તલાશ - 2 ભાગ 48 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ - 2 ભાગ 48

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

"સોનલ બા, ક્યાં છો તમે?"

"હું માર્કેટમાં શોપીંગ કરવા આવી છું. તમે ક્યાં છો?"

"વાહ, તમે લગ્નનું  શોપિંગ ચાલુ પણ કરી દીધું?" 

"ના રે, એ તો પછી નિરાંતે થશે. આ તો મારા ભાઈ મોહિત ના લગ્નનું સંગીત છે એમાં પહેરવાનો ડ્રેસ લેવાનો હતો."

"હવે આ મોહિત ક્યાંથી ફૂટી નીકળ્યો? તમારા એક ભાઈ ને તો હું જાણું છું. શું જીતુભા સિવાય પણ તમારે બીજો કોઈ ભાઈ છે?"

"અરે આ તો હું જ્યારથી મુંબઈ માં આવી એ ભણવાનું શરૂ કર્યું ત્યારથી મારો ક્લાસમેટ છે. અને દર વર્ષે મારી પાસે રાખડી બંધાવે છે અને અમે લગભગ 6-7 વર્ષ સાથે ભણ્યા. અહીં મુંબઈ માં સબ ઇન્સ્પેકટર છે."

"અચ્છા હા ઓળખ્યો મોહિત.સગાઇમાં મળેલો. એના લગ્ન ક્યારે છે?"

"આવતા શુક્રવારે. એ બધું છોડો તમારી દુબઇની ટ્રીપ નું શું થયું? કામ થઇ ગયું? તમને કઈ થયું તો નથી ને? અને જીતુડો કેમ છે?"

"અરે બધું બરાબર છે. જારેજા  પણ મજામાં છે. અત્યારે તો હોટેલ પર આરામથી સૂતો હશે."

"લે ઈ આરામ કરે છે તો તમે ક્યાં છો?"

"હું બસ ફ્લાઇટ પકડું છું. એ  છોડો બધું તમે ક્યાં એરિયામાં છો? તમને શોપિંગ પતાવતા કેટલો ટાઈમ થશે? અને તમારી સાથે કોણ છે?"

"અરે બાપરે લગ્ન પહેલા આટલા સવાલ. હું અને ફૈબા સાથે છીએ અને લગભગ 1 કલાક થશે. તમે પૂછો છો તો એવી રીતે જાણે મને ક્યાંક ફરવા લઇ જવાના હો."

"એક કલાક પછી દાદરમાં સુવિધા સ્ટોરની બહાર ભીખુ તમારી રાહ જોતો ઉભો હશે,  ભીખુને તો તમે ઓળખો જ છો."

"અરે પણ કાર મોકલવાની શું જરૂર છે. અમે ટેક્સી કરી લેશું."

"શાસ્ત્રોમાં કહ્યું છે કે પતિની ની આજ્ઞાનું પાલન કરવું. અને એમાંય થનારા પતિ ની વાત માનીએ તો ખૂબ સુખી થવાય. તો મળીએ એક કલાક પછી.."

"અરે અરે એમ કેવી રીતે મળાય? એટલે એટલે તમે... " સોનલ બોલતી રહી પણ પૃથ્વીએ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો હતો. 

xxx 

એ સાંજ ખુબ રળિયામણી હતી ખાસ તો સોનલ માટે. આમ તો સગાઇ પછી એને ફેશનેબલ આધુનિક વસ્ત્રો પહેરવાના ઓછા કર્યા હતા. અને પરંપરાગત સાડી કે ચુડીદારનો જ રોજિંદા વપરાશ માં ઉપયોગ શરૂ કર્યો હતો. પણ આજે શોપિંગ પર જવાનું હોવાથી. એને લાઈટ પિંક કલરની કુર્તી અને જીન્સ પહેર્યા હતા. આંખમાં કાજળ અને લાઈટ મેકઅપ અને પોની ટેલ માં બાંધેલા વાળમાં એ ઓર ઉંચી દેખાતી હતી. કાનમાં મોટા ઝૂમર, લિપસ્ટિકથી આછા રંગેલા હોઠ, ગળામાં ચળકદાર શેડ મોતી ના મોટા મણકાની માળા હાથમાં બ્રેસલેટ અને 3-4 અંગૂઠી જાણે કોઈ અપ્સરા આધુનિક યુવતીની વેશભૂષામાં ધરતી પર ફરવા નીકળી હોય એવું લાગતું હતું. એણે ફટાફટ શોપિંગ પતાવ્યું. જીતુભાની માંને પણ નવાઈ લાગી કે રોજ નાની નાની વસ્તુ પસંદ કરવામાં નખરા કરતી સોનલ આજે આટ્લી ઝડપથી ખરીદી કેમ કરે છે. એમણે  પૂછ્યું ય ખરું કે "સોનલ દીકરી આજે તો બહુ ઝડપથી શું ખરીદવું એના નિર્ણય લેવાય છે. શું વાત છે?"

"કઈ નહિ ફઈબા, પૃથ્વીજીનો ફોન હતો એ આપણા માટે કાર મોકલી રહ્યા છે."

"અરે પણ દીકરી તારે ના કહી દેવી હતી ને. આપણે ટેક્સીમાં નીકળી જાત ને." એમ વાતો કરતા એ લોકો દાદર મ્યુનિસિપલ માર્કેટમાંથી ખરીદી  પતાવીને બહાર આવ્યા રસ્તામાં લસ્સી પી ને એ લોકો સુવિધા પાસે પહોંચ્યા. ત્યાં ભીખુ કાર લઇ ને ઉભો હતો. સોનલે એને પૂછ્યું. "રાજકુમારજી ક્યાં છે." 

"જી એ તો વિદેશ ગયા છે તમને તો ખ્યાલ જ છે. મને એમનો ફોન આવ્યો કે તમને અહીંથી ઘરે પહોંચાડવા.” જીતુભા ની માં ને એમ અજાણ્યા સાથે જવાનું થોડું અજુગતું લાગ્યું પણ સોનલ ભીખુ ને ઓળખતી હતી એટલે એ લોકો કારમાં ગોઠવાયા. સોનલ નો મૂડ ઓફ થઈ ગયો  પોતાના પ્રિયતમના મિલનની આડેના દોઢ 2 મહિનાના વિરહ માટે માંડ મનાવેલુ મન પૃથ્વી એ કહેલા છેલ્લું વાક્ય સાંભળીને ફરીથી વિહવળ  થવા લાગેલું. એને મનમાં એવી આશા હતી કે પૃથ્વી આવશે. માંડ  7-8 મિનિટમાં એ લોકો ઘરે પહોંચ્યા. સુરેન્દ્રસિંહ એમની ઓફિસમાં જ બેઠા હતા. ભીખુ એ કહ્યું "હું જાઉં છું." એ જ વખતે એક ટેક્સી આવી ને ઉભી રહી. "પણ આ કાર..." બોલતા બોલતા સોનલ અટકી ટેક્સી માંથી ઉતરતા પૃથ્વી ને જોઈ ને એ રોમાંચિત થઈ ગઈ. ભીખુ એ આ નોંધ્યું અને એ મુસ્કુરાતા કમ્પાઉન્ડ ની બહાર ચાલતા નીકળી ગયો. પૃથ્વીએ સ્હેજ ઝૂકીને સુરેન્દ્રસિંહને પ્રણામ કર્યા અને જીતુભાની માં ને કહ્યું. "માસી મસ્ત મસાલા વાળી ચા મુકો. અમે 5-7 મિનિટ મા ઉપર આવીએ છીએ." કહી એ સુરેન્દ્રસિંહ ની ઓફિસમાં ઘુસ્યો સોનલે તો ક્યારનુંય દાદરા ચડવાનું ચાલુ કરી દીધું હતું. 'આ આજકાલના જુવાનિયા પણ ખરા છે દોઢ મહિનાનું કહીને 4થે દી વિદેશ થી સરપ્રાઈઝ આપવા આવી જાય છે.' એમ મનોમન હસતા જીતુભાની માં દાદરા ચડવા મંડ્યા. 

xxx

ચા ની સાથે ગરમ પૌવા નો નાસ્તો કરીને પૃથ્વી સોનલ સાથે બહાર નીકળ્યો સોનલ ડ્રેસ ચેન્જ કરવાની હતી તો પૃથ્વી એ ના કહી. "દીકરા સમયસર સોનલને પછી ઘરે મૂકી જજે." જીતુભાની માં એ કહ્યું. 

"ભલે માસી" કહી પૃથ્વી ઘરની બહાર નીકળ્યો દાદરા ઉતરતી સોનલ નો હાથ પોતાના હાથમાં પકડ્યો. લગભગ 5 કલાક પછી પૃથ્વી એ સોનલ ને એના ઘરે ડ્રોપ કરી. એ સાંજ સોનલના જીવનની કદી ન ભૂલનારી સાંજ હતી. એ 4-5 કલાકમાં એણે પૃથ્વી ને બરાબર ઓળખ્યો -સમજ્યો હતો. અઢળક વાતો કરી હતી. અને પોતાના પ્રિયતમની સાથે મુક્તમને આ મહાનગરના ફરવા જેવા સ્થળો એ ફરી હતી પછી એ લોકો એ 'સામિયાણા'માં ડિનર કર્યું હતું. અને બેઉએ મોહિની અને જીગ્ના સાથે વાત પણ કરી હતી. જીગ્ના એ પૃથ્વી ને પોતાની સગાઈમાં આવવા આમંત્રણ પણ આપ્યું હતું. 

xxx 

"જીતુભા ગુલાબચંદ બોલું છું.  હું કાલે સાંજે મુંબઈ મુંબઈ પહોંચીશ તમારા માણસો મારી સાથે જ છે હજીય 2-3 દિવસ રોકાશે તોય કઈ વાંધો નથી."

"હૂ તો દુબઈમાં છું પણ મુંબઈમાં કૈક વ્યવસ્થા કરીને તમને ફોન કરીશ. તમને બહુ હેરાન કરું છું."

"અરે આ થોડું હેરાન કર્યા કહેવાય. તમારા માટે તો..."
"બસ ગુલાબચંદ જી આગળ કઈ ન બોલતા. તમારો આભાર."

xxx 

"દીકરા,10 લાખ ઓલા ખબરીના મોં પર મારી દીધા છે એક વાર સબૂત વાળી સિડી આપણા હાથમાં આવી જાય પછી હું બધાને ઠેકાણે પડી દઈશ" ક્રિષ્નન એના દીકરા ને કહી રહ્યો હતો. 

"પપ્પા હું હજી કહું છું. આપણી પાસે આખી જિંદગી કાઢી શકીએ એટલા રૂપિયા છે. તમે એકવાર સુમિત ભાઈ અને અનોપચંદ જી ની માફી માંગી લો આપણું જીવન આરામ થી ગુજરશે"

"દીકરા હું હવે એટલો આગળ નીકળી ગયો છું કે પાછા ફરવાનો કોઈ રસ્તો બચ્યો નથી. કાશ મેં તારી વાત આજથી 4-5 વર્ષ પહેલા માની હોત. મને પણ આ ઉંમરે મારા પૌત્ર  પૌત્રી  સાથે રમવું ગમે છે. અને એક નિરાંતની જિંદગી પસાર કરી શક્યો હોત. પણ ખેર એ બધું હવે શક્ય નથી. હવે તો મોત જ મને આ ચક્કર માંથી બહાર કાઢી શકશે. કલાકમાં ખબરી મારા એણે આપેલા ફોનમાં ગુરુ અન્ના ક્યાં અને ક્યારે મળશે એ ખબર મોકલશે. મારા વફાદાર લોકો ને મેં એલર્ટ કરી દીધા છે. જો એ જંગ હું જીતી જઈશ તો પછી શાંતિ જ શાંતિ."

xxx 

"કમિશનર સાહેબ શું પોઝીશન છે?" અમ્મા એ પૂછ્યું.

"કઈ નહિ ક્રિશ્નનન, ગુરુ અન્ના અને ચન્દ્રેશન બધાને લોકેશન મોકલી આપ્યું છે. ઓરીજનલ સીડીની ઓથેન્ટીસીટી તપાસાઈ રહી છે. અને એક નકલી બેગ અને નકલી સિડી સાથે ચણા સીંગ વાળો અને નાળિયેર વાળો પોતે શું બોલવું અને કેવી રીતે બિહેવ કરવું એની પ્રેક્ટિસ કરી રહ્યા છે.  

"તો શું તમે એ બધાને જીવતા પકડશો?"

"એ એ લોકો પર નિર્ભર છે. જો એ સરેન્ડર કરી દેશે તો જીવતા રહેશે. પણ જો એ લોકો સામનો કરશે તો મદ્રાસ પોલીસ એમને બરાબર જવાબ આપશે."

xxx  

"જીતુભા"

"યસ કોણ બોલો છો?"

"પોલીસ સુપ્રિટેન્ડ ઈમ્તિયાઝ બોલું છું. આપણે સવારે મારી ઓફિસમાં મળેલા યાદ છે" 

"હા યાદ આવ્યું, અત્યારે કેમ કોલ કરવો પડ્યો. શું તમે મારી ધરપકડ કરવા માંગો છો?"

"ના, બીજી જ વાત છે, હકીકતમાં તો હું તમારો અને પૃથ્વીજીનો આભાર માનવા માંગુ છું. તમને લોકો ને ખબર નથી કે તમે મારા પર કેવડો અહેશાન કર્યો છે. દરવાજો ખોલો તો કહું હું તમારા રૂમની બહાર જ ઉભો છું. અને સોરી તમને ડિસ્ટર્બ કરવા બદલ" 

“અરે તો ડાયરેક્ટ દરવાજો ખખડાવાયને" બોલતા જીતુભા એ દરવાજો ખોલ્યો. અને સામે પોલીસ સુપ્રિટેન્ડ ઉભા હતા. પણ એ એકલા ન હતા. પાછળ 2 બુરખાધારી ઓરત પણ હતી અને એમાંથી એકના હાથમાં એક બાળક હતું જે સવારે પૃથ્વીની સાથે આવેલું. 

"આવો બધા "  કહી જીતુભા દરવાજા માંથી હટ્યો. 

"ઝાહીદ બેટા તું પણ આવી જા." પોલીસ સુપ્રિટેન્ડે કહ્યું અને જીતુભા ચોંક્યો જોયું તો ઝાહીદ માથું નમાવી ને ચુપચાપ ઉભો હતો. એણે ઝાહીદને આવકાર્યો અને કહ્યું" આવો ઝાહીદ શેખ."

પોલીસ સુપ્રિટેન્ડે સોફામાં બેસતા કહ્યું. જીતુભા, ઝડપથી પરિચય આપી દઉં. આ જમણી બાજુ જે છે એ મારી દીકરી અને ઝાહીદની પહેલી પત્ની ફાતિમા, અને આ ડાબી બાજુ જેના હાથમાં નાનો ઈમ્તિયાઝ છે એ ઝાહીદની બીજી પત્ની અને મારા ભાઈની દીકરી છે ઝરીના. બેટા  ઝરીના તું જ બોલ હવે."

"થેંક્યુ જીતુભા ભાઈજાન, તમારી વઝહ થી આજે અમારા ફેમિલીમાં 5 વર્ષે  સુલેહ થઇ છે.જો સવારે પૃથ્વી ભાઈજાન અમારા ઘરે ન આવ્યા હોત તો.સુલેહ ન થાત. ઝાહીદ સાથે મારા નિકાહ થયા પછી હું અભિમાની બની ગઈ હતી અને મારા અબ્બુ જાન પાસે અઢળક દોલત છે એના અભિમાન માં હું મારી આ આપા(મોટી બહેન)ને નોકરાણી સમજવા લાગી હતી અને ઝાહીદ ને રોજ હું ઉશ્કેરતી. મારા અબ્બાના રૂપિયાનો રુવાબ દેખાડી ને એને સાચા ખોટા કામમાં પ્રેરિત કરતી. સવારે પૃથ્વી જી એ આવી ને બધી હકીકત કહી અને મેં જયારે એ જાણ્યું કે તમારા કિડનેપમાં ઝાહિદનો હાથ છે તો મારા હોશ ઉડી ગયા. અહીં કિડનૅપ પુરવાર થાય તો સીધી ફાંસી ની સજા છે. જયારે ખબર પડી કે ચાચુ પાસે તમારા કેસ છે તો મને થોડી હિંમત આવી. આપા એ પણ મને હિંમત બંધાવી કેમ કે જો ઝાહીદ ને સજા થાય તો અમે રોડ પર આવી જાત અમારા મકાનો પર સરકારનો કબજો થઈ જાત અને અબ્બુ કેટલા દિવસ સહારો કરત. નથી હું કઈ ભણેલી કે ના ખાનદાનની ઈજ્જત ના કારણે કઈ નોકરી કરી શકું."

