આ કથા શરુ કરતા પહેલા...તમને મારા ગામનો પરિચય આપવો રહ્યો...કારણકે આ જ માટીમાં જનમ અને મહામુલા જીંદગીના બાવીસ વરસ ગુજાર્યા છે...આ ગામે મારા જનમ પહેલા મારા દાદા પરદાદા વડદાદા એમ દસ પેઢીનો દાદાઓના નામ સાથે મને એકડો ધુટાવ્યો છે .. કેટલીક કથાઓ મારા દાદા ક્યારેક મારા બા ક્યારેક અમારા દુધીમા ...ક્યારેક જીવી ધોબણમા ક્યારે ભરવાડ નારણ ભાઇ તો ક્યારેક સોનાબાઇ..ક્યારેક કંચનકાકી તો ક્યારેક વિજયાભાભુ ક્યારેક નંદલાલ બાપા તો ક્યારેક મણીબાપા ને ક્યારેક આંખમાથી ન ખસતા મણી માં મારી સદાય ચોકી કરી મને ગોદડીએ વિંટી રાખતા લક્ષ્મીદાદી તો બહુ ઓછુ બોલી આંખોથી વહાલના દરિયા લુટાવતા મારા દાદા કાળીદાસભાઇ...
જેનાથી પંદર વરસ સુધી થરથર કાંપ્યા એવા બાપુજી ને પંદર વરસ સુધી ઢાલ બનેલા મારા બા ,આમ બધ્ધા પાત્રો જે હવે આકાશના તારા બની ગયા છે...બસ ત્યાં સુધીની કથા પહેલા ભાગમા લખીશ..
પહેલા તો આ એવુ તે કેવુ ગામ ..?
અમરેલીની કથા કરતા પહેલા હું ટાવર બની ઉંચે ચડી એ સમયના અમરેલીના ટાવરની આંખેથી જોઉ છું. આ ગામ મોટુ કેમ નથી થતું?આવા તો કોઇ ગામ ગુજરાતમાં નથી જેની જીલ્લા તરીકે જનમતી વખતે ચાલીસ હજારની વસ્તી હતી પછી સડત્રીસ થઇ જાય પાછી વધે તો ચાલીસ?સરાપ લાગ્યા છે આ ગામને. ન કોઇ ધંધા મોટા ન કારખાના મોટા..પણ તોય લેરખા લેતા માણસો.!!
મારી સામે જુની બજાર છે...એનુ નામ જ જુની બજાર એટલે અમરેલીમા એ સૌથી જુની બજાર હશે એમ ગણોને....
મારા પગ પાંસે જ એક ડાબી બાજુ ખાંચો છે જેમા કોઇ સાધુબાવાની સમાધી છે બાજુમા મનજીભાઇ ઇલેક્ટ્રીક વાળાની દુકાન ,બાજુમા એક સોનાચાંદીની દુકાનમા ઘનશ્યામભાઇ...પછી નવલભાઇની સોનાચાંદીની દુકાન જેમણે હરીભાઇ ની કર્મના સિધ્ધંતોની બુક છપાવેલી...એ બેઠા છે.જરા આગળ જઇને દેસાઇકાકા પાનવાળા... પાનપટ્ટી વાળે છે.સામે સોનાચાંદીની દુકાનો છોડી બન્ને બાજુ કપડાની દુકાનો..છે..પછી લાખનુ કામ કરતા ઇશ્વરભાઇ સામે દલીચંદભાઇની કાપડની દુકાન નાથાબાપાની કપાસીયા ખોળની દુકાન જોઇ?
તેને અડીને આવેલ ખાંચામા ન જવાય ...હોં.બાપા ત્યાં આ ભાઇ મારે માથે ચડ્યા છે એનુ ઘર આવે...
આ ડાબી બાજુ કંસારા બજારમા સવારથી તાંબા પીત્તળના ટીપાતા અવાજો શરુ થઇ જાય છે તે મારા ડંકા ગામને માંડ સંભળાય છે..પછી જરા આગળ
હીરાભાઇ પેંડાવાળા આવેછને તેના ફાડેલા દુધના કણીદાર પેડાની સુગંધ?પછી દુર સુધી નાની નાની દુકાનો પછી મંડોરા થીયેટર અને હરિજનવાસ વણકરવાસ પછી ઠક્કરબાપા આશ્રમ...ને પછી ગામને લાંબુતો ઘણુ થવુ હતુ પણ રેલ્વેના પાટાએ ના પાડી "માણસો છે નહી ને લાંબુ ક્યાં સુધી થઇશ?"એટલે ગામ અટકી ગયુ....
મને પાછળ ફરવુ પડશે...આ મારી પીઠ પાછળ સ્ટેશન રોડ ...કન્યાશાળા ગોકળગાંધીનો ચોક આ દેખાય દાકતર કે વી પરીખનુ દવાખાનુ...પાછળ બડેભાઇ બેંડવાળાનાં પપુડા વાગ્યા કરે ..છે પાછળ નિરાશ્રીતની બેકરી ..ના ટોસ્ટ ખારીની સુગંધ મઘમઘે છે.આગળ સરકારી દવાખાનુ.. સાઇડમા મોતી મસ્જીદ ગનીભાઇપંખીડાનો બંગલો
તેને અડીને બસસ્ટેંડ ...એકબાજુ ઘોડાગાડીયુ ને બીજીબાજુ ધમધમતી બસુની હડીયાપાટી ... પછી જુયુબેલી બાગ તેની પાછળ માર્કેટીંગ યાર્ડ આગળ સંધવીની ધરમશાળા ...પછી લપશીંદર જેમ સ્ટેશન સુધી બોર્ડીંગો....ઠેઠ રેલ્વે સ્ટેશન સુધી...હાલો પાછા વળીને નુતન સ્કુલથી રાજ મહેલ થઇને નાગનાથ મહાદેવ ના દરશન કરો હું જરા થાકી ગયો ...આ લાઇબ્રેરી બાજુમા મ્યુઝીયમ સામે રામજી મંદિર હાલો ટર્ન મારો મારે હવેલીના દર્શન કરી હવેલી ચોકથી પાછા જવુ છે વચ્ચે જેલ અને સાઇડમા કસ્બાપા આવે એટલે પગ ઉપાડો ને જલ્દી મને પાછો ટાવરે મુકી દ્યો...
આ બધ્ધા સાથે હું એ બાવીસ વરસ જીવ્યો છુ...તેની આનંદ કથા અને વિતક કથાઓ હવે શરુ કરવાનો છું ...
ચંદ્રકાંત