dhingano nathi khelvo.. books and stories free download online pdf in Gujarati

ધીંગાણો નથી ખેલવો..

               બાબુલાલ એટલે જૂના સમયના પંચાયતના પટાવાળા. પંચાયતમાં અવાર-નવાર કોઈના કોઈ સાહેબો આવે. મોટાભાગે તાલુકા મથકેથી સાહેબો આવે. કોઈ કેસ કબાડા થયા હોય તો તાલુકા પોલીસ સ્ટેશનથી જમાદાર સાહેબ પણ આવે. બાબુલાલ નો વારસાગત ધંધો હજામત કરવાનો. ગામના લોકો તેને બાબલો કહે. પરંતુ ધીમે ધીમે બાબુલાલ ની ઓળખાણ મોટા મોટા સાહેબો સાથે થવા લાગી. પંચાયતે મામલતદાર સાહેબ આવે કે જમાદાર સાહેબ આવે, જેના નામ ની નોટીસ હોય તેને બોલાવવા માટે તો બાબુલાલ ને જ ગામમાં જવાનું.                                                          

             એ સમયમાં ગામડાના લોકો આવા સાહેબો અને ખાખી કપડાથી ખૂબ જ ડરતા. બને ત્યાં સુધી તેમનાથી દૂર રહેવાય એવું વિચારતા. બાબુલાલ જમાદાર ની નોટિસ બજાવવા જાય ત્યારે રૂઆબથી ચાલે, પગમાં બાટા ના સ્લીપર પહેરેલા હોય તેનો પટક પટક...અવાજ આવતો હોય. બાબુલાલ પહેલા તો સફેદ પહેરણ ને પટ્ટાવાળો લેંઘો પહેરતા. પણ જમાદાર સાહેબે એક વાર કહ્યું કે કામદાર તમે હવે ખાતાના માણસ કહેવાઓ. ત્યારથી તે સફેદ ખમીસ, નીચે ખાખી લેંઘો, પગમાં ખાખી મોજા,ને બુટ પહેરતા થયા હતા.          બાબુલાલ ની આવી  ઓળખાણથી ગામ લોકો તેને માન આપતા થયા હતા. કોઈ હવે તેને બાબલો નહોતા કહેતા. બધા તેને સાંભળતા તો કામદાર જ કહે. રખે ને ક્યારે બાબુલાલ નું કામ પડે! તેની સાથે બગાડાય નહીં. એવું લોકો વિચારતા.હવે તો બાબુલાલ એ પોતાનો વારસાગત ધંધો પણ બંધ કરી દીધો હતો. તે કહેતા અમારે સરકારી માણસને ગમે ત્યારે પંચાયતે જાવું પડે. એટલે અમારે હવે ટાઈમ જ ના હોય. લોકો તેને કામદાર કહેતા તે તેને ગમતું.                                                          

                     ગામના શેઠિયા, ખેડૂત, મજુર, લબાડ- લફંગા, માસ્તર બધા જ બાબુલાલ સાથે સારો સંબંધ રાખે. તેનું માન જાળવે. ધીમે ધીમે બાબુલાલ નો સ્વભાવ અકડું થવા લાગ્યો. તેને અભિમાન ચડવા લાગ્યું. ગમે તેને જેમ તેમ કહી દે. કોઈ સાથે વાંધો પડે તો ધમકી આપે, "તું ધ્યાનમાં જ છો, જમાદાર સાહેબ આવે એટલી વાર છે."બધા તેની સામે નમતું જોખે. કામદારનો રૂઆબ વધતો ગયો. પણ કોઈ તેની સામે ના પડે.                            

                 ગામના વજનદાર માણસ એક કાઠી બાપુ હતા. તે આ બધું જોયા કરે. કાઠી બાપુ જમાનો ખાઈ ગયેલા, ઠરેલ બુદ્ધિ વાળા. એ મનમાં વિચારે કે, " માળું આ ઊંદડું અફીણનું ખરલ છાંટી ગયું છે."તેણે વિચાર્યું સમય આવે આ બાબલા નો ઈલાજ કરવો પડશે. કાઠી બાપુ પણ તેને કામદાર કહેતા. ક્યારેક-ક્યારેક ફુલાવતા પણ હતા. " માળું કામદાર તમે તો સાહેબો હારે રહી રહીને બધો કાયદો જાણતા થઈ ગયા છો!!"બાબુલાલ ફુલાઈ જઈને મરક-મરક હસતા. અને કહેતા, " કામ કામને શિખવે "                                                       
        
