વારસદાર - 31 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વારસદાર - 31

વારસદાર પ્રકરણ 31

અંબાજીની ભૂમિ ચૈતન્ય ભૂમિ છે. અત્યાર સુધીમાં લાખો કરોડો લોકોએ પોતાની શ્રદ્ધા અંબાજીના ચરણોમાં અર્પણ કરી છે. મા અંબાને જીવંત માનીને લોકોએ પ્રાર્થના કરી છે અને બાધાઓ પણ રાખી છે. વર્ષોથી સતત શ્રદ્ધાનો અને વિશ્વાસનો વરસાદ વરસતો હોય એ મૂર્તિ ચૈતન્યમય બની જાય છે. જાગૃત બની જાય છે અને એટલે જ અત્યારે અંબાજીનું આટલું બધું મહત્વ છે !!

મંથન અંદરથી એક આધ્યાત્મિક જીવ હતો. ગુરુજીની સતત એના ઉપર નજર હતી એટલે એ ભાગ્યશાળી જીવ પણ હતો. આવી ચૈતન્ય ભૂમિ ઉપર એને કોઈ દિવ્ય અનુભવ ના થાય એવું તો બને જ નહીં !

અંબાજીનાં દર્શન કરીને ગબ્બરનો ડુંગર મંથન લોકો ઉતરી રહ્યાં હતાં ત્યારે મંથન અને અદિતિને થોડી સ્પેસ આપવા જયેશ અને શિલ્પા ઝડપથી પગથિયાં ઉતરીને આગળ નીકળી ગયાં હતાં.

મંથન પોતાના મોબાઈલથી આજુબાજુના કુદરતી સૌંદર્યના ફોટા પાડતો ચાલતો હતો. અદિતિ પણ પોતાના મોબાઈલથી એને ગમતાં દ્રશ્યો ઝડપી લેતી હતી.

રસ્તામાં મંથનને એનો જૂનો સ્કૂલ મિત્ર વિક્રમ જાડેજા અચાનક મળી ગયો. એ પણ દર્શન કરીને નીચે ઉતરી રહ્યો હતો.
એણે દૂરથી મંથનને જોયો એટલે ઝડપથી પગથિયાં ઉતરીને નીચે આવી ગયો.

" અરે મંથન તું અહીં ક્યાંથી ?" વિક્રમ બોલ્યો.

" બસ તારી જેમ દર્શન કરવા આવ્યો છું. તું ક્યાં છે અત્યારે ? વર્ષોથી તને જોયો જ નથી. અમદાવાદ છોડી દીધું કે શું ? " મંથન પૂછ્યું.

" હા મેં અમદાવાદ છોડી દીધું છે. તું પણ હમણાં મુંબઈ શિફ્ટ થઈ ગયો છે ને ? " વિક્રમ બોલ્યો.

" હા. પણ તને કેવી રીતે ખબર ? " મંથને આશ્ચર્ય વ્યક્ત કર્યું.

" ગાયત્રી ઉપાસના !! કેટલાક સમયથી હું ધ્યાન અને ઉપાસનામાં ડૂબી ગયો છું. ઘણી બધી વાતો જાણી શકું છું. અને બીજી એક વાત. પોળનું મકાન વેચી ના નાખતો. દર છ મહિને એકવાર આવીને ઘરની સાફ-સફાઈ કરતો રહેજે. " વિક્રમ બોલ્યો.

વિક્રમની વાતોથી મંથન ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

" તું પણ ગાયત્રી પુરશ્ચરણ ચાલુ કરી દે એટલે ઉપરની લીંક પકડાઈ જશે. " વિક્રમ હસીને બોલ્યો.

એ પછી એ મંથનનો હાથ પકડીને એને અદિતિથી થોડેક દૂર લઈ ગયો.

"અદિતિ ખૂબ સારી છોકરી છે. એનું ધ્યાન રાખજે. એનાં પગલાં તારા માટે સારાં છે. અને તું પણ ગાયત્રી મંત્ર કરે છે એ મને ખબર છે. ક્યારે પણ આ મંત્ર તું છોડતો નહીં. એ તને ઘણી બધી બાબતોમાં સુરક્ષા આપશે. થોડી ધ્યાનની પ્રેક્ટિસ પણ ચાલુ કર તો તને ઘણા અનુભવો થશે. તારી ઉપર તારા ગુરુજીની સતત નજર છે. " વિક્રમ બોલ્યો.

"વિક્રમ હવે મને ખરેખર નવાઈ લાગે છે. તું અદિતિનું નામ કેવી રીતે જાણે છે ? અને તારી પાસે અચાનક આટલું બધું જ્ઞાન ક્યાંથી આવી ગયું ? " મંથને પૂછ્યું.

" એ બધું તું છોડ. તારા જીવનમાં બીજું પણ એક પાત્ર મને દેખાય છે. તારા પૂર્વ જન્મ સાથે એનો સંબંધ છે. સમય પાકશે એટલે તારા જીવનમાં આવશે. જો કે એની સાથેનો તારો સંબંધ પવિત્ર જ રહેશે. " વિક્રમ બોલ્યો.

" પરંતુ તને આ બધી કેવી રીતે ખબર પડે છે ? શુ ગાયત્રી મંત્રથી આટલું બધું જાણી શકાતું હોય છે ? " મંથન આશ્ચર્યથી બોલ્યો.

" હા એનાથી તમારું રડાર પાવરફુલ બને છે. અને હું અત્યારે તો તમારાથી બહુ જ દૂર છું અને ગાયત્રીમંત્રનું પુરશ્ચરણ કરું છું. ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં ઘણી બધી ખબર પડી જાય છે. ચાલો હવે હું ફટાફટ નીચે ઉતરું. તમે લોકો શાંતિથી આવો. " વિક્રમ બોલ્યો.

" એક મિનિટ વિક્રમ. હું આપણી એક સેલ્ફી લઈ લઉં. ભવિષ્યમાં ખબર નહીં ફરી ક્યારે મળાશે ! " મંથન બોલ્યો અને એણે એક બાજુ અદિતિ અને બીજી બાજુ વિક્રમને ઊભા રાખી એક સેલ્ફી લઈ લીધી.

" ચાલો હવે હું જાઉં. મારી સલાહ ધ્યાનમાં રાખજે. " કહીને વિક્રમ
સડસડાટ નીચે ઉતરી ગયો. મંથન એને જોતો જ રહી ગયો.

" આ મારો જૂનો મિત્ર વિક્રમ જાડેજા હતો. ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. આટલા વર્ષો પછી આજે હું એને પહેલી વાર મળું છું તો પણ એણે તારું નામ પણ જાણી લીધું. એની વાતોથી મને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે. કોઈ પણ માણસ આટલું બધું કેવી રીતે જાણી શકે ? " મંથન બોલ્યો.

" દુનિયામાં ઘણાં માણસો આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરતાં હોય છે. અને તમારાં લગ્ન મારી સાથે થઈ ગયાં છે એ તો તમારી પોળમાં બધાંને ખબર છે એટલે મારું નામ તો કોઈની પણ પાસેથી મળી ગયું હોય. " અદિતિ બોલી.

" છતાં પણ મને ઘણી નવાઈ લાગી રહી છે. વિક્રમ પાસે આટલી બધી સિદ્ધિઓ આવી જાય એ શક્ય નથી લાગતું. હું તો એને નાનપણથી ઓળખું છું. " મંથન બોલ્યો.

મંથન અને અદિતિ વાતો કરતાં ધીમે ધીમે નીચે ઉતર્યાં ત્યારે તળેટીમાં જયેશ અને શિલ્પા શેરડીના રસવાળા પાસે બાંકડા ઉપર બેઠેલાં હતાં.

" અમે લોકો તમારી જ રાહ જોતા હતા. " કહીને જયેશે રસવાળાને ચાર ફૂલ ગ્લાસ શેરડીનો રસ કાઢવાનો ઓર્ડર આપ્યો.

" અરે તેં પેલા વિક્રમ જાડેજાને જોયો નહીં ? અમારી પહેલાં પહેલાં જ નીચે ઊતર્યો. એ મને રસ્તામાં મળી ગયો હતો. એ આજકાલ ધ્યાન સાધનામાં ખૂબ ઊંડો ઉતરી ગયો છે. " મંથન બોલ્યો.

" તું કયા વિક્રમ જાડેજાની વાત કરે છે ? પેલો શાહપુરમાં રહેતો હતો અને સ્કૂલ વાન ચલાવતો હતો એ ? મારી હોટલ ઉપર પણ ઘણી વાર ચા પીવા આવતો. " જયેશ બોલ્યો.

" હા એ જ ને ! બે ચાર વિક્રમ જાડેજા થોડા હોય ? એ કાપડિયા સ્કૂલમાં મારી સાથે જ ભણતો હતો ને ! " મંથન બોલ્યો.

" પણ એ તને ક્યાંથી મળ્યો હોય ? એ તો ચાર વર્ષ પહેલાં હરિદ્વારમાં ગંગામાં ડૂબી ગયો હતો ને ! તને કંઈ ખબર જ નથી મંથન ? " જયેશ આશ્ચર્યથી બોલ્યો.

" અરે જયેશ તારી કંઈક ભૂલ થાય છે. ગુજરી ગયેલો માણસ મારી સાથે આ રીતે ઉભો રહીને વાતચીત કરે ? દસ મિનિટ મારી સાથે વાતો કરી. એ ધ્યાન સાધનામાં ડૂબી ગયો છે અને ગાયત્રી
પુરશ્ચરણ કરી રહ્યો છે એ પણ વાત કરી. હમણાં અમારા પહેલાં પહેલાં જ નીચે ઊતર્યો. અદિતિને પૂછ." મંથન બોલ્યો.

" હા જયેશભાઈ. મંથન સાચું જ કહે છે. વિક્રમભાઈ અમારી સાથે જ હતા. તમારા ભાઈએ સેલ્ફીમાં એમનો ફોટો પણ પાડ્યો." અદિતિએ સાક્ષી પૂરાવી.

" બતાવ. મને બતાવ તારી સેલ્ફી. હું ખોટું નથી બોલતો. એ વિક્રમ જાડેજા મિત્રો સાથે હરિદ્વાર ઋષિકેશ ફરવા ગયો હતો અને ત્યાં ગંગામાં નહાવા પડ્યો. ધસમસતા પાણીમાં દૂર સુધી ખેંચાઈ ગયો. એની તો લાશ પણ મળી નહીં. એની સાથે બીજા બે મિત્રો પણ ફરવા ગયા હતા. એમણે એના ઘરે ફોન કરી સમાચાર આપેલા. તને આ વાતની કેમ ખબર નથી એનું મને આશ્ચર્ય છે ! " જયેશ બોલ્યો.

હજુ પણ મંથનને વિશ્વાસ આવતો ન હતો. એણે અત્યારે લેટેસ્ટ જે ફોટા પાડ્યા હતા એ બધા ચેક કર્યા. એક ફોટામાં મંથન અને અદિતિની સેલ્ફી હતી પણ મંથનની બાજુમાં કોઈ જ ન હતું. પાછળની પહાડીઓ દેખાતી હતી.

હવે મંથન અને અદિતિ બંને ચમકી ગયાં. જયેશની વાત સાચી હતી. ત્રણ જણની સેલ્ફી લીધી હતી પરંતુ ફોટામાં માત્ર બે જ વ્યક્તિ હતી.

અને આજે વિક્રમે વિચિત્ર વાતો કરી હતી. પોળનું મકાન કદી ના વેચવાનો સંદેશો પણ આપ્યો હતો. અદિતિનું ધ્યાન રાખવાનું પણ કહ્યું હતું. શું એ સૂક્ષ્મ જગતમાંથી મને મળવા માટે ખાસ આવ્યો હતો ? એણે એમ તો મને કહ્યું જ હતું કે અત્યારે હું તમારાથી બહુ જ દૂર છું.

ઘણા સવાલો મંથનના મનમાં ઊભા થયા હતા. પરંતુ એની પાસે એક પણ સવાલનો જવાબ ન હતો.

શેરડીનો રસ આવ્યો એટલે ચારે જણાએ પી લીધો. મંથન જયેશ અદિતિ વગેરે વિચારમાં પડી ગયાં હતાં. આજે ગબ્બરની આ દિવ્ય ભૂમિ ઉપર મંથનને દિવ્ય અનુભવ થયો હતો !!

સાંજે એ લોકો અન્નપૂર્ણા ડાઇનિંગ હોલમાં જમી આવ્યા. બજારમાં ચાલતાં ચાલતાં એક આંટો માર્યો. અદિતિએ અને શિલ્પાએ થોડું શોપિંગ કર્યું. રાત્રે સાડા નવ વાગે ખમાર ભુવન પહોંચી ગયા.

સવારે આઠ વાગે મંદિરમાં અંબાજીનાં ફરીથી દર્શન કરીને એ લોકો અમદાવાદ જવા માટે નીકળી ગયા. અમદાવાદ પહોંચ્યા ત્યારે બપોરના બાર વાગી ગયા હતા એટલે ગાડી સીધી આશ્રમ રોડ ઉપર તોરણ ડાઇનિંગ હોલમાં લીધી.

તોરણ ડાઇનિંગ હોલમાં રસ પુરી અને વિવિધ ફરસાણનું જમણ જમીને ફરી પાછી ગાડી દરીયાપુર વાડીગામ લીધી.

ગાડીનું તમામ બિલ મંથને ચૂકવી દીધું અને ચારે ય જણાં જયેશના ઘરે ગયાં.

બપોરે આરામ કરવા માટે મંથને પોતાનું ઘર ખોલી નાખ્યું અને અદિતિ સાથે સાંજના પાંચ વાગ્યા સુધી આરામ કર્યો.

ચા પીવા માટે બંને જણાં પાછાં જયેશ ના ઘરે પહોંચી ગયાં.

" કેમ જયેશ નથી ઘરે ? " મંથને પૂછ્યું.

" એ કલાક પહેલાં જ હોટલ ઉપર ગયા. એમને ઘરે ક્યાં ચેન પડે છે ? " શિલ્પા બોલી.

" હવે અમે લોકો પણ કાલે મુંબઈ જવાનું વિચારીએ છીએ ભાભી" મંથન બોલ્યો.

" આવ્યા જ છો તો બે ત્રણ દિવસ રોકાઈ જાઓ ને. અહીં ક્યાં કોઈ તકલીફ છે ? " જયેશનાં મમ્મી જયાબેન બોલ્યાં.

" તકલીફ તો કોઈ નથી માસી. મારું ઘર જ છે. પણ અહિયાં ટાઈમ જતો નથી. અને દર્શન કરવાનું મુખ્ય કામ તો પતી ગયું છે. " મંથન બોલ્યો.

" કંટાળો આવતો હોય તો સોમનાથ કે દ્વારકા દર્શન કરી આવો. એ બહાને ફરાશે. " જયાબેને કહ્યું.

" એના માટે ક્યારેક સ્પેશિયલ પ્રોગ્રામ બનાવીશું. મમ્મી પપ્પાને પણ લેતા આવીશું. " મંથને કહ્યું.

સાંજે જયેશના ઘરે કઢી સાથે મેથીના ગોટા અને બટેટાવડાનો પ્રોગ્રામ હતો. જયેશ એના પપ્પા રસિકલાલને બેસાડી સાંજે સાત વાગે જ ઘરે આવી ગયો હતો.

" કાલે સાંજની સાડા ચાર વાગ્યાની ફ્લાઈટ છે જયેશ. કાલે બપોરે આપણે બધા કોઈ પંજાબી રેસ્ટોરન્ટમાં જમવા જઈએ. " મંથન બોલ્યો.

" જેવી તારી ઈચ્છા. મહેમાનને ના થોડી પડાશે ? ક્યાં જવાનું વિચાર્યું છે ?" જયેશે પૂછ્યું.

" સીજી રોડ ઉપર મિર્ચ મસાલા નજીક પડશે. " મંથન બોલ્યો

બીજા દિવસે ૧ વાગે બંને યુગલો સીજી રોડ ઉપર મીર્ચ મસાલામાં પંજાબી ડીશ ખાવા પહોંચી ગયાં.
મંથનની બાઈક મલાડ પડી હતી એટલે જ્યાં પણ જવું હોય ત્યાં રીક્ષા કરવી પડતી. જયેશ અને શિલ્પા બાઈક ઉપર આવ્યાં હતાં. મંથને જયેશને ઘણો રોક્યો છતાં જમવાનું બિલ જયેશે જ ચૂકવ્યું.

જમીને અઢી વાગે ઘરે આવ્યાં ત્યારે મંથને તોરલને જોઈ. એનો વર એને મૂકી ગયો હતો. તોરલ ઓટલા ઉપર જ ઉભી હતી એટલે એણે પણ મંથન અને અદિતિને જોયાં. એને એ વાતનો સંતોષ થયો કે આટલી સુંદર પત્ની મંથનને મળી હતી ! સાથે સાથે મંથનની સાથે અદિતિને જોઈ તોરલને સ્ત્રી સહજ થોડી ઈર્ષા પણ થઈ.

સાડા ચાર વાગ્યાનું ફ્લાઇટ હતું એટલે ત્રણ વાગે તો ઘરેથી નીકળી જવું પડે તેમ હતું.

શિલ્પાએ બન્ને માટે ફટાફટ ચા મૂકી દીધી. એ દરમિયાન મંથન અને અદિતિ ઘરે ગયાં અને ઘર ખોલીને મમ્મીના ફોટાને વંદન કર્યાં અને એ ફોટાને ઉતારીને પોતાની બેગમાં મૂકી દીધો. ફરી પાછું ઘરે લોક મારીને બેગ લઈ જયેશના ઘરે આવી ગયાં.

ત્રણ વાગે મંથને વિદાય લીધી. પોળના નાકા સુધી જયેશ શિલ્પા અને જયાબેન વળાવવા આવ્યાં. રસ્તામાં તોરલની મમ્મી રંજનબેને અદિતિના હાથમા સો રૂપિયા આપ્યા. અદિતિ નીચે નમીને એમને પગે લાગી. સવિતા માસીએ પણ સો રૂપિયાની નોટ આપી. અદિતિએ એમને પણ પ્રણામ કર્યા. મંથનની વહુ પહેલીવાર પુનિતપોળમાં સાસરે આવી હતી.

વાડીગામથી મંથને રીક્ષા જ કરી લીધી. અડધી કલાકમાં તો બંને એરપોર્ટ પહોંચી ગયાં.

" મને તો તમારા અમદાવાદમાં બહુ મજા આવી. મુંબઈના ધમાલિયા જીવન કરતાં અહીં કેટલી બધી શાંતિ છે ? કોઈ વાતમાં ઉતાવળ નથી. " ડીપાર્ચર લોન્જમાં બેસીને આદિતિ મંથનને કહી રહી હતી.

" તને જો અમદાવાદ પસંદ હોય તો આપણે અમદાવાદ શિફ્ટ થઈ જઈએ. સ્કીમો તો અહીંયા પણ બની શકે છે." મંથન હસીને બોલ્યો.

" શું તમે પણ ! મારા કહેવાનો મતલબ એવો નથી. ધંધા માટે તો મુંબઈ જ બેસ્ટ છે. હું તો જસ્ટ વાત કરું છું કે અહીંની શાંતિ મને બહુ ગમી. કોઈ હાયવોય નથી. " અદિતિ બોલી.

એનાઉન્સમેન્ટ થયું એટલે બધા ઊભા થઈ ગયા અને લાઈનસર બહાર ઊભેલી બસમાં બેસીને મુંબઈ જનારા ફ્લાઈટમાં ગોઠવાઈ ગયા.

સાન્તાક્રુઝ એરપોર્ટ પહોંચ્યા ત્યારે સાંજના છ વાગી ગયા હતા. એરપોર્ટ થી ટેક્સી કરીને મંથન અને અદિતિ સુંદરનગર પહોંચી ગયાં.

વીણામાસી સાથે ફોન ઉપર વાતચીત થઈ ગયેલી હતી એટલે માસીએ રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી હતી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Hiren Patel

Hiren Patel 2 અઠવાડિયા પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 5 માસ પહેલા

M V Joshi M

M V Joshi M 2 માસ પહેલા

MAYURI PATEL

MAYURI PATEL 3 માસ પહેલા