"અચ્છા, એટલે જ આ છોટે ઉસ્તાદ ના,ના ના, કરીને તમારી ગોદમાં બેસી ગયા હતા બરાબર ને નાનું જાન " જીતુભા એ હસતાં હસતાં પોલીસ સુપ્રિટેન્ડ ને કહ્યું. 

"હા, અને ઝરીના ને બહુ પસ્તાવો થયો, મને કહે આપા 5 વર્ષથી મેં તમારી જિંદગી દોઝખ બનાવી દીધી હતી. હવે, હું આખી જિંદગી તમારી ગુલામ થઈને રહીશ." ઝાહીદની પહેલી પત્નીએ કહ્યું, 

"આ તમારી ફેમિલી મેટર છે ફાતિમાજી," જીતુભા એ કહ્યું અને ઉમેર્યું. “બહુધા અમારે ત્યાં બહુપત્નીપ્રથા નથી. અહીં છે અને તમને એ સ્વીકાર્ય છે તો પણ હું તમને એટલી જ સલાહ આપીશ કે ગુલામ અને માલકીન કરતા બહેનો થઇ ને રહેશો તો બન્ને ખુશ રહેશો." અને એ સાથે જ ઝરીના અને ફાતિમા બન્ને રડી પડ્યા એમને બચપણથી એક સાથે એક જ ઘરમાં ગુજારેલ દિવસો યાદ આવી ગયા બન્ને બહેનોમાં કેટલો પ્રેમ હતો. બન્ને એકમેકને વળગીને રડી પડી. પાંચેક મિનિટ પછી જીતુભા બોલ્યો."બસ ઝાહીદ હવે તારે સમજવાનું છે. તું ઈમાનદારીથી કામ કરીશ તો આ બધા જ ખુશ રહેશે."

"અબ્બુજાન મને માફ કરો મેં ઘણીવાર ફાતિમા ને દુઃખી કરી છે. પણ હવે હું સુધરી ગયો છું ઈમાનદારીની રોટી જ કમાઈશ." ઝાહિદે પોલીસ સુપ્રિટેન્ડને કહ્યું. 

xxx 

"શું આપણે એ બધા ને ખરેખર જીવતા પકડવા છે?" ડીઆઇજી કમિશનરને પૂછી રહ્યા હતા. અમ્મા આરામ કરવા એમને ફાળવેલ કમરામાં ગયા હતા. ગણેશન એ બેઉની બાજુમાં જ ઉભો હતો.

"સર, તમનેશું લાગે છે આટલો મોટો કચરો સાફ કરવાનો મોકો માંડ્યો છે અને બાઝી ગોઠવાઈ ગઈ છે. હું એકે નેજીવતા છોડવાના મૂડ માં નથી."

"સાબાશ, મને એમ હતું કે મારો ચેલો બદલાઈ ગયો છે પણ હવે હાશ થઇ. કાલે એ 3 માંથી એકે જીવતો ન જવો જોઈએ અને સાથે જ 10 15 એના મળતિયા પણ ઓછા થવા જોઈએ.” ડીઆઈજી એ હસતા હસતા કહ્યું. 

 ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 1 દિવસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 માસ પહેલા

Varsha Prajapati

Varsha Prajapati 7 માસ પહેલા

Rakesh

Rakesh 7 માસ પહેલા

Bhimji

Bhimji 7 માસ પહેલા