વારસદાર પ્રકરણ 24
અદિતિ મંથનના ફ્લેટ ઉપર પછી વધુ રોકાઈ નહીં. આજે મંથનને મળ્યા પછી એની ઉર્મિઓ બેકાબૂ બની હતી. અને હવે મંથને જ્યારે લગ્નની હા પાડી જ દીધી છે તો પછી પ્રેમ પાંગરવા માટે હજુ ઘણો સમય બંનેને મળવાનો જ છે.
અદિતિની વિદાય પછી મંથન પણ ક્યાંય સુધી એ રોમાંચક પળોને વાગોળતો રહ્યો. અદિતિની આંખોમાં અજબ પ્રકારની કશીશ અને ખેંચાણ હતું. પરફેક્ટ લાઇફ પાર્ટનર એને મળી હતી.
જો કે ફાઇનલ નિર્ણય લેતા પહેલાં એણે મનોમન શીતલ અને અદિતિની સરખામણી કરી હતી.
શીતલ પણ ખૂબસૂરત હતી. એને ગમી પણ હતી. પરંતુ જે રીતે અદિતિ સર્વગુણ સંપન્ન હતી એ રીતે શીતલમાં હજુ કેટલીક બાબતો ખૂટતી હતી. શીતલમાં અનંગનો આવેશ વધારે હતો. ઊર્મિઓ હતી, નજાકત હતી, પરંતુ એમાં દેહ આકર્ષણ વધુ અભિવ્યક્ત થતું હતું.
શીતલ નટખટ અને ચંચળ વધારે હતી. અદિતિ પણ નટખટ જરૂર હતી પરંતુ એનામાં બાલિશતા કે ચંચળતા ન હતી. પરિપક્વતાની સાથે પ્રેમની અને વફાદારીની સુગંધ એનામાં ભળી હતી.
સવાલ હવે શીતલને સમજાવવાનો હતો. એને કન્વીન્સ કરવાનો હતો. પરંતુ એ તો સમય આવે જોયું જશે એમ વિચારી મંથન શીતલના વિચારોમાંથી બહાર આવી ગયો.
સાંજે બોરીવલી સ્ટેશનથી એના ઉપર ફોન આવી ગયો કે એની બાઈક આવી ગઈ છે. જરૂરી દસ્તાવેજ અને રસીદ બતાવી લઈ જવી.
મુંબઈમાં ગમે ત્યાં જવા આવવા માટે બાઈક એના માટે ખૂબ જ જરૂરી હતી. પોતે એકલો જ હતો એટલે હાલ પૂરતી ગાડીની એવી કોઈ આવશ્યકતા ન હતી.
અદિતિ ઘરે પહોંચી ત્યારે સાંજના પોણા સાત વાગી ગયા હતા. ઝાલા સાહેબ પણ ઘરે આવી ગયા હતા.
" પપ્પા મંથન લગ્ન માટે તૈયાર છે. આજે એણે સામેથી જ મને પોતાની સંમતિ આપી દીધી. હવે લગ્નનો સમય વગેરે એણે તમારા ઉપર છોડી દીધું છે." અદિતિ એકદમ હર્ષાવેશમાં આવીને બોલી.
" અરે બેટા આ તો તેં બહુ જ સારા સમાચાર આપ્યા ! મારા માથેથી તારા લગ્નની મોટી ચિંતા ટળી ગઈ. હવે મંથનકુમાર કાયદેસરના આપણા જમાઈ બન્યા. કોન્ગ્રેચ્યુલેશન્સ !!"
" થેન્ક્યુ પપ્પા. " બોલીને અદિતિ મમ્મી પપ્પા બંનેને ચરણસ્પર્શ કરીને પગે લાગી. આ એના સંસ્કાર હતા.
" સુખી રહો બેટા. તમારી જોડી અમર રહે અને મંથનકુમાર પણ ખૂબ જ પ્રગતિ કરે એવા અમારા આશીર્વાદ છે." સરયુબા બોલ્યાં.
" ચાલો હવે મારે એમને કન્સ્ટ્રક્શનના ધંધામાં સેટ કરી દેવા પડશે અને ઓફિસ પણ ચાલુ કરાવી દેવી પડશે. એ હજુ મુંબઈમાં નવા છે એટલે અમુક વસ્તુ મારે જ હાથ ઉપર લેવી પડશે. " ઝાલા બોલ્યા.
" એ પણ તમારું બહુ જ રિસ્પેક્ટ કરે છે પપ્પા. મને કહે કે પપ્પાના માર્ગદર્શન નીચે જ ચાલવું છે. " અદિતિ બોલી.
" કાલે હું એમને મળવા જવાનો છું એ વખતે આગળના પ્લાનિંગની ચર્ચા કરી લઈશું. લગ્ન માટે પંડિતજીનો સંપર્ક પણ મારે કરવો પડશે. એ હવે એકલા જ રહે છે એટલે વૈશાખમાં જ લગ્નનું પતાવી દઈએ. " ઝાલા બોલ્યા.
" પપ્પા એમણે તો આવતાં વેંત જ કામવાળી પણ રાખી લીધી અને રસોઈ કરવાવાળાં બેનનું પણ સેટિંગ કરી દીધું. " અદિતિ બોલી.
"એટલે જ કહું છું કે જમાઈ બહુ જ સ્માર્ટ અને એક્ટિવ છે !! " ઝાલા બોલ્યા.
બીજા દિવસે સવારે ૧૦ વાગે મંથન બોરીવલી સ્ટેશન પહોંચી ગયો અને બાઇક છોડાવી લીધું. રોડ ઉપર આવીને એણે હેલ્મેટ પણ ખરીદી લીધું. એ પછી બાઈક ચલાવીને બોરીવલી થી સુંદર નગર સુધીનો આખો રસ્તો એણે સમજી લીધો.
સુંદરનગર વિસ્તારમાં પણ એણે ચારે તરફ બાઈક ચલાવીને ક્યાં શું શું છે એ બધું જોઈ લીધું. ગાર્ડન, જુદા જુદા મોલ, સ્કૂલો, રેસ્ટોરન્ટ બધાનો એને આઈડિયા આવી ગયો.
જે જે બેંકમાં એનાં ખાતાં હતાં એ તમામ ત્રણ બેંકો પણ બાઈક ઉપર ચક્કર મારીને એણે જોઈ લીધી.
બપોરે ત્રણ વાગે ઝાલા સાહેબ મંથનને મળવા માટે સુંદર નગર આવ્યા. આવતા પહેલાં એમણે ફોન કરેલો જ હતો એટલે મંથન ઘરે જ હતો.
" તમે મુંબઈ શિફ્ટ થઈ ગયા એ બહુ જ સારો નિર્ણય કર્યો. તમારું ભવિષ્ય અહીંયા છે. અમારા મુંબઈમાં કિસ્મત જેને સાથ આપે એના માટે સ્કાય ઇઝ ધ લિમિટ !! " ઝાલા સાહેબ બોલ્યા.
" જી તમારી વાત સાચી છે અંકલ. મને પણ એવું લાગ્યું. એટલે જ પછી હું અહીંયા શિફ્ટ થઈ ગયો. ઘરેથી બાઈક પણ મંગાવી લીધી. સવારે ફરીને આખો સુંદરનગર વિસ્તાર પણ જોઈ લીધો. " મંથન બોલ્યો.
"તમારી તો વાત જ અલગ છે. ગુરુજીની તમારા ઉપર પૂરી કૃપા છે. " ઝાલા અંકલ બોલ્યા.
" હવે તમારા માર્ગદર્શન પ્રમાણે આગળનું બધું પ્લાનિંગ કરવું છે." મંથન બોલ્યો.
" આગળ વાત કરું એ પહેલાં ખાસ તો અદિતિ સાથે લગ્નનો તમે જે નિર્ણય લીધો એ બદલ અભિનંદન પણ આપું છું અને આશીર્વાદ પણ આપું છું. તમારી હા આવી ગયા પછી અદિતિ ખૂબ જ ખુશ છે. " ઝાલા અંકલ બોલ્યા.
" જી અંકલ. ૨૨ વર્ષ સુધી તમે મારા પપ્પાનું વચન પાળ્યું એનું સન્માન તો મારે કરવું જ જોઈએ. અને અદિતિ સર્વગુણ સંપન્ન છે. " મંથન બોલ્યો અને ઉભો થઈ ઝાલા અંકલને પગે લાગ્યો. આ એના સંસ્કાર હતા.
" બસ બસ સુખી રહો. " કહીને અંકલે બેગમાંથી કાઢીને ૫૦૦૦ રૂપિયા મંથનના હાથમાં મૂક્યા.
" આ શુકનના છે. અમારા આશીર્વાદ સમજીને તિજોરીમાં સાચવીને મૂકી રાખજો. લગ્ન થઈ જાય પછી તમારાં કુળદેવીનાં દર્શને જાઓ ત્યાં અર્પણ કરજો. " ઝાલા અંકલ બોલ્યા.
" જી પપ્પા. " મંથને સંબોધન બદલ્યું.
" મને અંકલ કહેવાનું ચાલુ રાખશો તો પણ મને કોઈ વાંધો નથી. " ઝાલા અંકલ હસીને બોલ્યા.
" તમે મારા પપ્પાના ઠેકાણે છો હવે. પપ્પાને તો મેં જોયા જ નથી. છતાં બને સંબોધન ચાલુ રાખીશ. " મંથન બોલ્યો.
" સૌથી પહેલી પ્રાયોરિટી ઓફિસ ચાલુ કરી દેવાની છે. આપણો બિઝનેસ એવો છે કે એમાં ઓફિસ હોવી જ જોઈએ. એક બે સ્ટાફની ભરતી પણ કરવી પડશે. એ પછી જ આપણે કોઈ નવી સ્કીમનું વિચારી શકીએ. " ઝાલા બોલ્યા.
" એ હવે તમારે જ કરવાનું છે " મંથન બોલ્યો.
" હા મારા જાણીતા સી.પી ટેન્કવાળા મનીષભાઈને જ રીનોવેશનનો કોન્ટ્રાક્ટ આપી દઉં છું. અંધેરીની ઓફિસ એમણે જ બનાવેલી છે. મહિનામાં જ આખી ઓફિસ અપ ટુ ડેટ કરી આપશે. ત્યાં સુધીમાં જાહેરાત આપીને એક એન્જિનિયર અને એક એકાઉન્ટન્ટ આપણે ભરતી કરી લઈશું. એક પ્યુન પણ જોઈશે. " ઝાલા બોલ્યા.
" ઠીક છે અંકલ." મંથન બોલ્યો.
" હવે લગ્નની તૈયારી પણ કરવી પડશે મંથનકુમાર. તમે અહીંયા એકલા જ છો એટલે મારો વિચાર આવતા મહિને વૈશાખ મહિનામાં જ તમારાં લગ્ન કરી દેવાનો છે. તમારા તરફથી અમદાવાદમાં કોઈ સગાં છે જેમને તમારા લગ્નમાં ખાસ આમંત્રણ આપવું પડે ? " ઝાલા અંકલે પૂછ્યું.
" લગ્નમાં સગાંવહાલાં તો કોઈ છે જ નહીં. માત્ર મારા એક બે મિત્રો હાજર રહેશે. હા, મારાં વીણામાસીને થોડા દિવસ પછી અહીં લઈ આવવાનો છું. કાયમ માટે એ મારી સાથે આ ઘરમાં જ રહેશે. ઘર પણ સંભાળશે અને અદિતિને પણ કંપની રહેશે. ઘરમાં એક વડીલ હોય તો સારું. " મંથન બોલ્યો.
" એ તો બહુ સારી વાત છે. પરંતુ આજ સુધી આ નામનો તમે ઉલ્લેખ નથી કર્યો. " ઝાલા અંકલ બોલ્યા.
" વીણા માસી પહેલાં અહીં મુંબઈમાં જોગેશ્વરીમાં રહેતાં હતાં. મારી મમ્મી અને એ બંને એક જ સ્કૂલમાં ભણેલાં. એમનાં લગ્ન અમદાવાદ પુનિતપોળ માં થયેલાં. મમ્મી જ્યારે ભુલેશ્વર રહેતી હતી ત્યારે પણ વીણામાસી સાથે પત્ર વ્યવહાર થતો હતો." મંથન બોલ્યો.
" મમ્મીને અચાનક ઘર છોડવું પડ્યું ત્યારે ક્યાં જવું એ સૌથી મોટો પ્રશ્ન હતો. મમ્મી સીધી વીણામાસીના ઘરે પહોંચી ગઈ અને વીણામાસીએ એને આશરો આપ્યો એટલું જ નહીં એ જ પોળમાં બીજું મકાન પણ રહેવા આપ્યું. જો કે મમ્મીએ સમય જતાં એ ખરીદી લીધું. વીણામાસી મારી મમ્મીની જગ્યાએ છે. એમણે જ મમ્મીની ડિલિવરી કરાવી અને મને મોટો પણ કર્યો ! " મંથને કહ્યું.
" ઓહો ! આ વાતની તો મને ખબર જ નથી. એમને ચોક્કસ તમે લઈ આવો. અદિતિને પણ એમની સેવા કરવાની તક મળશે. " ઝાલા અંકલ બોલ્યા.
" હા અંકલ ધંધાનું થોડું સેટ થઈ જાય પછી લઈ આવું છું. " મંથન બોલ્યો.
એ પછી થોડી આડીઅવળી વાતો કરીને ઝાલા અંકલે સાંજે પાંચ વાગે વિદાય લીધી.
એ પછી સાત વાગે દેવીબેને આવીને મંથન માટે ભાખરી શાક બનાવી દીધાં એટલે એણે જમી લીધું.
રાત્રે સાડા આઠ વાગે ધનલક્ષ્મીબેનનો દીકરો પ્રશાંત અને એની પત્ની અંજલિ મંથનને મળવા માટે આવ્યાં.
આ મુલાકાત પહેલી વાર થઈ રહી હતી કારણ કે અત્યાર સુધી મંથને આ બંનેને જોયાં જ ન હતાં. પ્રશાંત સંતાક્રુઝમાં વિઝા કન્સલ્ટન્ટ હતો અને અંજલિ પણ એની જ ઓફિસમાં બેસતી હતી. સવારે નવ વાગ્યાની ટ્રેનમાં તો એ લોકો નીકળી જતાં હતાં અને રાત્રે સાત વાગે આવતાં હતાં. બે વર્ષ પહેલાં જ પ્રશાંતનાં લગ્ન થયાં હતાં અને હજુ સંતાનનું પ્લાનિંગ કર્યું ન હતું.
" કેમ છો મંથનભાઈ ? હું પ્રશાંત. તમારો પાડોશી. મમ્મીએ વાત કરી કે વિજય અંકલના દીકરા હવે કાયમ માટે પડોશમાં રહેવા આવી ગયા છે એટલે જસ્ટ હાય હલો કરવા આવ્યા. " પ્રશાંત બોલ્યો.
" તમને મળીને ખરેખર આનંદ થયો. પહેલા સગા પાડોશી. ઓળખાણ તો કરવી જ જોઈએ. પપ્પાની હયાતીમાં મારી એમની સાથે મુલાકાત ના થઈ શકી એનું દુઃખ છે. " મંથન બોલ્યો.
" ઋણાનુબંધની વાત છે મંથનભાઈ બાકી અંકલ હંમેશા તમને યાદ કરતા હતા અને તમે અમદાવાદમાં છો એ જાણ્યા પછી તો ખાસ તમને જોવાની એમની ઈચ્છા હતી. " પ્રશાંત બોલ્યો.
" તમારી વાત સાચી છે પ્રશાંતભાઈ. ૨૭ વર્ષ સુધી મેં જે સંઘર્ષ કર્યો છે એ હું જ જાણું છું. છતાં પપ્પાએ જતાં જતાં મને પોતાનો કાયદેસર વારસદાર બનાવી દીધો. વસવસો એટલો જ રહ્યો કે મારી માતા મારું આ સુખ ના જોઈ શકી. " મંથને કહ્યું.
" તમારી વાત સાચી છે દુઃખ તો થાય જ. તમારા માતાના આશીર્વાદ નું જ આ ફળ છે. " અંજલિ બોલી.
" હા ભાભી. ટોપ રેન્કર તરીકે સિવિલ એન્જિનિયર થયેલો હોવા છતાં મને ૨૫૦૦૦ ની પણ નોકરી મળતી ન હતી. હવે પપ્પાની કન્સ્ટ્રક્શન કંપની સીધી મને વારસામાં મળી ગઈ અને હવે એક બિલ્ડર તરીકે ફરી ઊભા થવું છે. " મંથન બોલ્યો.
" આ તો તમે બહુ સારી વાત કરી. તમે પોતે પણ સિવિલ એન્જિનિયર થયેલા છો અને પપ્પાનું આટલું મોટું બેકગ્રાઉન્ડ છે તો સો ટકા તમને સફળતા મળશે જ. કંઈ પણ કામકાજ હોય તો જરૂર જણાવજો. " પ્રશાંત બોલ્યો.
" જરૂર પ્રશાંતભાઈ. પહેલીવાર આવો છો છતાં ઘરમાં બીજું કોઈ નથી એટલે ચા પાણી નું પૂછી શકતો નથી." મંથન બોલ્યો.
" એની કોઈ જ જરૂર નથી મંથનભાઈ. અને હવે અમે જઈએ જ છીએ. બસ હવે લગ્ન કરી લો એટલે ઘર ભર્યું ભર્યું લાગે. " અંજલિ હસીને બોલી.
પ્રશાંત અને અંજલિ ઉભાં થયાં અને "ચાલો અમે રજા લઈએ. ગુડ નાઈટ" કહીને બહાર નીકળ્યાં.
મંથનને બંને જણાં સારાં લાગ્યાં. બંને સંસ્કારી અને પ્રેમાળ હતાં.
એકાદ કલાક ટીવી જોઈને મંથન સૂઈ ગયો. ગાયત્રીની માળા કરવાની હોવાથી હવેથી એણે સવારે ૫ વાગે ઉઠી જવાની ટેવ પાડી દીધી હતી અને એને ખૂબ જ આનંદ આવતો. આ ઘરમાં મોટું સુંદર શિવલિંગ હતું એટલે અભિષેક કરવાની પણ મજા આવતી.
અઠવાડિયાનો સમય પસાર થઈ ગયો. રવિવારે ધનલક્ષ્મી બેનના ઘરે જમવાનું આમંત્રણ હતું એટલે એ ત્યાં પણ જમી આવ્યો.
ઝાલા અંકલે મનીષભાઈ શાહને ઓફિસ રિનોવેશન માટે ઓર્ડર આપી દીધો હતો એટલે એ કામ પણ ત્યાં ચાલુ થઈ ગયું હતું.
મંથને ત્રણેય બેંકમાંથી ચેક બુક કલેક્ટ કરી લીધી હતી. મોટા વ્યવહારો કરવા માટે હવે ચેક બુક હોવી જરુરી હતી.
એ પછીના રવિવારે ઝાલા સાહેબે જમાઈને જમવાનું આમંત્રણ આપ્યું હતું. હવે આજે એ કાયદેસર જમાઈના અધિકારથી જમવા જવાનો હતો.
મંથન બાઈક લઈને સવારે ૧૧ વાગે મયુર ટાવર પહોંચી ગયો. ફ્લેટમાં પ્રવેશ કરીને એણે ઝાલા અંકલ અને સરયૂબાને ચરણસ્પર્શ કરી પ્રણામ કર્યા. બંને વડીલોએ મંથનને દિલથી આશીર્વાદ આપ્યા.
મંથન સોફા ઉપર બેસવા જતો હતો ત્યાં જ ઓચિંતી અદિતિ આવી અને એણે પણ મંથનના ચરણસ્પર્શ કર્યા. મંથન માટે આ વાત ખરેખર નવાઈ ભરી હતી. તે દિવસે પહેલીવાર મંથન આવેલો અને ત્રણ ચાર દિવસ રોકાઈને અમદાવાદ જવા નીકળતો હતો ત્યારે પણ અદિતિએ ચરણસ્પર્શ કર્યા હતા ! આટલા બધા સંસ્કારની એણે કલ્પના પણ ન કરી હતી. એને અદિતિ માટે ખૂબ જ માન ઉત્પન્ન થયું.
" જમવાની ઈચ્છા થાય એટલે કહી દેજો. ભોજન તૈયાર જ છે. " ઝાલા અંકલ બોલ્યા.
" તમે જ્યારે કહેશો ત્યારે. હું તો તૈયાર જ છું. " મંથન બોલ્યો.
" પંડિતજી સાથે વાતચીત થઈ ગઈ છે અને અખાત્રીજનું મુહૂર્ત અતિ ઉત્તમ છે. બાજુમાં જ ઓળખાણથી શ્યામ કુંજ હવેલીનો બેંકેટ હોલ પણ મળી શકે એમ છે. હજુ એડવાન્સ આપ્યું નથી. જો તમને એ દિવસ અનુકૂળ હોય તો આજે બુક કરાવી દઉં. " ઝાલા બોલ્યા.
" મને કોઈ જ વાંધો નથી પપ્પા. તમે જે પણ દિવસ ફાઇનલ કરો મને મંજુર છે. " મંથન બોલ્યો.
અખાત્રીજના દિવસે જ અમદાવાદમાં તોરલનાં પણ લગ્ન હતાં. બંનેનાં લગ્ન એક જ દિવસે પરંતુ પાત્રો બદલાઈ ગયાં હતાં ! આનું જ નામ કોઈનું મિંઢળ કોઈના હાથે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)