Varasdaar - 30 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 30

વારસદાર પ્રકરણ 30

ઝાલા અંકલે બીજા પચાસ કરોડની વાત કરી એટલે મંથનના પગમાં જોર આવી ગયું. એટલું જ નહીં પોતે ખરેખર હવે સાચા અર્થમાં કરોડોપતિ બની ચૂક્યો છે એનો અહેસાસ પણ એને થયો. દુનિયામાં પૈસાની તાકાત કેટલી છે એનો તો એને નાનપણથી જ અનુભવ હતો.

ઝાલા અંકલે તો ત્યાં સુધી કહ્યું કે મારી પાસે પણ ઘણી મોટી રકમ છે એનો મતલબ કે એમની પાસે પણ ત્રીસ ચાલીસ કરોડ તો હશે જ. તો પછી સ્કીમ મૂકવા માટે દલીચંદ પાસેથી ફાઇનાન્સ લેવાની જરૂર જ નથી. દલીચંદ શેઠ પૈસા રોકીને તગડો પ્રોફિટ લઈ લે એના કરતાં તો પોતે જ કમાઈ શકે એમ છે !

બીજા દિવસે સવારે ૭ વાગે મંથને ઝાલા અંકલને ફોન કર્યો અને જ્યાં અદિતિ ટાવરની સ્કીમ મૂકવાની છે એ ગોરાઈ લિંક રોડવાળો પ્લોટ જોવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી.

" અરે તો તમે અત્યારે જ આવી જાઓ ને ? તમને આખો પ્લોટ બતાવી દઉં જેથી સ્કીમનો આખો આઈડિયા તમને આવી જશે. " ઝાલા બોલ્યા.

" ઠીક છે પપ્પા. હું અત્યારે જ ગાડી લઈને નીકળું છું. પોણા કલાક પછી તમે તૈયાર રહેજો. મયુર ટાવર પહોંચીને તમને ફોન કરીશ. તમે નીચે આવી જજો. " મંથન બોલ્યો.

મંથન સવારે ૮ વાગે જ નીકળી ગયો. અને ઝાલા અંકલને લઈ ગોરાઈ લિંક ઉપરની સાઈટ ઉપર સવા નવ વાગે પહોંચી ગયો. સુવિદ્યા સ્કૂલ પાસે એકદમ રોડ ટચ વિશાળ પ્લોટ હતો. એરિયા પણ ખૂબ જ ડેવલપિંગ હતો.

મંથને કંપાસથી બધાં ડાયરેક્શનની નોંધ લઈ લીધી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ બાજુ ગેટ મૂકવો, કઈ બાજુ જગ્યા ખુલ્લી રાખવી, કઈ બાજુ કન્સ્ટ્રક્શન કરવું અને ક્યાં પાર્કિંગ રાખવું વગેરે માર્કિંગ એની ડાયરીમાં ડ્રોઈંગ કરીને કરી દીધું. બોર મુકવાનું લોકેશન પણ નોંધી લીધું. લંબાઈ પહોળાઈ સાથેનો પ્લોટનો લે આઉટ ઝાલા અંકલ પાસે હતો જ એટલે એની પણ એક ઝેરોક્ષ એણે પાછા વળતી વખતે કરાવી લીધી.

"ચાલો હવે આવ્યા જ છો તો ઘરે ચા પાણી પીને જજો. " મયુર ટાવર આવ્યું એટલે ઝાલા અંકલ બોલ્યા.

"ના પપ્પા. હવે હું નીકળી જાઉં. હું મારી રીતે સ્કીમની ડિઝાઇન બનાવવા માગું છું. આર્કિટેક્ટ વર્ક પણ મને ફાવે છે. " મંથન બોલ્યો.

" વાહ.. તો તો બહુ સરસ. તમારી આ લગન અને ધગશ મને ગમી. અને બીજું તમે ગાડીનું ડ્રાઇવિંગ ખુબ સરસ રીતે શીખી લીધું છે. " ઝાલા અંકલ બોલ્યા અને ગાડીમાંથી નીચે ઉતરી ગયા. મંથને ગાડી મલાડ તરફ લીધી.

