ખાલીપો... Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાલીપો...

             દાદા ની ઉંમર 90 વર્ષ થી વધારે હતી. સ્મશાનેથી અંતિમ ક્રિયા પતાવી બધા ઘરે આવી ગયા. હમણાં લોકો બેસણામાં આવવા લાગશે. એટલે તેની બેઠક ની તૈયારી ચાલુ થઈ ગઈ. સફેદ ગાદલા ને પાથરણાં પાથરી દેવામાં આવ્યા. ગામડામાં બાર દિવસ સુધી બેસણું ચાલુ હોય છે. ગામના ને બહારગામના સગા વહાલાઓ પોતાના સમયની અનુકૂળતા પ્રમાણે આવતા રહે છે. દાદા મોટી ઉંમરના હતા, એટલે કાણ લઈને આવતી બહેનું દીકરીઓ ને પણ રોકકળ કરવાની ના પાડતા હતા. એ... દાદા પાછળ રામનામ લો એમ કહેતા.       
                    આમ તો દાદા ને ખાસ કોઈ બીમારી ન હતી. પરંતુ આટલી ઉંમરે તો શરીર પણ ઘસાઈ જાય ને!! છેલ્લા ઘણા સમયથી દાદા ખાસ બહાર નહોતા નીકળતા. ઘરના સભ્યો ખૂબ સેવા ચાકરી કરતા હતા. દાદા ખૂબ ભક્તિ ભાવવાળા હતા. દાદાનો મુખ્ય પહેરવેશ સફેદ ધોતિયું, સફેદ પહેરણ, માથે સફેદ પનીયું વીંટાળેલું હોય. આંખે નંબરના ચશ્મા પહેરતા. હાથમાં વાંકી લાકડી. ધીમી ને મક્કમ ચાલ. હાલતા ચાલતા જોરથી"મહાદેવ..."એવો નાદ કર્યા કરતા. દાદા જ્યાં સુધી બરાબર હાલી ચાલી શકતા હતા, ગામમાં આવેલા આશ્રમમાં જ વધારે સમય રહેતા. આખો દિવસ ભગવાન શિવની સેવા પૂજા કર્યા કરે. આશ્રમની સાફ-સફાઈ કરે. આશ્રમમાં આવેલા ઝાડવાઓને પાણી પાય. પક્ષી પરબ ભરે. આશ્રમમાં કોઈ સાધુ આવે તો તેને પોતાની સાથે ઘેર જમવા લેતા આવે. ઘરે ક્યારેક કોઈ કહે, "દાદા, તમે સાધુ બાવા ને ભલે લાવો પરંતુ અગાઉ કહેવરવતા તો હો, તેમના માટે કંઈક વિશેષ તો બનાવીએ."દાદા કહેતા, "આપણે ખાવી તે સાધુને ખવડાવીએ, બસ ભાવ હોવો જોઈએ."             

              રોજ ચાર વાગે એટલે દાદા ચોખા ની નાની પોટલી લઇ ઉપડે નદીએ. નદીમાં ચોમાસા સિવાય પાણી ના હોય. તેના કાંઠે દાદાએ વાળીને ચોખવાળી કરી રાખેલી. ત્યાં જઈ આ ચોખાની ચણ ચકલાને નાખે. ચકલા નું ટોળું જાણે વાટે જ હોય તેમ ચક... ચક... કરતું ચણવા લાગે. દાદા હાથમાં રાખેલી લાકડીને ટેકે ઉભા ઉભા રાજી થાય ને ચકલા ચણી રહે ત્યાં સુધી ત્યાં જ ઉભા રહે. રખે ને કોઈ કુતરુ કે બિલાડું ચકલા ને હેરાન કરે તો! આ નિયમ ક્યારેય ચૂકે નહીં. છેલ્લે તો તે અશક્ત થઈ ગયા, ચાલી શકે તેમ ન હતા. તો પણ ત્યાં ચકલી ને ચણ દેવા જવાની જીદ કરતા. આખરે આ નિયમ   જીકુબા એ લેવો પડ્યો. ત્યારે દાદાને ને સંતોષ થયો. જીકુબા એટલે દાદાના એકના એક પુત્રના ઘરેથી. એ પણ આધેડ વયના.       

                જીકુબા એ દાદા ની ખુબ સેવા કરી, દાદા છેલ્લે તો બાળક જેમ જીદ કરતા. પરંતુ જીકુબા સહેજ પણ ગરમ થયા વગર દાદાને ફોસલાવી ને જમાડી દેતા. દાદાના દીકરા કાળુબાપુ નો સ્વભાવ લાગણીશીલ પરંતુ તેઓ થોડા રાડીયા ખરા.ક્યારેક દાદા પર ગરમ થઈ જાય તો જીકુબા તેમને પણ સમજાવે.     

             દાદાને અલગ જ રૂમ હતો. જ્યાં દાદાની પથારી, બાજુમાં પાણીની માટલી, થોડાક ધાર્મિક પુસ્તકો, દાદા ની માળા ને દાદાની વાંકડી લાકડી. એક ખૂણામાં દીવાલમાં એક કબાટ માટે જગ્યા મૂકેલી. તેમાં દાદા નુ મંદિર. દાદા ના મંદિરમાં મુખ્ય તો શિવજીના ફોટા, સાથે કેટલાય દેવી-દેવતા અને ગુરુ મહારાજના પણ ફોટા લગાવેલા. હવે દાદા ક્યાંય બહાર મંદિરે જઈ શકતા ન હતા. એટલે આ ઘરના મંદિરની સામે આસન પાથરી બેઠા બેઠા કઈ નું કઈ વાંચતા હોય. સેવા પૂજા કરતા હોય. રોજ ભગવાનના ફોટા ને ચંદનના ચાંદલા કરી કરીને ભગવાનના મોઢા પણ ચંદનના ચાંદલા પાછળ દાબી દીધા હતા.     

             બેસણામાં રોજ બહારગામથી કોઈને કોઈ આવ્યા કરે. ગામના વડીલો પણ બેઠા હોય. જેને જે યાદ હોય તે દાદા ના સંસ્મરણો કહેતા. દાદાએ તેના સમયમાં ખૂબ જ કામ કરેલું. તેઓ કાપડનો વેપાર કરતા. કોઈ તેનું બાકી બિલ ન આપે તો પણ દાદા પઠાણી ઉઘરાણી ન કરતા. તે કહેતા, "બિચારા પાસે સગવડતા નહીં હોય, થશે ત્યારે આપી દેશે."આમને આમ આજે દાદાનું બારમું પણ પતી ગયું. આજ સુધી ઘરે રોજ ઘણા માણસો રહેતા.       

                બારમું પત્યું, બધા વિખેરાયા. બારમાના જમણવાર ની વસ્તુઓ, થાળી વાટકા, મંડપ, બધું જ પરત જવા લાગ્યું. ઘર ખાલીખમ થઈ ગયું. બધું કામ આટોપી દાદા નો રૂમ ખોલ્યો. દાદા ની પથારી ભેગી કરી. દાદાના પુસ્તકનું પોટલું વાળ્યું. દાદા ના મંદિર ના ફોટા કે જેની પર ચંદનના થર લાગી ગયા હતા, તે એક થેલીમાં ભરી દીધા. દાદા ની માળા પણ લીધી. બધું ભેગું કર્યું. રૂમ બહાર મુક્યુ. છેલ્લે ખૂણામાં પડેલી દાદાની વાંકડી લાકડી લઈ કાળુબાપુ એ રૂમ બંધ કરવા જતા પહેલા એક નજર કરી. રૂમ નો "ખાલીપો" તેમને ઘેરી વળ્યો. આટલા દિવસ સુધી કઠણ રહેલા કાળુબાપુની આંખો આંસુથી ઉભરાવા લાગી. કાળુબાપુ ઉંબરમાં જ બેસી ગયા.  

( સ્વ. શ્રી અરજણદાદા   વેગડ ને અર્પણ)   

લેખક: અશોકસિંહ ટાંક