વારસદાર - 32 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસદાર - 32

વારસદાર પ્રકરણ 32

મંથન અને અદિતિ અમદાવાદ જઈને આવ્યાં એ વાતને બે મહિનાનો સમય પસાર થઈ ગયો. આ બે મહિનામાં મંથનના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું.

મંથનની ઓફિસ ફૂલ ટાઈમ ચાલુ થઈ ગઈ. ઓફિસમાં લેન્ડલાઈન ફોન પણ લઈ લીધો. રથયાત્રાના દિવસે જ મંથનની અંધેરીની ઓફિસનું ઉદઘાટન થયું અને એ જ દિવસે બોરીવલીમાં ગોરાઈ લિંક રોડ ઉપર અદિતિ ટાવર્સનું ભૂમિ પૂજન પણ થઈ ગયું.

કન્સ્ટ્રક્શન ચાલુ કરવા માટે ઝાલા સાહેબે દોડધામ કરીને મ્યુનિસિપાલિટી માંથી તમામ પરમિશનો પણ પોતાની ઓળખાણો અને એજન્ટ નો ઉપયોગ કરીને લઈ લીધી.

ચોમાસાના દિવસો ચાલુ થઈ ગયા હતા એટલે આખા પ્લોટ ઉપર સૌ પ્રથમ તો ઉપર પતરાનો શેડ બનાવી દીધો જેથી નીચે કામકાજ ચાલુ રહે. પ્લોટની ચારે બાજુ બે ફૂટની દિવાલ કરીને બાઉન્ડ્રી બનાવી દીધી. બે કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દેવામાં આવ્યું. સ્ત્રી અને પુરુષ મળીને કુલ ૨૫ મજૂરો રોજ ૧૨ કલાક કામે લાગી ગયા. મજૂરોને રહેવાની વ્યવસ્થા પણ એ પ્લોટમાં જ એક ખૂણામાં કરવામાં આવી.

સૌ પ્રથમ તો ઈશાન ખૂણામાં બોર બનાવવામાં આવ્યો જેથી પાણીની કોઈ તકલીફ ના પડે. જરૂરી તમામ માલ સામાન એડવાન્સ પૈસા આપીને ઓર્ડર કર્યો જેથી રેતી, કપચી, સળિયા, સિમેન્ટ અને સિમેન્ટના બ્લોકસ પ્લોટ ઉપર ઉતરવા લાગ્યા.

ઓફિસમાં પણ ફુલ સ્ટાફની ભરતી કરી દીધી. એક સિવિલ એન્જિનિયર, એક એકાઉન્ટન્ટ, એક પર્સનલ સેક્રેટરી અને એક પટાવાળાની નિમણૂક કરવામાં આવી. મંથન બૉસ બની ગયો અને એને હવે સરનો ઇલકાબ લાગી ગયો. એનો તમામ સ્ટાફ એને સર કહીને જ બોલાવતો.

અદિતિ ટાવર એ અને અદિત ટાવર બી નાં કલર પ્રિન્ટેડ બ્રોશર પણ તૈયાર થઈ ગયાં અને મુંબઈનાં તમામ લોકલ ન્યુઝ પેપર્સમાં છેલ્લા પાને ફૂલ સાઇઝની જાહેરાત પણ મૂકવામાં આવી. સ્કીમ એટલી બધી આકર્ષક બનાવી હતી કે રોજ ઇન્કવાયરીઓ ચાલુ થઈ ગઈ. કેટલીક પાર્ટીઓએ તો ફ્લેટ બુક કરાવવાના પણ ચાલુ કરી દીધા. મંથનનું એક જ ફોકસ હતું માર્કેટિંગ.

'બોલે એના બોર વેચાય ' એ સૂત્ર મંથનને એની મમ્મી તરફથી મળ્યું હતું. સંપૂર્ણ ધ્યાન એણે માર્કેટિંગ ઉપર જ કેન્દ્રિત કરી દીધું. બોરીવલી અને કાંદીવલી એરિયામાં છાપાંઓની સાથે એને પેમ્ફ્લેટ પણ વહેંચવાનાં ચાલુ કરી દીધાં. ટીવીમાં પણ જાહેરાતો મૂકી દીધી. લોકોના માનસ ઉપર સતત અદિતિ ટાવર નામ અથડાવા લાગ્યું. જ્યાં જુઓ ત્યાં એની જ ચર્ચા થવા લાગી.

પરિણામ એ આવ્યું કે બે મહિનામાં અદિતિ "એ" ટાવરના ૩૨ માંથી ૧૩ ફ્લેટ બુક થઈ ગયા. ૫ ફ્લેટ ફુલ પેમેન્ટ થી અને ૮ ફ્લેટ બેંક લોનથી બુક થયા. તમામ પેપર એકદમ રેડી હતા એટલે લોન લેવામાં કોઈ તકલીફ ગ્રાહકોને પડતી ન હતી.

મંથન આટલી બધી ઝડપી સફળતાનો બધો જ યશ ગાયત્રી મંત્રને આપી રહ્યો હતો. ૧૧ માળા સિવાય પણ એ જ્યારે પણ ફ્રી પડતો ત્યારે માનસિક રીતે સતત ગાયત્રી મંત્ર મનમાં બોલ્યા જ કરતો હતો. હવે તો એ માત્ર ૪૫ મિનિટમાં જ ૧૧ માળા પૂરી કરી દેતો.

ગણેશ ચતુર્થી આવતી હતી એટલે દસ દિવસ પહેલાથી જ મંથને સ્પેશિયલ જાહેરાતો મૂકી. પરિણામ એ આવ્યું કે ગણેશ ચતુર્થીના દિવસે જ બીજા ચાર ફ્લેટ વેચાઈ ગયા અને એ પણ એડવાન્સમાં ફૂલ પેમેન્ટ સાથે. માત્ર ત્રણ મહિનામાં ૧૭ ફ્લેટ વેચાઈ ગયા.

ગણેશ ચતુર્થીના આગલા દિવસે મંથનના ઘરે ધામધૂમથી ગણેશજીની પધરામણી કરી અને દસ દિવસ માટે પંડિતજીની વ્યવસ્થા કરીને મંથને મહાપુજા કરી. અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીને વિદાય આપી. મંથન હવે ધીમે ધીમે મુંબઈના રંગે રંગાઈ રહ્યો હતો.

એણે પોતાનું બાઈક ઓફિસ ખાતે રાખ્યું હતું અને તમામ સ્ટાફને ઓફિસના કામે વાપરવા માટે ખુલ્લું મુક્યું હતું. એ મલાડથી બોરીવલી સાઇટ ઉપર જવા માટે પોતાની સ્વિફ્ટ ગાડીનો ઉપયોગ કરતો હતો. બાકી અંધેરી આવવા જવા માટે તો એણે ફર્સ્ટ ક્લાસનો પાસ કઢાવ્યો હતો.

મંથને જે રીતે હરણફાળ ભરી હતી અને માત્ર બે મહિનામાં સ્કીમ બને તે પહેલાં જ આટલા બધા ફ્લેટ વેચાઈ ગયા હતા એ જોઈને દલીચંદ ગડા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એમની બાજ નજર પહેલેથી જ આ સ્કીમ ઉપર હતી. સ્કીમની સાઈટ ઉપર પોતાનો માણસ મોકલીને જે રીતે કામ ચાલતું હતું એ પણ એમણે જોઈ લીધું હતું. એમને કલ્પના પણ ન હતી કે નવો નવો આ છોકરો આટલો બધો પાણીદાર નીકળશે !!

ઝાલા સાહેબ પણ પોતાના જમાઈની આવડત અને કાબેલિયત ઉપર વારી ગયા હતા એમની કલ્પના કરતાં પણ મંથન ફાસ્ટ દોડી રહ્યો હતો. મંથન જાહેરાતોમાં પણ જે રીતનાં વાક્યો અને શબ્દ પ્રયોગો કરતો હતો એ વાંચીને લોકો આ સ્કીમ ઉપર આકર્ષાઈ જતા હતા.

# મુંબઈમાં સ્કીમો તો બનતી જ રહે છે પરંતુ અદિતિ ટાવર્સમાં જે છે એ તમને બીજે ક્યાંય નહીં મળે.
#ક્વોલિટી બાબતે અમે કોઈ સમાધાન કરતા નથી.
#અદિતિ ટાવર્સમાં રહેવું એ તમારા માટે ગર્વનો વિષય બની જશે.
#આજે જે ભાવે અહીં તમને ફ્લેટ મળે છે એ ડબલ આપતાં પણ આવતા વર્ષે નહીં મળે.

આવા પ્રકારની જાહેરાતો મંથન સતત ન્યુઝ પેપર્સમાં કરતો રહેતો. શરૂઆતમાં એણે જાહેરાતોમાં પૈસા પાણીની જેમ વેર્યા હતા પરંતુ આજે એનો ભરપૂર બદલો મળી રહ્યો હતો.

દલીચંદ ગડા અદિતિ ટાવરની બધી જાહેરાતો જોતા હતા. ટીવીમાં પણ સાંભળતા હતા. આટલી નાની ઉંમરે એની આ કાબેલિયત અને ધગશ જોઇને એ ખરેખર દંગ રહી ગયા હતા. આવો માણસ જો પોતાની સાથે હોય તો એના ઉપર કરોડો રૂપિયાનો દાવ લગાડી શકાય ! - દલીચંદ વિચારી રહ્યા.

બે દિવસ પછી એમણે પોતાનો એક ખાસ માણસ મંથનની ઓફિસે અંધેરી મોકલ્યો. માણસ ઓફિસે પહોંચ્યો ત્યારે મંથન બહાર ગયેલો હતો એટલે એણે એક કલાક વેઈટિંગમાં બેસવું પડ્યું.

મંથન આવ્યો અને પોતાની ચેમ્બરમાં ગયો એટલે પટાવાળો સદાશિવ રાણે મંથનની ચેમ્બરમાં આવ્યો.

" સર ગડાશેઠ કી ઓફિસસે કોઈ કિરણભાઈ આયા હૈ. આપસે મિલના ચાહતા હૈ."

" ઠીક હે ભેજો. " મંથન બોલ્યો.

સદાશિવ ગયો અને થોડીવારમાં કિરણ દાખલ થયો.

" બેસો. " મંથને એને સામેની ખુરશી ઉપર બેસવા ઈશારો કર્યો.

" બોલો કિરણભાઈ. " મંથને પૂછ્યું.

" જી મંથનશેઠ હું મુલુંડથી આવું છું. મને ગડાશેઠે મોકલ્યો છે. શેઠ તમને મળવા માગે છે. આ કાર્ડમાં એમનો ઓફિસ નંબર છે. બે ત્રણ દિવસમાં તમને જે ટાઇમ અનુકૂળ હોય એ તમે એમના સેક્રેટરીને જણાવી દેજો જેથી શેઠ હાજર રહે." કહીને કિરણે મંથનને ગડાશેઠનું વીઝીટીંગ કાર્ડ આપ્યું.

" અરે પણ તમે એના માટે આટલે દૂર સુધી ધક્કો કેમ ખાધો ? મને એમણે ફોન ઉપર પણ કહી દીધું હોત !" મંથન હસીને બોલ્યો

"તમે ગડા શેઠ માટે ખાસ વ્યક્તિ છો. શેઠ વ્યક્તિ જોઈને વાત કરે છે. એમણે મને કહ્યું કે તમે જાતે જઈને મંથન મહેતાને આમંત્રણ આપી આવો. " કિરણ બોલ્યો.

" ઓહ. ઓકે ઓકે. તમને શું ફાવશે ઠંડુ કે ગરમ ? બધી જ વ્યવસ્થા છે" મંથને પૂછ્યું.

" હું કલાકથી બેઠો છું. તમારા માણસે મને અડધી કલાક પહેલાં જ કોલ્ડ્રીંક્સ આપી દીધું છે. " કિરણ બોલ્યો અને ઉભો થયો.

" ઠીક છે હું મારો ટાઈમ જણાવીશ. " મંથન બોલ્યો એટલે કિરણ ચેમ્બરની બહાર નીકળી ગયો.

કિરણના ગયા પછી મંથન થોડો વિચારમાં પડી ગયો. દલીચંદ ગડા જેવો અબજોપતિ શેઠ પોતાના માણસને મોકલીને ખાસ આમંત્રણ આપવા આવે એ તો બહુ કહેવાય !!

આજ ગડા શેઠે આખી સ્કીમ પોતાના ભાવે અને પોતાની શરતે ખરીદવાની સૌથી પહેલી ઓફર ચાર મહિના પહેલાં આપી હતી પણ પોતે એને કોઈ ભાવ આપ્યો ન હતો અને પોતાની પાસે જે પણ ૫૦ કરોડની મૂડી હતી એમાંથી જ આખું સાહસ ઊભું કર્યું હતું.

શરૂઆતમાં રોકડા પૈસા ચૂકવ્યા પછી માર્કેટમાં ગાલા બિલ્ડર્સની અને ખાસ કરીને મંથન મહેતાની શાખ એટલી બધી વધી ગઈ હતી કે હવે બધો જ માલ ઉધારમાં મળતો હતો. એટલું જ નહીં બિલ્ડીંગ મટીરીયલ્સ ના કેટલાક વેપારીઓ તો ડિસ્કાઉન્ટ થી માલ આપવા માટે સામેથી ફોન કરતા હતા.

સાંજે મંથન ઘરે આવ્યો ત્યારે એણે ઝાલા અંકલને ફોન કરીને ગડાશેઠના આમંત્રણની જાણ કરી.

"શું વાત કરો છો કુમાર !! ગડાશેઠનો માણસ તમને ઓફિસે મળવા આવ્યો હતો ? આટલો મોટો માણસ તો તમને ફોન કરીને પણ મળવા બોલાવી શકે છે !! " ઝાલા સાહેબ આશ્ચર્યથી બોલ્યા.

" હા પપ્પા. એના માણસે મને કહ્યું કે તમે ગડા શેઠ માટે ખાસ માણસ છો એટલા માટે મને રૂબરૂ આમંત્રણ આપવા માટે મોકલ્યો છે. " મંથન બોલ્યો.

" તો પછી જઈ આવો. સાંભળી તો લો એ શું કહેવા માગે છે ? તમારે હમણાં કોઈ કમિટમેન્ટ ના કરવું. કોઈપણ વાત હોય વિચારવાનો સમય માગી લેવો. " ઝાલા શેઠે શિખામણ આપી.

" તમે ચિંતા નહીં કરો પપ્પા. મને બધાને ટેકલ કરતાં આવડે છે. અને હું કોઈનાથી પણ અંજાઈ જતો નથી. " મંથન બોલ્યો.

" એ તો હું ક્યાં નથી જાણતો ? બેસ્ટ ઓફ લક ! " ઝાલા બોલ્યા અને ફોન કટ કર્યો.

બે દિવસ પછી ગુરુવાર આવતો હતો. મંથને દલીચંદ ગડાના સેક્રેટરીને ફોન કર્યો.

" મંથન મહેતા બોલું છું અંધેરીથી. ગડા શેઠ સાથે જરા વાત કરવી હતી. "

" જી ચાલુ રાખજો લાઈન આપું છું. " સેક્રેટરી બોલ્યો.

" નમસ્તે મંથનભાઈ હું દલીચંદ " ગડા બોલ્યા.

" જી નમસ્તે શેઠ. આપે મને મળવા માટે ખાસ માણસ મોકલ્યો હતો અને આટલું માન આપવા બદલ આભાર. મને ગુરુવારે ફાવે એવું છે. " મંથન બોલ્યો.

" તમે માન ના હકદાર છો મંથનભાઈ. તમારી આવડત અને કાબેલિયતની હું કદર કરું છું. હું હીરા પારખુ ઝવેરી છું.
ગુરુવારે આપણે સાથે જ જમીએ. " દલીચંદ બોલ્યા.

" જી આપનું જમવાનું આમંત્રણ હાલ પૂરતું રિઝર્વ રાખું છું. બાકી આપ જે ટાઈમ આપો એ સમયે હાજર થઈ જઈશ." મંથન બોલ્યો.

" ઠીક છે તો પછી મારી ગાડી તમને લેવા માટે બપોરે એક વાગે આવી જશે. તમે તૈયાર રહેજો. " ગડાએ કહ્યું અને ફોન કટ કરી દીધો. મંથન ને બોલવાનો મોકો જ ના આપ્યો.

બીજા દિવસે બપોરે ૧૨:૫૫ કલાકે ગડાશેઠની મર્સિડીઝ ગાડી લઈને એમનો ડ્રાઇવર મંથનની ઓફિસે પહોંચી ગયો. સદાશિવે ચેમ્બરમાં આવીને મંથનને જાણ કરી.

મંથન તરત ઉભો થયો અને સેક્રેટરીને કહીને ગડાશેઠના ડ્રાઇવર સાથે નીચે ગયો. આજે એ ગ્રે સ્યુટમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. નીચે જઈ એ ગાડીમાં બેઠો. ગાડી જાણે હમણાં જ છોડાવી હોય એટલી નવી હતી.

રન બહુ લાંબો હતો. ડ્રાઇવરે ગાડી એક્સપ્રેસ હાઇવે તરફ લીધી. ત્યાંથી જોગેશ્વરીથી ટર્ન લઈ પવાઈ થઈને મુલુંડ પહોંચતા એક કલાક થયો.

ગડાશેઠની ઓફિસ આવી ગઈ એટલે ડ્રાઇવર નીચે ઉતરી મંથનને દલીચંદ ગડાની ચેમ્બર સુધી લઈ ગયો.

" આવો યંગમેન. તમે તો આજકાલ મુંબઈની બિલ્ડર લોબીમાં હલચલ મચાવી દીધી છે. " કહીને દલીચંદ શેઠે ગુલાબના તાજા ફૂલોના બુકેથી મંથનનું ઊભા થઈને સ્વાગત કર્યું.

