અહંકાર Shesha Rana Mankad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહંકાર




"સ્વરા! જોજેને હું દર વર્ષની જેમ આ વર્ષે પણ બેસ્ટ ફાધરનો એવોર્ડ જીતીશ જ. એક બેસ્ટ પપ્પા નો એવોર્ડ તો મને જ મળે, મારાથી વધારે કોઈ ન હોય. તું જ કે ઓફિસ સાથે સાથે મે રોજ આ બાળકોને ભણાવવાની મહેનત ભરેલી કામગીરી પણ સારી રીતે સાચવી છે." તારક હોંશભેર પોતાની પત્ની સ્વરાને સ્વના ગુણગાન સંભળાવી રહ્યો હતો. નોકરીથી આવીને સ્વરા રસોઈની તૈયારી સાથે સાથે પોતાના બાળકોના હોમવર્ક ચેક કરી ભૂલો સુધરાવી રહી હતી. સાથે તારકને જવાબ પણ દેતી હતી.

"આવતી કાલે જ ફાધર્સ ડે ના દિવસે જ બધાં પરિણામ છેને, આવતી કાલે ખબર પડી જશે.," સ્વરાએ પોતાના કામમાં ડૂબેલાં રહી જવાબ આપ્યો.

"સ્વરા તારે જે માનવું હોય તે માન, મે ગયા વખત કરતાં પણ સારી તૈયારી મારા બાળકોને કરાવી હતી.અને દરેક સ્પર્ધામાં અમારો દેખાવ બધાથી સારો હતો, સ્કૂલના ફાધર્સ ડે ના કોમ્પિટેશન ના દરેક વિષયમાં ભાગ લીધો હતો. તું જોજેને રિઝલ્ટમાં મારું જ નામ ચમકશે."

બીજી સાંજે સ્કૂલના પ્રોગ્રામમાં ભાગલેવા સજીધજીને તારક પોતાના પરિવાર સાથે પહોંચી ગયો. એક પછી એક નામ ક્રમ વાર બોલતાં ગયાં. અને દરેક નામ સાથે તારકના મનમાં પોતાના નામ માટેની હલચલ વધી ગઇ. અને પરિણામ માં બેસ્ટ ફાધર તરીકે ગિરીશ નું નામ સાંભળ્યું ત્યારે તો એને વિશ્વાસ જ ન બેઠો તેને તો એ નામ પહેલાં ભ્રમ અને પછી ભૂલ જેવું લાગ્યું.

"જો સ્વરા કઈક તો ભૂલ લાગે છે, મારા જેવો સચોટ ફાધર કોઈ હોઈ જ ન શકે. અને આ ગીરીશ તો બિલકુલ નહિ, એને કપડાં પહેરવાની પણ અક્કલ નથી. એના બાળકો ભલે ભણવામાં હોંશિયાર હોય પણ બીજી પ્રવૃત્તિઓમાં તો સાવ પછાત જ છે."

"પ્લીઝ તારક ચૂપ રહો. જરા પ્રિન્સિપલ શું કહે છે એ સાંભળો તો ખરા"

સ્ટેજ પરથી પ્રિન્સિપલ ગીરીશભાઈ અને તેમના બાળકોનો પરિચય આપી રહ્યા હતા "ગીરીશભાઈ અને તેમના બાળકોએ દરેક સ્પર્ધા અને આખા વર્ષ દરમ્યાન શિક્ષણની દરેક પ્રવૃત્તિમાં હંમેશાં ભાગ લીધો છે. આ સ્પર્ધાનું પરિણામ પિતા અને તેમના બાળકોનો એકબીજા સાથેનો તાલમેલ પર આધારિત છે. અને ગીરીશભાઈ અને તેમનાં બાળકો વચ્ચે ખુબજ મજબૂત તાલમેલ અને સમજ જોવા મળી છે. હું ગીરીશભાઈ ને આગ્રહ કરીશ કે તેઓ બે શબ્દ કહે."

"નમસ્કાર શાળાના દરેક શિશકનો અને બાળકો સાથે તેમના માતાપિતાનો આભાર મને મારા બાળકોની નજીક લાવવા માટે.
થોડા વર્ષ પહેલાં હું એમજ માનતો કે મારા જેવો પિતા કોઈ નહિ, રોજ સાંજે આવી તેમની સાથે થોડી વાતચીત કરી લેવી કે પછી કોઈ નવી ગેમ અપાવવી. તેમની બધી જ સગવડ સાચવવી એ જ એક પિતા તરીકેની કામગીરી છે.

પણ આ સ્પર્ધા દરમ્યાન શાળા દ્વારા આપેલાં ટાસ્ક પૂરાં કરાવતી વખતે ખબર પડી કે હું મારાં બાળકોને હકીકતમાં ઓળખતો જ નથી. તેમની હાઇટેક ઇચ્છાઓ સામે તેમની આવડતો તરફ ધ્યાન જ નથી ગયું. મારા કરતાં પણ સ્પર્ધાની દરેક વસ્તુ કે જરૂરિયાત અને આઈડિયા માટે મમ્મીનો સહારો લેતાં હતા. પછી સમજાણું કે આ પત્નીઓ કેટલી સરળતાથી ઘર નોકરી અને બાળકો સાથે સાથે આપણાં જેવા પરમેનેન્ટ આધારિત લોકોને સાચવે છે. બસ પછી નક્કી કર્યું કે આ આખું વર્ષ બાળકોને અનુભવવાનો પ્રયત્ન પત્નીની મદદ લીધા વગર કરીશ. જીત મહત્વની ન હતી, બાળકો સાથેનો સેતુ મહત્વનો હતો. જે જીવનભર માટે જરૂરી હતો. ફરીથી દરેકનો અને મારા ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનુ છું." ગીરીશભાઈના શબ્દોની અસર આખા હોલ પર પથરાઈ હતી. દરેક અવાક બનીને થોડીવાર બેસી રહ્યાં પછી તાળીઓ દ્વારા વધાવી લેવાયા.

ગીરીશભાઇના શબ્દો સાથે ક્યાંક તારકની અંદર અહંકાર ઓગળવા લાગ્યો હતો. ઘરે પહોંચીને બાળકો સાથેની દરેક ક્ષણ જીવવાનો નિર્ધાર કરી લીધો અને બધા સાથે ગીરીશભાઈનું અભિવાદન કરવા આગળ વધી ગયો.