વેકંસી Shesha Rana Mankad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેકંસી

'કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રાતનું ભયાવહ વાતાવરણ, કોઈ સ્ત્રીના કરુણ રુદન સાથે ઝાંઝરનો રણકાર'....

હિલ સ્ટેશનના હોટલના રૂમમાં કમ્પ્યુટર પર શુભની આંગળીઓ વાર્તાને ફટાફટ આકાર આપતી જતી હતી. હોરર ફિલ્મ રાઇટર શુભ પોતાની નવી વાર્તાને ઓપ આપવામાં વ્યસ્ત હતો.

અચાનક જ રૂમની બધી લાઈટો ચાલુ બંધ થવા લાગી, રૂમમાં બળેલાં માંસની ગંધ ફેલાઈ ગઈ. રૂમના દરવાજા પાસેથી એક ગભરાયેલો હૂં..હું..હું..નો અવાજ શુભને સંભળાયો. હોરર વાર્તાના રશિયાને મનમાં ફફડાટ થવા લાગ્યો, તે ધીરેથી ઉભો થઈ દરવાજા તરફ જોવા લાગ્યો. પણ તેના રૂમનો દરવાજો તો અંદરથી બંધ હતો. હવે ફફડાટ ડરમાં બદલાયો. બારીઓ અને બાથરૂમ પણ બંધ જ હતા તો પછી આ અવાજ,

"કોણ છે, કોઈ છે અહીં"

જવાબમાં ફરી એ જ ડરેલો હું...હું...હું..નો અવાજ આવવા લાગ્યો.

શુભે બૂમ પાડી, "કોણ છે, ત્યાં કોણ છે?"

જવાબમાં એક અર્ધો બળેલો માણસ તેની સામે આવી ઉભો રહ્યો. ભયથી ફફડતા અવાજે તે બોલ્યો.

"નમસ્તે શુભ સાહેબ, મેં સાંભળ્યું છે કે તમે ભૂતોની ફિલ્મો બનાવો છો?"

તેનો ચહેરો જોઈ શુભને ઉબકા જેવું થઈ ગયું, સાથે ડર પણ તેના મન પર પથરાવા લાગ્યો.

"હા, પણ તું કોણ છો?, અંદર કેવી રીતે આવ્યો, મેં તો તને અંદર આવતાં નથી જોયો?"

પેલો જોરથી હસવા લાગ્યો પછી અચાનક ચૂપ થઈ ગયો, ભયથી આજુબાજુ જોવા લાગ્યો,

"સાહેબ હું આ રૂમમાં જ રહું છું, બસ તમે મને નથી જોઈ શકતા, આજે હિંમત કરીને તમારી સામે આવ્યો, એકાદ રોલ મને પણ,"

"એ બધી વાત છોડ, કોણ છે તું અને અંદર કેવી રીતે આવ્યો"

"અરે સાહેબ કહ્યું તો ખરૂં કે, હું આ જ રૂમમાં રહું છું, બસ તમે મને જોઈ નથી શકતા, સાહેબ તમે જ્યારે વાર્તા લાખો છોને ત્યારે હું એ વાંચતો હોઉં છું, મેં તમારી એક બે ફિલ્મો પણ જોઈ છે. પણ સાહેબ એક વાત કહું તમારી જ નહીં પણ ભૂતોની બધી જ ફિલ્મોમાં લીડ રોલ તો સ્ત્રીને જ મળે,... અ એ..એ થોડું અન્યાય જેવું ખરું કે નહીં?. જીવતી હોય ત્યારે ઓનલાઇન ઓફ્લાઈન ડિઝાઇનર કપડાંની ખરીદી કરી ખિસ્સાં ખાલી કરતી હોય અને મર્યા પછી ખાલી સફેદ સાડી અને મીણબત્તી લઈ ફરે એ કેમ ચાલે. અને સાહેબ ખાલી ભૂત માટેની વેકેંશી સ્ત્રીઓ માટે જ હોય?. ક્યારેક અહીં પણ સમાનતા હોવી જોઈએ ને, ખૂબ જ થોડી ફિલ્મોમાં પુરુષોને ભૂત પ્રેત સ્વરૂપે રજૂ કરાયા છે, પણ એય ક્રૂર જ રોલ મળે છે. ઇંગ્લિશ ફિલ્મોમાં અનેક રૂપે ભૂતના રોલ મળે પણ ભારતીય ભાષાની વાર્તાઓમાં તો જવલેજ પુરુષને ભૂતનું સ્થાન મળે છે."

"બસ કર ભાઈ બસ કર"

એકધારા બોલ્યા જતા માણસને વચ્ચેથી જ અટકાવી દીધો.

"ભાઈ તું કોણ છો અને તારો ચહેરો આવો બળેલો કેમ છે એ વાતની ચોખવટ કર પછી જ હૂં તને રોલ આપવાની ભલામણ કરી શકું."

"ઓહ, હજી મેં તમને મારી ઓળખ નથી આપી એમને, મારું નામ પ્રકાશ હતું. હું ટેલિફોન એક્સચેન્જમાં એકાઉન્ટન્ટ હતો. બોલો શુભભાઈ હવે મારી ફિલ્મોમાં ભૂત તરીકેની જગ્યા પાકીને."

"અરે ભાઈ તને ભૂત બનવાની ઘણી ઉતાવળ લાગે છે. પણ તું તારા શરીરે દાઝ્યો કેવી રીતે?. બધી વાત કર પછી જ ફિલ્મોના રોલની વાત કર."

"શુભભાઇ, હું! એક પુત્ર, પતિ અને પિતા હતો. બહારની અને પત્ની પરિવાર હોવા છતાં ઘરની પણ જવાબદારી ઉપાડનારો સાદો સીધો વ્યક્તિ હતો. આ હાઇફાઇ સમાજમાં ફેશનેબલ દેખાવને જ જ્યાં મહત્વ છે, ત્યાં ફેશનના ખર્ચાને પહોંચી વળવા મારું ખિસ્સું ટૂંકું પડી ગયું. એટલે ઉધારી કરી અને ઉધારી ન ચૂકવાતાં હોટલના આ જ રૂમમાં બળીને આપઘાત કર્યો. અને હવે જીવિતમાંથી મૃતાત્મા બની ગયેલ એક આત્મા.

અને, હું ફિલ્મના રોલની વાત નથી કરતો પણ હૂં તો વાર્તામાં ક્યારેક મારા જેવા પીડિતોને પણ જગ્યા મળે એમના પર પણ લખાવવું જોઈને." વાત કરતાં કરતાં તેની નજર જમીન પર બેભાન થઈ પડેલા શુભ પર પડી. "અરે, શું આ..?",છાતી પર હાથ રાખીને શરીર તપાસવા લાગે છે

"શુભભાઈ ઓ શુભભાઈ તમને આ શું થઈ ગયું.? હું તો ખાલી મારી લાગણીઓ જ તમને કહેવા આવ્યો હતો. પણ, તમે પણ મારી જેમ મૃતાત્માં બની ગયા, હવે મારી ભૂત વેકેન્શીનું શું?"........