Varasdaar - 20 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 20

વારસદાર પ્રકરણ 20

હોળી પછી આવતી રંગપંચમીના દિવસે જયેશ અને શિલ્પાની સગાઈ થઈ ગઈ.

મંથને આ સગાઈમાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો. મંથને શિલ્પાને ફોન કરીને બધું સમજાવી દીધું હતું.

" જુઓ શિલ્પા, જયેશ સાથે તમારાં લગ્ન તો થઈ જશે પણ સવિતામાસીને જરા સંભાળી લેવાં પડશે. તમારા પપ્પાએ સવિતામાસીને બે લાખ આપવાની જે વાત કરી છે એ વચન તો એમણે પાળવું જ પડશે. નહીં તો માસી વચ્ચે રોડાં નાખશે. મેં માસી સાથે બધી વાત કરી દીધી છે કે તમને બે લાખ મળી જશે. " મંથન બોલ્યો.

" હા એ હું પપ્પાને કહી દઈશ. એની તમે ચિંતા નહીં કરો. હું સવિતાકાકી સાથે પપ્પાની જ વાત કરાવી દઈશ અને પપ્પા જ એમને કહી દેશે કે જયેશકુમાર સાથે શિલ્પાની મીટીંગ થઇ ગઇ છે અને બંનેની હા છે. વચન મુજબ બે લાખ રૂપિયા તમને મળી જશે." શિલ્પા બોલી.

" સરસ. સવિતામાસી સાથે તમારા પપ્પાની બે લાખ વાળી વાત થઈ જાય એટલે પછી આ સંબંધમાં કોઈ જ વાંધો નહીં આવે." મંથને કહ્યું.

પ્લાનિંગ પ્રમાણે બધું બનતું ગયું અને ચોકઠું ગોઠવાઈ ગયું. બે લાખની વાત થઈ એટલે સવિતામાસીએ પણ જયેશના અને એના કુટુંબનાં ખૂબ વખાણ કર્યાં.

સગાઈનો પ્રસંગ પતી ગયા પછી રવિવારે અચાનક નડિયાદ જવાનો વિચાર મંથનને આવ્યો. છેલ્લા પંદર દિવસમાં કેતાના બે ત્રણ મેસેજ આવ્યા હતા પરંતુ મંથને કોઈ જવાબ આપ્યો ન હતો. અદિતિને મળ્યા પછી અને એની સાથે નાનપણમાં થયેલી સગાઈની વાત જાણ્યા પછી મંથન કેતાના સંબંધમાં બહુ આગળ વધવા માગતો ન હતો.

મુંબઈની હોટલમાં કેતાએ મંથન તરફ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને પરોક્ષ રીતે એણે પ્રપોઝ પણ કર્યું હતું. મંથનની ઈચ્છા હોત તો તે દિવસે હોટલમાં કેતા સમર્પિત થઇ ચુકી હોત પરંતુ મંથને જ સંયમ જાળવ્યો હતો.

મંથન એક ચારિત્ર્યવાન યુવાન હતો. એ કોઈની પણ લાગણીઓ સાથે રમવા માગતો ન હતો. તે દિવસે બોરીવલીની હોટલમાં કેતા અને મંથન વચ્ચે ખૂબ જ રોમેન્ટિક ક્ષણો પેદા થઈ હતી ત્યારે પણ મંથને ગજબનો સંયમ જાળવ્યો હતો !

અમદાવાદ થી નડિયાદ માત્ર ૫૫ કિલોમીટર હતું. બાઈક લઈને મંથન સવારે આઠ વાગે જ નીકળી ગયો અને લગભગ દોઢ કલાકમાં નડિયાદ પહોંચી ગયો. બાઇકને સીધી એણે કેનાલ રોડ ઉપર હોટલ સાયપ્રસમાં લઈ લીધી.

હોટલ પહોંચ્યો ત્યારે સવારના પોણા દસ વાગ્યા હતા. એણે રુમ લઇ લીધો અને કેતાને ફોન લગાવ્યો.

" કેતા મંથન બોલું. નડિયાદમાં છું. કેનાલ રોડ ઉપર હોટલ સાયપ્રસમાં રૂમ નંબર ૪૦૧ માં આવી જા. સાથે લંચ લઈશું. " મંથન બોલ્યો.

" વાઉ ! તમે મને મળવા છેક નડિયાદ આવ્યા છો ? " કેતા ઝવેરી બોલી.

"હા બસ જસ્ટ હમણાં જ આવ્યો. ઘણા સમયથી મળ્યા નથી અને આજે રવિવાર છે એટલે થયું કે સાથે જ જમીએ." મંથન બોલ્યો.

" વાહ મારાં તો ઉઘડી ગયાં આજે. તમે એક કામ કરો ને ? તમે ઘરે જ આવી જાઓ ને ? સરસ રસોઈ કરીને તમને જમાડુ. મમ્મી સાથે પણ ઓળખાણ કરાવી દઉં. " કેતા ઉત્સાહમાં આવીને બોલી.

" ઘરે અંગત વાતો ના થઈ શકે. મારે તને કંઈ પણ કહેવું હોય તો એ જાહેરમાં ચર્ચા ના થઈ શકે. અને મમ્મી સાથે અત્યારે ઓળખાણ કરવાનો પણ કોઈ મતલબ નથી. " મંથન બોલ્યો.

" અરે મંથન તમે શું કામ આટલો બધો સંકોચ રાખો છો ? મારી મમ્મી એકદમ સીધી સાદી છે. અને વાતો કરવા માટે આપણે મેડી ઉપર જઈને બેસીશું. અમારું ઘર પણ તમારી પોળ જેવું જ છે. તમે રોજ બહારનું જ ખાઓ છો. મારા હાથની રસોઈ તો ચાખો. " કેતા બોલી.

" અરે કેતા તું ઘડિયાળ તો જો ! દશ વાગી ગયા છે. તું ક્યારે રસોઇ કરવા બેસીશ અને ક્યારે આપણે જમીશું ?" મંથન બોલ્યો.

" કેમ બહુ ભૂખ લાગી છે ? " કેતા હસીને બોલી.

" ભૂખ નથી લાગી. તને દોડધામ થશે. એના કરતાં બહાર જ લંચ લઈ લઈએ. " મંથને સમજાવ્યું.

" મારી ચિંતા કરશો નહીં. તમને જમાડવાની મને ફરી તક મળે કે ના મળે તમારે આવવાનું જ છે. હું તમારા વોટ્સએપ ઉપર એડ્રેસનો મેસેજ કરી દઉં છું. એક કલાકની અંદર આરામથી આવો. " કહીને કેતાએ ફોન કટ કર્યો.

થોડીવારમાં મેસેજ આવી ગયો.
# દેસાઈ વગો. શંકરદાસ દેસાઈની ખડકી. બંસીલાલ ઝવેરીનું મકાન.

કલાક સુધી બીજું તો કંઈ કામ હતું નહીં એટલે મંથન બેડમાં આડો પડ્યો.

નસીબ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે ? થોડા દિવસો પહેલાં એક સમય એવો હતો કે મારી સામે પણ કોઈ જોતું ન હતું. અરે જેની સાથે પ્રેમ હતો એ તોરલ પણ બિચારી મારી સાથે વાત કરી શકતી નહોતી ! આજે પૈસો આવ્યા પછી આખુ ચિત્ર બદલાઇ ગયું છે. - મંથન વિચારી રહ્યો.

કેતા સાથે આજે સ્પષ્ટ વાત કરી લેવી પડશે જેથી એ મારી સાથે લગ્નની કોઈ આશા ના રાખે. એને આજે દુઃખ તો થશે પરંતુ એ ખોટી આશામાં બેસી રહે એ પણ બરાબર નથી. મિત્રતાના સંબંધો ભલે ચાલુ રહે.

મંથન લગભગ સાડા અગિયાર વાગ્યે બાઈક લઈને દેસાઈ વગામાં પહોંચી ગયો. ઓટલા ઉપર બેઠેલાં એક બહેનને પૂછતાં એમણે કેતાનું ઘર પણ બતાવી દીધું.

મંથને બાઈક પાર્ક કરીને ઘરની જાળી ખખડાવી એટલે દોડતી કેતા આવી અને જાળી ખોલી નાખી. આગળના મુખ્ય રૂમમાં જ એક નાનકડો સોફા હતો. મંથને બેઠક લીધી.

" મકાન શોધવામાં કોઈ તકલીફ તો નથી પડી ને ? " કેતા બોલી.

" ખડકીમાં દાખલ થતાં જ એક બેનને પૂછ્યું તો એમણે બતાવી દીધું." મંથન બોલ્યો.

એટલામાં કેતાની નાની બેન શીતલ પણ મેડા ઉપરથી નીચે આવી.

" તમે આવી ગયા ? તમે તો કેતા ઉપર એવો જાદુ કર્યો છે કે દીદી રોજ તમારા જ નામનો જપ કરે છે. મારી પણ તમને જોવાની બહુ ઈચ્છા હતી. કેતાની પસંદગી લાખોમાં એક જેવી છે. " શીતલ આંખો નચાવીને બોલી. એ થોડી ચંચળ અને શરારતી હતી.

" ચૂપ કર શીતલ. શું જેમ ફાવે તેમ બોલ બોલ કરે છે ? " કેતાએ શરમાઈને ઠપકો આપ્યો.

" બોલવા દો ને એને ! મને તો મજા આવે છે. " મંથન હસીને બોલ્યો.

" અરે તમે એને છૂટ ના આપો. એની જીભ બંધ જ નહીં થાય. " કેતા બોલી.

" તમારી ચોઇસ પણ સરસ છે હોં જીજાજી " શીતલ જીજાજી બોલી એટલે કેતા છોભીલી પડી ગઈ. મંથન શું વિચારશે મારા માટે !!

" તું હવે બોલવાનું બંધ કરીશ ? " કેતા થોડી ગુસ્સે થઈને બોલી.

" ભલેને બોલતી. મને પણ ખબર તો પડે કે તમારા બંને વચ્ચે શું વાતચીત ચાલે છે !! અને કુંવારા વરને સો કન્યાઓ હોય. " મંથન બોલ્યો.

" બસ તો પછી મને પણ એડ કરી દો. અમારા ઘરમાં તો એકની સામે એક ફ્રી છે. હું પણ રેડી છું. " શીતલ આજે જબરદસ્ત મૂડમાં હતી. મંથન એને પણ ગમી ગયો હતો. પહેલી જ નજરે એ આકર્ષાઈ ગઈ હતી. બોલવામાં એ બિન્દાસ્ત હતી.

હવે કેતા ખરેખર ગુસ્સે થઈ ગઈ. પરંતુ એ કંઈ બોલે તે પહેલાં જ એનાં મમ્મી રસોડામાંથી બહાર આવ્યાં એટલે એ ચુપ રહી.

" આવો ભાઈ. કેતા મુંબઈથી આવી ત્યારથી તમારાં જ વખાણ કર્યા કરે છે. અમદાવાદ રહો છો તમે ? " મૃદુલાબેન બોલ્યાં.

" હા માસી અત્યારે તો અમદાવાદ રહું છું. થોડા સમયમાં મુંબઇ શિફ્ટ થવાનું વિચારું છું. " મંથન બોલ્યો.

" અરે વાહ ! મુંબઈ શિફ્ટ થવાના છો ? મને તો મુંબઈ બહુ ગમે." શીતલ બોલી.

" મમ્મી આને ચૂપ કરોને ? આવી ત્યારની જે મનમાં આવે તે બોલે છે. " કેતાએ મીઠી ફરિયાદ કરી.

" તે ભલે ને બોલતી. પહેલીવાર મંથનકુમાર આપણા ઘરે આવ્યા છે તો એને પણ ઉમળકો તો હોય જ ને ? " મૃદુલાબેન બોલ્યાં અને પાછાં રસોડામાં ગયાં.

" થેંક યૂ મમ્મી. જીજુ મારી પ્રપોઝલ ઉપર જરા વિચાર કરજો. ફાયદાનો સોદો છે. " શીતલ બોલી.

" હા હવે તો ગંભીરતાથી વિચારવું જ પડશે. બંને રૂપસુંદરીઓ સામે ઉભી છે. આવો મોકો ચૂકાય નહીં. પણ પહેલાં આ કેતાને પૂછી લેજો." મંથને શીતલની આંખોમાં આંખો પરોવીને કહ્યું. એને પણ આ ચુલબુલી છોકરી ગમી ગઈ.

મંથને શીતલની સામે એવી રીતે જોયું કે શીતલના દિલમાં તોફાન મચી ગયું. જો બાજુમાં કેતા ના હોત તો અત્યારે જ એ મંથનને વળગી પડી હોત !!

શીતલને જોયા પછી મંથન થોડો ડિસ્ટર્બ થઈ ગયો હતો. કેતા કરતાં પણ એ ગોરી અને ખૂબસૂરત હતી. જીન્સનું પેન્ટ, ગુલાબી ટી-શર્ટ અને કમર સુધીના ખુલ્લા વાળમાં એ એક મોડેલ જેવી દેખાતી હતી. અદિતિને એ મળ્યો ના હોત તો આજે એણે શીતલને પસંદ કરી જ લીધી હોત !

રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે કેતાએ મંથનને ચોકડીમાં હાથ-પગ ધોઈને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસી જવાનું કહ્યું.

રસોઈમાં શિખંડ, પુરી, બટેટાની સુકી ભાજી, ખમણ, કઢી અને ભાત હતા.

" અરે મારા એકલાની જ થાળી પીરસી ? તમે લોકો મને કંપની નહીં આપો ? " મંથન બોલ્યો.

" અમારાં કેતાબેન પતિદેવને જમાડયા પછી જ જમશે. " શીતલ બોલી.

" તો પછી તમે બેસી જાવ મારી સાથે." મંથન બોલ્યો.

" મારાથી પણ ના જ બેસાય ને ! સમજી જાઓ ને !! " શીતલ બોલી.

મંથન કંઈ બોલ્યો નહીં. શીતલને બોલવામાં નહીં પહોંચાય. એણે જમવાનું ચાલુ કર્યું. રસોઈ દિલથી બનાવી હતી અને ખૂબ જ સરસ બની હતી.

" કેતા રસોઈ ખરેખર બહુ જ સરસ બની છે. " મંથને કહ્યું.

" એટલા માટે જ મેં તમને ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. અને તમે તો રોજ અત્યારે બહારનું ખાઓ છો." કેતા લાગણીથી બોલી.

" તો જલ્દી લગન કરી લો ને જીજુ. રોજ બે ટાઈમ ગરમાગરમ રસોઈ જમવા મળશે. " શીતલ બોલી.

" હા હવે તો ગંભીરતાથી વિચારવું જ પડશે. " કહીને મંથને શીતલની સામે જોયું.

ત્યાં તો પૂરી લેવા માટે કેતા કિચનમાં ગઈ એટલે તરત જ મોકો જોઈને શીતલ ધીમેથી બોલી.

" તમારો મોબાઈલ નંબર જલ્દી જલ્દી બોલી જાઓ. હું સેવ કરી લઉં. દીદી પાસે છે પણ એ મને આપતી નથી. મને દીદીએ બધી વાત કરી છે. જિંદગીમાં પહેલી વાર મને કોઈ પસંદ આવ્યું છે. હું પછી વાત કરીશ. " શીતલ બોલી.

મંથને પોતાનો મોબાઈલ નંબર એને આપી દીધો.

મંથને જમી લીધું એટલે શીતલ અને મૃદુલાબેન જમવા બેસી ગયાં.

" ચાલો આપણે ઉપર બેસીએ. " કેતા બોલી.

" અરે પણ તું જમી લે ને ? મારે કોઈ જ ઉતાવળ નથી. " મંથન બોલ્યો.

" ના આપણે પહેલાં થોડી વાતો કરી લઈએ. પછી તમે આરામ કરો. હું જમી લઈશ. " કેતા બોલી.

મંથન અને કેતા ઉપરના માળે મેડા ઉપર ગયાં. મંથન ખુરશી ઉપર બેઠો અને કેતા સામે પલંગમાં બેઠી.

મંથન ઉપર ગયો ત્યારે ઘણા મનોમંથન માં હતો આમ તો એ કેતાને ના પાડવા માટે જ આવ્યો હતો. પરંતુ શીતલે એની સાથે જે રીતે રોમેન્ટિક વાતો કરી હતી એનાથી એ થોડો વિચલિત થઈ ગયો હતો. ગમે તેમ તો ય એ પુરુષ હતો !

શીતલ અદિતિ જેવી જ સુંદર હતી અને એવી જ મીઠી વાતો કરતી હતી. ના પાડવાની હમણાં ઉતાવળ કરવા જેવી નથી એમ એને લાગ્યું.

" તમે તો મારા મેસેજનો જવાબ પણ નથી આપતા. મને તો એમ થયું કે તમે મને ભૂલી જ ગયા છો. તમારો આજે ફોન આવ્યો ત્યારે હું કેટલી ખુશ હતી એ હું તમને કહી શકતી નથી. " કેતા બોલી.

"અમદાવાદ ગયા પછી બહુ જ બીઝી થઈ ગયો હતો. મુંબઈ શિફ્ટ થવાનું છે એટલે ઘણાં બધાં કામ નિપટાવવાનાં બાકી છે. " મંથન બોલ્યો.

" મેં ઘરે આવીને મમ્મીને અને શીતલને એબોર્શનની બધી જ સાચી વાત કરી દીધી. મારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ હતી એટલે હવે ઘરના લોકોથી છૂપાવવાનો પણ કોઈ મતલબ ન હતો. મમ્મીએ મને ઘણો ઠપકો આપ્યો. તમે અચાનક મને ટ્રેનમાં મળ્યા અને સમય ફાળવીને જે જે મારા માટે કર્યું એ બધી જ વાત મેં વિગતવાર કહી દીધી. મેં એવું પણ કહ્યું કે મેં તમને પ્રપોઝ પણ કરી દીધું છે પણ તમે થોડો સમય માગ્યો છે. મેં હોટલમાં પાડેલો તમારો ફોટો પણ બધાંને બતાવ્યો છે. " કેતા પોતાની વાત કરી રહી હતી.

" મારી આ વાત સાંભળીને શીતલ તમારા ઉપર ખૂબ જ ફિદા થઈ ગઈ છે. એણે તો મને ત્યાં સુધી કહ્યું કે તારી પ્રેગ્નન્સીના કારણે જો એમને કોઈ વાંધો હોય તો હું એમની સાથે લગ્ન કરવા તૈયાર છું. એટલા માટે તમે આવ્યા ત્યારની એ તમને આકર્ષવા ફ્લર્ટ કરી રહી છે. તમે એને પસંદ કરશો તો પણ મને કોઈ વાંધો નથી. કમ સે કમ મારી મમ્મીની એટલી ચિંતા તો ઓછી થશે." કેતા બોલી.

કેતાની વાત સાંભળીને મંથન તો આભો જ બની ગયો. આ તો સ્વયંવર જેવો ઘાટ થયો હતો. મંથન જેને ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે તેમ હતો. કેતાના ઉદાર વિચારો જાણીને મંથનને એના પ્રત્યે પણ માન પેદા થયું.

" શીતલને પસંદ કરું તો તને દુઃખ નહીં થાય ? જસ્ટ પૂછું છું. "

" ના. કારણ કે એ મારી નાની બહેન છે. મેં આટલી મોટી ભૂલ કરી છે તો એની થોડી સજા તો મને મળવી જ જોઈએ. અને તમે બીજી જ કોઈ છોકરી સાથે લગ્ન કરી લો એના કરતાં તો શીતલ સાથે લગ્ન કરાવીને અમારા ઘરની જવાબદારી હું તમારા હાથમાં સોંપું તો એનાથી ઉત્તમ બીજું શું ? " કેતા બોલી.

" શીતલની થોડી વાત કરું તો શીતલે ઇન્ટિરિયર ડિઝાઇનરનું કર્યું છે. પોતે સારી ડાન્સર છે અને કોલેજનાં નાટકોમાં પણ ભાગ લે છે. કોલેજની સૌંદર્ય સ્પર્ધામાં પણ એ ફર્સ્ટ આવી છે. સ્વભાવે થોડી બિન્દાસ્ત છે." કેતા બોલી.

" હમ્... "

" તમારે શીતલ સાથે મીટીંગ કરવી છે ? તો હું એને ઉપર મોકલું. " કેતા બોલી.

" ના કેતા. સાચું કહું તો લગ્નનું મેં હજુ કશું વિચાર્યું જ નથી. શીતલ મને ગમી ગઈ છે એ હું કબુલ કરું છું. પરંતુ હજુ મને થોડોક સમય આપ. મુંબઈ જઈને એક વાર બિઝનેસમાં સેટ થઈ જાઉં. " મંથન બોલ્યો.

" ઠીક છે. તમારો જે પણ નિર્ણય હશે એ મને માન્ય છે. હું તો તમને પ્રેમ કરું જ છું છતાં લગ્ન નો સવાલ છે એટલે કોઈ કારણસર તમારું મન ના માને તો પછી શીતલનો હાથ પકડી લો. " કેતા બોલી.

" હું પૂરી કોશિશ કરીશ. હવે હોટલમાં જઈને હું આરામ કરીશ. ૨૪ કલાકનું ભાડું ચૂકવી દીધું છે તો વસૂલ પણ કરવું પડશે ને ? " મંથન બોલ્યો અને ઉભો થઈને નીચે આવ્યો. કેતા પણ નીચે આવી.

" ચાલો હું રજા લઉં માસી. હોટલ ઉપર થોડો આરામ કરી લઉં. સાંજે નીકળી જઈશ." મંથને મૃદુલાબેન અને શીતલની સામે જોઈને કહ્યું.

" ભલે ભાઈ આવતા રહેજો. અમારી કેતા માટે જરા વિચારજો. એના પપ્પાના ગયા પછી બંને છોકરીઓને સંઘર્ષ કરીને મોટી કરી છે." મૃદુલાબેન બોલ્યાં.

" તમે એની કોઈ પણ જાતની ચિંતા ના કરો. લો આ પચાસ હજાર રાખો. તમારે કામ આવશે. " કહીને મંથને પોતાના ખિસ્સામાંથી ૫૦ હજારનું બંડલ કાઢીને મૃદુલાબેનના હાથમાં મૂકયું.

" અરે મંથનકુમાર આટલી બધી રકમ મારાથી ના લેવાય." માસી બોલ્યાં.

" આ તો કંઈ જ નથી માસી. હંમેશા હું બધાંને મદદ કરતો જ રહું છું. ઘરમાં પડ્યા હશે તો કોઈ દિવસ કામ આવશે. ભવિષ્યમાં પૈસાની કોઈ પણ જાતની તકલીફ હોય તો મને અડધી રાત્રે ફોન કરજો." મંથન બોલ્યો.

મંથનનું દિલ જોઈને ઘરના સૌ સભ્યો ચકિત થઈ ગયા.

" કેતા થોડું પાણી લઇ આવ ને !" મંથને કેતા સામે જોઈને કહ્યું. કેતા કિચનમાં જઈને ફ્રીજમાંથી પાણી લઈ આવી.

પાણી પીને મંથન ઘરની બહાર નીકળી ગયો અને બાઇક સ્ટાર્ટ કરી.

હોટલે પહોંચીને રૂમની ચાવી લઇ એ રૂમમાં ગયો. એસી ચાલુ કરીને એ બેડ ઉપર આડો પડ્યો ત્યાં જ વોટ્સએપ ઉપર મેસેજ આવ્યો.

# હાય ! શીતલ છું. તમને મળવા ચાર વાગે હોટલ આવું છું. રૂમ નંબર મેસેજ કરી દેજો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED