Tapanu books and stories free download online pdf in Gujarati

તાપણું

              ત્રણેય દાદાની ઊંઘ તો વહેલી ઉડી જાય. પરંતુ પાંચ વાગ્યે જાગે ને સવાર નો નિત્યક્રમ પતાવી છ વાગે એટલે ત્રણેય ગામના પાદરે આવેલ વાડાના ખૂણે ભેગા થાય. ત્રણેય ભાભલા જુના ભાઈબંધ. ત્રણેય એ ધાબળા ઓઢેલા હોય. તાપણા માટેના બળતણની વ્યવસ્થા રોજ સાંજે કરી નાખે. થોડા ટી ટિયા હોય, એકાદુ ઝાડુ લાકડું હોય, ને એક બે છાણા હોય. તાપણું પ્રગટાવવામાં પશાભાભા હોશિયાર. આમેય તેણે જુવાનીમાં કેટલાયના ઘરે ભડકા કરેલા.                     

              તાપણું બરાબર તા' પકડે એટલે ત્રણેય ફરતા ફરતા ઈંટ ની બેઠક બનાવી બેસે. હાથ શેકે, પગ ના તળિયા શેકે. જેમ જેમ તાપણું તપતું જાય ત્રણેય વારાફરતી કઈ ની કઈ વાતો કરતા જાય. વાતોનો વિષય મુખ્યત્વે ગામ ની તાજેતરની ઘટનાઓ, આજે ઠંડી વધુ છે કે ઓછી, મોંઘવારી, આજના યુવાનો, ખેતી, ઢોર ઢાખર એવી અલગ અલગ હોય.         

                    આજે  તાપણી માં બે-ત્રણ જાડા લાકડાં હોવાથી વધારે તા' પકડ્યો છે. પશાભાભા એ પોતાનું ધોતિયું સંકોરી, ધાબળો સરખો કરતાં, ટીટીયા પર આગ પકડતા જાડા લાકડાને સરખું ગોઠવતા વાત ચાલુ કરી. મારા દીકરા આ જુવાનિયા શું કરશે એ નથી હમજાતું. પહેલા તો રોજ સુરત થી ફોન કરી કે"તો, "બાપા ધંધામાં બવ હારું છે. આ દિવાળી એ તમને બધા ને સુરત લઈ લેવા છે.એક મકાન જોય રાખ્યું છે.તમે આખી જિંદગી બવ કામ કર્યું.હવે તમે આયા હે.....ને શાંતિથી પોરો ખાજો. " દિવાળીની રજાઓ માં આવ્યું ત્યારે જરીક અમથું મોઢું કરીને રખડ્યા કરતું હતું.એક દી ' મને કહે, "બાપા, ધંધામાં ખોટય આવી છે ને મકાનનું બાનું આપી દીધું છે."મે કહ્યુ, "તો હવે શું કરશું?" મારો દીકરો કહે, "જમીન વેચી દેવી!!" મારી ચાર પેઢી જેના ઉપર રોજીરોટી કમાણી એ જમીન વેચવાની કહે છે. જેઠાભાભા કહેવા લાગ્યા, "અલ્યા, ઉતાવળો નો થાતો એમ જમીન  થોડી વેચાય? ને એ લેણાં માં કેમ આવી ગયો?" પશાભાભા થોડા ઢીલા પડી ગયા. "ભાઈ છોકરા થી વધુ શું હોય? એને લેણીયાટ કનડતા હશે. જમીન તો ભાગ્યમાં હશે તો ફરી લેવાશે. બે વરહ પહેલા એણે છોકરાના લગનમાં વધારે ખરચ કર્યો એમાં લેણું થઈ ગયું હશે"  ટાઢા પડતા તાપણા ને પસા ભાભા સંકોરવા લાગ્યા.            

             જેઠાભાભા  કહેવા લાગ્યા, "આ સમયમાં લગન માં ખોટા ખરસ વધી ગયા. આપડે તો એક જોડી નવા  સોરણી, પેરણ માં પરણી જાતા   'તા. લગન ની વાત આવતા તમને એક વાત કેદીએ નથી કીધી એ કવ. પણ કોઈને કે'તા નહીં." બંને ભાભલાં એ નકારમાં માથું ધુણાવ્યું. તાપણી ભડ...ભડ.. કરતી બરાબર તા' પકડતી જાય છે. જેઠાભાભા કહેવા લાગ્યા, "ઈ વખતે અમારે દહકો હતો. ચાર હાંતી ની ખેડય હતી મારા બાપાને. ત્રણ કુવે કોહ હાલતા  હતા. મારા લગન ની આખા ગામને ભારે હોશ.અગિયાર ગાડાની તો અમે જાન લઈને ગયા હતા. મારાથી નાનો હાઢું પણ પરણવા આવ્યો હતો. તેનો વખત માપસરનો હતો. ઈ નાના ખેડૂ હતા. મારી જાન પોગી એટલે મારા બાપા વેવારિક કામે મારા હાહરા ને મળવા ગયા. ન્યા એણે જોયું બેય કન્યા તૈયાર થઈ બેઠી હતી. પણ મારા માટે જે કન્યા નક્કી કરી હતી તેના કરતા તેની નાની બેન બહુ રૂપાળી હતી. મારા બાપા એ તરત જ મારા હાહરા ની પાહે માંગણી કરી કે નાની પરણાવો તો જ હા નકર જાન પાછી જાહે!! મારા હાહરા એ મારા બાપાને બહુ સમજાવ્યા પણ મારા બાપા નો માન્યા. પેલા તો આપડે કન્યા ક્યાં જોયેલી હોય!! બાપા જોવે ને કહે ન્યા હા પાડી દેવાની. મારા હાઢુ ના બાપાને બોલાવ્યા. ઈ બચારા ભગવાનનું માણહ. તેણે કહ્યું તમે મોટા માણહ છો તમે કો' ઈ હાસુ. અમારે તો છોકરાને કન્યા પરણાવો એટલે ઘણું!!"      

                 "મારી હારે નાની કન્યાને મારા હાઢું હારે મોટી કન્યાના ફેરા ફેરવી દીધા. પણ ભાઈ કહે છે ને કે ભાગ્ય કોઈએ થોડા વેચી ખાધા છે!! ઈ તારી ભાભી આવી તે ' દું ની અમારી પડતી છે. બધુ વેચાય ગયું. છેલ્લી દહ વીઘા રઇ. ને મારા હાઢું નો દહકો આવ્યો. એને અતારે દોમ...દોમ સાહ્યબી છે. જેઠાભાભા સળીથી દાંત ખોતરતા તાપણું સંકોરવાં લાગ્યા.      

                      લાકડા સળગી ગયા. તાપણી માં હવે દેવતા જ રહ્યા છે. મઘાદાદાએ બધા દેવતા ભેગા કર્યા માથે જામેલી રાખને દેવતા આડાં અવળા કરી ઉખાડી ટાઢી પડી ગયેલી તાપણી નો તા'વધાર્યો. ઘડીક બધા મૌન થઈ ગયા. પછી બંને ભાભા બોલ્યા, "અલા મઘા તું આજ કેમ મૂંગો મંતર થઈ ગ્યો છો?" મઘાદાદાએ મોટો નિસાસો નાખ્યો, "હું શું કહું? મારુ હાળું ઘરનું માણા વયું જાય એટલે આપડે બહુ એકલા થઈ જાવી. અમારા ડોશી સરગે ગયા એને વરહ થાવા આવ્યું. પણ ઘરે ક્યાંય ચેન નથ પડતું. છોકરા બચારા ધેન રાખે. ખવરાવે પીવડાવે સુખી રાખે. લુગડા લતા લાવી દયે. હોકલીમાં પીવાની કુકડા છાપ તમાકુનો તો કિલોનો બાંધો લાવે. બેઠા હોવી ન્યાથી ઉભા થાવ એમ પણ નો કયે. દીકરા ની વોવું પોત્રા બધા જ બવ માયાળુ. પણ છોકરાઓ આખો દી' ધંધામાં નવરા નો રે. વાતુ કરવાનો તો બચારાને ટે મ જ નો મળે.મોડા આવે સવારે વેલા ભાગે. પોતરા પણ નીશાળ્યું ને ટુસન આખો દી ધોડ્યા કરે.ઘરે વોવુ હોય.કોની હારે વાતુ કરવી? ડોશી હતા તો વાતુ શીતું કર્યા કરતાં ને દાડો નીકળી જતો."              

                તાપણા નાં દેવતા બુઝાવા લાગ્યા, લબક જબક થતા લાલ પીળા થવા લાગ્યા. દેવતા પર રાખ બાજી ગઈ. ત્રણે ભાભા તાપણા ના બુઝાતા દેવતા સામુ જોઇ શાંતિથી બેઠા છે. મઘાદાદા મૌન તોડતા નિસાસો નાખી બોલ્યા, "ડોશી તો ગયા પણ જાણે હારે ઘર લેતા ગયા." ઘરડી આંખોમાંથી આંસુ સરી પડ્યું. તાપણી નાં રહ્યા સહ્યા દેવતા પણ બુઝાઈ ગયા...

લેખક: અશોકસિંહ ટાંક...
( ૧૬/૧/૧૯)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED