વારસદાર - 23 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વારસદાર - 23

વારસદાર પ્રકરણ 23

એક તો નવી જગ્યા હતી અને બપોરે ત્રણ કલાક મંથન ઊંઘ્યો હતો એટલે એને રાત્રે જલ્દી ઊંઘ આવતી નહોતી.

૧૧ વાગ્યા સુધી પડખાં ઘસ્યા પછી એને મનમાં એક વિચાર આવ્યો અને એણે અદિતિને ફોન લગાવ્યો.

" હુ ઇઝ ધિસ ? " છેક રાત્રે ૧૧ વાગે ફોનની રીંગ વાગી એટલે અદિતિએ સહેજ ગુસ્સાથી પૂછ્યું.

" ધીસ ઈઝ મંથન મહેતા મેડમ " મંથને હસીને કહ્યું.

"ઓહ્.. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી મંથન ! થોડીક ઊંઘમાં હતી એટલે નંબર જોયા વગર જ ફોન ઉપાડી લીધો. કેમ છો તમે ?" અદિતિ બોલી.

" આઈ એમ ફાઈન. સુંદરનગર થી બોલું છું. મુંબઈ શિફ્ટ થઈ ગયો !!" મંથન બોલ્યો.

" વાઉ ! વ્હોટ આ સરપ્રાઈઝ !! આઈ એમ સો હેપ્પી. ક્યારે આવ્યા ? " અદિતિ બોલી.

" આજે બપોરે જ આવ્યો. કામવાળી પણ બંધાવી લીધી અને રસોઈ કરવાવાળી બાઈ પણ !! " મંથને હસીને કહ્યું.

" શું વાત છે ! તમે તો જેટ ગતિથી આગળ વધી રહ્યા છો !! સવારે જમવા માટે આવી જાઓ તો પછી. " અદિતિ બોલી.

" કાલે ને કાલે નહીં. પછી ગોઠવીશું. તું મલાડ આવી શકે છે. " મંથન બોલ્યો.

" પપ્પાને ફોન આપું ? એ જાગતા જ હશે. " અદિતિ બોલી.

" હે ભગવાન તને મારે શું કહેવું ? ૨૪ વર્ષની ભર યુવાન ઉંમરે પણ કંઈ સમજતી જ નથી. પપ્પા સાથે વાત કરવા રાત્રે ૧૧ વાગે ફોન કર્યો હોય ? " મંથન બોલ્યો.

" ઓહો.. તો સાહેબ રોમેન્ટિક મૂડમાં લાગે છે આજે તો ! બોલો કયા ઈચ્છા હૈ મેરે સરકાર કી ? " અદિતિ પણ રોમેન્ટિક મૂડમાં આવી ગઈ.

"લગ્નનો ફાઇનલ નિર્ણય ના લઈ લઉં ત્યાં સુધી ઈચ્છા તો અમલમાં મૂકી શકાય તેમ નથી. હું તો મજાક કરું છું. મુંબઈ આવી ગયો છું એ સરપ્રાઈઝ આપવા જ તને ફોન કર્યો હતો. અહીં હવે હું એકલો છું એટલે જલ્દીથી લગ્નનો નિર્ણય લઈ લેવો પડશે. કાલે તારી રાહ જોઈશ. " મંથન બોલ્યો.

મંથનની વાતોથી અદિતિને સંતોષ થયો કે બીજા યુવાનો જેવો મંથન છીછરો નથી. શુદ્ધ ચારિત્રનો યુવાન મળ્યો છે.

" તમારા વિચારો મને ગમ્યા. હું પણ એ જ ઈચ્છું છું કે જલ્દીથી તમે હવે નિર્ણય લઈ લો. તમને મળ્યા પછી હું પણ ઘણી બેચેન થઈ ગઈ છું. " અદિતિ બોલી.

" ચાલ હવે સુઈ જા. ગુડ નાઈટ. " મંથન બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

બીજા દિવસે સવારે ચા પીતાં પીતાં જ અદિતિએ મમ્મી પપ્પાને વાત કરી.

" મંથન ગઈકાલે મુંબઈ શિફ્ટ થઈ ગયા છે. રાત્રે ૧૧ વાગે એમનો ફોન આવ્યો હતો. કામવાળી બાઈ પણ રાખી લીધી છે અને રસોઈ કરવાવાળી બાઈ પણ. હું આજે એમને મળવા જવાની છું. " અદિતિ બોલી.

" ચાલો સવાર-સવારમાં તેં બહુ સારા સમાચાર આપ્યા. માણસ ખરેખર સિરિયસ છે અને મુંબઈ આવવાનો નિર્ણય લીધો એ બહુ સારું કામ કર્યું. લગ્ન માટે એક વાર ફાઈનલ જવાબ આપી દે એટલે સારું મુહૂર્ત પણ હું જોવડાવી દઉં. " ઝાલા સાહેબ બોલ્યા.

" એમની વાતો ઉપરથી લગ્ન માટે તો એ પોઝિટિવ જ દેખાય છે. અને હવે કદાચ થોડા દિવસોમાં જ એ કહી દેશે." અદિતિ બોલી.

" હવે મારે એમની ઓફિસ પણ ચાલુ કરાવી દેવી પડશે. એ અહીંયા નવા છે. કોન્ટ્રાક્ટરને બોલાવીને એકવાર ઓફિસ વ્યવસ્થિત કરાવી દઉં જેથી એ ઓફિસમાં બેસી શકે. ઓફિસમાં કલર કરાવવાની અને ફર્નિચરને પોલીસ કરાવવાની જરૂર છે. એસી પણ સર્વિસ કરાવી દઈશું. " ઝાલા સાહેબ બોલ્યા.

" હા એ કામ તમે પહેલાં કરો. કારણ કે એ બિચારા ઘરે બેસીને શું કરશે? ઓફિસ ચાલુ થાય તો ધંધાનું ફરી ડેવલોપમેન્ટ કરી શકે. ગમે તેમ તોય આપણા ભાવિ જમાઈ છે." સરયૂબા બોલ્યાં.

" એ કામ થઈ જશે. તમે ચિંતા ના કરો. આજે અદિતિ મળવા જવાની છે એટલે કાલે હું એમને મળી આવીશ. આગળના પ્લાનિંગની પણ થોડી ચર્ચા કરી લઈશું. " ઝાલા સાહેબ બોલ્યા.

મંથન સવારે પાંચ વાગ્યે વહેલો ઉઠી ગયો અને નાહી ધોઇને એણે પોતાના જેટલી ચા બનાવી દીધી. દૂધ તો એ ગઈ કાલે રાત્રે જ લઈ આવ્યો હતો. ચા પીને એ પૂજા રૂમમાં બેસી ગયો.

દિલથી એણે શિવજીનો અભિષેક કર્યો અને ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી. ફ્લેટમાં એકદમ શાંતિ હતી અને વાતાવરણ પણ બહુ સરસ હતું એટલે એને આજે ગાયત્રી મંત્ર કરવામાં બહુ જ મજા આવી.

સાડા સાત વાગે કામવાળી સુનિતા પણ આવી ગઈ અને ઘરમાં કચરા પોતું કરી દીધું.

રસોઈ કરવાવાળાં દેવીબેન પણ સવારે સાડા આઠ વાગે મંથનના ફ્લેટ ઉપર આવી ગયાં.

"બોલો ભાઈ.. હવે રસોઈ નું તમારે ત્યાં કેવી રીતે કરવાનું છે ? કેટલા માણસો છો ? " આવીને તરત દેવીબેન બોલ્યાં.

" માસી અત્યારે તો હું એકલો જ છું. અને રસોઈમાં તમને જે યોગ્ય લાગે તે બે ટાઈમ જમાડજો. પૈસાની મને કોઈ ચિંતા નથી. જે પણ થતા હશે તે તમને મળી જશે. બધી વ્યવસ્થા તમારે જ કરવી પડશે. હજુ કાલે જ મુંબઈ આવ્યો છું એટલે ઘરમાં કંઈ જ નથી. દાળ ચોખાની બરણીઓ ભરેલી છે. છતાં તમે જાતે બધું ચેક કરી લો અને જે જે લાવવા જેવું હોય તે મને લખાવી દો તો હું આજે મંગાવી લઈશ. રોજ તમને જે ગમે તે શાકભાજી તમે લેતાં આવજો. " મંથને નિખાલસતાથી કહ્યું.

દેવીબેનને મંથનનો સ્વભાવ ગમી ગયો. બિચારો બહુ સીધો સાદો છોકરો છે.

" તમારું નામ શું ભાઈ ?" માસી બોલ્યાં.

" મંથન મહેતા. બ્રાહ્મણ છું અને અમદાવાદથી આવું છું. " મંથને પોતાનો પરિચય આપ્યો.

"સારું ભાઈ. હું જોઈ લઉં છું રસોડામાં અને તમને કરિયાણાનું લિસ્ટ લખાવી દઉં છું. તમે ચિંતા નહીં કરો."

૧૫ મિનિટ સુધી દેવીબેને કિચનમાં બધા ડબા અને બરણીઓ ચેક કરી લીધી અને લાવવા જેવી વસ્તુઓનું લિસ્ટ મંથનને લખાવી દીધું.

" તમે એક કામ કરો. હું એક રસોડું પતાવીને ૧૧ વાગે ફરી આવીશ. ત્યાં સુધીમાં તમે એક કિલો ઘઉંનો લોટ, એક કિલો ગોળ, એક કિલો તેલ અને બાકીનું કરિયાણું જે લખાવ્યું છે એ લઈ આવો. સાથે તમને ગમે તે શાક પણ લેતા આવો. સાથે આદુ લીંબુ અને ધાણાભાજી પણ લાવજો. વઘારનો બધો મસાલો તો છે." દેવીબેન બોલ્યાં.

" સારું માસી. હું લઈ આવીશ. "

દેવીબેન ગયા પછી મંથન બહાર નીકળ્યો. થોડીક જ દૂર એક મોટી કરિયાણાની દુકાન હતી. એણે લિસ્ટ પકડાવી દીધું. પેમેન્ટ કરી દીધું. અને હોમ ડિલિવરીનો ઓર્ડર આપી દીધો. મુંબઈની દુનિયા એકદમ પ્રોફેશનલ હતી.

ત્યાંથી સહેજ આગળ જઈ શાકમાર્કેટ માંથી બટેટા ડુંગળી અને બીજા બે શાક લઈ લીધા. ધાણાભાજી, મીઠો લીમડો, આદુ લસણ અને લીંબુ લઈ લીધાં.

ઘરે આવ્યા પછી અડધા કલાકમાં જ ડીલીવરી મેન પણ કરિયાણાનો બધો સામાન મૂકી ગયો. મંથને તમામ સામાન નાના ડબા અને બરણીઓમાં ભરી દીધો.

સવા અગિયાર વાગે દેવીબેન આવી ગયાં. મંથને એમને રસોડામાં ગોઠવેલી બધી વસ્તુઓ બતાવી દીધી.

" સારુ ભાઈ હવે તમે શાંતિથી બેસો. એક કલાકમાં રસોઈ બની જશે. તમને જે પણ ખાવાની ઈચ્છા હોય એ મને કહેતા રહેજો એટલે હું એ પ્રમાણે બનાવીશ. "

" ભલે માસી. તમે મુંબઈના જ છો ? " મંથને પૂછ્યું.

" ના ભાઈ અમે આઠ વર્ષથી મુંબઈ આવ્યાં છીએ. અમારું ગામ જેતપુર. રાજકોટ થી થોડું આગળ. " દેવીબેન બોલ્યાં.

" એકવાર વીરપુર જલારામ બાપાના દર્શન કરવા ગયો ત્યારે રસ્તામાં આવેલું. " મંથન બોલ્યો.

" હા એ જ જેતપુર." માસી બોલ્યાં અને કિચનમાં ગયાં.

એક કલાકમાં તો દાળ ભાત શાક રોટલી બનાવીને માસી નીકળી પણ ગયાં. સવા બાર વાગ્યા હતા એટલે મંથન સીધો જમવા જ બેસી ગયો. રસોઈમાં માસીનો હાથ સારો હતો. મંથનને જમવાની મજા આવી.

એક વાગે સુનિતા પણ આવી ગઈ અને ફટાફટ વાસણ ધોઈ નાખ્યાં અને કિચન સાફ કરી દીધું. મુંબઈની દુનિયા ઘડિયાળના કાંટે ચાલતી હતી !!

જમ્યા પછી મંથન બેડરૂમમાં આડો પડ્યો. ચાર વાગે ડોરબેલ વાગી એટલે મંથન ઉભો થયો. અદિતિ આવવાની હતી એ એને ખબર હતી.

એણે ફટાફટ વોશબેસિનમાં જઈ મોં ધોઈ નાખ્યું. માથાના વાળ સરખા કર્યા અને પછી દરવાજો ખોલ્યો.

પહેલીવાર એણે આટલી તૈયાર થયેલી અદિતિને જોઈ. મનોમન નડિયાદની શીતલ સાથે અદિતિની સરખામણી થઈ ગઈ. શીતલ આજના યુગ પ્રમાણે હોટ જરૂર હતી પરંતુ અદિતિનું સૌંદર્ય વધુ લોભામણું અને કુદરતી હતું. તૈયાર થયા વગર પણ એ ખૂબસૂરત દેખાતી હતી.

અદિતિ અંદર પ્રવેશી કે તરત મંથને દરવાજો બંધ કર્યો. જેવો દરવાજો બંધ થયો કે તરત જ અદિતિ મંથનને પ્રેમથી વળગી પડી. એક ક્ષણ માટે તો મંથન મુંજાઈ ગયો પણ પછી એણે પણ અદિતિને દિલથી આલિંગન આપ્યું અને અદિતિના માથા ઉપર વહાલથી એક ચુંબન કર્યું.

પર્ફ્યુમની સુગંધ મંથનના મનને તરબતર કરી રહી હતી. પહેલીવાર એણે કોઈ યુવાન કન્યાનો આવો ઉત્તેજનાભર્યો સ્પર્શ કર્યો હતો. થોડી ક્ષણો માટે તો એ રોમાંચિત થઈ ઊઠ્યો !

ધીમે રહીને બંને છૂટાં પડ્યાં. અદિતિએ સોફા ઉપર બેઠક લીધી. મંથન બાજુમાં બેસવાના બદલે સામેના સોફા ઉપર ગોઠવાયો જેથી સામ સામે વાતચીત થઈ શકે.

" વેલકમ ટુ મુંબઈ ! સારું લાગ્યું મને. બહુ મિસ કરતી હતી." અદિતિ બોલી.

" બસ હવે લાંબો ઇન્તજાર નહીં કરવો પડે. મેં નિર્ણય લઈ લીધો છે. આઈ એમ યોર્સ !! " મંથને અદિતિને સરપ્રાઈઝ આપ્યું.

" રિયલી !! ઓહ ડાર્લિંગ... આઈ એમ સો એક્સાઈટેડ. " અદિતિ ખરેખર ખુશ થઈ ગઈ.

" હા અદિતિ ૯૦% નિર્ણય તો મેં લઈ જ લીધો હતો પરંતુ અત્યારે તને જોયા પછી બાકીના ૧૦% મેં ઉમેરી દીધા." મંથન હસીને બોલ્યો.

" ચાલો તો હું આજે મારા સાસરે આવી છું. હવે જલદી જલદી મુહૂર્ત કઢાવો તો કાયમ માટે રહેવા આવી જાઉં. હવે તમારો વિયોગ જરા પણ સહન નહીં થાય. " અદિતિ બોલી.

" હું તો કાલે જ લગ્ન કરવા તૈયાર છું. મને તો આપણા બે સોફા વચ્ચેનું ૪ ફૂટ નું અંતર પણ સહન થતું નથી ! " મંથન રોમેન્ટિક અંદાજથી બોલ્યો.

" બહુ બદમાશ થતા જાઓ છો. હવે થોડી ધીરજ રાખો. વર્ષોથી તમારી જ અમાનત છું. તમારા જેટલી જ ઉતાવળ મને પણ છે. " કહીને અદિતિ મંથનના જ સોફામાં બાજુમાં આવીને બેઠી અને મંથનનો હાથ હાથમાં લીધો.

" અદિતિ કલ્પના ન હતી કે મને મારા જીવનમાં આટલું બધું સુખ મળશે. એક સમય એવો હતો કે હું જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરવા નીકળી પડ્યો હતો અને આજે ચારે બાજુથી ખુશીઓનો વરસાદ વરસી રહ્યો છે. ધન સંપત્તિ મળી. યશ પ્રતિષ્ઠા મળી રહ્યાં છે અને તારા જેવી રાજકુમારી પણ મને મળી. " કહીને મંથને અદિતિને પોતાની નજીક ખેંચી એટલે અદિતિ મંથનના ખોળામાં ઢળી પડી.

મંથન અદિતિના વાળમાં હાથ પસવારતો રહ્યો. થોડીક ક્ષણો વાણી મૌન થઈ ગઈ. મંથનના આટલા બધા વહાલથી અદિતિનું હૈયું ભરાઈ આવ્યું અને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. આવી પ્રેમની અનુભૂતિ એણે જીવનમાં પહેલીવાર અનુભવી હતી !!

" તમે મને હંમેશા આટલો જ પ્રેમ કર્યા કરશો ? " અદિતિ ધીમેથી બોલી.

" ૨૨ વર્ષ પહેલાં ઈશ્વરે આપણી જોડી બનાવી દીધી. આટલા વર્ષો સુધી તું મારી અમાનત રહી. ના તારા જીવનમાં કોઈ આવ્યું ના મારા જીવનમાં કોઈ આવ્યું. પાછલા જન્મના આપણા બંને વચ્ચેના ચોક્કસ કોઈ ઋણાનુબંધ છે. તને હું પ્રેમ ના કરું તો કોને કરું ? મારા પ્રેમમાં કોઈ ફરક નહીં પડે. " મંથન બોલ્યો.

" તમે કેટલી સરસ વાતો કરો છો !! એમ થાય છે કે તમને બસ સાંભળ્યા જ કરું. " અદિતિ વહાલથી બોલી.

" તારી વાણીમાં પણ એટલી જ મીઠાશ છે અદિતિ. પહેલા જ દિવસથી તું મને ગમી ગઈ હતી. સગપણની વાત તો પછી ખબર પડી. " મંથન બોલ્યો.

" તમારો પ્રેમ તમારી આંખોમાં મેં ક્યારનો ય વાંચી લીધો હતો. તમારા ગયા પછી પપ્પા તમારી બહુ જ પ્રશંસા કરતા હતા. " આદિતિ બોલી અને ધીમેથી બેઠી થઈ.

" શું કહેતા હતા પપ્પા ?" મંથને પૂછ્યું.

" પપ્પાને ખૂબ જ સંતોષ થયો. કહેતા હતા કે અબજો રૂપિયા હોય તો પણ આ યુવાન પચાવી શકે તેમ છે. એને પૈસાનો અહંકાર ક્યારે પણ નહીં આવે. ધંધાની સારી કાબેલિયતની સાથે સાથે એનામાં વિઝન પણ છે. ગમે તેવા સંજોગોનો સામનો કરવાની ઠંડી તાકાત એ ધરાવે છે. " અદિતિ બોલી.

" પપ્પાએ આટલું બધું જોઈ લીધું મારામાં ? " મંથને પૂછ્યું.

" પપ્પાની બાજ નજર છે. આવનારા સમયને પપ્પા પારખી શકે છે. વિજય અંકલનું બધું પ્લાનિંગ પપ્પા કરતા અને કયો પ્લોટ લેવા જેવો છે અને કયો નહીં એની પણ અંકલને સલાહ આપતા. " અદિતિ બોલી.

" પપ્પા હવે મારી પડખે છે એનો મને આનંદ છે. ધંધા માટે મુંબઈ મારા માટે નવું છે. એમના માર્ગદર્શન નીચે જ આગળ ચાલવું છે. " નિખાલસતાથી મંથન બોલ્યો.

" બસ આ જ તમારો મોટામાં મોટો સદગુણ છે મંથન. તમે પોતે પણ એટલા જ હોશિયાર અને કાબેલ હોવા છતાં યશ હંમેશા બીજાને આપો છો. " અદિતિ હસીને બોલી.

" કારણ કે હું સ્વાર્થી નથી અદિતિ. નફા નુકસાનની ગણતરી કરતો નથી. હંમેશા બધાને સાથે લઈને ચાલુ છું. પૈસાનું મને ક્યારે પણ અભિમાન નહીં આવે. બીજાના સુખમાં મારું સુખ જોવાની મને ટેવ છે. મારી માના બધા જ ગુણો મારામાં આવ્યા છે. " મંથન બોલ્યો.

" તમારી વાતો સાંભળીને તમારી મમ્મીને મનોમન વંદન થઈ જાય છે. એટલે જ કદાચ તમારા પપ્પા ગૌરી આન્ટીને આટલો બધો પ્રેમ કરતા હતા અને છેક સુધી એમણે બીજાં લગ્ન ના કર્યાં !! " અદિતિ બોલી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Sharda

Sharda 4 અઠવાડિયા પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

Reeta Choudhary

Reeta Choudhary 2 માસ પહેલા

Hemant Sanghvi

Hemant Sanghvi 2 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 માસ પહેલા