ ચેક આઉટ કરી દીધી. વિદાય વખતે હોટલ મેનેજરે પણ એની માફી માગી. મંથને એને રેલ્વે સ્ટેશન સુધી છોડવાની વિનંતી કરી. મેનેજરે હોટલની ટેક્સીમાં સ્ટેશન સુધી મૂકી આવવાની વ્યવસ્થા તરત કરી આપી.

સ્ટેશને આવીને દ્વારકા સુધીની ફર્સ્ટ ક્લાસની એક ટિકિટ લઈ લીધી. ટ્રેઇન અહીંથી જ ઉપડતી હોવાથી કોઈ ખાસ ભીડ હતી નહીં. ટ્રેઇન દ્વારકાથી ફૂલ થઈ જતી હતી.

ટ્રેન સમયસર ઉપડીને ૧૧:૩૫ કલાકે દ્વારકા પહોંચી ગઈ. હોટલમાં રોકાતાં પહેલાં જ એણે દ્વારકાધીશનાં દર્શન કરી લેવાનું નક્કી કર્યું. સ્ટેશનની બહાર નીકળીને મંદિર સુધીની રીક્ષા એણે કરી લીધી. દ્વારકાધીશનું ભવ્ય મંદિર આજે પ્રત્યક્ષ જોવાનો એને રોમાંચ હતો.

રિક્ષામાંથી ઉતરીને થોડુંક ચાલવું પડ્યું. એ પછી મંદિરનું પ્રવેશ દ્વાર આવ્યું. પહેલીવાર જ આવતો હોવાથી કોઈ ગાઈડ હોય તો સારું એટલે એણે પ્રવેશ દ્વાર ઉપર ઉભેલા સિક્યુરિટી વાળાને પૂછ્યું.

"અરે ભાઈ કોઈ ગાઈડ અહીંયા મળશે ? "

સિક્યુરિટી વાળા જમાદારે થોડેક દૂર ઊભેલા એક ગૂગળી બ્રાહ્મણને બૂમ મારી. " એલા વિજય.. આ સાહેબને બધાં દર્શન કરાવી દે. છેક અંદર લઈ જઈને દર્શન કરાવજે પાછો ! "

" હાલો સાહેબ મારી હારે " વિજય વાયડા બોલ્યો.

વિજય મંથનને સૌથી પહેલાં દ્વારકાધીશ ના મુખ્ય મંદિરમાં જ લઈ ગયો અને સાઈડમાંથી છેક ગર્ભગૃહમાં લઈ જઈને શાંતિથી દર્શન કરાવ્યાં. મંથને પણ દ્વારકાધીશનાં ખૂબ જ ભાવથી દર્શન કર્યાં અને આધ્યાત્મિક પ્રગતિ માટે આશીર્વાદ માગ્યા. પોતાના ઉપર કરેલી આટલી બધી કૃપા ઉપર ભગવાન શ્રીકૃષ્ણનો આભાર પણ માન્યો.

એ પછી વિજયે મંદિરના સંકુલમાં આવેલાં બીજાં નાનાં નાનાં મંદિરોમાં પણ દર્શન કરાવ્યાં. ત્યાંથી એ મંથનને ૫૬ સીડી ઉતારી ગોમતીઘાટ લઈ ગયો. ત્યાં વિજયે એને ગોમતી નદીના પગથિયાં ઉપર ઉભો રાખી હાથમાં જલ આપી પિતૃ તર્પણનો સંકલ્પ કરાવ્યો. મંથને એને ૫૦૦૦ દક્ષિણા આપી.

તમામ દર્શન પતાવીને મંથન બહાર નીકળ્યો ત્યારે ૧૨:૩૦ વાગી ગયા હતા.

ટ્રેઇનમાં એણે બાજુના પેસેન્જર સાથે પૂછપરછ કરી લીધી હતી એટલે બહાર નીકળીને હોટલ જીંજર જવા માટે એણે રીક્ષા કરી લીધી. હોટલ પ્રમાણમાં ઘણી સારી હતી. રૂમ બુક કરીને સૌથી પહેલાં એ જમવા માટે હોટલની રેસ્ટોરન્ટમાં ગયો.

સમાધિ અવસ્થામાં સાત દિવસ સુધી એ ભૂખ્યો રહ્યો હતો. અત્યાર સુધી એને ભૂખનો અનુભવ થયો ન હતો પરંતુ અત્યારે કકડીને ભૂખ લાગી હતી. જમવાનું ખુબ જ સરસ હતું. એણે ધરાઈને લંચ લીધું.

જમ્યા પછી લિફ્ટ માં એ ઉપર ત્રીજા માટે પોતાના રૂમમાં ગયો. હોટલ ખૂબ જ વ્યવસ્થિત લાગતી હતી. હોટેલની આજુબાજુનું વાતાવરણ પણ સરસ હતું.

એ પછી એણે અદિતિ સાથે થોડીક વાતચીત કરી લીધી. આવતીકાલે સૌરાષ્ટ્ર મેલમાં નીકળું છું એટલે પરમ દિવસે સવારે પહોંચી જઈશ એ પણ કહી દીધું.

સાત દિવસ સમાધિ અવસ્થાના કારણે શરીર થોડુંક જકડાઈ ગયું હોય એવું લાગતું હતું. એટલે એણે બે કલાક આરામ કરવાનું નક્કી કર્યું અને સૂઈ ગયો.

એ સાંજે ૪ વાગે ઉભો થયો અને હાથ મ્હોં ધોઈને ફ્રેશ થઈ ગયો. હવે આખો દિવસ હોટલમાં પડી રહેવાનું તો કોઈ કારણ ન હતું એટલે એણે દ્વારકા શહેરનું ચક્કર મારવાનું નક્કી કર્યું.

હોટલની બહાર નીકળ્યો તો એક રીક્ષા કોઈ પેસેન્જરને ઉતારવા આવી હતી એ મળી ગઈ બાકી આ હોટલથી રીક્ષાઓ જલ્દી મળતી નથી.

" ભાઈ સવારે મંદિરે જઈને દર્શન કરી લીધાં છે એટલે હવે દ્વારકામાં બીજું કંઈ જોવા જેવું હોય કે ફરવા જેવું હોય ત્યાં તું લઈ જા. કારણ કે હું તો પહેલી વાર આવું છું. " મંથને રીક્ષાવાળાને કહ્યું.

" ભલે સાહેબ. સૌથી પહેલાં તમને તીન બત્તી ચોક લઈ જાઉં છું. માત્ર બજાર એરિયા છે. તમે જાતે એક ચક્કર મારીને બધું જોઈ લો. કારણકે અહીં દ્વારકાધીશના મંદિર સિવાય બીજું કંઈ ખાસ જોવા જેવું નથી. તીન બત્તી ચોકથી ભથાણ ચોક બાજુ લઈ જઈશ. ત્યાં ખાણીપીણી વસ્ત્રો અને પ્રસાદનું એક નવું માર્કેટ છે. એ પણ જોઈ લો." રીક્ષાવાળો બોલ્યો.

તીન બત્તી ચોકથી ચાલતાં ચાલતાં મંથન બ્રહ્મકુંડ સુધી જઈ આવ્યો. શ્રી રામ જય રામ જય જય રામ મંદિરમાં બેસી અખંડ ધૂનમાં પાંચ મિનિટ ભાગ લીધો. ત્યાંથી હોળી ચોક સુધી જઈને પાછો વળી ગયો. દુકાનો બધી લગભગ એક સરખી જ હતી.

ભથાણ ચોક બાજુ એક આંટો માર્યો પરંતુ એને ખાણીપીણીમાં કોઈ રસ ન હતો.

" હવે તમને બિરલા મંદિર પાસે દરિયાકિનારે ચોપાટી લઈ જઉં છું. તમારે ત્યાં જેટલું બેસવું હોય એટલું બેસજો. " રીક્ષા સ્ટાર્ટ કરીને રીક્ષાવાળો બોલ્યો.

" હા એ સારું કર્યું. આમ પણ મને દરિયો બહુ જ ગમે છે. " મંથન બોલ્યો.

દરિયાના કિનારે મંથન શાંતિથી એક જગ્યાએ બેસી ગયો. દરિયાનાં ઉછળતાં મોજાં તરફ જોવાનો એક અલગ જ આનંદ હોય છે. મનને ખૂબ જ શાંતિ મળે છે.

લગભગ ૪૦ મિનિટ દરિયા કિનારે બેસીને મંથન ઉભો થયો અને રીક્ષા પાસે ગયો. સાંજના ૬:૪૫ થવા આવ્યા હતા અને શિયાળાના કારણે ધીમે ધીમે અંધારું પણ થઈ રહ્યું હતું.

" હવે સીધો હોટલ લઈ લે ભાઈ. " મંથને રિક્ષાવાળાને કહ્યું.

હોટલે પહોંચીને મંથને રીક્ષાવાળાને ૫૦૦ ૫૦૦ ની બે નોટ આપી દીધી. રીક્ષાવાળો તો ખુશ ખુશ થઈ ગયો.

એકાદ કલાક રૂમમાં આરામ કરીને ૮ વાગે મંથન નીચે જમવા માટે ગયો.

રાત્રે એણે અદિતિ સાથે વાત કરી લીધી અને દસ વાગ્યે સૂઈ ગયો. વહેલી સવારે ચાર વાગે એની આંખ ખુલી ગઈ. એ ઉભો થઈ ગયો. હાથ પગ મ્હોં ધોઈ ફ્રેશ થઈ ગયો અને પછી ધ્યાનમાં બેસી ગયો.

ધ્યાનમાં બેસતાં જ એ મિનિટોમાં થીટા લેવલ સુધી પહોંચી ગયો. હવે એને પ્રેક્ટિસ થઈ ગઈ હતી અને ગોપાલ દાદાના આશીર્વાદ પણ મળી ગયા હતા.

ઓખામાં થયેલા અનુભવો વિશે ગુરુજી સાથે સંવાદ કરવાની એની તીવ્ર ઈચ્છા હતી. એણે ગુરુજીને યાદ કરીને સતત પ્રાર્થના કરી.

થોડીવારમાં જ એને એની નજર સામે સ્વામી સર્વેશ્વરાનંદજીની હસતી મુખાકૃતિ દેખાઈ.

" પ્રણામ ગુરુજી. આપના આશીર્વાદથી હું ઓખા પણ જઈ આવ્યો અને આપના સૂચનો પ્રમાણે ગુલાબનો હાર પણ સાધુ મહાત્માને ચડાવ્યો. પરંતુ ગોપાલ દાદાની રૂમ તો અત્યારે છે જ નહીં. એની જગ્યાએ બે માળનાં મકાનો બની ગયાં છે. તો મારે આ રહસ્ય જાણવું છે કે મને આપે ત્યાં કેમ મોકલ્યો હતો અને આ ગોપાલ દાદા કોણ છે ? " મંથને ઊંડા ધ્યાનમાં માનસિક સંવાદ ચાલુ કર્યો.

" આજથી ૧૫૫ વર્ષ પહેલાં ઓખામાં એ જ ઘરમાં તારો જન્મ થયેલો જ્યાં તું ગયેલો. તારા પૂર્વજન્મ પહેલાંના પૂર્વ જન્મમાં ગોપાલદાસ ભટ્ટ તારા પિતા હતા. એમને બે પુત્રો હતા જેમાંનો એક પુત્ર યુવાવસ્થામાં જ સંસાર છોડીને હિમાલયમાં જતો રહ્યો હતો અને સંન્યાસી બની ગયો હતો. તું એમનો નાનો દીકરો વાસુદેવ હતો. તું એ વખતે શિપિંગ કંપનીમાં નોકરી કરતો હતો અને મહિનાઓના મહિનાઓ સુધી તારે સ્ટીમરોમાં ફરવાનું રહેતું."

" તારા પિતા એક સાધક હતા અને ગાયત્રી મંત્ર સિદ્ધ કર્યો હતો. ઘણી બધી સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી હતી અને છેક સમાધિ અવસ્થા સુધી જઈ શકતા હતા. પત્નીના ગુજરી ગયા પછી વૃદ્ધાવસ્થામાં એ એકલા જ હતા. ૧૫ દિવસની ટૂંકી માંદગીમાં એમનું મૃત્યુ થયું હતું પરંતુ છેલ્લા એ દિવસોમાં એમની સંભાળ લેનાર કોઈ ન હતું. ૨૫ મી જાન્યુઆરીએ જ્યારે એમનું દેહાવસાન થયું તે દિવસે સ્ટીમરમાં હોવાથી તું એમની પાસે ન હતો. એમની તીવ્ર ઈચ્છા તને એક વાર જોવાની હતી. મેં તને એમની પુણ્યતિથિના દિવસે એટલે કે ૨૫ જાન્યુઆરીના દિવસે એમની ઓરડી ઉપર તને મોકલ્યો હતો. જ્યોતિ સ્ટુડિયો સુધીનો માર્ગ તો બરાબર હતો પરંતુ ત્યાંથી જેવો તું જમણી બાજુ વળી ગયો કે તરત જ ૧૫૦ વર્ષ પહેલાનો એ એરીયા તારી સામે આવી ગયો અને તને ઓરડી પણ દેખાઈ."

" તેં એમની સેવા કરીને એમની અતૃપ્ત ઈચ્છા પૂરી કરી. એમણે આશીર્વાદ આપીને તને બે સિદ્ધિઓ આપી છે જેનો અનુભવ હવે તને થશે. જે સાધુ મહાત્માને તેં ગુલાબનો હાર પહેરાવ્યો એ તારો મોટો ભાઈ હતો જે સંન્યાસી બની ગયેલો. તેં પહેરાવેલો ગુલાબનો હાર, ગુલાબનાં ફૂલ અને બીલીપત્ર એણે રૂમ ઉપર આવીને પિતાજીના ચરણોમાં અર્પણ કરેલાં. તારા મોટાભાઈએ દરિયામાં ઊભા રહી એ દિવસે એમનું તર્પણ કર્યું અને તેં એ દિવસે પિતાજીને યથાશક્તિ સેવા કરી. સાધુ મહાત્મા સૂક્ષ્મ શરીરમાં હતા એટલે તારા સિવાય કોઈ એમને જોઈ શકતું ન હતું. ગોપાલદાસ અત્યારે સૂક્ષ્મ જગતમાં પાંચમા લોક સુધી પહોંચી ગયા છે અને ઊંચી અવસ્થા ઉપર છે. તને એમના આશીર્વાદ મળી ગયા છે. " ગુરુજી બોલ્યા.

ગુરુજીએ કરેલા આ બધા ખુલાસાથી મંથન આશ્ચર્ય ચકિત થઈ ગયો. ખરેખર આ બધી ગેબી લીલા હતી. અનુભવો સચોટ હતા એટલે ગુરુજી જે કહે તે સો ટકા સાચું જ હોય એમાં મંથનને કોઈ શંકા ન હતી.

" તને જે સિદ્ધિઓ મળી છે તે તારા પિતા ગોપાલદાસના આશીર્વાદ જ છે. એનો દુરુપયોગ ક્યારે પણ ન કરતો. તારે હવે ખૂબ જ સભાન રહેવું પડશે." ગુરુજી બોલ્યા અને અંતર્ધાન થઈ ગયા.

મંથન ધીમે ધીમે હોશમાં આવ્યો. જે પણ સંવાદો થયેલા એ બધા જ એની સ્મૃતિમાં હતા.

એ પછી મંથને બ્રશ કરી ન્હાઈ ધોઈ ગાયત્રીની ૧૧ માળા કરી અને પછી ચા નો ઓર્ડર આપ્યો.

૧૧:૩૦ વાગે ટ્રેન ઉપડતી હતી એટલે મંથન ૧૧ વાગે જ દ્વારકા સ્ટેશન પહોંચી ગયો.

ટ્રેઈન સમયસર પ્લેટફોર્મ ઉપર આવી ગઈ અને મંથન સેકંડ એસી કોચમાં બેસી ગયો. એના કમ્પાર્ટમેન્ટમાં એની સામે ૭૦ વર્ષ આસપાસના એક અંકલ અને ૬૫ આસપાસ દેખાતાં એમનાં પત્ની બેઠાં. બાજુમાં એમની ૨૫ વર્ષની ખૂબસૂરત પુત્રી પણ બેઠી. મંથનને શીતલની યાદ આવી ગઈ.

" તમારે ક્યાં સુધી જવાનું ભાઈ ? " ટ્રેઈન ઉપડ્યા પછી માજીએ મંથનને સવાલ કર્યો.

" જી માસી મુંબઈ. " મંથન બોલ્યો.

" અમે વડોદરા જઈ રહ્યાં છીએ. "
માજી બોલ્યાં.

" પટેલ છો ભાઈ ? " થોડીવાર પછી માજી ફરી બોલ્યાં.

" ના માસી હું બ્રાહ્મણ છું. " મંથને સહેજ હસીને કહ્યું.

મંથને માર્ક કર્યું કે બાજુમાં બેઠેલી એમની દીકરીને આ બધી પૂછપરછ બહુ ગમી નહીં.

" તમે પટેલ લાગો છો ! " હવે મંથને પૂછ્યું.

" ના અમે ખડાયતા વૈષ્ણવ વાણીયા છીએ. મૂળ તો અમે ડાકોર પાસે ઉમરેઠનાં પરંતુ એમની નોકરી વર્ષોથી દ્વારકામાં જ હતી એટલે પછી અમે અહીંયા જ મકાન લઈ લીધું. " માસી બોલ્યાં.

" તો પછી ઉમરેઠ જતાં હશો ! " મંથને જસ્ટ સમય પસાર કરવા વાત ચાલુ રાખી.

" ના રે ના. મુરતિયો જોવા જઈએ છીએ આ દીકરી માટે. મૂળ વલસાડ બાજુનું કોળી પટેલ ફેમિલી છે. છોકરો વર્ષોથી એટલાન્ટા રહે છે. પોતાની મોટેલ છે. સારું કમાય છે. એ મેરેજ કરવા માટે વતન આવ્યો છે. સુભાનપુરા એરિયામાં એ લોકોનો બંગલો છે. એણે ત્રણ કન્યાઓ પસંદ કરી છે. દરેક સાથે મીટીંગ કરીને કોઈ એકને પસંદ કરશે. મારી દીકરીની પણ એમાં પસંદગી થઈ છે. અમારી મીટીંગ આવતીકાલની છે." માજીએ ઉત્સાહથી વિગતવાર વાત કરી.

" દીકરીની વિદેશ જવાની બહુ જ ઈચ્છા છે. એમ.એ વિથ ઇંગલિશ કર્યું છે. કામકાજમાં પણ હોશિયાર છે. એનું ફાઈનલ થઇ જાય એટલે ગંગા નાહ્યા !! મારી બધી ચિંતા દૂર થઈ જાય. આવા મુરતિયા ક્યાં રસ્તામાં પડ્યા છે ? " માસી બોલ્યાં.

" તમારી વાત સાચી છે માસી પરંતુ વિદેશનો મોહ રાખવા જેવો નથી અને એમાં પણ માત્ર એક દિવસની મુલાકાતમાં લગ્નનો નિર્ણય લેવો યોગ્ય નથી. તમે તો છોકરા વિશે કંઈ જાણતા જ નથી. " મંથન બોલ્યો.

" હું પણ આ લોકોને એ જ કહું છું પણ મારું કોઈ સાંભળતું જ નથી. અજાણ્યાં ફળ ખાવામાં મજા નથી. છોકરો હા પાડે એટલે કોઈપણ જાતની તપાસ કર્યા વિના આપણે લગ્ન કરી દેવાનાં ? " આટલા સમય પછી પહેલી વાર કન્યાના પિતા બોલ્યા.

" ના જ કરાય. તમે મીટીંગ કેન્સલ કરી દો અને વડોદરાથી જ પાછા વળી જાઓ. છોકરાનું નામ ધર્મેશ છે. એટલાન્ટામાં કોઈની સાથે લીવ ઇન રિલેશનશિપમાં છે. છોકરો ઐયાશી છે. " મંથનથી બોલી જવાયું.

" હેં !!! તમે ઓળખો છો એ ધર્મેશને ? " માસી બોલ્યાં. છોકરી અને એના પપ્પા પણ આશ્ચર્યથી મંથન સામે જોઈ રહ્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)



બીજા રસપ્રદ વિકલ્પો