Taras books and stories free download online pdf in Gujarati

તરસ.

          શિયાળો પૂરો થાય એટલે એજ ચાર રસ્તા પર પરબ ચાલુ થઈ જાય. અહિ આવેલાં એક બાવળ નીચે વાંકાચૂકા બાવળના ચાર પાયા ખોડી,તેની ઉપર આડા લાકડા બાંધી, તેનાં પર લાલ ચટટક જેવા બે માટલા મુકેલા હોય.બાવળના છાંયે શણ  નો કોથળો પાથરીને ડોશી મા બેઠા હોય.ડોશી મા નો પહેરવેશ કાઠીયાવાડી મોટી ઉંમરની સ્ત્રીઓ જેવો. કાળાટપકાં વાળો સાડલો, થેપાડું ને કાપડુ. કોને ખબર ડોશી મા ક્યારે આવી જતા હશે? પરંતું સવારે જ્યારે નીકળો ત્યારે તેં હાજર જ હોય.માટલા ,બુજારા,ગ્લાસ ને લોટા ઉટકિ..ઉટકિ ને ઉજળા રાખે.બાવળના છાંયે વટેમાર્ગુ ને બેસવા માટે પણ કોથળો પાથરેલો હોય.આજુબાજુ દાંત ખોતરવા પણ સળી નાં મળે એવી ચોખ્ખાઈ હોય.                         

                     બળબળતો ઉનાળો ચાલુ થાય એટલે નજીકમાં ક્યાંય પાણી નાં મળે તેવી જગ્યા એ આ પરબ આવેલું .જતા આવતાં મુસાફરો ને પરબ જોઇ તરસ લાગી જાય.ઉભા રહે ઍટલે ડોશી મા મીઠો આવકાર આપે. " આવ ભાઇ આવ...,લે  તડકાનો ઘડીક પોરો ખા, લે આ માટલાનું શીળૂ પાણી પી." આવનારની અડધી તરસ તો ડોશી મા નો આવકાર બુજાવી દેતો. રસ્તે નીકળતા વાહનોવાળા , ફેરિંયા,ભંગારવાળા,ગોવાળિયા,નિશાળીયા,માસ્તરો બધાં જ ડોશી મા ની પરબે તરસ છીપાવતા જાય.ડોશી મા બધાં ને પાણી પાય ને સમાચાર પણ પૂછે. વળી બધાં ને ઘડીક પોંરો ખાવાનું તો ક્હેજ.                       

           આવા જ એક ઉનાળાની લૂ વાતી બપોરનાં ત્રણ વાગે મારી બાઇક મેં ત્યાં થોભાવી. ડોશી મા એ આવકાર આપ્યો, " આવ ભાઇ આવ, લે છાંયડે બેહઃ, ઘડીક પોરો ખા."  એમ કહી મને ઠંડા પાણી નો લોટો ભરી આપ્યો. હુ પાણી ઘટઘટાવી  ગયો. ખરેખર ખૂબ  ટાઢક થઈ. મે ડોશી મા ને પુછ્યું, " માડી તમને આ કામનો કોઈ પગાર આપે કે સેવા કરો ?" ડોશી મા મારી સામે જોઇ રહ્યાં , ને કહેવા લાગ્યા, "ભાઇ બાજુના ગામનાં એક મહાજન છે, તેં મહિને દાડે તણસો રૂપિયા આલે છે. પણ તણસો માં આ મોંઘવારી માં હૂઁ થાય? કયારેક કોક  પુણશાળી પાણી પિયને છુટા આપતાં જાય  મારુ ગાડું હાલ્યા કરે. મારે તો બાજરાનો બઢૉ ને છાસ મળી રે એટલું ઘણુ"  મે કહ્યુ, " આટલા રૂપિયામાં કોઈ આટલી મહેનત ને આ બળબળતા તાપમાં કેમ કરે?" ડોશી મા એ કહ્યુ," ભાઇ, આ કામનું કામ અનેં સેવા પણ થાય. મારી મંગુડી નો આતમ રાજી થાય." 

               મે કહ્યુ,"મંગુડી કોંણ ?" ડોશી મા કહેવા લાગ્યા, " ભાઈ મારે દુનિયામાં એક મંગુડી જ હતી, પેદા થઈ ને વરહ ની થઈ ત્યાં એનો બાપ ગુજરી ગયો. દાડી કરી એને મોટી કરી.જુવાન થાતાં એનાં હાથ પીળા કરી દીધાં. પણ મૂંઈ નસીબ ની ફૂટેલિ. હાહરે ગઇ નીયા ઇનો વર દારૂડિયો નીકળ્યો. મંગુડી દાડી કરી પૈસા લાવે ને ઓલ્યો હાંજે ફદ્દયા લઇ લે ને દારૂ  પીય જાય.ને પછી બિચારી ને ઢિબે. મંગુડી ઘણી વાર કંટાળીને  રીહામણે વય આવે પણ હુ પાછી ધકેલૂ..જા..છોડી તો  હાહરે જ હારી લાગે.

                        એક દન એનાં હાહરીયા માંથી એક માણા મને તેડવા આવ્યો ને સીધો મોટા દવાખાને લઇ ગ્યો. જોયું તો મંગુડી લીલી કાસ જેવી ઉલટીયું કરયે જાતી'તી ને પાણી..પાણી કરતી'તી. મને પેટ મા ફાળ પડી, મૂયે નક્કી દવા પીધી લાગે છે.મને ભાળી ને મા...પાણી...મા...પાણી પા..રાડ્યૂ દેવા મંડી. મે ઘોડી ને માટલામાંથી લોટો ભરી ને આલ્યો ને જેવો મંગુડી ને મોઢએ  માંડ્યો. દાક્તર આવી ગ્યો ને લોટા નો ઘા કરી દીધો.મને બહું  ખીજાણો, " ઝેર પીધેલા ને પાણી નો દેવાય, સાલા ગામડિયા તમને કઇ ખબર જ ના પડે." ઈ મને  ખીજાતો ત્યાં મંગુડી મારી  હામે જોઇ રહી ને  ટાઢિ થઈ ગઇ. આંખ્યું બંધ કરી ગઇ. બચાડી તરસી જ મરી ગઇ. હું એને ઘૂંટડો પાણી ય નો પાય હકિ." ડોશી મા ની ઘરડી આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. " ભાઇ આયા આવતાં માણહો ને પાણી પાવ છું, ને મારી મંગુડી ની તરસ છીપાવું છું !!"     
                એટલાંમા એક છકડાવાળો આવ્યો. ડોશી મા  એ સાડલાનાં છેડે આંખો લૂછી, માટલામાંથી લોટો ભરી તેને પાવા લાગ્યા..


                         અશોકસિંહ એ. ટાંક

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED