વારસદાર - 54 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસદાર - 54

વારસદાર પ્રકરણ 54

" શીટ યાર ! મુંબઈ જેવા શહેરમાં રહીને પણ તું નડિયાદી વાતો કરે છે ! તું શબ્દમાં જે મજા અને મસ્તી છે એ તમે માં ક્યાંથી હોય રાજ ? તમે માં પોતીકાપણું નથી રહેતું. આજની રાત તો ' તું તારી' કહીને એકબીજાને માણવાની રાત છે. બેડ ઉપર આવી જા બેબી....." શીતલ એકદમ આવેશમાં આવીને બોલતી હતી.

શીતલની વાતોથી રાજન દેસાઈ ઉત્તેજિત તો ખૂબ જ થઈ ગયો પણ એ સોફા ઉપરથી ઉભો ના થયો. શીતલને કેમ સમજાવવી ? કોણ જાણે કેમ શીતલનું તુંકારા નું સંબોધન એને અંદરથી ડંખતું હતું.

આજે એને શીતલનું નવું સ્વરૂપ જોવા મળ્યું હતું. ગઈકાલ સુધી ડાહી ડમરી લાગતી શીતલ જાણે કે બદલાઈ ગઈ હતી. નવપરિણીત નવોઢા પહેલી રાત્રે એકદમ શરમાળ અને લજ્જાશીલ હોય એની જગ્યાએ અહીંયા તો બધું ઊલટું હતું.

શીતલ નડિયાદમાં જ પસંદ આવી ગઈ હતી અને સંબંધ થયા પછી એને ભોગવવા માટે એ બે મહિનાથી બેચેન પણ હતો. એ આજે પુરા સૌંદર્ય સાથે અર્ધનગ્ન અવસ્થામાં એની સામે બેઠી હતી અને છતાં એ સોફા ઉપર બેસી રહ્યો.

" શીતલ આજની રાત પૂરતું ભલે આપણે વચ્ચે 'તું તારી' ના સંબોધનો ચાલુ રહે પરંતુ આવતીકાલ સવારથી તારે સંબોધનનું રિસ્પેક્ટ તો રાખવું જ પડશે. હું એટલો બધો મોડર્ન નથી. બેબી ડ્યુડ જેવાં સંબોધનો પણ મને પસંદ નથી. " રાજન બોલ્યો.

"અરે રાજ તું કેમ આજે આટલો બધો મૂડલેસ થઈને બેઠો છે ? કમ ઓન યાર. કાલની વાત કાલે. આજે આ બધી ચર્ચા કરવાનો સમય નથી." કહીને શીતલ બેડ ઉપરથી નીચે ઉતરી અને રાજનના ખોળામાં જઈને બેસી ગઈ. રાજનનો એક હાથ પકડીને પોતાની ધડકતી છાતી ઉપર મૂક્યો અને બન્ને હાથેથી રાજનના ગળે વીંટળાઈ ગઈ.

હવે રાજન માટે સંયમ રાખવો શક્ય જ ન હતું. શીતલના શ્વાસોશ્વાસ એના ચહેરા ઉપર અથડાતા હતા. એ પણ પુરુષ હતો અને પારદર્શક નાઇટીની આરપાર દેખાતું શીતલનું સૌંદર્ય એને બેચેન બનાવી રહ્યું હતું. એનું પુરુષત્વ જાગી ઉઠ્યું. શીતલને ઉભી કરીને એ બેડ ઉપર ખેંચી ગયો અને એ આખી રાત શીતલનો સહવાસ એ માણતો રહ્યો. શીતલ આજે ખૂબ જ આક્રમક બની હતી !! સવારે ૭ વાગ્યા સુધી બંને જણાં એકબીજામાં ખોવાયેલાં રહ્યાં !!

આખી રાતનો ઉજાગરો હતો છતાં પણ હવે સૂઈ જવું યોગ્ય ન હતું. સૌથી પહેલાં શીતલ ઊભી થઈ અને વોશરૂમમાં જઈને નાહી ધોઈ અડધા કલાકે બહાર આવી. એ પછી રાજન ન્હાઈ ધોઈ ફ્રેશ થઈ ગયો.

રાજનના આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે શીતલનો વ્યવહાર એકદમ નોર્મલ અને પ્રેમાળ રહ્યો. ઘરમાં બધાની વચ્ચે એ સંબોધન પણ તમે કહીને જ કરતી હતી. સ્ત્રીને સમજવી ખરેખર મુશ્કેલ છે !!

અદિતિને ત્રણ મહિના પૂરા થઈ ગયા એટલે એને રૂટિન કામકાજમાં સ્ફૂર્તિ ઓછી થવા લાગી. અમુક ભોજન તરફ એને અરુચી થતી હતી. મોટાભાગનું કામકાજ તો જો કે વીણામાસી જ સંભાળી લેતાં હતાં.

ચાર મહિના પૂરા થઈ ગયા પછી હવે ડોક્ટરે રેસ્ટ લેવાની સલાહ આપી. એક તો ગર્ભાશય પ્રમાણમાં નાનું હતું અને દિવસે દિવસે ગર્ભનો વિકાસ થઈ રહ્યો હતો એટલે વધુ પડતો પરિશ્રમ કરવો જોખમી હતો.

" ડિલિવરી થઈ જાય ત્યાં સુધી તારી સંભાળ રાખવા માટે કેતાને આપણે અહીં બોલાવી લઈએ તો ? " મંથને અદિતિને પૂછ્યું.

" શીતલબેન તો હવે સાસરે છે. જો કેતાબેન અહીં રહેવા આવી જાય તો પછી એમના મમ્મી નું ધ્યાન કોણ રાખે ? એના કરતાં હું જ મમ્મીના ત્યાં ચાલી જાઉં એ વધારે સારું રહેશે. " અદિતિ બોલી.

" મમ્મી તો તારું ધ્યાન રાખે જ પણ આ ઉંમરે એમને આ બધી જવાબદારી સોંપવી મને યોગ્ય લાગતું નથી. કેતા સવારમાં વહેલી એની મમ્મી જેટલી રસોઈ બનાવીને અહીં આવી જાય અને મોડી સાંજે અહી જમીને મમ્મી જેટલું ટિફિન લઈ જાય તો બંને ઘર સચવાઈ જશે. સદાશિવ રોજ એને લઈ આવશે અને મૂકી આવશે." મંથન બોલ્યો.

" તમે વાત કરી જુઓ. કેતાબેન આવતાં હોય તો મને કોઈ વાંધો નથી પરંતુ તમે એમના ઉપર કોઈ દબાણ ના કરતા. બિચારાં તમને ના નહીં પાડી શકે અને પોતે રોજ હેરાન થાય એવું આપણે નથી કરવું. એના કરતાં કોઈ બાઇ રાખી લઈએ. "અદિતિ બોલી.

" ઠીક છે આજે સાંજે હું એક આંટો મારી આવું છું. " મંથન બોલ્યો.

અને એ દિવસે સાંજે ઓફિસથી મંથન સીધો બોરીવલી ગયો. અદિતિ ટાવર્સ ના પાંચમા માળે પહોંચીને એણે ૫૦૧ નંબરનો ડોરબેલ દબાવ્યો.

" અરે સાહેબ તમે ! આજે ભલા આ બાજુ ભૂલા પડ્યા !!" કેતા સ્વાગત કરતાં બોલી.

" તને મળવા જ આવ્યો હતો. " મંથને સોફા ઉપર બેઠક લેતાં કહ્યું.

" શું પીશો ? ચા કે ઠંડુ ? " કેતા બોલી.

" અત્યારે કંઈ જ નહીં. હું મહેમાન નથી. " મંથને હસીને કહ્યું.

" તો હુકમ કરો. અદિતિ ની તબિયત તો સારી છે ને ? " કેતા બોલી.

" એના માટે જ હું આવ્યો છું. એની તબિયત તો સારી છે પરંતુ હવે ચાર મહિના પૂરા થઈ ગયા છે એટલે એનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે એ વધારે પરિશ્રમ કરી શકતી નથી. " મંથન બોલ્યો.

" મારી કોઈ મદદની જરૂર હોય તો બોલો." કેતા બોલી.

" મદદની જરૂર તો છે પરંતુ મને અને અદિતિને તારી મમ્મીનો વિચાર આવે છે. અમારી ઈચ્છા ડીલીવરી થાય ત્યાં સુધી તને મારા ઘરે લઈ જવાની છે. પરંતુ મૃદુલાબેનને જમવાની તકલીફ પડે એટલે કહી શકતો નથી. " મંથન બોલ્યો.

" તમારા સમયે હું તમારા કામમાં ન આવું એવું તો બને જ નહીં સાહેબ. તમે અમારા માટે આટલું બધું કર્યું છે તો ગમે તે રસ્તો કાઢીશ. " કેતા બોલી.

" મેં અને અદિતિએ એવું વિચાર્યું છે કે વહેલી સવારે ઊઠીને તું મમ્મી જેટલી રસોઈ કરી દે. ઘરના કામકાજ માટે કોઈ બાઈ રાખી લે. મારો ડ્રાઇવર તને સવારે સાડા આઠ વાગે લેવા આવે અને રાત્રે આઠ વાગે મૂકી જાય. સાંજે તારે ત્યાં જમીને મમ્મીનું ટિફિન લઈને નીકળી જવાનું. રાત્રે તો કંઈ કરવાનું હોતું નથી અને વીણામાસી તો છે જ. " મંથન બોલ્યો.

" વાહ સાહેબ. સરસ પ્લાનિંગ સાથે તમે મને વાત કરી છે. હવે તો મારે કંઈ વિચારવાનું જ નથી. વહેલી ઊઠીને રસોઈ હું કરી દઈશ. કામવાળી બાઈ રોજ કામ કરવા આવે જ છે. તો એને બધાં જ કામ માટે રોકી દઈશ ભલે થોડા પૈસા આપવા પડે. બિચારી ભલી બાઈ છે. " કેતા બોલી.

" પૈસાની તું ચિંતા ના કર. કામવાળીને આપણે ડબલ પૈસા આપીશું. ગરીબ લોકોને એ બહાને પણ મદદ મળશે. અને તારે કાલે ને કાલે જ આવવાની ઉતાવળ કરવાની જરૂર નથી. ચાર પાંચ દિવસમાં બધું સેટિંગ કરીને મને આગલા દિવસે કહી દેજે એટલે ડ્રાઇવર સવારે આવી જશે." મંથન બોલ્યો.

" એ બધું જ થઈ જશે. બે-ત્રણ દિવસમાં જ મારો ફોન આવી જશે. બોલો બીજી કોઈ સેવા હોય તો ! " કેતા બોલી.

" આ લાખ રૂપિયા હમણાં રાખ. હવે શીતલ તો પરણીને સાસરે ચાલી ગઈ. ઘર ચલાવવા માટે તારી હવે પૈસાની જરૂર પડશે. અને આ પૈસા તારી સેવા પેટે બિલકુલ નથી આપતો એટલે તારે ના પાડવાની જ નથી." કહીને મંથને કેતાનો હાથ પકડીને એના હાથમાં એક લાખનું બંડલ મૂકી દીધું.

" ચાલો હવે હું જાઉં. બસ આ કામ માટે જ આવ્યો હતો. " કહીને મંથન ઉભો થઈ ગયો.

ત્રણ દિવસ પછી કેતા અદિતિની સંભાળમાં લાગી ગઈ. સવારે ૯ વાગે એ મંથનના ઘરે આવી જતી અને રસોઈથી માંડીને આખો દિવસ અદિતિની સંભાળની સાથે સાથે ઘરનું નાનું મોટું કામકાજ પણ કરતી. એ વીણામાસીને કોઈ કામ કરવા દેતી ન હતી.

આમને આમ બીજા ચાર મહિના વીતી ગયા. અદિતિને આઠ મહિના પૂરા થઈને નવમો પણ બેસી ગયો. હવે એણે ડોક્ટરની સૂચના પ્રમાણે સંપૂર્ણ બેડ રેસ્ટ જ કરવાનો હતો. જમવા માટે પણ થાળી કેતા એના બેડરૂમમાં લઈ જતી.

અદિતિએ જે રીતે કોઈપણ જાતના પ્રોબ્લેમ વગર આઠ મહિના પુરા કર્યા એ જોઈને ડોક્ટર ચિતલે પણ ખૂબ જ નવાઈ પામી ગયા હતા. જ્યારે પણ એ ચેકઅપ કરતા ત્યારે ગર્ભમાં તંદુરસ્ત બાળકનો જ અનુભવ કરતા હતા.

છેવટે નવ મહિના પણ પૂરા થઈ ગયા અને ડિલિવરીનો દિવસ પણ આવી ગયો. એ દિવસે સવારથી જ અદિતિને લેબર પેઇન શરૂ થઈ ગયું હતું. મંથને ગાડીમાં લઈ જવાના બદલે સવારે સાડા સાત વાગે એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી.

ડોક્ટર ચિતલેને પણ ફોન કરી દીધો હતો. ક્લિનિક માં ડિલિવરી માટેની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી.

સવારે ૧૦:૨૦ કલાકે અદિતિએ પુત્રને જન્મ આપ્યો. ગુરુજીની વાણી સાચી ઠરી. ડિલિવરી પણ એકદમ નોર્મલ થઈ.

હજુ હમણાં સુધી મંથન ક્લિનિકમાં લેબર રૂમની બહાર બેઠો બેઠો વિચારી રહ્યો હતો કે મારા જ ઘરમાં મારા પિતાજી મારા પુત્ર રૂપે ફરી જન્મ લેશે. પરંતુ જેવો બાળકના રડવાનો અવાજ આવ્યો કે તરત જ મંથનના મગજમાંથી પિતાજીના પુનર્જન્મની વિસ્તૃતિ થઈ ગઈ !!

મંથનની સાથે સરયૂબા અને કેતા પણ હાજર જ હતાં. બંનેએ મંથનને પુત્ર જન્મનાં અભિનંદન આપ્યાં. સૌથી વધારે ખુશી સરયૂબાના ચહેરા ઉપર દેખાતી હતી. એમણે તરત જ ઝાલા સાહેબને ફોન કરી વધાઈ આપી તો મંથને વીણામાસીને ફોન કર્યો.

પંદરેક મિનિટ પછી અદિતિ ધીમે ધીમે લેબર રૂમની બહાર આવી. સફેદ કપડામાં વીંટાળીને નર્સ પણ બાબાને લઈને બહાર આવી. નર્સિંગ રૂમના બેડ ઉપર અદિતિની બાજુમાં જ બાળકને પણ સુવડાવવામાં આવ્યું. બધાંએ અદિતિને અભિનંદન આપ્યાં.

સરયૂબાએ અદિતિના દીકરાને પોતાના ખોળામાં લીધો. ખૂબ જ વહાલ કરી મંથનના હાથમાં આપ્યો. મંથન પોતાના પ્રથમ સંતાનને પ્રસન્નતાથી જોઈ રહ્યો. વહાલથી એણે પુત્રના કપાળ ઉપર ચુંબન કર્યું અને કેતાના હાથમાં મૂકી દીધો.

બાળક હજુ રડતું હતું એટલે કેતાએ નવજાત શિશુને સ્તનપાન કરાવવા અદિતિની બાજુમાં સૂવડાવી દીધો. મંથન નર્સિંગ રૂમમાંથી બહાર આવ્યો અને ડોક્ટરની ચેમ્બરમાં ગયો.

" મંથનભાઈ આ તો કોઈ ચમત્કાર જ છે. મારા કેરિયરનો આ પહેલો કિસ્સો છે કે ગર્ભાશય આટલું નાનું હોવા છતાં પણ નવ મહિના સુધી પ્રેગ્નન્સી ટકી રહી અને તંદુરસ્ત બાળકનો જન્મ થયો. હું હજુ પણ માની શકતો જ નથી." ડૉ. ચિતલે બોલ્યા.

" ગુરુજીની કૃપા છે સાહેબ. અમે લોકો પણ પ્રેગ્નન્સીના કારણે ચિંતામાં પડી ગયાં હતાં. હવે અમારે આગળ એની કેવી રીતે કાળજી લેવાની છે એ બધી સૂચનાઓ લખી આપો. " મંથન બોલ્યો.

" હું તમને ડ્રોપ્સ લખી આપું છું. એ તમે હમણાં દિવસમાં એક વાર ચાલુ રાખજો. બાળક તંદુરસ્ત છે એટલે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અદિતિ માટે પણ એક ગોળી લખી આપું છું. થોડા દિવસ ખૂબ જ પૌષ્ટિક ખોરાક એમને લેવાનો છે. ઘી દૂધનો વધુને વધુ ઉપયોગ થાય એ રીતનો આહાર લેવો. " ડોક્ટર બોલ્યા અને એમણે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું.

પ્રસુતિ પછી અદિતિ થોડા દિવસ માટે પોતાના મમ્મી પપ્પાના ઘરે જ રહેવા માગતી હતી. સરયૂબાની ખાસ ઈચ્છા હતી. એટલે કલાક પછી મંથન બધાંને લઈને ઝાલા સાહેબના ઘરે જ ગયો.

ઝાલા સાહેબ ઘરે જ હતા. એમણે પણ દિલથી મંથનને પુત્ર જન્મની વધાઈ આપી.

કેતાની મદદથી સરયૂબાએ ફટાફટ બધાની રસોઈ કરી દીધી. અદિતિ માટે સરયૂબાએ જાતે જ શીરો બનાવ્યો.

"કુમાર દીકરાનું નામ શું રાખીશું ? ફોઈબા તો કોઈ છે નહીં એટલે આપણે જ ફોઈબાની ફરજ બજાવવી પડશે " ઝાલા સાહેબ હસીને બોલ્યા.

" મને તો શિવજી અતિ પ્રિય છે અને ગિરનારી બાપુના આશીર્વાદ પણ મળેલા છે એટલે શિવજીને અતિપ્રિય અભિષેક એ જ મારા દીકરાનું નામ. " મંથન બોલ્યો.

" વાહ અતિ ઉત્તમ !! " ઝાલા સાહેબ બોલ્યા. સહુને આ નામ ગમી ગયું.

એ પછી બધાંએ જમી લીધું એટલે મંથન કેતાને એના ઘરે અદિતિ ટાવર્સ મૂકવા ગયો.

" આટલે સુધી આવ્યા છો તો ઉપર ઘરે આવોને ! મમ્મીને પણ સારું લાગશે. " ગાડીમાંથી ઉતરતી વખતે કેતા બોલી.

મંથન ના ન પાડી શક્યો. કેતાની સાથે એ એના ફ્લેટમાં ગયો.

" માસી મારા કારણે તમારે ઘણો સમય કેતા વગર એકલા રહેવું પડ્યું એ બદલ હું દિલગીર છું. હવે આજથી તમારી કેતા તમારી પાસે. " મંથન બોલ્યો.

" અરે મંથન ભાઈ તમે આવું બોલીને અમને શરમાવશો નહીં. તમે અમારા માટે ઘણું કર્યું છે. એકબીજાને મદદ કરવી એ તો આપણી ફરજ છે. અને મને કોઈ જ તકલીફ નથી પડી. રાત્રે તો કેતા મારી સાથે જ રહેતી હતી. " મૃદુલાબેન બોલ્યાં.

"ચાલો કેતા હવે હું જાઉં. થેન્ક્સ ફોર એવરીથીંગ. હવે અહીંથી સીધા મારે ઓફિસે જવાનું છે. સ્ટાફને પણ મારે પાર્ટી આપવાની છે. " કહીને મંથન ઉભો થઈ બહાર નીકળી ગયો.

ઓફિસે પહોંચીને એણે તમામ સ્ટાફને આઇસ્ક્રીમની પાર્ટી પણ આપી અને બેંકમાંથી કેશ મંગાવીને સાંજે દરેક સ્ટાફને ૫૦૦૦ રૂપિયા રોકડા પણ આપ્યા.

" બસ તમે લોકો મારા સંતાન માટે દિલથી પ્રાર્થના કરજો. અભિષેક નામ રાખ્યું છે એનું. આપણી આ કંપનીનો એ ભાવિ વારસદાર છે ! " મંથન સ્ટાફની વચ્ચે બોલ્યો.

બધાએ ખુશ થઈને બૉસને અભિનંદન આપ્યા અને પુત્ર જન્મને તાળીઓથી વધાવીને એમની ખુશીમાં સૌ સહભાગી પણ થયા.

અદિતિની ગેરહાજરીનો મંથને પોતાની આધ્યાત્મિક યાત્રામાં પૂરેપૂરો ઉપયોગ કર્યો. રાજન દેસાઈએ એને જે રીતે ધ્યાન કરતાં શીખવાડ્યું હતું એ રીતે એ રોજ ચાર વાગે ઊઠીને હાથ પગ ધોઈને બેસી જતો હતો. પોતાના શ્વાસોશ્વાસ ઉપર સતત ધ્યાન આપીને એ બે કલાક ધ્યાન કરતો હતો. એ પછી ગાયત્રીની માત્ર પાંચ માળા જ કરી શકતો હતો.

કોઈપણ સંજોગોમાં આલ્ફા લેવલ સિદ્ધ કરીને એ થીટા લેવલ સુધી પહોંચવા માગતો હતો. રોજ ઊંડા ને ઊંડા ઉતરવાની પ્રેક્ટિસ કરતો હતો. ગુરુજીએ આપેલા પ્રસાદની એને અસર થવા લાગી હતી. એની એક જ તમન્ના હતી કે ગુરુજી એની સાથે ધ્યાનમાં વાતચીત કરે. એ પોતે ગુરુજીની વાણી સાંભળી શકે !

અને એ દિવસ આવી પણ ગયો. લગભગ બે મહિનાની સતત પ્રેક્ટિસ પછી મંથન આલ્ફા લેવલ ને ક્રોસ કરીને છેક થીટા લેવલની પરમ શાંતિ નો અનુભવ કરી શકતો હતો. બહારના ઘોંઘાટની એને કોઈ જ અસર થતી ન હતી. શ્વાસોશ્વાસ પણ એકદમ ધીમા પડી જતા હતા.

" તારું ધ્યાન હવે સિદ્ધ થઈ ગયું છે. તું જ્યારે પણ ધ્યાનમાં બેસીશ કે તરત જ ઊંડા ધ્યાનમાં ઉતરી શકીશ અને ઈચ્છા થાય ત્યારે મારી સાથે પણ સંવાદ સાધી શકીશ. તારી સાધનાથી હું પ્રસન્ન થયો છું. ૧૧ ગાયત્રીની માળા ફરી ચાલુ કરી દે. " સ્વામી સર્વેશ્વરાનંદજીની સ્પષ્ટ વાણી મંથનને સંભળાઈ.

ધ્યાનની ઊંડી અવસ્થામાં એ મંથનની સામે ઊભા રહીને હસી રહ્યા હતા !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)