                      એમાં એક દિવસ કાઠી બાપુ ચોરાના ઓટલે બેઠા છે. ચોરામાં એક અખાડી સાધુ, કસાયેલું ખુલ્લુ શરીર, ખાલી લંગોટ પહેરેલી, માથે બાંધેલી મોટી જટા, કાળી ડિબાંગ દાઢી, તેજસ્વી મુખારવિંદ. ચારવડી કરેલી ગોદડી પર થેલા નો ટેકો લઈ બેઠા છે. બાજુમાં તેનો ચીપિયો ને કમંડળ પડ્યું છે. બેઠા બેઠા ગાંજાની ચલમ ભરી દમ ખેંચે જાય છે. એટલામાં બાબુલાલ સામેથી પહોળા પહોળા ચાલ્યા આવે છે. કાઠી બાપુને જોઈને તે વધારે પહોળા ચાલવા લાગ્યા.                                      
               કાઠી બાપુએ આ જોયુ ને મરક્યા. "આજ બરાબર નો લાગ છે. માળું ઉંદડું કેદુ નુ કૂદાકૂદ કરે છે."તેણે બાબુલાલ ને ઇશારે થી બોલાવ્યા. ને ધીમે થી કહ્યું, "હે કામદાર!! આ બાવો તમને પૂછીને આયા રોકાણો છે? કામદાર નો તો મગજનો પારો ઊંચે ચડી ગયો. ચોરો ઊંચા પડથાર નો હતો. ફરતે લાકડાની કઠોડી લગાવેલી હતી. અંદર જવા નાનો દરવાજો મુકેલો હતો. કામદાર ધબ...ધબ.. કરતા પગથિયાં ચડ્યા. ને પહેલા સાધુ ને કહેવા લાગ્યા, " અલ્યા બાવા આયા કોની રજા લઈને ગર્યો છો?" સાધુએ ચલમનો દમ ખેંચતાં શાંતિથી કહ્યું, "ભાઈ, હમે તો કિસી કી રજા લેને કી જરૂરત નહિ હૈ. એ તો ભગવાન કા ઘર હૈ. ઔર સાધુ કો ક્યાં હૈ? એક દો દિન ઠહરકે કે ચલે જાયેંગે."                                                         
            કામદાર વધુ ગરમ થયા, "ચલે જાયેંગે કા દીકરા, એ ધરમશાળા થોડી હૈ, આયા રોકાવાના હૈ, તો મારી રજા લેવાના હૈ, હું આ ગામના કામદાર હૈ. નીકળી જા ઇધરથી." સાધુ થોડા વિચલિત થયા, "ભાઈ સાહબ,હમ તો જીધર ભી જાતે હૈ, ગાવ કે રામજી મંદિર મે હી ઠહરતે હૈ. કભી ભી કિસી કી રજા નહીં લેતે."                                                           
               સાધુનું આવું નરમ વલણ જોઈ કામદારનો ગુસ્સો વધ્યો. ચોરાનો દરવાજો ખોલી અંદર આવ્યા. સાધુની બાજુમાં પડેલો લોખંડનો ચીપિયો ઉઠાવી ઉગામ્યો. ને સાધુને ખભે થી પકડી હડબડાવ્યા. સાધુની ચલમ હાથમાંથી પડી ગઈ. માથેથી જટા છૂટી ગઈ. હવે સાધુ અસલ રંગમાં આવ્યા. આંખો લાલ ચોળ થઈ ગઈ છે. કામદાર સામે જોયું.                                                  
                   
              સાધુએ કસાયેલા ગોટલા વાળા હાથે કામદારને હડસેલો માર્યો. ત્યાં તો બાબુલાલ પડી ગયા. "તેરી જાત કા... કહીને સાધુએ કામદારને ખભેથી સાથળ માંથી પકડી હવામાં તોળી લીધા. ગોળ ગોળ ફેરવી ઊંચા પડથાર વાળા ચોરાની કઠોડી ઠેકાડી નીચે ફેંકી દીધા. કામદારનું મોઢુ ધૂળમાં પડ્યું, મોઢામાં ને વાળમાં ધૂળ.. ધૂળ.. થઈ ગયું. કપડાં પણ ધૂળ..ધૂળ.. થયા. પગમાંથી એક બુટ નીકળી ગયું. નાખોરી ફૂટી ગઈ. પડ્યા પડ્યા કામદાર કણસવા લાગ્યા. કાઠી બાપુ ઓટલે થી ઉભા થઇ કામદાર પાસે ગયા. તેનો હાથ પકડી તેને ઊભા કરવા લાગ્યા. ને મનમાં મરકતા કહેવા લાગ્યા, "હં... હં.. કામદાર જાવા દયો ને બિચારા સાધુડા ને!!     આપણે ધીંગાણો નથી ખેલવો...!!!"                      

લેખક: અશોકસિંહ ટાંક
(કથાબીજ: વર્ષો પહેલા મારા બાપુજી આ વાત કહેતા)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED