"વાહ ,મજા આવી ગઇ !વાહ...શું કડક સુગંધ,શુ ટેસ્ટ !....એક ઘુંટથી શું થાય? બોટલ મોઢામા ઠલવી દીધી .ત્યાં મોટી બેનની નજર પડી...."કાળી ચીસ પાડી બેન દોડતી આવી ....મારું નામ બગાડવાનુ પહેલું શ્રેય મોટી બેનને જાય છે.."હાય હાય ચંદુડો...”બેને એક હાથમા ટીંચર આયોડીનની ખાલી બોટલ પકડી મહામહીમ ચંદ્રકાંતને કાખમા નાખી કથા ચાલતી હતી ત્યાં ચીસો પાડતી દોડી...”ભાઇ આ આ ચંદુડો આખી બોટલ ઢચકાવી ગયો...બાપરે ...”જગુભાઇ કથા મંડપ છોડી દોડ્યા બહાર...પાછળ મોટુ ટોળુ દોડ્યુ ...રસ્તામા ઘોડાગાડી પકડીને દોડાવીને સરકારી હોસ્પીટલ જ્યાં મહામહીમનો શુભ જન્મ થયો હતો ત્યાં પહોંચ્યા ત્યારે ડોક્ટર બહાર જવાની તૈયારીમા હતા તે આવી રીતે જગુભાઇને જોઇને પાછા ફર્યા ....દોડતા જગુભાઇએ બોટલ અને છોકરો દેખાડ્યો..."આ...બધુ પી ગયો...ટીંચર"
ડોક્ટર અરે બાપરે બોલતા વોર્ડબોઇને બોલાવ્યા..."આને જલ્દી ઉંધો લટકાવ...પકડ બરોબર.."
ચંદ્રકાંતનું કહેવુ હતુ "સરકાર મેરા ક્યા ગુન્હા હૈ મુઝે ઉલટા લટકાકે મીરચીકી ધુવાડી કરોગે.હેં..?"પણમોટેથી હેં નિકળ્યુ સાથે પીઠ ઉપર દે ધનાધન લાગી એટલે જે જામ ભર્યો હતો તે પુરેપુરો બહાર આવી ગયો ...થોડો નાકમા પણ ગયો પણ અત્યારે દુશ્મનોની સંખ્યા વધારે હતી...જગુભાઇની ટોપી ટેંશનમા આડી થઇ ગઇ ,પરસેવે રેબઝેબ થઇ ગયા...”આ છોકરો મને જપવા નહી દે.રોજ કંઇક તોડફોડ કંઇક ઉધામાં હોય જ છે…શું કરવું આનું ?એક બાજુ મારી બાનાં આત્માની શાંતિ માટે જીવની સદ્દગતિ માટે કથા કરાવીએ કે ઉપરથી મારી માં નો જીવ ઉંચો થઇ જાય એવા એક એક થી ચડિયાતા તોફાન વધતા જાય છે …મહારાજે ગરમ કેસર બદામ પીસ્તા વાળુ દુધ બનાવીને મુક્યું ને ઉપરથી કીધું “એ બાબાભાઇ આ બધુ ગ્લાસમાંથી પી જજો તો બાજુની બોટલ પકડીને ઢચકાવી …હે રામ…”
રડતા રડતા જયાબેન દવાખાને પહોંચ્યા અને ઉંધો લટકાવેલો લાલો જોયો ...એટલે હોશ છુટી ગયા.ઢગલો થઇને પડ્યા...એટલે એમને પણ ખાટલામા નાખવા પડ્યા.ચંદ્રકાંતને ચત્તો કરવામા આવ્યો પછી આડો કરવામા આવ્યો પછી ફરીથી સુતા સુતો ઉંધો કરી પેટ દબાવીને રહ્યો સહ્યો માલમસાલો મુદ્દામાલ તરિકે જપ્ત કરવામા આવ્યો ...ડોક્ટરે પાછો ચત્તો કરી મોઢામા દવા લગાડી... ટીકડીઓનો ભુક્કો કરી પાણી સાથે આપી..ત્યારે બાકાયદા બે હાથ અને બે પગ મુજરીમની જેમ પકડવામા આવેલા એમ ઇતિહાસ કહે છે...ડોક્ટરે જગુભાઇને ખભે હાથ મુક્યો "બહુ ટાઇમ સર આવ્યા હવે જોખમ ટળી ગયુ છે..પણ એક દિવસ અંહી રહેવા દ્યો...
જયાબેને આંખ ખોલી ત્યારે તેનો લાલો તેની સોડમા છુપાઇ ગયો એટલે જયાબેનનુ મોટેથી રડવાનુ ચાલુ થયુ....હીબકા શાંત થતા નહોતા કારણમા જગુભાઇની લલઘુમ આંખનો ડર..જયાબેન થથરી ગયા એટલે ચંદ્રકાંતે બાને છાની રાખવા માંડી..."બા...રલ નહી"
"રોયા રલ નહી રલ નહી પણ આમ જો મને બધા ખાઇ જશે..."
જગુભાઇને ટેકનીકની કંઇ અસર ન થઇ"છોકરાને રેઢો મુકી ભગવાનને ભજવાની કઇ લાંપ વઇ જતી હતી?જરાક માટે બચ્યો છે”...એ લાલઆંખનો ડર અને ફડક ચંદ્રકાંત પંદર વરસના થયા ત્યાં સુધી બરકરાર રહ્યો...
"આને રેઢો મુકાય એવો નથી ...ક્યાં મોટો સાવ શાત ને ક્યાં આ સતપતીયો...એકે વાતે સખ નથી..આખોદી ઉધામા કર્યા કરે...બાપા એકે હજારા છે આ છોકરો..."જગુભાઇ ટોપી સરખી કરી બહાર નિકળી ગયાપછી જયાબેનના જીવમા જીવ આવ્યો...સૌથી પહેલા બચ્ચીઓથી નવરાવી દીધો..તારા વગર મારુ શું થાત...?હવે કોઇ દિવસ આવુ નહી કરતો હોં..."
.......
ચંદ્રકાંત પાંચ વરસના થયા ત્યાં સુધી દુધીબેનની નાની દીકરી શારદા એની સાથેને સાથે રહે...એક મીનીટ છોડે નહી...પણ હવે ચંદ્રકાંતને સપના જોવાનો હક્કતો આપવો પડે એટલે સારા મુહ્રતમા ઘરની બાજુમા અધ્યારુ શાળામા તપખીર પ્રિય તપખીર ટોપી વાળા આગળના ઉપર નીચેના થઇ ચાર દાંતવાળા અમૃતલાલ માસ્તરની નિશાળમા માથે ચાંદલો કરી ગુરુ પુર્ણીમાને દિવસે મુકવામા આવ્યા ત્યારે મુકવા પણ શારદા આવી.ન બાપાને ફુરસત હતી ન માંને...અમૃતલાલ માસ્તરે રુપીયા નારીયેળ ટેબલ ઉપર મુકી પાથરણા ઉપર ચંદ્રકાંતને બેસાડ્યા ત્યારે નાકેથી સરકેલા ચશ્મા ચંદ્રકાંતની ગોદમા પડ્યા...ઝડપથી ઉપાડી પાટી પકડી ને ચંદ્રકાંતનો સુકલકડી જમણો હાથ પકડ્યો......મોટો "ક" પાટીમાં લખ્યો ને છીકણીની તલબથી દુર ગયા એટલે ચંદ્રકાંતે ડાબા હાથેપાટીપેન પકડી...બાજુમા બેઠેલા શેડાળા નાથીયાને હસવુ આવી ગયુ...