તલાશ - 2 ભાગ 45 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ - 2 ભાગ 45

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

પોતાના એપાર્ટમેન્ટના ફળિયામાં આવીને રાઘવે સાઇકલ રીતસરની ફગાવી એમાં લટકતા થેલાને એમાંથી ઢોળાતા સામાનની પરવા કર્યા વગર એ દોડ્યો અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પોતાના ફ્લેટના દરવાજે પહોંચ્યો. અને સહેજ ધક્કો માર્યો બારણું અંદરથી ખુલ્લું જ હતું. એના ધક્કા સાથે બારણું પૂરું ખુલી ગયું. એ ઝપાટાભેર અંદર પ્રવેશ્યો. અને અંદર નું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો.

"બારણું બંધ કર" કડક આવજે મોહનલાલે આદેશ આપ્યો. અને એ સાંભળીને જાણે રોબોટ હોય એમ રાઘવે બારણું ચુપચાપ બંધ કર્યું કારણ કે એણે જોયું તો એનો ભાઈ ખુરશી સાથે બંધાયેલો હતો અને મોહનલાલ એની બાજુની ખુરશીમાં બેઠો હતો એના હાથમાં ગન હતી અને એના નિશાન પર હતું રાઘવના ભાઈ મનોજનું કપાળ. એક ખૂણામાં મનોજની પત્ની અને રાઘવની ભાભી માલિની થરથર કાંપતા ઉભી હતી કેમ કે એનો 3 વર્ષનો દીકરો મોહનલાલના ખોળામાં રમતો હતો. આ દ્રશ્ય જોઈને હબકી ગયેલા રાઘવે ગળેથી થુક ઉતારતા ધ્રુજતા અવાજે મોહનલાલ તરફ જોઈએ પૂછ્યું. "આ બધું શું છે મોહન અંકલ?"

"કરેલા કર્મોના ફળ ભોગવવા જ પડતા હોય છે રાઘવ. તારો બાપ મર્યા પછી તમને બેઉ ભાઈ ને મેં કદી બાપની કમી વર્તવા દીધી ન હતી અરે તારી માં ની બીમારીનો ઈલાજ ભારતની શ્રેષ્ઠ હોસ્પિટલોમાં કરાવ્યો અને સારી કોલેજમાં બેસ્ટ એજ્યુકેશન મળે એનો બંદોબસ્ત કર્યો તારા ભાઈનું ભણવાનું પૂરું થયું એટલે સારી નોકરી અપાવી એને પરણાવ્યો ચાલીમાંથી આ ફ્લેટમાં પહોંચાડ્યા અને તો પણ તે? તે, એવું શું કામ કર્યું? બોલ" કડક અવાજે મોહનલાલે પૂછ્યું. અને એ સાંભળીને રાઘવ એના પગમાં પડી ગયોને રડતાં રડતાં કહ્યું. "મોહન અંકલ હું. હું લાલચમાં આવી ગયો. મને, મને કોઈએ લાલચ આપી અને હું એમાં ફસાઈ ગયો એ લોકો મને 50000 રૂપિયા આપવાના હતા. મેં વિચાર્યું કે ભાઈના પગારમાંથી જીવન જીવાય છે. મોજશોખ નથી થતા. .. પણ પણ આ બધો મારો જ વાંક છે. પ્લીઝ તમે મારા ભાઈ ભાઇ અને મારા આ ભત્રીજાને છોડી દો પ્લીઝ. એ લોકો નિર્દોષ છે."

"ગુન્હેગાર ને સાથ આપનારા પણ એટલા જ દોષી હોય છે રાઘવ"

"પણ એ લોકો એ ક્યાં મને સાથ આપ્યો છે. ઈન ફેક્ટ એ લોકો ને ખબર પણ નથી કે હું શું કરવાનો હતો. મેં એ લોકોને કઈ કહ્યું જ ન હતું. બધો મારો પ્લાન... ઓઓઓ " રાઘવ નું વાક્ય અધૂરું રહ્યું હતું કેમ કે એની ભાભીએ મારેલા 3-4 જોરદાર તમાચાથી એનું બેલેન્સ બગડ્યું અને એ જમીન પર પડી ગયો હતો. પણ ત્યારે જ એના ભાઈએ ખુરશીમાં બંધાયેલ હોવા છતાં પગ ખુલ્લા હોવાથી એક કચકચાવીને લાત રાઘવને મારી.અને કહ્યું. "હરામી, તું તું મારો ભાઈ ન હોઈ શકે. મારો ભાઈ, પોતાના માં-બાપનું અને પોતાનું ભલું કરનાર દેવતા સમાન માણસને ફસાવવાનું વિચારી જ ન શકે. જા, ભાગ ભાગી જા મારા ઘરમાં હવે પગ ન મુકતો. અને મૂંઝાતો નહીં મોહન અંકલને વિનંતી કરીને તારી ભાભીએ અને મેં તારા જીવની ભીખ માંગી છે એ તને નહીં મારી નાખે."

