નાથીયાને ચંદ્રકાંતે ધારીને જોયો...તેલ વગરના માથાના કરકરીયા વાળ ન સેંથો પાડેલો ન માથુ ઓળેલુ પણ મોટી દેગડી જેવડુ માથુ મોટી ડરાવની આંખ છીબુ નાક ,નાકમાંથી નિકળેલા શેડા ,ફાટેલા હોઠ ફાટેલુ ખમીસ...ચડ્ડીની પોસ્ટઓફિસનુ એક બટન ખુલ્લુ ...ચંદ્રકાંત ખડખડાટ હસી પડ્યો...અને ઇશારો ચડ્ડી તરફ કર્યોએટલે ખમીસ ઢાંકી બે પગ સાંકડા કર્યા ત્યાં સુધીમા અમૃતલાલ માસ્તરનો છીકણીનો ક્વોટા પુરો થઇ ગયેલો .કાંટો ચડી ગયો હતો ..હાથમા બે ફુટની આંકણી હલાવતા નજીક આવ્યા ...નાથીયા સામે જોયુ ..તેની બાજુમા તેનો જીગરી ભુપત બેઠો હતો તેને પરસેવો થઇ ગયો...નાથીયાનો રોજનો ચાર પાંચ આંકણીનો ક્વોટા પુરો થયો નહોતો..ભુપતને માંડ એક બે પડતી...
"કેમ બોલાવ્યો નાથીયા? તારેતો ભણવુ નથીને ગધેડા ચારવા છે...(એ જાતે કુંભાર હતો)પણ જે બીજાને બગાડ્યા તો ..."ફટાક એક આંકણી પ્રસાદ ઢીઢામા પડ્યો...
"સાયેબ આ જોવોતો ખરા ડાબા હાથે પેન પકડી છે આ ચંદીયાયે..."(નામ બગાડના નંબર -૨)
સાહેબે કડક રીતે ફરીથી હાથ પકડી પેન ચાર આંગળીયોમા પકડાવી અને જમણા હાથે ફરીથી મોટો ક લખ્યો..."બાબાભાઇ,પાટીની પાછળ દસ વાર લખો ...પાછી નાથાને પડીએક બોનસ આંકણી. "ખબરદાર જો બાબાભાઇને જેમતેમ બોલ્યો તો બે પગ વચ્ચે માથુ નાખી કુકડો બનાવીશ..."નાથીયો ખરેખર ડરી ગયો...અવડુમોટુ માથુ બે પગ વચ્ચે રાખી કાન પકડી મરધો કેમ બને ...? અને ન બને તો સટાસટી આંકણીની થાય...રીસેસ પછી નાથીયાએ સીટ બદલી નાખી ભુપતને ચંદ્રકાંત પાંસે બેસાડ્યો ને પોતે નાથીયા પછી બેઠો.ભુપત સ્વભાવનો શાંત ગરીબડો એટલે એણે ચંદ્રકાંતને ઇશારો કર્યો...લખવા માટે..ચંદ્રકાંતે પાટી ફેરવી ડાબા હાથથી આખી પાટીમા ઉંધા ક લખવાના શરુ કર્યા.મનમાં વિચારે કે સાલું આ એક લીટી આમ વાંકીચુકીજાય કે આમ વાતતો વાંકીચુકી લીટી કરવાની પછી એક આડી લીટી કરીને વાંકીચુકીલીંટી ઉપર એવી રીતે મુકવાની કે વાંકીચુંકી હલે નહી….એંહ એમાં શીમોટી ધાડ મારી?એક શું દસ લખી નાખું પણ આ માસ્તરની છીંકણીથી મને છીંક આવવા મંડી છે ..બહુ ગોબરા ગુરુજી છે ઉપરથી આવી જાડી આંકણી ઓલા નાથીયાને કેવી તડીંગ તડીંગ મારે છે?
અમૃતલાલ માસ્તર રાઉંડ મારતા ચંદ્રકાંત નજીક આવ્યા ને ડોળા તતડાવ્યા..."બાબાભાઇ આ ઉંધા ક કેમ લખ્યા...?"...ફરીથી મારી સામે લખો....પાછો ડાબા હાથથી ઉંધો ક ..”લ્યો”અમૃતલાલ માસ્તરને પરસેવો વળી ગયો...એક તો ડાબા હાથે જ લખે પાછો ઉંધો ક....તારા બાપાને કહી દઇશ સમજ્યો ?ભણીશ નહી તો મજુરી કરવી પડશે..મજુરી...છીંકણીનો સબડકો લેવો પડ્યો.. ચશ્મા ઠીક કર્યા...ચંદ્રકાંતે માસ્તરને કહ્યુ "મંજૂરી શું કામ કરવી પડે ? તમને ખબર છે મારે ઘરેતો સોનાની ઇંટોને ચાંદીની પાટો છે?માસ્તરને ધોળે દિવસે તારા દેખાઇ ગયા..!!!”
(ત્યારે ડીસ્લેક્સીયા ટુંકમા મેંટલ ડીસઓર્ડર (સાચુ નામ જાતે પાકુ કરવુ)વાળી "તારે જમીં પર ની શોધ નહોતી થઇ નહિતર ચંદ્રકાંતની ગણના જીનીયસમા હોત...)
બપોરના સ્કુલ છોડીને ટોપી ઉંચીનીચી કરતા અમૃતલાલ માસ્તર સ્કુલની સામેની સાઇડમા ગાંધીચોક પાંસે જગુભાઇને દુકાને મળવા પહોંચ્યા...બે હાથે રામ રામ કર્યુ..."બે મીનીટ વાત કરવી છે શેઠ..."
"હાં હાં બોલો માસ્તર..."
"આપણા નાના બાબાશેઠ....."
"અરે બોલો .."
"મેં પાટીપેન પચાસવાર જમણા હાથમા પકડાવી પણ ધરાહાર ડાબા હાથથી જ લખે છે ...લખવામાં ઉંધુ લખે ઇ તો હુ કરાવીશ પણ ડાબા હાથનુ કેમ કરવું કાંઇ સમજણ નથી પડતી!...પણ બાબાશેઠ ઇસ્કુલમાં મોટેથી બોલ્યા..."
"શું?"
અમૃતલાલે છીકણીવાળુ મોઢુ સાફ કરી જગુભાઇના કાન પાંસે જઇને બોલ્યા"બાબાભાઇ કહે મારે ધરે સોનાની ઇંટો ને ચાંદીની પાટો છે..મેં ડારો દીધો હતો શેઠ કે ભણશો નહી તો મજુરી કરવી પડશે એટલે આવુ બોલ્યા ..બોલો"
જગુભાઇની આંખમા તોફાન રમી ને શમી ગયુ.."તમતમારે જાવ હું એને સમજાવી દઇશ પણ ડાબા જમણાની મને ખબર ન પડે .ઉંધુ લખે તેને તમારે ચત્તુ કરાવવાનુ કે નહી માસ્તર?"જગુભાઇની કડક રુવાબદાર ભાષા સાંભળી માસ્તર ટોપી ઉંચીનીચી કરતા "હા હા "બોલી નિકળ્યા ત્યારે જગુભાઇને પુત્રની નવી ચિંતા વધી હતી .એવી રીતે માસ્તરને પણ ચંદ્રકાત સાથે સાત કોઠાનુ યુધ્ધ લડવાનુ હતુ...