Talash 2 - 29 books and stories free download online pdf in Gujarati

તલાશ - 2 ભાગ 29

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  

 "દિલીપ, હવેના 10-12 કલાક બહુ ભારે છે. હજી માત્ર સુમિત ને જ શંકા છે કે સ્નેહા ગાયબ છે. એ કદાચ તારી પાસે સ્નેહા બંગલેથી નીકળી એ વખતના ફૂટેજ માંગશે" મોહનલાલે કહ્યું.

"માંગશે નહીં એમને મારી પાસે માંગ્યા અને એરપોર્ટ પર કોઈ સેમ પરેરા નામના પાઇલટને પહોંચાડવાનું કહ્યું હતું. રામજી એ આપવા જ ગયો છે. એ પાઇલટ અત્યારે કલાકમાં દુબઈ જવાનો છે ફ્લાઈટ લઈને." દિલીપ ભાઈ એ કહ્યું. 

"સ્માર્ટ બોય. દિલીપ, એ બહુ જ હોશિયાર છે. તે મોકલતા પહેલા ફૂટેજ ચેક તો કર્યા ને? મોહનલાલે આશંકાથી પૂછ્યું.

"હા મોહનલાલજી, 38 વર્ષ થયા મને અહીં કામ કરતા. બધું તમારી પાસેથી જ શીખ્યો છું. "

"હા, પણ છતાંયે.."

"મેં ફૂટેજ જોયા સ્નેહા મેડમ એમના બેડરૂમ માંથી નીચે આવ્યા પોર્ચમાં એમની કાર ઉભી હતી. ડ્રાઈવર રામજીએ કારનો પાછલો દરવાજો ખોલ્યો. મેડમ કારમાં બેઠા. અને કાર એરપોર્ટ તરફ ગઈ. લગભગ 45 મિનિટ પછી મેડમનો મને અને તમને એસએમએસ આવ્યો કે હું એરપોર્ટ પહોંચી ગઈ છું. એરપોર્ટના ફુટેજમાં પણ ક્લિયર છે કે મેડમ એરપોર્ટ પાર્કિંગ માં ઉતર્યા. ત્યાં પહેલી ટ્રોલીમાં પોતાની બેગ મૂકી અને પછી અંદર ગયા. અને પછી લગભગ અડધો કલાકે રામજી અહીં કાર મૂકીને ગયો."  દિલીપભાઈ એ એક શ્વાસે આખી વાત કહી. 

"ઓકે. ચાલ હવે આ નંબર પર જ વાત કરજે." કહી મોહનલાલે ફોન બંધ કર્યો એના ફોનનું મોડલ નવું જ હતું ગયા અઠવાડિયે જ અમેરિકામાં લોન્ચ થયેલ ડ્યુઅલ સિમ વાળું અને મોહનલાલે પોતાના રેગ્યુલર સીમ થી નહીં અજાણ્યા નંબર વાળા સીમ થી દિલીપ ને ફોન કર્યો હતો. 

xxx

"પણ એ છટકી કેવી રીતે ગઈ." ચઢ્ઢા એના માણસ ને પૂછી રહ્યો હતો. 

"સર, અમને કેવી રીતે ખબર પડે. અમે તો સ્પોટ પર હાજર જ હતા." 

"તને ખાતરી છે કે એ એરપોર્ટ નહોતી પહોંચી? ચઢ્ઢાએ ભાર દઈ ને પૂછ્યું. 

"હા સર, મારી પાસે એનો ફોટો હતો અને મારા માણસોને એની કોપી આપી હતી."

"હું તારો કેટલો વિશ્વાસ કરું? યાદ રાખજે. તારી બીબી અને બેટી 100, 100 રૂપિયામાં..."

"મને ખબર છે સાહેબ મારી દીકરી ની કસમ એ એરપોર્ટ પહોંચી જ નથી."

"પણ ઘરે થી તો મુંબઈ જવા નીકળી ગઈ છે અને એ પણ મારી માશુકા મિસિસ ભટનાગરને બ્લેકમેલ કરીને"

"સાહેબ એ બધી મોટા લોકોની વાતો તમે મોટા જાણો. હું ખાતરીપૂર્વક કહું છું કે એ એરપોર્ટ પહોંચી જ નથી."

"ઠીક છે તારો વિશ્વાસ કરી ને હું મારી નવી ચાલ ચાલુ છું જો હું ફસાયો તો યાદ રાખજે. તારા અને તારા કુટુંબને નર્કથી બદતર અનુભવ થશે."

xxx

જયારે સુમિત દુબઈમાં રાતના બાર વાગ્યે વ્યગ્રતા પૂર્વક પોતાની હોટલના કમરામાં આંટા  મારતા મારતા સ્નેહા ક્યાં છે એ વિચારી રહ્યો હતો એને 3 વાગ્યે એરપોર્ટ દિલ્હીના 

બંગલોના ફૂટેજ એનો મિત્ર સેમ પરેરા લાવવાનો હતો એ લેવા જવું હતું. તો એ જ વખતે મુંબઈમાં રાતના દોઢ વાગ્યે જીતુભા મોહનલાલે મોકલેલ ડીવીડી અને પૃથ્વી એ આપેલ ફાઈલ પોતાની હેન્ડબેગમાં ગોઠવી રહ્યો હતો. જયારે અમેરિકામાં બેઠેલા અનોપચંદને સુમિતે સ્નેહની કોઈ જાણકારી ન આપી હોવાથી  વ્યગ્ર હતો. ગઈ કાલે અડધી રાત્રે મુકેશે એને ફોન કરી ને એવા ન્યુઝ આપ્યા હતા કે એની ઊંઘ ઉડી ગઈ હતી. પણ એ એક મરણિયો યોદ્ધા હતો. જયારે સરદાર પટેલે એને આ યુદ્ધમાં ધકેલ્યો ત્યારથી જ એ બધું હારવાની તૈયારીમાં જ દરેક યુદ્ધ લડતો પણ છતાંયે સ્નેહા એની મોટી પુત્રવધુ હતી એના મિત્ર ની દીકરી હતી. એને મુસીબતમાં મૂકી ભારત બહાર નીકળવું એને ગમ્યું નહોતું અને એને જે આશંકાઓ હતી એ મુજબ જ સ્નેહના છેલ્લા 9-10 કલાકથી કોઈ ખબર ન હતી. બપોર પછીની મિટિંગની તૈયારીમાં એનું મન લાગતું ન હતું. તો લંડનમાં નીતાએ બ્રિટન ટુડે ના માલિકની સાથેની ડીલ હમણાં જ પૂરી કરી ત્યારે સાંજના સાત વાગ્યા હતા. એ એકલી પડી એટલે તરત એણે પોતાની દીદી સ્નેહાને ખુશ ખબર આપવા ફોન લગાવ્યો. પણ સ્નેહા નો ફોન સ્વીચ ઑફ જ આવતો હતો. એજ વખતે 200 ફૂટના સ્વચ્છ કમરામાં કેદ સ્નેહા પોતાના બેટરી અને સીમકાર્ડ વગર નક્કામા થઈ ગયેલા મોબાઈલ ને હાથમાં પકડીને બેઠી હતી એની ઊંઘ ઉડી ગઈ હતી. એણે 2-4 પ્રયાસ શાંતા - કાંતા પાસેથી કંઈક નવું જાણવાના કર્યા પણ બંને મૂંગી હોય એમ કઈ બોલી ન હતી. આ બાજુ મુંબઈમાં મોહનલાલને નીંદર આવતી ન હતી.સુમિત નું સવારે ફૂટેજ જોયા પછી શું રિએક્શન હશે. એ જ વિચાર એને આવતા હતા. તો એક બાજુ દિલ્હીમાં ચઢ્ઢા એના પ્લાનમાં ફાચર વાગે એવું કંઈક નવું કરવાની  તૈયારીમાં હતો. બધું મનોમન નક્કી કરી ને એણે કોઈને ફોન જોડ્યો. 

xxx

"સર, સર, એક બ્રેકિંગ ન્યુઝ છે. સવારની એડિશનમાં ફેરફાર કરવો પડે એવા." સિનિયર રીપોર્ટરના આવા ફોનથી અખબાર ના તંત્રી સફળ બેઠા થઇ ગયા. કેમ કે એ રીપોર્ટરના કોઈ ન્યુઝ કદી હમ્બગ ન જ હોય એવી એમને ખાતરી હતી. એણે બેઠા થઇ ને આખા ન્યુઝ શાંતિથી સાંભળ્યા. અને પછી કહ્યું. જો હજી 2 વાગ્યા છે. પુરી તપાસ કરીને મને ડિટેલ માં ન્યુઝ લખીને ઈ મેઈલ કર અને હા બંગલાના અને એના ફોટા ની પણ વ્યવસ્થા કર. સવારે અખબારની સાથે જ આપણી નવી જ લોન્ચ થયેલ ન્યુઝ ચેનલ માં પણ આ બ્રેકિંગ ન્યુઝ આપશું. જો વાત પાકી હોય તો તારું પ્રમોશન પાક્કું. આવતા મહિને હું એ ચેનલમાં ડાયરેક્ટર બનવાનો છું તને સિનિયર રિપોર્ટર ડેસ્કની પોસ્ટ હું અપાવી દઈશ. પણ બીજે ક્યાંય.."

"સર," પોરસાતા સિનિયર રિપોર્ટરે કહ્યું. "મારો સોર્સ મારો મિત્ર છે અને મારા સિવાય કોઈ  પાસે આ ન્યુઝ ન હતા હવે માત્ર 3 જણા ને ખબર છે મારો સોર્સ હું અને તમે." 

"ઓકે તારા મેઈલની રાહ જોઉં છું અને જોજે કૈક તડક ભડક હેડિંગ આપજે." 

xxx

વહેલી સવારે 4 વાગ્યે ઊઠીને જીતુભા નાહિ ફ્રેશ થઇ ને દુબઈની ફ્લાઇટ પકડવા એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે મોહનલાલ પણ ઉઠી ગયો હતો. આજે કટોકટી નો દિવસ હતો. એને ખાતરી હતી કે સાંજ પહેલા સુમિત મુંબઈમાં આવશે અને એને પ્રશ્નો કરશે એ પહેલા એને ઘણા કામ કરવાના હતા. એને ફટાફટ ફ્રેશ થઈને ફોન જોડવા મંડ્યા. સામેની લાઈન માં અનોપચંદ એન્ડ કુના બધા ડાયરેક્ટર અને બોર્ડ મેમ્બર હતા. એણે એ બધાને અરજન્સીમાં બોર્ડની જનરલ મિટિંગ 2 કલાક માં ગોઠવી. અને બધાને જણાવ્યું કે બહુ અગત્યનું કામ છે. નવાઈની વાત એ હતી કે એણે અનોપચંદ કે એની ફેમિલીના એક પણ મેમ્બર ને ફોન ન કર્યો .અને બપોર પછી સુમિત એને કઈ પૂછવાની સ્થિતિમાં ન રહે એવી વ્યવસ્થામાં પોરવાઈ ગયો. અને આજે નશીબ પણ એની ફેવરમાં હતું અનોપચંદના 2 ફેવરિટ એજન્ટ જીતુભા અને પૃથ્વી આજે વહેલી સવારે ભારત બહાર જઈ રહ્યા હતા,  

xxx

व्रजमंडल आनंद भयो प्रगटे श्री मोहन लाल। ब्रज सुंदरि चलि भेंट लें हाथन कंचन थार॥१

'સૂરદાસ' નું આ ભજન કોઈ સૂરીલા અવાજે ગાઈ રહ્યું હતું. સુરદાસના શબ્દોનો જાદુ તો એમાં હતો જ પણ સાથે સાથે ગાનારના અવાજને કારણે જાણે વાતાવરણમાં એક અજબ જાદુ છવાઈ રહ્યો હતો. જાણે ભક્તિ છવાઈ રહી હતી સ્નેહા આ ભજનના અવાજથી ઉઠી ગઈ 'આહ શું અવાજ છે કોણ ગાય છે? એ જાણવા એને બારી ખોલી પણ કઈ દેખાયુ નહીં. વરંડામાં નિસ્તબ્ધ શાંતિ હતી કોઈ હલચલ ન હતી. અને હજી સૂર્યોદય થયો ન હતો. વસંત નો ઠંડો પવન વહી રહ્યો હતો સ્નેહાનું મન આલ્હાદિત થઈ ગયું. એ પોતાનું થયેલ અપહરણ જાણે ભૂલી ગઈ અને એ ભક્તિમય વાતાવરણમાં ખોવાઈ ગઈ એને કાલે ગોરાણીમાં એ કહેલી વાત યાદ આવી કે આ ઘર નહીં મંદિર છે.2-3 મિનિટ વ્યગ્ર થઈ આંટા માર્યા બાદ એ બારણાં પાસે આવી અને સાદ પાડ્યો "કાંતા - શાંતા". 

xxx

"શું  થયું સ્નેહા મેડમ? જુઓ ચા બનવાને થોડી વાર છે." 

"બારણું ખોલો. મારે ચા નથી જોતી. આ આટલું સુંદર ભજન કોણ ગાય છે?" 

"ભજન ગોરાણીમાં ગાય છે. એમણે તમને ગઈકાલે કહ્યું હતું ને કે આ ઘર નથી મંદિર છે." 

"ઠીક છે. ગોરાણી માં નવરા થાય એટલે એમને કહો મારે એમને મળવું છે." કહી સ્નેહા ન્હાવા  માટે ગઈ.

xxx

 સુમિતે 3જી વાર બંગલેથી સ્નેહા બહાર નીકળતી હતી એના ફૂટેજ જોયા. ક્યાંય કઈ ગરબડ ન હતી. એ આખી રાત જાગ્યો હતો. થાક એને ઘેરી વળ્યો હતો. એણે અનોપચંદ ને ફોન લગાવી ને બધી વાત કરી. અનોપચંદની ચિંતામાં વધારો થયો. પણ એ કઠણ કાળજા નો માણસ હતો. એક વત્તા એક બે કરી જાણનારો. એણે સુમિતને સાંત્વના આપી ને કહ્યું. "જીતુભા એરપોર્ટના ફૂટેજ લઇ ને આવે એટલી વાર તું સુઈ જા " પછી અનોપચંદે જીતુભાને ફોન લગાવ્યો પણ એનો ફોન નોટ રિચેબલ આવતો હતો. પછી અનોપચંદે નિનાદ અને પૃથ્વી ને ફોન લગાવ્યા. 

xxx

બે કલાક પછી સવારે લગભગ 9 વાગ્યે ન્યુઝ ચેનલોમાં 2 બ્રેકિંગ ન્યુઝ વારા ફરતી.પ્રસારિત થઈ રહ્યા હતા. જેમાના 1 ન્યુઝ એક માત્ર ચેનલે વહેલી સવારે 6 વાગ્યે પ્રસારિત કર્યા હતા કે 'જાણીતા બિઝનેસ ગ્રુપના ચેરમેન ના પુત્રવધુ ગઈ કાલ બપોરથી ક્યાંક ગાયબ થઇ ગયા છે એ ન્યુઝ ને ફોલો કરીને બીજી ચેનલો એ પણ ખાંખાખોળા કરીને માહિતી મેળવી હતી કે સ્નેહા ડિફેન્સ કંપનીના સીઈઓ સ્નેહા અગ્રવાલ ગઈ કાલે એમના દિલ્હીના સ્થિત બંગલેથી મુંબઈ જવા નીકળ્યા એ દિલ્હી એરપોર્ટ પરથી ક્યાંક ગાયબ થઇ ગયા છે. જયારે બીજા બ્રેકિંગ ન્યુઝ અમ્માની પાર્ટી એ બધી ન્યૂઝ ચેનલોને આપ્યા હતા કે તેમણે સત્તારૂઢ પાર્ટી ને આપેલ ટેકો પાછો ખેંચી લીધો છે. એજ વખતે દુબઈમાં લગભગ પોણા આઠ વાગ્યે જીતુભા એરપોર્ટ પર ઉતર્યો. અને ફટાફટ ટેક્સી કરીને સુમિત જ્યાં ઉતર્યો.હતો ત્યાં પહોંચ્યો. ત્યાં સુમિત ની બાજુમાં એના નામની રૂમ બુક હતી. એનો રૂમ ખુલ્યો એટલામાં સુમિત ત્યાં ધસી આવ્યો. અને કહ્યું. "જીતુ મને ફટાફટ ઓલી ડીવીડી આપ જે મોહનલાલે મોકલાવી છે. અને મારી રૂમમાં આવ.'

"ભલે." કહીને જીતુભાએ એને ડીવીડી.કાઢી આપી. અને કહ્યું હું માત્ર 5 મિનિટમાં ફ્રેશ થઈને તમારી રૂમમાં આવું છું." સુમિત ગયો એટલે જીતુભા ફ્રેશ થવા બાથરૂમમાં ઘૂસ્યો એજ વખતે. અનોપચંદે ફરીથી.જીતુભાને ફોન કર્યો. જીતુભા બાથરૂમમાંથી બહાર આવી ફોન ઉચક્યો એટલે અનોપચંદે કહ્યું કે "જીતુ કોઈ પણ પ્રશ્ન મને હમણાં ના કરજે. અને મહેરબાની કરીને કોઈ પણ હાલતમાં આજે સુમિતને મુંબઈ ન જવા દેતો." 

"પણ આ બધું..."

"બધી વાત સમય મળશે એટલે કરીશું. સુમિત તને જે સમજાવવાનો હતો. એ જો તું સાંજ પહેલા ના સમજી શક્યો તો તો 3-4 નિર્દોષ લોકો કારણ વગર મરશે. સુમિત હમણાં જ મુંબઈ જવાની જીદ કરશે. મુંબઈમાં બહુ મોટી ગરબડ છે. "અનોપચંદ એન્ડ કુ. ના 3-4 ડાયરેક્ટરનો મને ફોન આવ્યો હતો. મારી કંપની હવે મારી નથી રહી. અરે મારા હાથમાં કોઈ મારા વફાદાર કહી શકાય એવા માણસો પણ નથી. જેના પર હું ભરોસો કરી શકું. અને મારા રૂપિયા ગયા એનો ગમ નથી ચિંતાની વાત એ છે કે સ્નેહા ગઈકાલ બપોરથી ગાયબ થઈ ગઈ છે. મને એની ચિંતા છે, 

 ક્રમશ:

  તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED