સ્વપ્ન Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વપ્ન

હું ધોરણ -૫ ની ગુજરાતી વિષયની સાપ્તાહિક કસોટી તપાસી રહ્યો હતો.તેનો છેલ્લો પ્રશ્ન એવો હતો કે" તમને આવેલ સ્વપ્ન વિશે પાંચ વાક્ય લખો." બધાં વિદ્યાર્થીનાં અલગ અલગ સ્વપ્ન વાંચવાની મજા આવતી હતી.કોઈકને મેળામાં જવાનું તો કોઈકને પાંખો આવીને પંખીની જેમ ઉડવાનું સ્વપ્ન આવ્યું. કોઈ કોઈને તો મામાના ઘરે ગયાનું સ્વપ્ન પણ આવ્યું.તો કોઈને ભૂત, ડાકણનાં ડરામણા સ્વપ્ન પણ આવ્યાં.હું પેપર ચેક કરતો જતો ને વિચારતો જતો હતો, "સ્વપ્ના બધાં મજાનાં. "


ચીટી નામની છોકરી વર્ગમાં ખૂબ ઓછું બોલે.પાછળની લાઈનમાં બેસે.બીજી છોકરીઓ જોડે પણ બહું ભળે નહિ.દેખાવ પરથી ખબર પડે ગરીબ ઘરની હશે.તે સ્વભાવે અંતર્મુખી.થોડી લઘુતાગ્રંથિથી પણ પીડાય.આંખોમાં હંમેશા નિરાશા છવાયેલી હોય. રીસેસનાં સમયમાં બધાં ઝાડનાં છાંયડે ટિફિન જમવા બેસે. ચીટી બધાંની સાથે નો બેસે.થોડી અલગ એકલી બેઠી બેઠી જમતી હોય.


એક દિવસ રિસેસમાં છોકરાઓ જમતાં હતાં. હું આંટો મારવા ગયો.બધાં છોકરાઓ "સાહેબ મારામાંથી ચાખો,સાહેબ મારામાંથી ચાખો"એવો આગ્રહ કરતાં હોય.તેને રાજી રાખવાં એકાદ જણના ટિફિનમાંથી થોડું ચાખું પણ ખરો. જેનાં ટિફીનમાંથી ચાખ્યું હોય તે રાજીનાં રેડ થઈ જાય.અને બીજા બધાં જીદ કરે, " સાહેબ અમારાં ટિફિનમાંથી તો ચાખો." આમ, ફરતાં ફરતાં મે જોયુ તો ચીટી એક બાજુ બેસીને ટિફિન જમી રહી હતી.તે થોડી શરમાઈ રહી હતી.ત્રાસી નજરે હું તે બાજું જતો નથી ને? તેમ જોઈ રહી હતી. હું તે બાજું જ ગયો. ચીટી શરમાઈને સંકોડાઈને જમવાં લાગી.હું તેની બાજુમાં ગયો.તેની પાસે બેઠો. તેણે ખાવાનું બંધ કરી દીધું.તેનાં ઘોબાઘડિયા વાળા ડબામાં અડધો બાજરાનો રોટલોને તેની પર લસણ મરચું કકડાવીને બનાવેલી ચટણી મૂકેલી હતી. મેં તેને પૂછ્યું,. " હું જમું?"


તેણે શરમાઈને નીચું જોઈ માથું હલાવી હા પાડી. મેં તેનાં ડબ્બામાંથી રોટલાનું એક બટકું લઈ ચટણીમાં બોળી ખાધું. પછી કહ્યું, " વાહ ચીટી બહું મીઠું લાગ્યું. કોણે રોટલો બનાવી દીધો?"


ચીટીએ જરાક ઊંચું જોઈ મારી સામે જોઈ કહ્યું, " મારી બા એ"આટલું બોલતાં તેનાં મોઢાં પર આજે મેં પહેલી વાર ખુશી જોઈ.


બધાંનાં પેપર જોતાં જોતાં ચીટીનું પેપર આવ્યું. તેનાં અક્ષર સારા છે.બધાં પ્રશ્નો જોતાં જોતાં છેલ્લાં પ્રશ્ન પર હું આવ્યો.તો ચીટીએ તેનું સ્વપ્ન લખ્યું હતું કે, " મેં સ્વપ્નમાં મારાં પપ્પાને જોયા.તે મારી પાસે આવ્યાં.મારી સાથે વાતો કરી ને મારાં માટે કેળા લાવ્યાં. મેં કીધું, પપ્પા સફરજન નો લાવ્યાં? મને બહું ભાવે.તો પપ્પાએ કીધું બટા સફરજન બહું મોંઘા હોય.આપડે કેળા જ ખવાય." મને ગરીબ દીકરીનાં ગરીબ સ્વપ્નાએ વિચારતો કરી દીધો.


મે ચીટીને વર્ગમાં ઊભી કરી.મારી પાસે બોલાવી.પછી તેને હળવી કરવાં મેં કહ્યું, " તે સરસ સ્વપ્ન લખ્યું છે.સ્વપ્નમાં તારા પપ્પા તારા માટે કેળા લાવ્યાં ને?" તેણે નીચેથી જરા ઊંચું જોઈ હા પાડી. મેં તેનું મન રાજી રાખવાં કહ્યું,


" તને ખબર છે? કેળા સસ્તાં ભલે રહ્યાં પરંતુ તેનાં ગુણ સફરજન કરતાં સારા છે." ચીટીએ માથું હલાવી હા પાડી.પછી મેં તેને પૂછ્યું, " રોજ તારા પપ્પા બહાર ગામ જાય ત્યાંથી તારા માટે કેળા લાવે?"
તે ઘડીક કહી બોલી નહિ મારી સામે જોઈ રહી.પછી થોડી ઢીલી પડી ગઈ અને બોલી,
" સાબ, ઇતો મને સપનું આવ્યું.હતું.એનું લખ્યું છે "
મેં વાત આગળ ચલાવી, "પણ તારા માટે રોજ ભાગ લાવતાં તો હશે ને?"
ચીટી મારી સામે જોઈ રહી.તેની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. તે નીચું જોઈ ગઈ.ઘડીક નીચું જોઈ રાખી પછી મારી સામે જોઇને બોલી,
"સાબ, મારાં પપ્પા બે વરસ પહેલાં મરી ગયાં છે." તેની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં.


હું નીચે જોઈ ગયો.મારી આંખો પણ ભરાઈ આવી.હું તેની સામે જોઈ ન શક્યો.મારાં ખિસ્સામાંથી રૂમાલ કાઢી સ્વસ્થ થવા કોશિશ કરી.પછી ઊંચું જોયું તો ચીટી તેની જગ્યાએ જઈ રહી હતી.તેની પીઠને તાકતા હું મનોમન બોલી ઉઠ્યો.
" સપનાં બધાં મજાનાં"


(સત્ય ઘટના પર આધારિત)


લેખક: અશોકસિંહ એ. ટાંક


wts up no.9428810621


તા.9/3/2022