"ભાઈ, ભાભી મને માફ કરી દો. તમારા વગર મારુ આ દુનિયામાં બીજું કોણ છે. હું ક્યાં જઈશ? મોહન અંકલ ભાઈને સમજાવો પ્લીઝ મારી માં સમાન ભાભી અને બાપ ની જેમ મને સાચવનાર ભાઈ એમના વગર હું જીવી નહિ શકું."

"તારા જીવનનો રસ્તો તે જ નક્કી કર્યો છે. રાઘવ. હમણાં જ પોલીસ આવતી હશે. અને આમેય મેં ફોન કરીને બધું કબૂલી લીધું છે કે હું મોહન આંકલન ઘરમાં બધી ગેરકાયદે વસ્તુ મુકવાનો હતો. તું ઘર છોડી ને ચાલ્યો જા. હું જેલમાં જઈશ અને તારી ભાભી અને ભત્રીજો રોડ પર ભીખ માંગશે. અને તારી ભાભી પોતાના સંતાનનું જીવન ચલાવવા...ન જાણે ક્યાં ક્યાં કામ કરશે." રડતા સ્વરે રાઘવના ભાઈ એ કહ્યું.

"મોહન અંકલ મારા અને મારા ઘરના લોકો પર આટલા ઉપકાર કર્યા છે એક ઉપકાર વધુ કરી દો પ્લીઝ અમને બધાને મારી નાખો. મારા ભાભી રોડ પર ભીખ માંગશે એ વિચારથી જ મારુ મોત આવી જાય છે." રાઘવે કહ્યું. મોહનલાલ શાંતિથી આ બધા સંવાદ સાંભળતો હતો. રૂમમાં માત્ર એ એક જ હતો જે રડતો ન હતો. છેવટે એણે શાંતિથી કહ્યું. "બધા શાંત થાઓ. મારે તમને રોડ પર ભીખ માંગવા દેવી હોત તો તારો બાપ મરી ગયો એ વખતે મદદ જ ન કરી હોત. હા એક ફર્ક હોત કે માલિની ની જગ્યાએ તમારી માં હોત. " પણ રાઘવ તે મને ફસાવવાની કોશિશ કરી છે. અને જો તને એવું લાગતું હોય કે ખરેખર તે ખોટું કામ કર્યું છે તો મારી પાસે કૈક રસ્તો છે."  

"પ્લીઝ તમે કહેશો તો હું ફાંસી પર ચડવા પણ તૈયાર છું."

"મનોજ હવે આ નાટકની જરૂર નથી, માલિની આને ખોલ અને આ બચુડાને શાંત કર" મોહનલાલે કહ્યું.અને ઉમેર્યું. "રાઘવ હમણાં પોલીસ ઇન્સ્પેકટર આવશે. એની પાસે બધી કબૂલાત કરવી પડશે અને તને આ બધું આપનાર ના નામ ઠેકાણા જણાવવા પડશે. એ લોકો હાથ ઉંચા કરી દેશે એ મને ખાતરી છે. એટલે તારે જ જેલમાં જવું પડશે. હું વકીલ નો બંદોબસ્ત કરીશ તને બહુ ઓછી સજા થાય એવી કોશિશ કરીશ. અને હા તારી આબરૂ નહીં જવા દઉં. જેટલો વખત તું જેલમાં હોઈશ અહીં પાડોશીઓ એવું જ સમજશે કે તું નોકરી કરવા  વિદેશ ગયો છે. તને મંજુર છે આ વાત?"   

"તમારો ખુબ ખુબ ઉપકાર મોહન અંકલ" રાઘવે કહ્યું.

"મનોજ, માલિની, પાસ પડોસમાં જણાવી દેજો કે પોલીસ પાસપોર્ટ વેરિફિકેશન માટે આવી હતી. અને રાઘવ થોડા દિવસ ટ્રેનિંગ માટે દિલ્હી રહેવાનો છે.

xxx 

"સોનુ શું કરે છે તું?" જીગ્ના ફોનમાં પૂછી રહી હતી."

"કઈ નહીં. તૈયાર થાઉં છું થોડું શોપિંગ કરવા જવું છે." 

"અરે વાહ તારા લગ્નની તૈયારી તો જોરદાર ચાલે છે કે?"

"હા, અને ના. આ જે તો મોહિત ભાઈના સંગીતમાં પહેરવાનો ડ્રેસ લેવા જવાનો છે."

"અરે વાહ એના લગ્ન ક્યારે છે?"

“આઠ દિવસ પછી ગુરુવારે. તું ફ્રી હોય તો ચાલ ને કંપની રહેશે. આજે મોહિની ભાભી પણ બીઝી છે."

"ભલે ભાભીને પૂછી ને કહું. પણ હું અને ઘરના બધા આજથી ખૂબ બીઝી છીએ."    

"હવે રહેવા દે ને ભેંસની જેમ સૂતી રહે છે. આખી બપોર કરોડપતિની દીકરી"

"એમાં એવું છે ને સોનુ મારા જીવનમાં એક લોચો થઇ ગયો છે." ગંભીર અવાજે જીગ્ના એ કહ્યું.

"અરે બાપરે હવે શું લોચો માર્યો તે?"

"મારા પપ્પાએ, મારી સગાઈ નક્કી કરી છે અને મને  મને "

"હવે છોકરમત મૂક, આપણા માં-બાપ આપણું ભલું જ ઇચ્છતા હોય છે. જો ને મારા પપ્પાએ અને ભાઈએ ગોત્યો એ જ છોકરા ને હું પરણી રહી છું."

"હવે રે ને ચિબાવલી. પૃથ્વીજી તને પણ ગમતા જ હતા. અને આમેય પુરી વાત તો તું સાંભળતી જ નથી. મારા પપ્પાએ અને ભાઈ એ જે છોકરો પસંદ કર્યો છે એ મને પણ ગમે છે.  ખાનદાની છે અને અરબોપતિ છે. અમારા કુટુંબીઓ પણ એક બીજાને વર્ષો થી ઓળખે છે. હું તો બહુ ખુશ છું." જીગ્ના એ ખડખડાટ હસતા કહ્યું. 

"ઓહ્હ, એટલે એટલે.. તું તારી.."

"હા એ જ કહું છું, રવિવારે મારી સગાઈ છે. બીજા કઈ પ્રોગ્રામ બનાવતી નહીં. અને મોહિની ને લઇને વહેલી સવારથી જ મારા ઘરે પહોંચી જજો. એને હું ફોન કરી દઈશ સગાઈ સાંજે છે. ગ્રેટ ઇન્ડિયા હોટેલમાં. 

xxx 

"અરે પરબત આ કોનું છોકરું લઇ ને ફરે છે?"

"અરે એ તો...."

"હા, હા હા, અત્યારે મારી પાસે કેમેરો નથી નહીંતર. તારો ફોટો પાડીને સોનકીને મોક્લવત." 

"એ ભાઈ ખોટા અમારી વચ્ચે ઝગડા ન કરાવતો. સાલા તને બચાવવા આવવાની જરુરજ ન હતી." 

"અરે યાર પરબત તું તો નારાજ થઈ ગયો."
"ના એવું કંઈ નથી, લે આને 2 મિનિટ પકડ જરા," કહી પૃથ્વીએ પોતાના હાથમાં રહેલ ઝાહીદ ના દીકરા ને જીતુભાનાં હાથમાં આપતા કહ્યું. જીતુભા એ એ બાળકને તેડી લીધી. બાળકના હાથમાં રહેલા કોનમાંથી પીગળી રહેલ આઈસ્ક્રીમ હવે જીતુભાના શર્ટ પર રેલાવા લાગી. પૃથ્વી એ પોતાના  સોલ્ડર પાઉચમાંથી ચશ્મા કાઢ્યા અને પછી પહેરીને જીતુભાની સામે જોયું અને પછી એની દાંડી 7-8 વાર દબાવી. જીતુ પહેલા કઈ સમજાયું નહિ શું થઈ રહ્યું છે. પછી અચાનક એને ખ્યાલ આવ્યો કે આ તો કેમેરાવાળા ચશ્મા છે. અને પૃથ્વીએ પોતાના ફોટા પાડ્યા છે. આરામથી ચશ્મા પાછા સોલ્ડર પાઉચમાં મુક્તા પૃથ્વીએ કહ્યું. "જારેજા  આની 2 પ્રિન્ટ નીકળશે. એક સોનલબા ને મોકલીશ અને બીજી મોહિની ભાભી ને. પછી જો મજા.. હાહાહા "

"એ, એ, એ, ભાઈ આ શું કરે છે." જીતુભા એ બાળકને પૃથ્વીના હાથમાં પાછો આપવાનો પ્રયાસ કરતા કહ્યું પણ પૃથ્વીએ હાથ ન લંબાવ્યો. પણ બોલ્યો." મારે સોનલબા સાથે ગઈ રાત્રે વાત થઇ હતી કે તે મને અર્જન્ટ દુબઇ બોલાવ્યો છે. હવે આ ફોટા મોકલીને કહીશ કે દુબઈમાં તું ક્યાં ફસાયો હતો. અને હા મોહિની ભાભીને પણ એક કોપી મોકલી આપીશ અને તને તો ખબર છે કે તારા અને મોહિનીના ઝગડા થાય તો સોનલ બા ને કેટલી મજા આવે છે. હાહાહા."

"યાર પરબત મજાક છોડ અને હવે આ કોને ઉપાડી લાવ્યો છે એ કહે. અને ઝાહીદ ક્યાં છે?" જીતુભા એ સિરિયસ થતા પૂછ્યું. 

"ઝાહીદને મેં કંઈક કામ માટે મોકલ્યો છે. અને ઓલા પાકિસ્તાનીઓ તને હોટેલ પર શોધતા હશે. જો એ નસીબદાર હશે તો અત્યાર સુધીમાં પરિસ્થિતિ સમજીને ભાગી છૂટ્યા હશે." 

"એમાંથી એકને તો મેં મુંબઈમાં ઠાર કર્યો હોત પણ એ ઝૂકી ગયો અને બચી ગયો." જીતુભા એ કહ્યું. 

"ક્યારે?" હવે પૃથ્વી ને એની વાતમાં રસ પડ્યો. 

"જે દિવસે તે મને સોનલ તારા કબ્જા માં છે એમ કહ્યું હતું એના બીજા દિવસે. હું બરોડાથી પાર્સલ લઇ ને આવ્યો જેમાં મુંબઈ માં ધમાલ મચાવવાની  ડિટેઇલ હતી. અને સાથે એક અમીચંદ નામના અમદાવાદના ગુર્ગા ને ઉપાડી લાવે લો. અને આ પાકિસ્તાની નો કોઈક સોર્સ મુંબઈ માં હતો શું નામ હતું.. ધનસુખ... કે કંઈક એવું જ નામ હતું." જીતુભા એ કહ્યું. 

"યુ મીન મનસુખ જીરવાળો ઓલી સેન્ચ્યુરી બજારની સામે."

"હા યાદ આવ્યું એ જ. એને હાર્ટ એટેક આવેલો." જીતુભાએ કહ્યું. 

"ના એને મેં જ માર્યો હતો અને એ કહેતો હતો કે હું જીવતો છું.... "પૃથ્વી એ કંઈક વિચારતા કહ્યું અને ઉમેર્યું. "હા એ જ દિવસે મને એરપોર્ટ પર આ બેય નમૂના હની -ઈરાની મળેલા એનો મતલબ એ .. કે .. હા તે કહ્યું હતું ને કે એ બે લોકો છે. શેખ અને મેનેજર.. ઓહ્હ ભગવાન એ એજ છે." 

"કોણ છે એ લોકો શા માટે એ મને કિડનેપ કરવા માંગતા હતા."જીતુભાએ પૂછ્યું.

"એ બન્ને આઈએસઆઈના સભ્ય છે. અને ભારતમાં યેનકેન પ્રકારેણ ધમાલ મચાવવી  એજ એમનો ઉદ્દેશ છે અને તે એનું મુંબઈ નું મિશન ફેલ કર્યું પણ તું એને ઓળખે એ પહેલા એ તને ઓળખી ગયો અને તને ફસાવવા નો પ્લાન કર્યો.જીતુભા, હવે સાવચેત રહેવું પડશે. આપણે પ્લાન ચેન્જ કરવો પડશે. હું હમણાં જ ઝાહીદને બોલવું છું. તું ઈશ્વર ભાઈને ફોન કર આપણે એમને 10 જ મિનિટમાં મળવું છે. અને પછી પહેલી ફ્લાઇટ પકડીને અહીંથી નીકળી જવું છે."

"પણ પૃથ્વી, .."

"જીતુભા, પરિસ્થિતિ પ્રમાણે કામ કરવું જોઈએ. અત્યાર સુધી અહીંની સરકાર ન્યુટ્રલ છે. પણ કદાચ એમને સાથ પણ આપે અને સરકાર સિવાય પણ બીજી મદદ એમને મળી રહે."

"પણ બીજા 2 જણાની..."

"જીતુભા એ લોકો ને આપણે મરવા નહીં દઈએ. પણ પ્લાન બદલવો પડશે. ઝડપથી  ઈશ્વર ભાઈનો સમય માંગ."

 ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 1 દિવસ પહેલા

Rakesh

Rakesh 7 માસ પહેલા

Mayuri Patel

Mayuri Patel 7 માસ પહેલા

Jayesh Mehta

Jayesh Mehta 8 માસ પહેલા

Bhayani Alkesh

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ 8 માસ પહેલા