Varasdaar - 21 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 21

વારસદાર પ્રકરણ 21

# હાય ! શીતલ છું. તમને મળવા ચાર વાગે હોટલ આવું છું. રૂમ નંબર મેસેજ કરી દેજો.

મંથન હોટલે પહોંચીને જેવો બેડ પર આડો પડ્યો કે તરત જ શીતલનો મેસેજ આવ્યો.

શીતલ હવે હોટલના રૂમમાં મંથનને એકાંતમાં મળવા માગતી હતી. મંથને પોતાનો રૂમ નંબર મેસેજ તો કરી દીધો પણ એ હવે વિચારમાં પડી ગયો.

કેતાએ એને સ્પષ્ટ કહી દીધું હતું કે બંનેમાંથી જેની પણ સાથે ઈચ્છા હોય એની સાથે મંથન લગ્ન કરી શકે છે. હવે એકની સાથે એક ફ્રી કહેનારી આ ચુલબુલી શીતલ સાથે મારે કઈ રીતે વાત કરવી ? મંથનને ભૂતકાળમાં કોઈ છોકરી સાથે રોમાન્સ કરવાની ક્યારે ય પણ તક મળી ન હતી એટલે એને થોડી મૂંઝવણ થઈ રહી હતી. એ થોડો શરમાળ પણ હતો.

એક તરફ અદિતિ ઝાલા પણ પોતાની સાથે લગ્નનાં સપનાં જોઈ રહી છે. મારા પિતાજીએ પણ ઝાલા અંકલ પાસેથી અદિતિનું વચન લીધું છે તો પછી મારે કેતા કે શીતલ સાથે કઈ રીતે આગળ વધવું ? જો હું ના પાડીશ તો બંનેનું દિલ તૂટી જશે ! મારે નડિયાદ આવવા જેવું જ ન હતું.

બપોરના બે વાગી ગયા હતા. મંથનની ઈચ્છા બે કલાક આરામ કરવાની હતી પરંતુ હવે એની ઊંઘ ઉડી ગઈ. શીતલ તો ધગધગતી જ્વાળા જેવી હતી. એની સામે સંયમ રાખવો બહુ જ મુશ્કેલ કામ હતું. !! કેતાથી હજુ બચી શકાય પરંતુ શીતલથી બચવું મુશ્કેલ હતું. એ થોડી ઉત્તેજનામાં આવી ગયો.

ચાલો પડશે એવા દેવાશે. મંથને ૩:૪૫ નું એલાર્મ મૂકીને આંખો બંધ કરી દીધી. એણે એક કલાકની ઉંઘ ખેંચી લીધી. એલાર્મ વાગતાની સાથે જ એ ઉભો થઈ ગયો. બાથરૂમમાં જઈને હાથ મોં ધોઈ નાખ્યાં. કપડાં વ્યવસ્થિત કર્યાં. વાળ પણ વ્યવસ્થિત ઓળી લીધા.

પલંગ ઉપર બેસીને એ શીતલની પ્રતીક્ષા કરવા લાગ્યો. એણે ગુરુજીને પણ પ્રાર્થના કરી લીધી.

" ગુરુજી.... કસોટીની ક્ષણો છે. હું સંયમ ના ગુમાવી બેસું એટલું મનોબળ આપજો. મારે શું નિર્ણય લેવો એ પણ મને સમજાતું નથી. મારા માટે જે યોગ્ય હોય એ જ પાત્ર મારા જીવનમાં આવે."

દસેક મિનિટમાં જ દરવાજે ટકોરા પડ્યા. મંથને ઊભા થઈ રૂમનો દરવાજો ખોલ્યો. મોંઘા પર્ફ્યુમની સુગંધ ફેલાવતી શીતલ સ્મિત કરતી સામે ઊભી હતી !!

શીતલ એકદમ તૈયાર થઈને આવી હતી. જીન્સ નું પેન્ટ તો એનું એ જ હતું પરંતુ ઉપર યલો કલરની શોર્ટ વેસ્ટર્ન કુર્તી પહેરી હતી. ખુલ્લા વાળ એકદમ સ્ટ્રેટ હતા. થોડો મેકઅપ કરેલો હતો. પગમાં ઊંચી એડીનાં ચપ્પલ પહેરીને ઊભેલી શીતલના ખભે પર્સ લટકતી હતી.

ક્ષણ માટે તો મંથન આ હિરોઈનને જોઈને જ નર્વસ થઈ ગયો. વિશ્વામિત્ર મેનકાની વાત એણે નાનપણમાં વાંચેલી પરંતુ પ્રત્યક્ષ અનુભવ આજે થયો.

" અરે મને અંદર આવવા તો દો ! ક્યાં ખોવાઈ ગયા છો ? " શીતલ હસીને બોલી.

" ઓહ.. સોરી સોરી. અંદર આવ. " કહીને મંથન રૂમની અંદર ગયો. શીતલ પણ દરવાજો અંદરથી બંધ કરીને પાછળ પાછળ આવી.

મંથન બેડ ઉપર તકિયાને અઢેલીને બેઠો. એની સામે જ શીતલ બેડ ઉપર એક પગ વાળીને અને એક પગ નીચે લટકાવીને બેઠી.

" આટલા બધા ટેન્શનમાં આવી જવાની જરૂર નથી જીજુ. હું તમને ખાઈ જવાની નથી. તમે કેતાને મળવા આવ્યા હતા. હવે મારો વારો. તમે ઈચ્છો તો આ શીતલ પણ તમારી થઈ શકે છે." શીતલ બોલી અને એણે મંથનના પગ ઉપર હાથ મુક્યો.

" અમદાવાદથી આવ્યો ત્યારે આવી કલ્પના જ ન હતી. કેતાને મળવા જ આવ્યો હતો પરંતુ તને જોયા પછી હું પોતે જ અવઢવમાં મુકાઇ ગયો છું. તારી વાતોએ તો મને વિચલિત કરી દીધો છે. પાછું કેતાએ પણ મને કહી દીધું કે અમારા બન્નેમાંથી કોઇની પણ સાથે તમે લગ્ન કરી શકો છો. " મંથને પોતાના મનની પરિસ્થિતિ વર્ણવી.

" મારે દીદી સાથે આજે બધી જ વાતચીત થઈ ગઈ છે. કેતાના કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધો થયેલા છે એટલે એણે થોડી પીછેહટ કરી છે. એની સાથે લગ્ન તમને સ્વીકાર્ય ના હોય તો મારો સ્વીકાર કરી શકો છો. કેતાના મોબાઈલમાં તમારો ફોટો જોયો ત્યારથી જ હું તો તમારા તરફ ખેંચાઈ ગઈ છું. આજે તમને રૂબરૂ જોયા પછી તો મારું દિલ મારા કાબુમાં જ નથી. યુ આર સો હેન્ડસમ ! " શીતલ બોલી.

" તારી લાગણી હું સમજી શકું છું પરંતુ હું તને આજે ને આજે કોઇ કમિટમેન્ટ નહીં કરી શકું. તું ખૂબ જ સુંદર છે. હું પોતે પણ તારાથી ખુબ પ્રભાવિત છું. અત્યારે એકાંતમાં તારી સાથે બેસીને મારા મનને મેં માંડ માંડ સંયમમાં રાખ્યું છે. છતાં લગ્નનો નિર્ણય લેવા માટે પ્લીઝ મને થોડો સમય આપ. " મંથન બોલ્યો.

" મંથન હું સાચે જ તમને પ્રેમ કરવા લાગી છું. મારા દિલમાં અત્યારે તોફાન મચ્યું છે. આપણે મોડર્ન યુગમાં જીવીએ છીએ. લગ્નનો નિર્ણય ભલે પછી લેજો પરંતુ હોટલના આ એકાંતમાં આપણે બંને એક તો થઈ શકીએ ને !!" શીતલ આવેશમાં આવી ગઈ અને મંથનની સાવ નજીક ખસી.

" અરે અરે શીતલ તું આવું ના બોલ. પ્લીઝ કામ ડાઉન. કંટ્રોલ યોરસેલ્ફ. હું પણ એક પુરુષ છું. ચાલ આપણે બીજી વાતો કરીએ. " મંથન બોલ્યો.

શીતલ તરત ઊભી થઈ. એને પણ ક્ષોભ થયો કે મારે આટલા ઉતાવળા ના થવું જોઈએ. મંથન અલગ જ માટીનો છે. એ વોશ રૂમમાં ગઈ અને મોં ધોઈ થોડી ફ્રેશ થઈને પાછી આવી.

" આઈ એમ સો સોરી મંથન." બેડ ઉપર થોડેક દૂર બેસીને શીતલ બોલી.

"ઈટ્સ ઓકે. યુ આર સો બ્યુટીફૂલ શીતલ. તારા વિશે હું ગંભીરતાથી વિચારતો થયો છું. આજે મારી જાતને મેં એટલા માટે કાબુમાં રાખી છે કે કેતા સાથે જે બન્યું તે તારી સાથે ના બનવું જોઈએ. હું નિલેશ નથી. મને તારી ચિંતા છે શીતલ." મંથન બોલ્યો.

મંથનના શબ્દો સાંભળીને શીતલ ખૂબ જ લાગણીશીલ થઈ ગઈ. મંથન માટે એના દિલમાં અહોભાવ પેદા થયો. આ યુવાન સાચે જ મારા માટે એકદમ લાયક છે.

" થેન્ક્સ મંથન ફોર એવરીથીંગ. તમે અત્યારે જે લાગણી બતાવી તે હું ક્યારેય પણ ભૂલી શકીશ નહીં. એનીવેઝ તમે શું કરો છો આજકાલ ? આઈ મીન જોબ કે બિઝનેસ ? દીદીને પણ તમારા વિશે ઝાઝો પરિચય નથી." શીતલ બોલી.

" હું પોતે સિવિલ એન્જિનિયર છું. હાલ અમદાવાદમાં છું પરંતુ થોડા દિવસમાં મુંબઈ શિફ્ટ થવાનો છું. મલાડ સુંદરનગરમાં મારો પોતાનો ત્રણ બેડરૂમનો ફ્લેટ છે. પપ્પાની અંધેરીમાં કન્સ્ટ્રક્શનની ઓફિસ છે એ હવે હું સંભાળવાનો છું. ટૂંકમાં હવે હું બિલ્ડર બનવા જઈ રહ્યો છું." મંથને શોર્ટમાં બધી જ માહિતી આપી દીધી.

" વાઉ ! આઈ એમ એકસાઈટેડ.આમ જોવા જઈએ તો આપણા બંનેની લાઈન એક જ છે. " શીતલ બોલી.

" હા કેતાએ મને તારો પરિચય આપ્યો છે કે તું ઇન્ટિરિયર ડિઝાઇનર છે. હું એક વાર સેટ થઈ જાઉં પછી મારી નવી સ્કીમોમાં તારો લાભ લઈશ. ધંધો જામી જશે તો તમને લોકોને મુંબઈ શિફ્ટ કરી દઈશ." મંથન બોલ્યો.

" તું ચા તો પીએ છે ને ? ચાર વાગ્યાનો મારો ચા પીવાનો ટાઈમ છે." મંથને પૂછ્યું.

" હા ચા મંગાવી લો. મને યાદ ના આવ્યું નહીં તો મસ્ત ચા થર્મોસમાં લેતી આવત. " શીતલ બોલી.

મંથને રૂમ સર્વિસમાં ફોન કરીને બે ચા નો ઓર્ડર આપ્યો.

"હવે હું રજા લઉં સાહેબ ? " ચા પીધા પછી શીતલ બોલી. બોલતાં બોલતાં શીતલે મંથનની સામે એવી રીતે જોયું કે મંથન ફરી ડિસ્ટર્બ થઈ ગયો.

આ છોકરીથી ખરેખર બચવું મુશ્કેલ છે. જો એ વધારે વાર રોકાશે તો ૨૭ વર્ષ સુધી રાખેલો સંયમ બધી જ મર્યાદા તોડી દેશે.

" ઠીક છે. કેતાને મારી યાદ આપજે. સમય આવશે એટલે મારો નિર્ણય તને કહી દઈશ." મંથન બોલ્યો અને ઉભો થયો.

" એ દિવસની મને પ્રતીક્ષા રહેશે. થેન્ક્યુ મંથન. લવ યુ. " શીતલ બોલી અને એ બહાર નીકળી.

શીતલ નીકળી ગઈ પછી મંથને હળવાશ અનુભવી. ખબર નહીં કેમ પણ શીતલની હાજરીમાં એ એક પ્રકારની બેચેની અનુભવતો હતો. કેતા અને શીતલમાં આસમાન જમીનનો ફરક હતો. શીતલ એને ગમી હતી પરંતુ અદિતિના કારણે એ શીતલથી અંતર રાખવા માગતો હતો. પિતાની ઈચ્છાથી વિરુદ્ધ એ જવા માગતો ન હતો.

હવે નડિયાદમાં બીજું કોઈ કામ ન હતું એટલે એણે હોટલ ચેક આઉટ કરી લીધી અને બાઇક સ્ટાર્ટ કરી. ઘણા સમયથી એની ઈચ્છા નડિયાદમાં પૂજ્ય મોટાનો આશ્રમ જોવાની હતી. પૂ. મોટા વિશે એણે ઘણું વાંચ્યું હતું એટલે એમનાં દર્શન કરવાની એની તીવ્ર ઈચ્છા હતી. આશ્રમમાં પૂ. મોટાની ચેતના સાક્ષાત હતી.

૧૫ ૨૦ મિનિટમાં એ પૂજ્ય મોટાના આશ્રમમાં પહોંચી ગયો. પૂ. મોટાની જે બેઠક હતી અને હિંચકો હતો ત્યાં એમની એક તસ્વીર રાખેલી હતી. પૂ. મોટાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને આગળનો માર્ગ બતાવવાની દિલથી પ્રાર્થના કરી.

દર્શન કરીને એણે બાઈકને અમદાવાદ તરફ વાળી લીધી અને પોણા બે કલાકમાં એ દરિયાપુર પોતાના ઘરે પહોંચી ગયો. સાડા સાત વાગી ગયા હતા. એણે થોડો આરામ કર્યો અને પછી ચાલતો ચાલતો જ જમવા માટે નીકળી ગયો.

" સવારે ક્યાંય બહાર ગયા હતા ભાઈ ?" ઉર્મિલા માસીએ પૂછ્યું.

"હા માસી હું નડિયાદ ગયો હતો. અચાનક નક્કી કરેલું એટલે તમને કહેવાનું ભૂલી ગયેલો. " મંથન બોલ્યો.

" કંઈ વાંધો નહીં ભાઈ. મેં એક વાગ્યા સુધી તમારી રાહ જોઈ હતી. " માસી બોલ્યાં.

બીજા દિવસે સવારે ચા પીવા માટે એ જયેશની હોટલે ગયો ત્યારે જયેશે એને ખુશ ખબર આપ્યા.

" મંથન વૈશાખ સુદ પાંચમના દિવસે મારાં લગ્ન નક્કી થયાં છે. ગઈકાલે જ એ લોકોએ મુહૂર્ત જોવડાવ્યું. "

" સરસ. મને ખૂબ જ આનંદ થયો. ખરેખર શિલ્પા એક સારી છોકરી છે. " મંથન બોલ્યો.

" મને ખૂબ જ સંતોષ છે. અમે બે વાર સાથે ડીનર ઉપર પણ જઈ અવ્યાં. " જયેશ બોલ્યો.

" મારી પસંદગી ખરાબ હોય જ નહીં. એનિવેઝ કોન્ગ્રેચ્યુલેશન્સ. હવે મેં તને તારી હોટલના રીનોવેશનની વાત કરેલી એનું શું કર્યું ? " મંથને પૂછ્યું.

" હા એ તને કહેવાનું ભૂલી ગયો. મેં મારા જાણીતા કોન્ટ્રાક્ટરને બોલાવીને બધું બતાવી દીધું. જે જરૂરી છે એટલું જ કામ હું કરાવીશ. એસ્ટીમેટ પોણા બે લાખનો છે. તું મને માત્ર એક લાખની મદદ કરજે. ૭૫૦૦૦ ની વ્યવસ્થા તો હું આરામથી કરી દઈશ. " જયેશ બોલ્યો.

" ઠીક છે. આજે જ તને હું રોકડા આપી દઈશ. " મંથન બોલ્યો.

મંથને ઘરે આવીને કબાટમાં પડેલી રોકડમાંથી એક લાખ રૂપિયા બહાર કાઢ્યા. પચાસ હજાર નડિયાદ લઈ ગયેલો. હવે થોડીક જ રકમ બચી હતી. આજકાલમાં બેંકમાં જઈને બીજા એકાદ લાખ લઈ આવીને ઘરમાં રાખવા પડશે.

નવ વાગે એ પૈસા લઈને ઘરેથી નીકળ્યો અને એક લાખ રોકડા જયેશને આપી દીધા. ત્યાંથી બાઈક પાછી વાળીને સીધો રફીકની ડ્રાઇવિંગ સ્કૂલે ગયો.

રફીક રોજ એને દોઢ કલાકનો સમય આપતો હતો એટલે હવે મંથનને ગાડી ચલાવતા પાકું આવડી ગયું હતું. પરમ દિવસે શનિવારે તો સ્વતંત્રપણે એણે કાલુપુર સ્ટેશન વિસ્તારના ટ્રાફિકમાં ગાડી ચલાવી હતી અને રિલીફ રોડ થઈને એ દરિયાપુર આવ્યો હતો.

" મંથન તું ડ્રાઇવિંગમાં એક્સપર્ટ થઈ ગયો છે. આવતી કાલથી તારે હવે સ્કૂલે આવવાની જરૂર નથી. આજે કાલુપુર સારંગપુર ખમાસા ગેટ આસ્ટોડિયા પાનકોરનાકા રીલિફ રોડનો રાઉન્ડ લઈ ફરી પાછા દરિયાપુર ગાડી ચલાવી લે. આ આખો રૂટ સખત ટ્રાફિકનો છે."

મંથને આરામથી એક કલાકમાં આખો રાઉન્ડ સ્વતંત્રપણે ગાડી ચલાવી. રફીક બાજુમાં જ બેઠો હતો.

" કોન્ગ્રેચ્યુલેશન્સ. મસ્ત ડ્રાઇવિંગ કર્યું તેં આજે. હવે કાલથી તારે આવવાની કોઈ જરૂર નથી મંથન. " રફીક બોલ્યો.

મંથને એનો હિસાબ ચૂકતો કરી દીધો. ડ્રાઇવિંગ શીખ્યા પછી નવી ગાડી લઈ લેવાનો વિચાર મંથનને આવ્યો પરંતુ પોળમાં પાર્કિંગનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો એટલે હાલ પૂરતો એ વિચાર માંડી વાળ્યો.

ત્યાંથી મંથન બાઈક લઈને બેંકમાં ગયો અને લોકરમાંથી બે લાખ રૂપિયા લઈ લીધા.

જમવા જતાં પહેલાં એ પૈસા ઘરે મૂકવા આવ્યો ત્યારે એણે જોયું કે તોરલના ઘરે મહેમાનો આવેલા છે. મંથને ધ્યાન ના આપ્યું અને સીધો ઘરે આવી ગયો.

તાળું ખોલીને એ ઘરની અંદર ગયો અને બે લાખ રૂપિયાનું પેકેટ સાચવીને તિજોરીમાં મૂકી દીધું. મુંબઈની ત્રણેય બેંકોનાં એટીએમ કાર્ડ એને મળી ગયાં હતાં પરંતુ સૌથી પહેલાં રોકડ કેશ વાપરી નાખવાની એની ઈચ્છા હતી. એટલે જ એણે લોકરમાંથી બે લાખ લઈ લીધા હતા.

તોરલના ઘરે એના સાસરી પક્ષવાળા લગનના મુહૂર્તની ચર્ચા કરવા માટે આવ્યા હતા. વેવાઈ કોઈ ગોર મહારાજ પાસેથી વૈશાખ મહિનાનાં ત્રણ ચાર મુહૂર્તનું લિસ્ટ લઈને આવ્યા હતા.

બંને પક્ષે શરૂઆતમાં લગનમાં કરવાના વ્યવહારની અને જમણવારની ચર્ચા વિચારણા કરી. એ પછી અખાત્રીજનો દિવસ તોરલનાં લગ્ન માટે નક્કી કર્યો.

બપોરે ૧૨:૩૦ વાગે મંથન ચાલતો ચાલતો જમવા માટે નીકળ્યો ત્યારે એની નજર તોરલના ઘર તરફ ગઈ. તોરલના વરને એણે જોઈ લીધો. થોડાક પૈસા માટે થઈને કાંતિલાલે તોરલ જેવી સુંદર કન્યા માટે માથે ટાલવાળો સાવ સામાન્ય મુરતિયો જોયો હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED