આમતો આ અમરેલી ગામે કોઇને પોતાના કરીને અલ્લે અલ્લે શીર નથી રાખ્યા ...પણ આ ગામને છાતીફાટ પ્રેમ કરનારા અઢળક માણસો રોજ રાતે અમરેલી બાજુ ઓશીકુ રાખી રડતા રડતા સુવે ત્યારે અમરેલીમાંને હાલા કરાવતા બોલેય ખરા "મારુ કેવુ તે મીઠુ ગામ અમરેલી નામ..
બાકી આ ગામની વાત માંડીછેતો લ્યો,હાલો મારી હારે....
જુઓ આ વરુડીને રસ્તે જે શુળીયો ટીંબો દેખાય છેને ઇ હતુ અમરેલી ...હ્યુ એન ચાંગ વળી અમરેલીમા શું ભાળી ગયો હશે ..?રામ જાણે...કંઇકતો હાંભળ્યુ હશેને? કે છે મુળ અમરવેલડી નામ હતુ પણ કોના શરાપ લાગ્યા તે માંડ ઉભુ થાય વળી ભફાંગ પડે...દટન પટન થઇ જાય...અમરેલીના માણસો ય બહુ સણકી ક્યારથી થયા હશે એનો ઇતિહાસ નથી મળતો પણ લાગે છે કે પાણીમાંજ અફીણીયા ડોડા રહબહ હશે.વખતસીંહ બાપુનું વસાવેલું ગામ હવે ..કહુંબા ઢીંચતા ગધ્ધેસીંહબાપુ ના હાથે ડટ્ટ્ન પટ્ટન થઇ ગ્યુ .નિકર પોતાના સીક્કા ગધ્ધૈયા છપાવે?એવુ વળ ખાવા જેવુ કોઇ મોટુ ગામ નહી ,પણ બાપુ ગધ્ધેસીંહનો એંટ ન ગયો તે ન ગયો ..વડી ઠેબીએ બાપુને બૈ ચેતવ્યા પણ બાપુ એકના બે નથ્યા તે નદીયુ ચોમાસે ભુરાંટી થઇને આખા ગામને ભરડો લઇ લીધો...ઘોડાપુરમાં ગામ આખુ ડુબીને ટીંબો થઇ ગ્યુ તે બીકના માર્યા જે તરીને સામેપાર વહી ગયેલા ઇ પાછા જોવા ય ન આવ્યા કે આખુ ગામ કેમ ડુબી ગયુ...!બસ...ઇ આ સુળીયો ટીંબો .વરુડીના પાંચા પટેલ મીઠામધ જેવા કુવાના પાણી સીંચતા કોષ ઉપર હીચકા લેતા રોજ ટીંબાને સામે પાર જોયા કરતા...વળી પાંચ પંદર વરસે નવા કુબા લાગ્યા ઝુપડા ને પછી વડી ઠેબીના કિનારે ગામ ધીરે ધીરે આળસમરડીને બેઠુ થયુ બાપલા....જે આવે એને આવો બાપલા કરે એટલે માણસોને ટાઢક થઇ ગઇ માળુહાળુ રેવા જેવુ ગામ તો છે...એટલે જ સુબા વિઠ્ઠલ દૈવશીએ અમરેલીનો વહીવટ હાથમા લઇને મંદિર ,રસ્તા ડેમ બનાવ્યા ૧૮૧૫ થી ૧૮૨૦ વચ્ચે..આ કિલ્લો ઇના પ્રતાપે..
વરસો પછી સયાજી મહારાજે ગામધણી બન્યા અને વહીવટ સંભાળ્યો."બસ હવે સૌએ ગામમા સંપીને રેવાનુ..."ત્યારથી આઠે વરણના લોકો રેછે...પણ એક અજંપોય ગામમા રે છે.શું શરાપ હજી લાગેલા છે કે આમ લાગે કે ગામ ફાટફાટ થાય છે પણ બીજા શહેરોની જેમ ફાટી નથી પડ્યુ...કોઇ કેછે ભાડીયા કુવામા ઘોડાપુરમા ભામણ ડુબી ગયો એના સરાપ છે કોઇ ગૌશાળાની અડઅડ બાવો રહેતો ઇ તણાયો પણ ગામનુ નસીબ તાણી ગયો...
......સગડ કાઢતા ગરયાની વાવને પુછુયુ કંઇ ઓહાણ કાંઇ યાદ આવ છે ?કેમ બધુ ડટ્ટન પટ્ટન થઇ જાય છે ?તો કે "આ કાયમ છલકતીરેતી હું વાવડી જોને છુંને સાવ ખાલી ખમ્મ...? કે છે આ સામે ભુતીયામા ગધેસીહબાપુ હજી હાઉકલા કરે છે !દરબાર ભરેછે !રાત પડે કહુંબાની રમઝટ બોલે છે...!!!!
ઠેઠ માચીયાળા નાની મોટી કરતા કરતા ભીમનાથ પુગ્યા તે ન્યાંય આંબલીએ ભુત છે કેછે કેછોકરાવને કાતરા પાડવાનો આવે એટલે બીક લગાડી દીધી ...સામે નદીની ધારે ભીમનાથબાપા વડલાને છાયે આરામ કરતા કહે છે "હે ભીમનાથબાપા આ અમરેલીને શરાપ મુક્ત કરો..."બાપા સાંભળીને જવાબ દીધા વગર સુઇ ગયા...!
હવે તો ત્રીજી દિશા પકડવી પડશે....હાલો પાછા ગામમા થઇને ભીડભંજન મહાદેવને પગે લાગી પીટણપરાથી સાઇકલુ મારી મુકો બે બાજુ સરકારી ખેતરુની આગળ ભખડભખડ થાતા રોકડીયા હનુમાન પહોંચ્યા...બહાર કુવાને થાળે પીપળાની છાંયામા સાઇકલુ મુકીને ડોલ સીંચી પાણી કુવામાથી કાઢીને પગ ઉપર ઢોળ્યુ...બે ઘુટડા ઘટક ઘટક પીધા ત્યાં પોપટાવે રામ રામરામ કરવા માંડ્યુ ...
"કેમ ?આ તારો સુવાંગ કુવો છે?સીતારામ બોલવાને બદલે રામરામ શુ કરેછ?"
એક તોફાની પોપટ બોલ્યો "અલ્યા આ રોકડીયા હનુમાનમા રામ રામ જ હોય માતાજીને તો હાથ પાછળ રાખીને માવડીઓ પુજે ...ખબર છે ?"
રોકડીયાનાં બાવાજી ટોપરુ દેતા બોલ્યા..."આ ગામ મરશેય નહી ને જીવશેય નહી..."
તળાવની તુટુતુટુ થતી પાળ્યુ હલી ગઇ માછલા ઘુમરાય ગયા.....માળેહાળે ગજબ ગામ છે...તળાવ બોલ્યુ...