" બસ આપ જેવા વડીલોના આશીર્વાદ છે શેઠ " કહીને મંથન ગડાશેઠની સામેની ખુરશી ઉપર બેઠો અને બુકેને ટેબલ ઉપર મૂક્યો.

" મને તમારા જેવા ઉત્સાહી અને સાહસિક યુવાન બહુ ગમે. મેં તમારું આખું અદિતિ ટાવર ખરીદવાની ઓફર મૂકી હોવા છતાં તમે કોઈનો પણ એક રૂપિયો લીધા વગર જે રીતે સ્કીમને ડેવલપ કરી રહ્યા છો અને જે રીતે માર્કેટિંગ કરી રહ્યા છો એ ખરેખર કાબિલે તારીફ છે. આઈ એમ ઇમ્પ્રેસ્ડ." ગડા શેઠ બોલ્યા.

" મારા પિતા વિજયભાઈ મહેતાના બધા ગુણો મારામાં આવ્યા છે. હું જે કામની પાછળ પડું છું એ પૂરું ન થાય ત્યાં સુધી મને ચેન પડતું નથી. ૨૪ કલાક અદિતિ ટાવરના વિચારોમાં જ રહું છું. મારા કામમાં હું ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતો શેઠ. આ મારું પહેલું સાહસ છે. આ સ્કીમને હું શ્રેષ્ઠ બનાવવા માગું છું. મારાં સપનાં બહુ મોટાં છે. મા ગાયત્રી અને ભોળાનાથની મારા ઉપર ખૂબ જ કૃપા છે. " મંથન બોલ્યો.

" કયા બાત હૈ ! તમારો આજ સ્પીરીટ મને ગમે છે. તમને આજે એટલા માટે જ બોલાવ્યા છે. રેસકોર્સમાં પાણીદાર ઘોડા ઉપર જ હંમેશા બધા દાવ લગાવતા હોય છે મંથનભાઈ. મારી ઈચ્છા તમારી સાથે બિઝનેસ કરવાની છે. પેલી બે બેગ દેખાય છે ? " ગડા શેઠે ઈશારો કરીને મંથનને પૂછ્યું.

" જી " મંથન બોલ્યો.

" ૫૦૦ કરોડ કેશ છે. હું ડાયમંડનો વેપારી છું. કન્સ્ટ્રક્શન મારો વિષય નથી. તમે મારી સાથે જોડાઈ જાવ. મારી પાસે ત્રણ લગડી પ્લોટ પડેલા છે. એક જુહુ સ્કીમમાં બીજો બાંદ્રામાં શ્રીમંત મુસ્લિમ એરિયામાં અને ત્રીજો અંધેરીમાં. પ્લોટ મારા, તમામ પૈસા પણ મારા. તમારી કાબેલિયત, તમારું વિઝન અને તમારી મહેનત. નફામાં ૪૦% તમારા ૬૦% મારા. બોલો." દલીચંદ બોલ્યા.

મંથન કઈ બોલ્યો નહીં. બસ વિચારી રહ્યો.

" તમારા કામમાં મારી કોઈ ડખલગીરી નહીં. ત્રણેય પ્લોટ તમને બતાવી દઉં. તમારી પોતાની જ જગ્યા છે અને તમારી પોતાની જ સ્કીમ બની રહી છે એ રીતે તમારે કામ કરવાનું. આ પૈસા તમે આજે પણ સાથે લઈ જઈ શકો છો. " ગડાશેઠ બોલ્યા.

" મને મંજૂર છે. " મંથન બોલ્યો. એને અંદરથી અંતઃસ્ફુરણા થઈ. એને જાણે કોઈ આદેશ આપી રહ્યું હતું કે હા પાડી દે.

ગડાશેઠ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. એમણે મંથન તરફ હાથ લંબાવ્યો. મંથન પણ ઊભો થયો અને ગડા શેઠના હાથ સાથે હાથ મિલાવ્યો.

" કોન્ગ્રેચ્યુલેશન મંથન મહેતા. ગડા શેઠના સામ્રાજ્યમાં તમારું સ્વાગત છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની યોગ્યતા તમારામાં છે. તમે જે ગાડીમાં આજે આવ્યા એ નવી મર્સિડીઝ આજથી તમારી. તમે ડ્રાઇવર રાખી લેજો. ડ્રાઈવરનો પગાર આપણી કંપની કરશે. " ગડાશેઠ બોલ્યા.

મંથન શાંત ચિત્તે સાંભળી રહ્યો. કિસ્મત એને ક્યાંથી ક્યાં લઈ જઈ રહ્યું હતું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)