બપોરે જમીને મંથન કોમ્પ્યુટર ઉપર બેસી ગયો અને ૫૦૦૦ ચોરસ વારમાં ૩૦ ટકા રોડ સાઈડ માર્જિન છોડીને કેટલી જગ્યામાં ટાવર બની શકે, ક્યાં પાર્કિંગ રાખી શકાય વગેરે ગણતરી કરતો ગયો. અલગ અલગ પ્લાન બનાવીને સેવ કરતો ગયો.

ટાવર્સનું લોકેશન એણે ફાઇનલ કરી દીધું એ પછી ફ્લેટની અંદરની ડિઝાઇન એણે બનાવવાનું શરૂ કર્યું. કોમ્પ્યુટરમાં કેટલાંક તૈયાર મોડલનો પણ એણે અભ્યાસ કર્યો. છેવટે બે ફાઇનલ ડિઝાઇન એણે સેવ કરી લીધી.

બે કલાક સુધી મહેનત કરી અને અદિત્ય ટાવર્સ નો આખો પ્લાન એણે કોમ્પ્યુટરમાં બનાવી દીધો અને પછી કલર પ્રિન્ટ આઉટ કાઢવા માટે એ પ્લાન મોબાઈલમાં ટ્રાન્સફર કરી દીધો.

સાંજે એણે નજીકના કલર ઝેરોક્ષવાળા નું એડ્રેસ શોધી કાઢ્યું અને ત્યાં જઈને આર્ટ પેપર ઉપર કલર પ્રિન્ટ આઉટ કઢાવી લીધી. સેમ્પલ તરીકે બે અલગ અલગ બ્રોશર એણે બનાવી દીધાં.

રાત્રે એણે અદિતિને બ્રોશર બતાવીને સરપ્રાઈઝ આપી દીધું. મોટા અક્ષરે અદિતિ ટાવર્સની નીચે ગાલા બિલ્ડર્સ નું ઓફિસ એડ્રેસ પણ આપેલું હતું.
ઓફિસમાં લેન્ડ લાઈન ફોન લેવાનો બાકી હતો એટલે ફોન નંબર લખવાના બાકી રાખ્યા હતા.

બીજા દિવસે સવારે નવ વાગે મંથન અદિતિને લઈને બોરીવલી ગયો. અગાઉથી ફોન કરી દીધો હતો એટલે જમવાનું ઝાલા અંકલના ઘરે જ હતું.

ડ્રોઈંગ રૂમમાં બેસીને મંથને અલગ અલગ ડિઝાઇનનાં બંને સેમ્પલ બ્રોશર ઝાલા સાહેબના હાથમાં મૂક્યાં.

ઝાલા તો બ્રોશર જોઈને છક થઈ ગયા. મંથન કોઈ આર્કિટેકટથી કમ ન હતો. એણે બંને ટાવરની જે ડિઝાઇન બનાવી હતી અને ૧૮૦૦ ચોરસ ફૂટના ફ્લેટની પણ જે ડિઝાઇન બનાવી હતી એ ખરેખર અદભુત હતી !! એમને તો કલ્પના જ ન હતી કે એક જ દિવસમાં મંથન આટલું સરસ ડ્રોઈંગ વર્ક કરી શકશે !!

" કુમાર... તમારી પાસે ઘણી બધી આવડત અને સ્કીલ છે. આટલી અદભુત સ્કીમ જોઈને કોઈપણ વ્યક્તિ ફ્લેટ લેવા માટે આકર્ષાઈ જાય. ક્યાં કઈ ટાઇલ્સ વાપરવાની છે એનો પણ ઉલ્લેખ તમે કરેલો છે. નળ પણ તમે જગુઆરના પસંદ કર્યા છે. અમદાવાદ જેવા નાના શહેરમાં રહીને પણ તમે ઘણા બધા એડવાન્સ છો !! " ઝાલા અંકલ બોલ્યા.

"થેંક યુ પપ્પા. હવે બીજી એક વાત. બે દિવસ પછી અદિતિને લઈને હું અમદાવાદ જઉં છું. મારે અંબાજીનાં દર્શન પણ કરવાં છે અને અદિતિને મારું ઘર પણ બતાવવું છે." મંથન બોલ્યો.

" હા હા કુળદેવીનાં દર્શન તો કરવાં જ જોઈએ. ટિકિટ આવી ગઈ છે ? " ઝાલા અંકલ બોલ્યા.

" ફ્લાઈટમાં જવાનું વિચાર્યું છે. ટિકિટ આજે હું લઈ લઉં છું. " મંથન બોલ્યો.

આજે જમવામાં સરયૂબા એ છુટા મગ રોટલી અને કઢી ભાત બનાવ્યાં હતાં. ૧૧:૩૦ વાગે બધાં સાથે જ જમવા બેસી ગયાં.

મંથન અને અદિતિ સાંજ સુધી મયુર ટાવરમાં જ રોકાઈ ગયાં અને સાંજે પાંચ વાગ્યે મલાડ જવા નીકળી ગયાં.

ઘરે જઈને મંથને અમદાવાદ જવા માટે બે દિવસ પછીની ફ્લાઈટની ટિકિટો બુક કરાવી દીધી.

" માસી અમે બે દિવસ પછી શુક્રવારે અમદાવાદ જઈએ છીએ. અંબાજીનાં દર્શન કરવાની ઈચ્છા છે. અદિતિને આપણી પોળ પણ બતાવી દઉં. એક બે દિવસ ત્યાં રોકાઈશું. " મંથને વીણામાસીને કહ્યું.

"હા તમે લોકો જઈ આવો ભાઈ. જો સમય હોય તો મોટા અંબાજી પણ દર્શન કરી આવજો. તારી મમ્મી પણ અંબાજી ને બહુ જ માનતી. " વીણા માસી બોલ્યાં.

શુક્રવારનો દિવસ આવી ગયો. સવારે સાત વાગ્યાનું ફ્લાઇટ હતું. મંથને તિજોરીમાંથી ઝાલા અંકલે સગાઈ વખતે આપેલા શુકનના ૫૦૦૦ રૂપિયા પણ માતાજીને અર્પણ કરવા માટે સાથે લઈ લીધા. એ પછી એ લોકો છ વાગે એરપોર્ટ ઉપર પહોંચી ગયા.

અમદાવાદ લેન્ડ થયા પછી એરપોર્ટ થી દરીયાપુર વાડીગામ જયેશની હોટલ સુધીની રીક્ષા જ કરી લીધી.

" અરે આવો આવો ભાભી. વેલકમ ટુ અમદાવાદ. " મંથન અને અદિતિ ને જોઈને જયેશ બોલ્યો.

" અલ્યા તને માત્ર અદિતિજ દેખાય છે ? આવડો મોટો હું તને દેખાતો નથી ? " મંથન હસીને બોલ્યો.

" તું તો ઘરનો છે ભલા માણસ. સ્વાગત મહેમાનોનું કરવાનું હોય ! " જયેશ બોલ્યો.

" હવે તમારે લોકોને હોટલની ચા પીવાની ઈચ્છા છે કે સીધા ઘરે જ લઈ જાઉં? " જયેશે પૂછ્યું.

" ચા તો ભાભીના હાથની જ પીવી છે. હોટેલની મસાલા અને ફુદીના વગરની કડક ચા અદિતિને ના ફાવે." મંથન બોલ્યો.

જયેશે એના નોકર બાલુને હોટલ સોંપી અને ગલ્લા ઉપરથી નીચે ઉતરી બહાર આવ્યો. બધાં ચાલતાં ચાલતાં પુનિત પોળમાં દાખલ થયા. મંથનની સાથે અદિતિને જોઈને પોળના રહીશોની આંખો ચાર થઈ ગઈ. હિરોઈનને પણ ટક્કર મારે એવી ગોરી અદિતિ લાલ ઘરચોળામાં શોભી રહી હતી.

જયેશનું ઘર પોળમાં સૌથી છેલ્લે હતું. રસ્તામાં વચ્ચે મંથને પોતાનું ઘર અદિતિને બહારથી બતાવ્યું. અદિતિ મંથનના ઘર પાસે બે મિનિટ માટે ઉભી રહી. મનોમન એણે એની સાસુને વંદન કર્યાં. પગથિયાને સ્પર્શ કરી પગથિયાની ધૂળ માથે ચડાવી.

અદિતિ જયેશના ઘરમાં પ્રવેશી એટલે શિલ્પાએ પ્રેમથી એનું સ્વાગત કર્યું. હવે તો બંને વચ્ચે ઘણી મિત્રતા અને ઓળખાણ થઈ ગઈ હતી એટલે કોઈ સંકોચ રહ્યો ન હતો.

" આવો ભાભી. હવે તમારે મારા ઘરે ઓછામાં ઓછું એક અઠવાડિયું રોકાવું પડશે. તમે તમારા સાસરે આવ્યાં છો. મહેમાનગતિ કરવાનો હવે અમારો વારો ." શિલ્પા ભાવથી બોલી.

" હા મંથન શિલ્પા સાચું કહે છે. ઉતાવળ ના કરતો. ભાભીને થોડા દિવસ અમદાવાદની હવા માણવા દે." જયેશ બોલ્યો.

" તું ચિંતા ના કર. મુંબઈ જવાની મને કોઈ જ ઉતાવળ નથી અદિતિ જ્યાં સુધી કહેશે ત્યાં સુધી હું રોકાઈશ." મંથને જવાબ આપ્યો.

શિલ્પાએ મહેમાનો માટે આજે ખાસ કંસાર બનાવ્યો હતો. સાથે દાળ ભાત શાક અને રોટલી પણ હતાં.

મંથને રસોઈ બને ત્યાં સુધીમાં મંજુબેન ને બોલાવીને પોતાનું આખું ઘર સાફસુફ કરાવી દીધું અને મંજુબેનના હાથમાં ૫૦૦ રૂપિયાની નોટ આપી.

ઘરની સાફ-સફાઈ થઈ ગઈ પછી મંથન અદિતિને લઈને પોતાના ઘરમાં ગયો. મુખ્ય રૂમમાં લટકતા ગૌરીના ફોટા સામે મંથન અને અદિતિએ પ્રણામ કર્યા. પોતાનું ઘર હતું એટલે મંથને આ ઘરમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. ભલે બે ટાઈમ જમવા માટે જયેશના ઘરે જવું પડે !

અદિતિએ પોતાની રીતે ઘરની અંદરની ગોઠવણીમાં થોડા ફેરફાર કર્યા. કેટલીક બાબતોમાં સ્ત્રીઓની સૂઝ અલગ જ હોય છે. મેડી ઉપર જઈને પણ એણે થોડી ગોઠવણી ચેન્જ કરી અને નવો લુક આપ્યો.

તમામ પાડોશીઓ સાંજે એક પછી એક મંથનના ઘરે મંથનને મળવા માટે આવ્યાં. ખાસ તો અદિતિને ધારી ધારીને જોવા માટે જ આવ્યાં. અદિતિને જોવા આવનારાઓમાં સવિતામાસી પણ હતાં. અદિતિએ બધા સાથે ખૂબ જ પ્રેમાળ વ્યવહાર કર્યો. જે પણ આવે એને આઈસ્ક્રીમ ખવડાવ્યો. સૌના મન ઉપર અદિતિએ સુંદર છાપ છોડી.

બીજા દિવસે શનિવારે સવારે ૮ વાગે મંથન અને અદિતિ રીક્ષામાં માધુપુરા અંબાજીનાં દર્શન કરવા માટે ગયાં. દર્શન કરીને ઝાલા અંકલે શુકનના આપેલા ૫૦૦૦ પણ અંબાજીના મંદિરમાં અર્પણ કર્યા. ત્યાંથી એ જ રિક્ષામાં કેમ્પના હનુમાનજીનાં દર્શન પણ કરી આવ્યાં અને વળતી વખતે શાહીબાગ ગાયત્રી મંદિર પણ ગયાં. ઘરે આવ્યા ત્યારે ૧૧:૩૦ વાગી ગયા હતા એટલે જમવા માટે જયેશ ના ઘરે ગયાં.

" જયેશ કાલે રવિવાર છે તો મોટા અંબાજી જવાનું વિચારું છું. તમે બેઉ જણાં તૈયાર થઈ જાઓ તો આપણે ઇનોવા જ કરી લઈએ. " મંથન બોલ્યો.

" મારે પણ લગ્ન પછી અંબાજી જવાનું હજુ બાકી જ છે. ઠીક છે તો પછી એમ જ કરીએ. હું અને શિલ્પા પણ આવીશું. "

સાંજે મંથન રફીકની પાસે ગયો. રફીક એને મળીને ખુશ થઈ ગયો.

" કબ આયા મુંબઈ સે ? "

" ગઈકાલનો આવેલો છું. કુળદેવીનાં દર્શન કરવાં છે એટલે અદિતિને પણ લાવ્યો છું. મારે કાલે સવારે અંબાજી જવા માટે ઇનોવા બુક કરાવવી છે. જયેશ અને શિલ્પા પણ સાથે આવે છે." મંથન બોલ્યો.

" સ્કોર્પિયો મેં જાના હો તો સ્કોર્પિયો તો મિલ જાયેગી. લેકિન ઇનોવા મેં જાના હો તો મુજે પૂછના પડેગા. એક મિનિટ ઠેહેર. " રફીક બોલ્યો.

રફીકે કોઈને ફોન લગાવ્યો. "ભાઈજાન રફીક બોલતા હું દરીયાપુર સે. કલ સુબાહ અંબાજી જાને કે લિયે ઇનોવા ચાહિયે થી. જરા દેખો ના. "

સામેથી એને બે મિનિટ વેઇટ કરવાનું કહેવામાં આવ્યું. બે ત્રણ મિનિટ પછી સામેથી કોઈએ કંઇક કહ્યું એટલે રફીકે મંથન સામે જોયું.

" કિતને બજે નિકલના હૈ ઇનોવા મિલ જાયેગી. " રફીકે મોબાઈલ સાઈડમાં લઈને મંથનને પૂછ્યું.

" સવારે સાત વાગે નીકળી જઈશું. જયેશની હોટલ પાસે જ ગાડી ઉભી રાખે એમ કહેજે " મંથન જવાબ આપ્યો.

" ઠીક હે ભાઈ કલ સુબે સાત બજે નિકલના હૈ. આપ ટાઇમ પે વાડીગામ અંબિકા હોટલ કે પાસ ગાડી ભેજ દેના. " રફીકે સામેવાળાને કહ્યું અને એણે ફોન કટ કર્યો.

બીજા દિવસે સવારે મંથન અદિતિ જયેશ અને શિલ્પા અંબાજી દર્શન કરવા નીકળી ગયાં. વિસનગર પાસે રોડ ઉપરની એક હોટલમાં ચા નાસ્તો કરી ૧૧ વાગે અંબાજી પણ પહોંચી ગયાં.

" હવે આપણે હોટલમાં ઉતરવું છે કે પછી કોઈ ધર્મશાળા પકડવી છે ? " અંબાજી નજીક આવ્યું એટલે જયેશે મંથન ને પૂછ્યું.

" આપણે તો માત્ર બે કલાક જ બપોરે આરામ કરવો છે એટલે હોટલ લેવાનો કોઈ મતલબ નથી. કોઈ સારી ધર્મશાળામાં જ હોલ્ટ કરીએ. " મંથન બોલ્યો.

" મંદિરની પાછળના ભાગમાં ખમાર ભુવન લઈ લે. " જયેશે ડ્રાઇવરને સૂચના આપી. જયેશ વર્ષોથી દર વર્ષે એકવાર અંબાજી આવતો હતો.

ખમાર ભુવનમાં પહોંચીને બે રૂમ રાખી લીધા. બેગ મૂકી દીધી અને બંને યુગલો અંબાજીનાં દર્શન કરવા માટે ગયા. રવિવાર ન હતો છતાં લાઈન ઘણી હતી. પંદરેક મિનિટ લાઈનમાં ઊભા રહેવું પડ્યું પણ પછી સરસ રીતે દર્શન થઈ ગયાં.

છેલ્લાં કેટલાક વર્ષોમાં મંદિરનો ખૂબ જ સરસ વિકાસ થયો છે. અદિતિને પણ આ ભવ્ય મંદિર ગમી ગયું. મંથને એને સમજાવ્યું કે આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી માત્ર યંત્રની જ પૂજા થાય છે છતાં મૂર્તિની જેમ સજાવટ થાય છે.

મંદિરની પાછળ કાર્યાલયની ઓફિસમાં મોહનથાળનો પ્રસાદ મળે છે. બંને યુગલોએ ૧૦૦ ૧૦૦ રૂપિયાની કુપન લઈ પ્રસાદ લઈ લીધો.

જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મંથન લોકો પેટ્રોલપંપ પાસે આવેલી તુલસી રેસ્ટોરન્ટમાં ગયા અને ગુજરાતી થાળીનો ઓર્ડર આપ્યો. જમવાનું પ્રમાણમાં સંતોષકારક હતું.

જમ્યા પછી ફરી પાછા ખમાર ભુવન ગયા અને ચાર વાગ્યા સુધી આરામ કર્યો.

અંબાજી એકાવન શક્તિપીઠોમાંનું એક હતું અને મુખ્ય શક્તિપીઠ ગબ્બરના ડુંગર ઉપર હતી એટલે મુખ્ય શક્તિપીઠનાં દર્શન કરવા માટે એક વાર ગબ્બરનાં દર્શન કરવાં જરૂરી હતાં.

ચાર વાગે ચા પાણી પીને બંને યુગલો ઈનોવામાં બેસીને ગબ્બરની તળેટીમાં ગયાં અને ત્યાંથી ડુંગરનાં પગથિયાં ચઢવાનું ચાલુ કર્યું. ઘણા બધા લોકો ગબ્બર ચઢી રહ્યા હતા. યુવાનીમાં ડુંગર ઉપર ચઢવાની મજા જ કંઈ ઓર હોય છે !

ઉપર પહોંચ્યા પછી બંને યુગલોએ ભાવપૂર્વક મા અંબાનાં દર્શન કર્યાં અને શ્રીફળ પણ અર્પણ કર્યું. અહીં અખંડ જ્યોત હંમેશા ચાલુ રહેતી. અદિતિએ કુળદેવીની દિલથી પ્રાર્થના કરી.

ખૂબ જ રમણીય જગા હતી. પર્વત ઉપર સફેદ વાદળીઓ ઝડપથી એક બીજીની પાછળ દોડી રહી હતી ! ઉપરથી આજુબાજુનો સમગ્ર વિસ્તાર દેખાઈ રહ્યો હતો અને દૂર દૂર માઉન્ટ આબુ પર્વતની પણ ઝાંખી થતી હતી !!

રમણીય લોકેશન જોઈને અદિતિ ખૂબ જ ખુશ થઈ ગઈ. નાની નાની વાદળીઓ એના શરીરનો સ્પર્શ કરીને આગળ વધતી હતી અને ઠંડકનો ભીનો ભીનો અહેસાસ કરાવી જતી હતી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED