વારસદાર - 29 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસદાર - 29

વારસદાર પ્રકરણ 29

દલીચંદ ગડાએ જે રીતે ઝાલા સાહેબ સાથે વાત કરી એ સાંભળ્યા પછી ઝાલા માટે હવે અહીં બેસી રહેવાનો કોઈ જ મતલબ ન હતો. ગડાએ પોતાને જે પણ કહેવાનું હતું તે નમ્રપણે કહી દીધું હતું અને પછી જય જિનેન્દ્ર કરી દીધું હતું. સંકેત સ્પષ્ટ હતો કે હવે તમે જઈ શકો છો !!

દલીચંદ ગડા ઓછામાં ઓછી એક હજાર કરોડની પાર્ટી હતી એવું કહેવાતું. છતાં ગડા જેટલા બહાર દેખાતા હતા એટલા જ અંદર ઊંડા પાણીમાં હતા. એ કચ્છી બિઝનેસમેન હતા. અંડર વર્લ્ડ સાથે પણ એમના અંગત સંબંધો હતા.

ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કરતા હતા. સામેવાળાને ચૂપ કરી દે એવી એમની ધીરગંભીર વાણી હતી. જોખી જોખીને શબ્દો બોલતા. બિનજરૂરી ચર્ચા એ કરતા જ નહીં. એમણે ઝાલાને બોલવાનો કે સવાલ પૂછવાનો એક પણ મોકો ન આપ્યો. પોતાનાં કાર્ડ ઓપન રાખ્યાં.

એમના કહેવાનો મતલબ એટલો જ હતો કે એડવાન્સ પૈસા આપીને આખેઆખી સ્કીમ ગડા ખરીદવા માગતા હતા પણ પોતાના ભાવે અને પોતાની શરતે. એ પૈસા લેવા કે ના લેવા એ ઝાલાએ નક્કી કરવાનું હતું. કોઈ જ દબાણ ન હતું.

ઝાલા નમસ્તે કહીને ત્યાંથી બહાર નીકળી ગયા. એક વાતની તો ખાતરી એમને થઈ ગઈ કે આ સ્કીમ માટે પૂરેપૂરા પૈસા એમને મળે એમ હતા. પોતાને સાથે કોઈપણ જાતની છેતરપિંડી થતી ન હતી. આ પૈસા લેવા કે ન લેવા એ હવે વિચારવાનું રહ્યું.

ઝાલા જેવા બહાર નીકળ્યા કે તરત જ દલીચંદ ગડાએ નાસીરખાનને ફોન જોડ્યો.

" અસ્સલામ વાલેકુમ નાસીરભાઈ. બોરીવલી સે વો ઝાલા મિલને આયા થા મુજે. જસ્ટ અભી ગયા. સબ બાત હો ગઈ હૈ. મેને બોલ દિયા હૈ કી પૂરે કે પૂરે દો ટાવર મૈં ખરીદને કે લિયે તૈયાર હું અગર તુમ ચાહો તો ! " ગડા બોલ્યા.

" ફિર ક્યા બોલા વો ? " નાસીરખાને પૂછ્યું.

" સબ હો જાયેગા લેકિન સબ્રસે કામ લેના પડેગા. કરોડો કા મામલા હૈ. જલ્દબાજી કરને કા કોઈ મતલબ નહીં ભાઈ. એરીયા અચ્છા હૈ તો લગડી માલ હૈ. મેરી નજર ઉસકી સ્કીમ પર રહેગી. બતાને કે લિયે હી ફોન કિયા થા. ચલો રખ્ખું . " કહીને ગડાએ ફોન કટ કર્યો.

નાસીરખાનનો બાંદ્રા ઈસ્ટમાં એમ.ડી ડ્રગ્સનો મોટો કારોબાર હતો. કરોડોનું રેકેટ ચાલતું હતું. એના તમામ બે નંબરના પૈસા દલીચંદ ગડા સાચવતા હતા. એટલું જ નહીં આ પૈસા જુદી જુદી જગ્યાએ રોકીને વ્હાઇટ પણ કરી આપતા હતા. દલીચંદ તગડું કમિશન લેતા હતા પરંતુ નાસીરખાનનું બહુ મોટું કામ થઈ જતું હતું.

મંથનના લગ્નના આગલા દિવસે રફીક એના આ મામુજાન પાસે જ રોકાયો હતો. રફીકે પોતાના જીગરી દોસ્તને મોટી મદદ કરવા માટે મામુને ભલામણ કરી હતી અને એ પણ કહ્યું હતું કે મંથન બહુ જ પાણીદાર છોકરો છે. જો કે એ વખતે રફીકને ખબર ન હતી કે મંથનના સસરા લગ્નના દિવસે જ આવડી મોટી સ્કીમની જાહેરાત કરશે.

જાહેરાત સાંભળીને તરત જ રફીકે એના મામુ નાસીરખાનનો સંપર્ક કર્યો હતો અને ગોરાઇ લિંક રોડ ઉપર બની રહેલાં આ બે ટાવરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી હતી. નાસિરખાને તરત જ દલીચંદનો સંપર્ક કર્યો હતો અને આ સ્કીમ વિશે માહિતી આપી હતી.

દલીચંદ બોરીવલી અને ગોરાઈથી ખૂબ સારી રીતે પરિચિત હતા એટલે એમણે તરત જ આખી સ્કીમમાં પૈસા રોકી શકાય એવી નાસીરખાનને સલાહ આપી હતી. નાસીરખાને હાલ પૂરતું ૧૦ ફ્લેટ બુક કરવાની જાહેરાત કરવાનું રફીકને ફોન ઉપર કહી દીધું પરંતુ પછી દલીચંદ ગડાને એણે ફોન ઉપર કહી દીધું કે આખે આખી સ્કીમનું ફાઇનાન્સ કરી દો અને પ્રોફિટ આવે ત્યારે વેચી દો.

એટલે જ થોડા સમય પછી ઝાલાને વિશ્વાસ આવે એટલા માટે ગડાએ પોતે જ ઝાલા સાથે ફોન ઉપર વાત કરી લીધી હતી. એ પછી ઝાલાએ પોતે સામેથી ગડા શેઠને રૂબરૂ મળવાની વાત કરી હતી અને આજની એપોઇન્ટમેન્ટ લીધી હતી.

ઝાલા પાસે લોકલ ટ્રેઈનનો ફર્સ્ટ ક્લાસ નો પાસ હતો. મુલુંડથી એ દાદર સુધી આવ્યા અને ત્યાંથી ટ્રેન બદલીને મલાડ ઉતરી ગયા. સુંદરનગર પહોંચ્યા ત્યારે સાંજના ૬:૩૦ વાગ્યા હતા.

" અરે પપ્પા તમે !!" દરવાજો ખોલતાં જ અદિતિ પપ્પાને જોઈને ખુશ થઈ ગઈ.

" હા બેટા.. મુલુંડ ગયો હતો તો વળતાં એમ થયું કે તમને લોકોને મળતો જાઉં." ઝાલા બોલ્યા.

" તમારું જ ઘર છે અને આવવું જ જોઈએ. " મંથન બોલ્યો.

" પપ્પા તમે આજે અહીં જમીને જ જાઓ. હું મમ્મીને કહી દઉં છું તમારી રસોઈ ના બનાવે. " અદિતિ બોલી.

" અરે બેટા જમવાનું અત્યારે રહેવા દે. હું તો મંથનકુમાર સાથે થોડી ધંધાની ચર્ચા કરવા માટે આવ્યો છું. " ઝાલા બોલ્યા.

" તમે તમારે ચર્ચા કરો. રસોઈ હમણાં જ થઈ જશે. " અદિતિ બોલી અને કિચનમાં ગઈ. વીણાબેન પણ પાછળ પાછળ ગયાં.

" શું રસોઇ કરીશું તારા પપ્પા માટે ?" વીણાબેન બોલ્યાં.

" પપ્પાને તો ભાખરી શાક અને દૂધ ચાલશે. બીજું કંઈ બનાવવાની જરૂર નથી માસી. ભીંડા પડ્યા છે અને પપ્પાને ભીંડા નું શાક બહુ ભાવે છે. " અદિતિ બોલી.

" તો પછી એક કામ કર. તું ભીંડા સમારી લે ત્યાં સુધીમાં હું ભાખરીનો લોટ બાંધી દઉં. " માસી બોલ્યાં.

" તમે રહેવા દો માસી. તમે આરામ કરો. હું બધું પહોંચી વળીશ. ચાર જણ ની રસોઈમાં કેટલી વાર ? " અદિતિ બોલી પરંતુ માસી માન્યાં નહીં.

" મંથનકુમાર હું અત્યારે મુલુંડ જઈને આવ્યો. દલીચંદ શેઠની એપોઇન્ટમેન્ટ લીધી હતી એટલે ચાર વાગે એમને મળવા ગયેલો. " ઝાલા અંકલ બોલ્યા.

" મને કહ્યું હોત તો હું પણ સાથે આવત. કેમ રહી વાતચીત ? " મંથન બોલ્યો.

" મને તો એ સમજાતું નથી કુમાર કે અમદાવાદમાં બેઠાં બેઠાં મુંબઈમાં તમારા આટલા મોટા કોન્ટેક્ટ કેવી રીતે છે ? માણસ બહુ પહોંચેલો છે. ઝવેરી જેવો સોદાગર પણ છે. રૂપિયા તો જેટલા જોઈએ એટલા મળે એમ છે પરંતુ એના ભાવે અને એની શરતે ! " ઝાલા અંકલ બોલ્યા.

" જુઓ પપ્પા. મેં તો આપણી સ્કીમ માટે મોટી મૂડીનું એક પ્લેટફોર્મ તૈયાર કરી આપ્યું. તમે પોતે પણ બિઝનેસમેન છો. પપ્પા સાથે વર્ષો સુધી જોડાયેલા હતા. પૈસા લેવાની આપણે કોઈ ઉતાવળ નથી. તમે તમારી રીતે બધી ગણતરી કરી જુઓ. જો આ પૈસા લેવાથી તમને ફાયદો દેખાતો હોય તો સોદો કરવાનો નહીં તો આપણે તો શરૂઆત કરી જ છે !!" મંથન બોલ્યો.

" વાહ.. તમારી બુદ્ધિ અને સૂઝ માટે મને માન પેદા થાય છે. તમારામાં ઘણી બધી પરિપક્વતા જોવા મળે છે. તમે ટૂંક સમયમાં એક બિલ્ડર તરીકે બહુ જ આગળ વધી જશો. " ઝાલા અંકલ બોલ્યા.

" એક સવાલ પૂછું પપ્પા ? " મંથને કહ્યું.

" તમારે પૂછવાનું જ હોય. રજા લેવાની ના હોય. " ઝાલા બોલ્યા.

" તમે લગ્ન મંડપમાં બે ટાવરની આટલી મોટી જાહેરાત કરી દીધી. તમારી પાસે ટાઈટલ ક્લિયર પ્લોટ હશે જ. પરંતુ આટલી મોટી સ્કીમ મૂકવા માટે મોટી મૂડી પણ જોઈએ ને ? રો મટીરીયલના ભાવ અને મજૂરોની મજૂરી જોતાં ૧૦ ૨૦ કરોડથી આટલાં મોટાં ટાવરો કેવી રીતે ઊભાં થઈ શકે ? " મંથન બોલ્યો.

" તમારી આ જ સમજણ મને તમારા માટે માન ઉપજાવે છે કુમાર ! ખરેખર તમે ઘણું બધું વિચારી શકો છો. જેમ જેમ તમને જાણું છું તમારામાં મને એક નવું જ પાસુ જોવા મળે છે. તમારી આટલી પરિપક્વતા જોઈને આજે હું તમને બીજી એક વાત પણ કહું છું કે તમારી ૫૦ કરોડની અમાનત મારી પાસે સુરક્ષિત છે. " ઝાલા ધીમે રહીને બોલ્યા.

" એટલે ? હું સમજ્યો નહીં પપ્પા. " મંથન બોલ્યો.

" વીલમાં જેનો ઉલ્લેખ નથી એવા રોકડા ૫૦ કરોડ રૂપિયા તમારા પપ્પા મને સોંપી ગયા હતા. જોકે મેં તો મારા એક જાણીતા મોટા જવેલર્સ પાસેથી ટુકડે ટુકડે આ તમામ રકમમાં થી ૧૦૦૦ સોનાની લગડી લઈ લીધી છે. બાકીના રોકડા છે. કાલે ઉઠીને નોટબંધી થાય તો પણ કોઈ ચિંતા નહીં. આ તમામ લગડીઓ મારી પાસે સલામત છે. " ઝાલા અંકલ બોલી રહ્યા હતા.

" તમારા પપ્પાએ જ મને કહેલું કે મંથનને મળ્યા પછી જો એનામાં આ પૈસા પચાવવાની યોગ્યતા લાગે તો જ આ રકમ એને આપજો. નહીં તો અચાનક મળેલા કરોડો રૂપિયા માણસને બરબાદ પણ કરી શકે છે." ઝાલા અંકલે વાત પૂરી કરી.

મંથન તો આ સાંભળીને અવાક થઈ ગયો. પોતાના પપ્પાએ પોતાના ભાવિ માટે કેટલું બધું વિચારી રાખેલું છે ! અને ઝાલા સાહેબ પણ કેટલા બધા પરિપક્વ છે ? જોખી જોખીને એક એક પગલું ભરે છે. ઝાલા અંકલ પ્રમાણિક પણ એટલા જ છે ! મારા હકનું એ મને જ આપે છે ! એ ધારત તો આ પૈસાની તો કોઈને પણ ખબર નથી. એને ઝાલા અંકલ માટે માન ઉપજ્યું.

"પપ્પા તમારી વાત સાંભળીને તમને સલામ કરવાનું મન થાય છે. એટલા માટે નહીં કે તમે મને ૫૦ કરોડ આપવાના છો. પરંતુ એટલા માટે કે તમે કેટલા બધા પ્રમાણિક છો !! આટલી મોટી રકમ તમારી પાસે હોવા છતાં પણ તમારામાં કળિયુગની કોઈ અસર નથી. તમે આજ સુધી આટલી મોટી રકમ મારા માટે અમાનત રાખી મૂકી ! નો વર્ડ્ઝ પપ્પા ! " મંથન ભાવવિભોર બની ગયો.

" હું પ્રમાણિક છું એટલા માટે તો મને તમારા જેવો જમાઈ મળ્યો. અને હવે તો તમે મારા દીકરા જેવા છો. તમે અદિતિ સાથે લગ્ન ના કર્યા હોત તો પણ આ રકમ હું તમને જ આપવાનો હતો. મારે કોઈના હકનું ખાવું નથી. અને મારું જે પણ છે એ પણ હવે તમારું જ છે. મારી પોતાની પાસે પણ મોટી મૂડી છે જ. તમારાથી હવે કંઈ જ ખાનગી નથી. " ઝાલા અંકલ બોલ્યા.

" પપ્પા ગરમાગરમ ભાખરી તૈયાર છે ડાઇનિંગ ટેબલ ઉપર આવી જાવ. મંથન તમે પણ બેસી જાઓ. " થોડી વાર પછી અદિતિ કિચનમાંથી બહાર આવી અને બોલી.

" ચાલો ભાઈ તો પછી જમી જ લઈએ. અમારી વાતો પણ પૂરી થઈ ગઈ છે. " ઝાલા અંકલ બોલ્યા.

મંથન અને ઝાલા અંકલ ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા. અદિતિએ આવીને બંનેને ભાખરી અને ભીંડાનું શાક આપ્યું. ઝાલા અંકલને વાડકીમાં દૂધ આપ્યું. તો મંથનને સવારના દાળ ભાત વધ્યા હતા તે ગરમ કરીને આપ્યા.

" અરે તું કુમારને સવારના ઠંડા ભાત શું કામ આપે છે ? " ઝાલા બોલ્યા.

" પપ્પા એમને દાળ ભાત બહુ જ ભાવે છે. સવારના ઠંડા વધ્યા હોય તો પણ એ સામેથી માગી લે. " અદિતિ બોલી.

જમ્યા પછી અદિતિને જે જે ગિફ્ટ મળી હતી તે બધી જ એણે પપ્પાને બતાવી. કોણે શું આપ્યું છે એની ઝાલા અંકલે મનોમન નોંધ લઈ લીધી. ખાસ તો જેમણે ગોલ્ડ જ્વેલરી અને મોતીનો સેટ આપ્યો હતો એમનાં નામ ખાસ વાંચી લીધાં.

" તમારી ઓફિસ તો હવે પંદરેક દિવસમાં તૈયાર થઈ જશે. એક એન્જિનિયર સિલેક્ટ કર્યો છે અને એક કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર તો બોરીવલીમાં જ રહે છે એટલે સાઈટ ઉપર પૂરું ધ્યાન આપી શકશે. એની પાસે મજૂરોનું ગ્રુપ પણ બહુ મોટું છે. હજુ એકાઉન્ટન્ટ લેવાનો બાકી છે પણ એ તો ઓફિસ ચાલુ કર્યા પછી પણ આપણે લઈ શકીશું. " ઝાલા અંકલે મંથનને ફીડબેક આપ્યો.

" હા પપ્પા સ્કીમની જાહેરાત કરી છે તો હવે કામ પણ આપણે ત્યાં શરૂ કરવું પડશે. જે પણ પરમિશનો લેવાની જરૂર પડે એ બધી હવે જલદી લેવી પડશે. " મંથન બોલ્યો.

" પરમિશનોની ચિંતા નથી. આપણું કોર્પોરેશનમાં મોટું સેટિંગ છે અને વચ્ચે એક એજન્ટ છે. બધી દોડાદોડી એ જ કરશે. કાલે હું એને મળી લઈશ." ઝાલા બોલ્યા.

" બસ તો પછી ઓફિસ ચાલુ થઈ જાય એટલે આપણે શરૂઆત કરી દઈએ. " મંથન બોલ્યો.

એ પછી ઝાલા સાહેબ દીકરી જમાઈની રજા લઈને પોતાના ઘરે જવા રવાના થઈ ગયા.

સુંદરનગર થી રીક્ષા કરીને એ મલાડ સ્ટેશને પહોંચી ગયા અને ત્યાંથી ફાસ્ટ પકડીને બોરીવલી પહોંચી ગયા. ગડા શેઠને મળ્યા પછી એમના પગમાં પણ જોર આવી ગયું હતું. જમાઈ ખરેખર નસીબદાર મળ્યા છે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)