વારસદાર - 56 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વારસદાર - 56

વારસદાર પ્રકરણ 56

ગુરુજીની આજ્ઞા માનીને મંથન ઓખા જવા માટે નીકળી ગયો હતો. ઓખામાં હોટલ રાધેમાં એ ઉતર્યો હતો અને રાત્રે ૮ વાગે એ નીચે ડાઇનિંગ હોલમાં જમવા ગયો ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઝાલાએ એને ડ્રગ્સ ના કેસમાં એરેસ્ટ કરી દીધો હતો

મંથન જે કામ માટે નીકળ્યો હતો એમાં મલિન તત્વો દ્વારા કેટલાંક વિઘ્નો નાખવામાં આવશે એવી ગુરુજીએ એને ચેતવણી પણ આપી હતી છતાં ગુરુજીની નજર તો મંથન ઉપર હતી જ !

ઝાલા મંથનને એરેસ્ટ કરીને પોલીસવાન માં બેસાડીને જ્યારે પોલીસ ચોકીએ લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મંથને પોતાના કાકાસસરા ઝાલા અંકલને મેસેજ કરી દીધો હતો કે હું એક દિવસ માટે ઓખા ફરવા આવ્યો છું અને અહીંની પોલીસે મને ડ્રગ્સ ના કેસમાં એરેસ્ટ કરી દીધો છે. તમે તાત્કાલિક કંઈક કરો.

મેસેજ કર્યા પછી મંથને ઝાલા અંકલને એલર્ટ કરવા માટે મિસકોલ પણ માર્યો હતો. ઝાલા સાહેબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા.

જેવો ઝાલા અંકલે મંથનનો મિસકોલ જોયો કે તરત જ મંથનનો મેસેજ વાંચી લીધો હતો. એમણે ગંભીરતા સમજીને તત્કાલ ગાંધીનગરના આઈજી સાહેબને ફોન ઉપર વાત કરી હતી કારણ કે ઝાલા સાહેબ પાસે જામનગરના પોલીસ સુપ્રીટેન્ડેન્ટ કે પછી ઓખાના પીએસઆઇ નો કોઈ નંબર ન હતો. આઈ જી સાહેબે તાત્કાલિક જ ઓખાનો નંબર મેળવી ડાયરેક્ટ પીએસઆઇ સાથે વાત કરી લીધી હતી. ઝાલાથી કાચું કપાઈ ગયું હતું અને એ ખૂબ જ ઝંખવાણો પડી ગયો હતો

મંથનની ડાઇનિંગ હોલમાં ખૂબ જ આગતા સ્વાગતા થઈ અને આગ્રહ કરી કરીને એને જમાડ્યો. આ બધું ગુરુજીની કૃપાથી જ થઈ રહ્યું હતું

મંથન જમીને બહાર આવ્યો ત્યારે સબ ઇન્સ્પેક્ટર ઝાલા સોફા ઉપર બેસીને મંથનની રાહ જોતો હતો.

"આવો સાહેબ. જમવામાં કોઈ તકલીફ તો નથી પડી ને ? " ઝાલાએ પૂછ્યું.

" ના તમારી મહેરબાનીથી અત્યારે તો નથી પડી. " મંથને હસીને જવાબ આપ્યો.

" સાહેબ ખરેખર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું દિલથી તમારી માફી માગું છું. મારો રેકોર્ડ ખરાબ થઈ જશે. પ્લીઝ તમે ગૃહમંત્રીને કહીને આ વાત અહીંથી જ અટકાવી દો. " ઝાલા ફરી વિનંતી કરવા લાગ્યો.

"તમે ચિંતા ના કરો. મેં હમણાં જમતાં જમતાં જ ગાંધીનગર ફોન કરી દીધો છે. કોઈ એક્શન લેવામાં નહીં આવે. તમારાં નસીબ સારાં છે કે તમે થર્ડ ડિગ્રી નો ઉપયોગ ના કરી શક્યા. બાકી જો મને હાથ પણ અડાડ્યો હોત તો તમે આજે ઘરે બેસી ગયા હોત ! " મંથન બોલ્યો.

" હું જાણું છું સાહેબ. અહીં એવા માણસો સાથે પનારા પડે છે કે આવી આદત પડી ગઈ છે. મારે તમારું આઈડી જોવાની જરૂર હતી. મારાથી ઉતાવળ થઈ ગઈ. મારું કંઈ પણ કામ હોય તો આમાં મારો મોબાઈલ નંબર છે" કહીને ઝાલાએ પોતાનું કાર્ડ મંથનને આપ્યું.

" આ ડ્રગ્સ નો શું મામલો છે ? "

"અરે સાહેબ પાકિસ્તાનથી ડ્રગ્સ નો મોટો જથ્થો ઇન્ડિયામાં સપ્લાય થાય છે. બોટ દ્વારા ગુજરાતનાં જુદાં જુદાં બંદરો ઉપર ચોરી છૂપીથી માલ આવે છે. ઓખા સલાયા પોરબંદર આ બધાં એ લોકોનાં ફેવરેટ બંદરો છે. હમણાં જ એક બોટમાં કરોડો રૂપિયાનું ડ્રગ ઓખા બંદરે પકડાયું. બોટનો માલ છોડાવનારા ઓખામાં જ છુપાઈ રહેલા." ઝાલા બોલતો હતો.

" અમારી જવાબદારી વધી ગઈ છે. હજુ બે જણાની શોધખોળ ચાલુ છે. એમાંનો એક તમારી જ ઉંમરનો નવયુવાન છે. તમે ગઈકાલે હોટલમાં ઉતરીને રિસેપ્શનમાં પૂછ્યું હતું કે અહીંથી દરિયા કિનારે ક્યાં થઈને જવાય છે ત્યારે જ તમારી ઉપર રિસેપ્શનિસ્ટ ને શંકા ગઈ હતી. એણે મેનેજરને વાત કરી. મેનેજરે મને ફોન કર્યો. અમે લોકોએ દરેક હોટલ અને ગેસ્ટ હાઉસમાં સૂચના આપી રાખી છે. તમારા કેસમાં મારાથી ઉતાવળ થઈ ગઈ. " ઝાલાએ બધી સ્પષ્ટતા કરી.

"ઓહ સમજી ગયો. મને જોગિંગની ટેવ છે એટલે વહેલી સવારે દરિયા કિનારે જ લટાર મારવાની ઈચ્છા હતી. એટલે જસ્ટ પૂછપરછ કરી હતી. કંઈ વાંધો નહી. તમે ટેન્શન નહીં કરો. તમારો કેસ પતી ગયો છે. " મંથને ઝાલાને આશ્વાસન આપ્યું.

એ પછી સબ ઇન્સ્પેક્ટર ઝાલા મંથનને સલામ કરીને નીકળી ગયો.

એ પછી મંથન ઉભો થઈને બહાર ચક્કર મારી આવ્યો. પોતાની ટેક્સી ન દેખાતાં રિસેપ્શન ઉપર ગયો.

"હું જામનગરથી જે ટેક્સી ભાડે કરીને આવ્યો હતો એ ટેક્સી કેમ દેખાતી નથી ? સ્વિફ્ટ ગાડી હતી. " મંથન બોલ્યો.

" અરે સાહેબ... ઝાલા સાહેબ ભૂલથી તમને એરેસ્ટ કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા એ વખતે જ ટેક્સીવાળો જતો રહ્યો હતો. મને લાગે છે કે એ ડરી ગયો હશે. કારણકે પોલીસથી બધા દૂર ભાગે. હવે કદાચ એ નહીં આવે. તમે ચિંતા નહીં કરો. તમારે ક્યાંય પણ જવું હશે તો ગાડીની વ્યવસ્થા આપણી પાસે છે." રિસેપ્શનિસ્ટ બોલ્યો. એને પણ ખબર પડી ગઈ હતી કે આ કોઈ મોટા સાહેબ છે.

" ઠીક છે. મારે જ્યારે જામનગર પાછા જવાનું થશે ત્યારે હું તમને જણાવીશ. હમણાં તો હું અહીં રોકાવાનો છું. " મંથન બોલ્યો અને ચાવી લઈને રૂમમાં ગયો.

મંથન રૂમમાં ગયો ત્યારે રાતના ૧૧ વાગી ગયા હતા. સવારે ૫:૩૦ વાગ્યે તો દરિયા કિનારે પહોંચી જવાનું હતું. પેલા ઇન્સ્પેક્ટરે જમતી વખતે વ્યોમાણી માતાનું મંદિર કહ્યું હતું તો એ જ મંદિર હશે.

મંથન વહેલી સવારે ૪ વાગે જ ઉઠી ગયો. બ્રશ વગેરે પતાવી નાહી લીધું અને ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી લીધી. આજે ધ્યાન કરવાનો સમય ન હતો.

એણે જીન્સ અને ટીશર્ટ પહેરી લીધું. ઉપર સ્વેટર ચડાવી લીધું. દરિયા કિનારે ચાલવાનું હતું એટલે સ્પોર્ટ્સના બૂટ પણ પહેરી લીધા. રિસેપ્શનમાં જોગિંગનું કહીને એ બહાર નીકળી ગયો. હાથમાં ફૂલહારની કોથળી પણ લઈ લીધી.

વાતાવરણમાં ઘણી ઠંડક હતી. ગઈકાલે રિસેપ્શનિસ્ટે રસ્તો બતાવ્યો હતો એટલે એ રસ્તે એ દરિયા તરફ આગળ વધ્યો. દરિયા કિનારે સારું એવું ચાલ્યા પછી એને મંદિર દેખાયું. કિનારા ઉપર માત્ર એક જ મંદિર હતું એટલે એ જ મંદિર હોઈ શકે એવી એણે કલ્પના કરી લીધી. ભરતીના દિવસો હતા એટલે દરિયાનાં મોજાં ઉછાળા મારતાં આવી રહ્યાં હતાં.

સારું એવું ચાલીને મંથન છેવટે મંદિર પાસે પહોંચી ગયો. મોબાઇલની ક્લોક ૫:૩૫ નો સમય બતાવતી હતી. વ્યોમાણી માતાનાં ભાવપૂર્વક દર્શન કરીને એણે મંદિરની પ્રદક્ષિણા કરી. પાછળ કોઈ જ ન હતું. એ પાળી ઉપર બેઠો. એણે નજર મંદિરના પાછળના ભાગમાં દરિયા ઉપર સ્થિર કરી.

લગભગ ૧૦ ૧૨ મિનિટ પછી મંદિરના પાછળના ભાગમાંથી અચાનક સાધુ મહાત્મા બહાર આવ્યા અને દરિયા તરફ આગળ વધ્યા. ક્યાંથી આવ્યા ને કેવી રીતે આવ્યા એ મંથનને સમજ ના પડી. ભગવાં વસ્ત્ર ધારણ કરેલા એ સાધુ મહાત્માની લાંબી દાઢી અને મૂછો સફેદ હતી. પાછળના ભાગમાં માથાના સફેદ વાળ પણ ખભા સુધી લાંબા હતા.

દરિયો જ્યાંથી શરૂ થતો હતો ત્યાંથી લગભગ ૧૦૦ ફૂટ જેટલા પાણીમાં એ આગળ વધી ગયા. સૂર્ય ઉગવાનો હતો એ પૂર્વ દિશા તરફ ચહેરો કરીને એમણે અર્ઘ્ય આપવાનું ચાલુ કર્યું. ૧૨ અર્ઘ્ય આપ્યા પછી બંને હથેળીઓથી તર્પણ આપવાનું શરૂ કર્યું. એ શું બોલતા હતા એ તો મંથનને સંભળાતું ન હતું. દરિયાનાં મોજાં જોર જોરથી ઉછળતાં હતાં. ક્યારેક તો કોઈ મોટું મોજું સાધુ મહાત્માને ઢાંકી દેતું હતું. મહાત્મા આખા ભીના થઈ જતા છતાં પથ્થરની જેમ એ સ્થિર જ દેખાતા હતા. દસેક મિનિટ પછી એ સાધુ મહાત્મા પાછા ફર્યા. મંથન ફૂલહાર લઈને તૈયાર જ હતો.

જેવા સાધુ પાણીમાંથી બહાર આવ્યા કે તરત જ મંથને ચાલતા સાધુના ગળામાં ગુલાબના ફૂલનો હાર પહેરાવી દીધો. ચાલતાં ચાલતાં જ એમના પગમાં ગુલાબનાં ફૂલ અને બે બીલીપત્ર પણ અર્પણ કર્યાં. સાધુ ઉપર જાણે કોઈ જ અસર ના થઈ હોય એમ એ તો મંથન સામે જોયા વગર જ ચાલતા હતા. ગુરુજીએ કંઈ પણ બોલવાની મનાઈ કરી હતી એટલે એ ચૂપ જ રહ્યો અને સાધુની પાછળ પાછળ ચાલ્યો.

સાધુ પોર્ટ કોલોની ના રસ્તે સહેજ આગળ વધી નવી બજાર તરફ જમણી બાજુ વળી ગયા. ચાલતા ચાલતા નવી બજારમાં આવ્યા. મંથનને એવું લાગ્યું કે આ સાધુને કોઈ જોઈ શકતું ન હતું. કારણ કે રસ્તામાં બે ત્રણ લોકો સામે મળ્યા અને એક વ્યક્તિ તો સાધુને લગભગ ઘસાઈને જ ચાલી.

આગળ જતાં જ્યોતિ સ્ટુડિયોની સામેના રસ્તા ઉપર જમણી બાજુ વળી ગયા અને ત્રણ ચાર મકાનો છોડીને ડાબી તરફ એક ઓરડીની સામે જઈને ઉભા રહ્યા. અહીં એક સરખી ત્રણ ચાર રૂમો હતી અને દરેકના દરવાજા ખૂબ જ પહોળા હતા. આગળ ઓટલા કરેલા હતા અને ઓટલા ઉપર આ બધી રૂમો હતી.

રૂમ આગળ ઊભા રહીને સાધુ મહાત્માએ મંથને પહેરાવેલો ગુલાબનો હાર ઉતારીને રૂમના દરવાજા પાસે મૂકી દીધો. ગુલાબનાં જે ત્રણ ફૂલ અને બે બિલીપત્ર મંથને સાધુ મહાત્માના ચરણોમાં મૂક્યાં હતાં તે પણ અચાનક સાધુના હાથમાં આવી ગયાં અને એ ફૂલ બીલીપત્ર પણ એમણે એ ઓરડીના દરવાજે મૂક્યાં. હાથ જોડીને નમો નારાયણ બોલ્યા.

મંથનના આશ્ચર્ય વચ્ચે બીજી જ ક્ષણે એ સાધુ મહાત્મા, ગુલાબનો હાર, ફુલ બીલીપત્ર બધું જ અદ્રશ્ય થઈ ગયું. આ બધું શું બની રહ્યું હતું એ મંથન માટે નવી નવાઈ જેવું હતું. પોતે ખરેખર જાગે છે કે આ કોઈ સપનું છે ? આવું કેવી રીતે બની શકે ?

ગુરુજીના આદેશ પ્રમાણે મંથને એ મકાનમાં જવાનું હતું. ત્યાં કોઈ વયોવૃદ્ધ ગોપાલદાદાની સેવા કરવાની હતી. આજુબાજુની બે ઓરડીઓ બહારથી જ બંધ હતી.

મંથને દરવાજો ખેંચ્યો તો તરત ખુલી ગયો. દરવાજો ખોલતાં જ સખત દુર્ગંધ મંથનના નાકમાં પેસી ગઈ.

એક જ મોટો રૂમ હતો. એક ખૂણામાં ચોકડી હતી તો બીજા ખૂણામાં એક બે ડબા અને થોડો ઘરવખરીનો સામાન હતો. ત્યાં જ એક પ્રાઇમસ પણ હતો. આ જગ્યાએ જ રસોઈ થતી હશે.

રૂમમાં એક બાજુ પથારીમાં વયોવૃદ્ધ ગોપાલદાદા સૂતેલા હતા. એમનાં કપડાં બગડેલાં હતાં. પથારીમાં મળ મૂત્ર સૂકાઈ ગયાં હતાં. મંથનને એ બધું જોઈને જ ઉબકો આવી ગયો. દાદા લગભગ બેહોશીની હાલતમાં હતા. શરીર એકદમ કૃશ થઈ ગયેલું હતું.

રૂમની પાછળ પણ એક દરવાજો હતો જે પાછળના ડહેલામાં ખૂલતો હતો. મંથન બહાર ગયો તો પાછળ એક નાનકડો કૂવો હતો અને મોટા દોરડા સાથે ડોલ બાંધેલી પડી હતી. મંથને કૂવામાંથી ડોલમાં પાણી ખેંચ્યું. બીજી એક ડોલમાં પાણી ભરીને એ રૂમમાં પાછો આવ્યો.

નાક અને મોંઢા આગળ ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢીને બાંધી દીધો. બગડેલી ચાદર સાચવીને કાઢી નાખી. એક કપડાને પાણીથી ભીનું કરી આખા શરીરને સ્પંજ કર્યું અને શરીર ઉપરથી ગંદકી પણ લૂછી નાખી. એ પછી એણે આખો રૂમ ધોઈ નાખ્યો.

ચોકડી પાસે માટલી મુકેલી હતી એમાં થોડું પાણી હતું. ગ્લાસમાં થોડું પાણી લઈને ગોપાલદાદાના મ્હોં માં ચમચી થી રેડ્યું. લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી મંથને દાદાને પાયું.

થોડી વારે દાદા ભાનમાં આવ્યા. એમણે આંખો ખોલી મંથન સામે જોયું. એ તો ત્રિકાળજ્ઞાની હતા બધું સમજી ગયા. એમણે ઈશારાથી મંથનને નજીક આવવાનું કહ્યું.

મંથન એમની નજીક જઈને બેઠો અને બે હાથ જોડ્યા. દાદાએ હાથ લાંબો કરીને એના માથા ઉપર મૂક્યો.

માથા ઉપર હાથ મૂકતાંની સાથે જ મંથનને સમાધિ લાગી ગઈ. એને કોઈ ભાન રહ્યું નહીં. કેટલા સમય માટે સમાધિ લાગી એની પણ એને કોઈ ખબર ન રહી.

એ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાને વ્યોમાણી માતાના મંદિરની પાછળ દરિયાકિનારે રેતીમાં બેઠેલો જોયો જ્યાં એણે સાધુ મહાત્માને સવારે ૫:૪૫ વાગે ગુલાબનો હાર પહેરાવ્યો હતો. મોબાઇલની ક્લોકમાં જોયું તો અત્યારે પણ સવારના ૫:૪૫ જ વાગ્યા હતા !!

એને બધું જ યાદ હતું. સાધુ મહાત્માને ગુલાબનો હાર પહેરાવ્યા પછી એ એમની પાછળ પાછળ નવી બજાર એરિયામાં ગયો હતો અને ગોપાલદાદા ની થોડી સેવા કરી હતી. એ પછી એમણે આશીર્વાદ આપવા માટે માથા ઉપર હાથ મૂક્યો હતો. બસ એ પછી પોતે ભાન ખોઈ બેઠો હતો અને અત્યારે ભાનમાં આવ્યો ત્યારે સામે દરિયા કિનારો હતો.

સ્વામીજીએ સાચું જ કહ્યું હતું કે ગોપાલદાદા પાસે ઘણી બધી શક્તિઓ અને સિદ્ધિઓ હતી. એને ફરી એ ઓરડામાં જઈને ગોપાલદાદાને પ્રણામ કરવાની ઈચ્છા થઈ. કારણ કે એમનું સાત દિવસનું જ આયુષ્ય બાકી હતું.

જગ્યા તો એને બરાબર યાદ હતી એટલે એણે ઊભા થઈને ફરી ચાલવાનું શરૂ કર્યું. નવી બજારમાં જઈને જ્યોતિ સ્ટુડિયો ની સામે જમણી બાજુ વળી ગયો. એ આખા રોડ ઉપર એણે ચક્કર માર્યું પરંતુ અત્યારે કોઈ ઓરડી એને દેખાઈ નહીં. ઓરડીની જગ્યાએ બે માળનાં મકાન થઈ ગયાં હતાં.

જે જગ્યાએ એણે ગોપાલદાદા ની રૂમ જોઈ હતી એ જગ્યાએ આવીને એણે બે માળના મકાનનો દરવાજો ખખડાવ્યો. આમ તો વહેલી સવારે કોઈને ડિસ્ટર્બ કરવું યોગ્ય ન હતું પરંતુ એ મકાનની લાઈટ ચાલુ હતી. એક ભાઈ બ્રશ કરતા કરતા બહાર આવ્યા.

" અહીંયા પહેલાં બે ત્રણ ઓરડીઓ હતી અને ગોપાલદાદા અહીં રહેતા હતા. તમે એમના વિશે કંઈ જાણો છો ? " મંથને પૂછ્યું.

" અરે ભાઈ તમે ભૂલા પડી ગયા લાગો છો. ૩૦ વર્ષ પહેલાં આ મકાન મેં ખરીદ્યું ત્યારે પણ અહીંયા કોઈ જ ઓરડીઓ ન હતી. બધાં પાકાં મકાનો જ હતાં." પેલા ભાઈ બોલ્યા.

હવે શું પૂછવું એ મંથનને કંઈ સમજાયું નહીં. પોતે બરાબર આ જ જગ્યાએ આવ્યો હતો અને ગોપાલ દાદાની સેવા કરી હતી એ એને પાક્કું યાદ હતું. આ ભાઈ સાથે વધુ ચર્ચા કરવાનો કોઈ અર્થ ન હતો.

એ રાધે હોટલમાં ઉતર્યો હતો. રસ્તામાં એક બે જણને પૂછીને એ હોટલ ઉપર સવારે ૬:૩૦ વાગે પહોંચી ગયો.

એને જોઈને રિસેપ્શનીસ્ટ તરત જ બોલી ઉઠ્યો.

" અરે સાહેબ તમે અઠવાડિયાથી ક્યાં ગયા હતા ? જોગિંગ કરવા ગયા પછી તમે છેક સાત દિવસ પછી પાછા આવ્યા. મેં તો ઝાલા સાહેબને પણ ગઈ કાલે ફોન કરીને કહ્યું હતું કે મહેતા સાહેબ છ દિવસથી હજુ પાછા આવ્યા નથી. તમારી તપાસ પણ ક્યાં કરવી ? " રિસેપ્શનીસ્ટ બોલ્યો.

" મારા એક સંબંધી અહીં નવી બજારમાં રહે છે એટલે હું પછી એમના ઘરે જ રોકાઈ ગયો. " જે જવાબ સૂઝ્યો એ મંથન બોલી ગયો.

ચાવી લઈને મંથન રૂમમાં ગયો અને ઘટનાચક્રો ઉપર વિચાર કરવા લાગ્યો.

તો શું હું સતત સાત દિવસ સુધી બેહોશ અવસ્થામાં હતો ? કે પછી દાદાજીના આશીર્વાદથી મને સમાધિ લાગી ગઈ હતી ? આવા સમર્થ પુરુષના સ્પર્શથી બેહોશી તો હોઈ જ ના શકે ! પીઠની અંદર કરોડરજ્જુમાં પણ સળવળાટ નો અનુભવ અત્યારે થઈ રહ્યો છે. નક્કી એમણે મારી કુંડલિની જાગૃત કરી દીધી છે !

સાત દિવસ સેવા કરવાના બદલે માત્ર એક જ કલાક દાદાએ સેવા કરવાનો મોકો મને આપ્યો અને મને સમાધિ અવસ્થાનો અનુભવ કરાવ્યો. એમનું મૃત્યુ ક્યારે થયું એ પણ મને કોઈ ભાન ન રહ્યું.

અને અત્યારે તો એ મકાન પણ નથી અને ગોપાલ દાદાને કોઈ ઓળખતું પણ નથી. કેટલા વર્ષો પહેલાં ગોપાલ દાદા ત્યાં રહેતા હશે ? કદાચ ૧૦૦ ૨૦૦ વર્ષ પહેલાંની વાત પણ હોય !! ગુરુજીએ મને અદભૂત અનુભવ કરાવી દીધો !!

એ વખતે મંથનને ખબર ન હતી કે ગોપાલદાદાએ એને કઈ સિદ્ધિ આપી છે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Pravin shah

Pravin shah 1 અઠવાડિયા પહેલા

Vaishali

Vaishali 1 અઠવાડિયા પહેલા

Chetan Madhvani

Chetan Madhvani 3 માસ પહેલા

Sharda

Sharda 4 માસ પહેલા

Bhavika

Bhavika 5 માસ પહેલા