રાજા બાબુ Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજા બાબુ

એ વખતે એક રૂપિયો ગાડાનાં પૈડાં જેવડો તો નહોતો પરંતુ તેની કિંમત ઓછી પણ નહોતી. એક રૂપિયામાં ઘણો ભાગ મળતો.ને રોજ પોકેટમની માટે એક રૂપિયો જ મળતો. સ્કૂલે રિસેષમાં એક રૂપિયામાંથી ગેટ પાસે બેસતાં માજી પાસેથી એક જમરૂખ અથવા જે સીઝન ચાલું હોય તેનું ફળ મળતું ને સાથે આંબલીના કાતરાને મીઠું મરચું,બોર, સંતરા, પીપરમેન્ટ જેવો ઘણો ભાગ મળતો.જે હું તો ખાતો પણ મારાં મિત્ર સાથે પણ શેર કરતો.

એક દિવસનો એક જ રૂપિયો મળતો તેવી આકરી શરત હતી. સ્કૂલનાં નાના મોટાં ખર્ચ જેવાં કે બોલપેન,પેન્સિલ,રબ્બર,નોટબુક જેવાં દૈનિક ખર્ચ પણ આ એક રૂપિયામાંથી જ કરવાનાં રહેતાં. એટલે રૂપિયો ખૂબ કાળજીથી વાપરવામાં આવતો.

એ દિવસોમાં ટોકીઝમાં ફિલ્મ જોવાનું ખૂબ ઘેલું હતું. ગમતા હીરોના ફિલ્મની તો રીતસર વાટુ જોવાતી.ને તેની આવનાર ફિલ્મની કહાની કેવી હશે તેની બધાં મિત્રો રોજ અલગ અલગ પટકથા કહી અંદાઝ લગાવતાં. ગમતાં હીરો ની ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માં જોવાનો ક્રેઝ હતો. જેણે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માં ફિલ્મ જોઈ લીધી હોય તે બીજાં પછીનાં દિવસોમાં જોવાં ગયાં હોય તેની સામે તુસ્છ માનવી હોય તેમ જોતો. જાણે કેમ પછી ફિલ્મ વાસી થઈ જતી હોય! તેવો અહંકાર તે કરતો.થિયેટરની આગળ ટિકિટ માટે લાંબી લાઈનો લાગી જતી.કલાકો સુધી લાઈનમાં ઊભા રહી, ને જ્યાં પોતાનો વારો આવે ત્યાં ટિકિટ બારી બંધ થઈ જાય ને બારીની જગ્યાએ હાઉસ ફૂલનું બોર્ડ લાગી જતું. આ ક્ષણે દુનિયામાં વધુમાં વધુ દુઃખી માણસ હોવાનો અનુભવ થતો. પછી ટિકિટ બારીની આગળ કાળાબજારિયાઓ ઊગી નીકળતાં. ને ટિકિટનાં ભાવ ડબલ થઈ જતાં. આ કાળાબજારિયા પોલીસથી ડરતાં - ડરતાં ધંધો કરતાં.એક દમ નજીક આવી ચારેકોર જોતાં,સતર્ક થઈ કાન પાસે આવી બોલતાં, બોલો કેટલી જોઈએ છે? એક કહી એક ખૂણામાં જઈ ભાવ અંગે રકજક થતી ને સોદો થાય તો ફટાફટ પૈસા લઈ ટિકિટ આપી,આપણને પણ પોલીસ થી કેટલાંય બિવરાવી જલ્દી નીકળી જવા કહેતા. ને સોદો ફેલ થાય તો તે ગુસ્સે થઈ આપણને કહે પણ ખરો,
" ફિલ્મ જોવું તમારું કામ નહિ.જાવ સર્કસ જોઈ આવો.ત્યાં પાંચ રૂપિયામાં પાટિયાં પર બેસવાની ટિકિટ મળી જશે."

ફિલ્મનાં આ સમયમાં મને ગોવિંદાની ફિલ્મ જોવાનો બહું શોખ હતો. લગભગ હું ગોવિંદાની એક પણ ફિલ્મ જોવાની છોડુ નહિ. ને પછી કેટલાંય દિવસો સુધી ગોવિંદાનાં ડાન્સના સ્ટેપ કરું. તેનાં ગીતો ગાયાં કરું.ગોવિંદાની ફિલ્મ આવવાની હોય તેનાં પહેલાં હું રોજનાં મારાં પૉકેટ મનીમાંથી બચાવી બચાવી ટિકિટનાં પૈસા ભેગાં કરી રાખું. ફિલ્મ લાગે એટલે રોજ ટિકિટ બારીએ સર્વે કરવાં પહોંચી જાવ કે ક્યારે આપડો નંબર લાગે તેમ છે! કેમ કે ટિકિટ લેવાનો તો માંડ કરીને મેળ પડતો હોય તેમાં બ્લેકમાં તો કેમ લઈ શકાય? એ વખતે ટિકિટનો દર અપરનાં આઠ રૂપિયા ને બાલ્કનીનાં દસ રૂપિયા જેવો હતો. એટલે આપડે તો મોટાભાગે અપરનો જ મેળ પડતો હતો.

એ સમયમાં ગોવિંદાનું ફિલ્મ રાજાબાબુ લાગ્યું હતું. હું કેટલાંય દિવસોથી જેની વાટે હતો.તે ફિલ્મ લાગી ગયું હતું.આ ફિલ્મની જાહેરાત હું કેટલાય દિવસોથી રેડિયોમાં સાંભળતો હતો.રેડિયોમાં તે ફિલ્મનાં ગીતોનાં થોડાં મુખડાં સંભળાવે. અલપ ઝલપ સ્ટોરી સંભળાવે, કોઈ કોઈ ડાયલોગ સંભળાવે. આ બધું જોડીને કલ્પના કરી ફિલ્મ કેવું હશે? તેની વાર્તા મનમાં જોડતો. વળી ટોકિઝમાં ફિલ્મ લાગી ગઈ એટલે શહેરમાં રિક્ષા ફરે જેની આજુબાજુ ફિલ્મનાં પોસ્ટર લગાડેલા હોય ને રિક્ષાની માથે ભૂંગળું લગાવેલું હોય જેમાં રાજાબાબુ ફિલ્મનાં ગીતો વાગતાં હોય ને વચ્ચે વચ્ચે એક માણસ કંઈ ટોકીઝમાં ને ક્યાં સમયે ફિલ્મ ચાલું થાય છે તેની જાહેરાત કરતો હોય. આ બધું સાંભળી ફિલ્મ જોવાની ઈચ્છા ખૂબ તીવ્ર થઈ જતી.પણ હજી ખિસ્સામાં આઠ રૂપિયા ભેગાં નહોતાં થયાં.

એક બાજુ રાજાબાબુ લાગ્યું ને બીજી બાજું સ્કૂલનાં ખર્ચા ચાલું થયાં. કેમે કરી આઠ રૂપિયા ભેગાં થાય નહિ.એક દિવસ નોટબુક તો બીજા દિવસે પરીક્ષાની સપ્લીમેન્ટરીની ફી,તો વળી એક દિવસ ઉત્સવ ફાળો આવ્યો,ત્રણ ચાર રૂપિયા ભેગાં થયાં ત્યાં પ્રયોગપોથી લેવી પડી. વળી બેલેન્સ વપરાય ગયું. એક બાજુ રાજાબાબુ ધૂમ મચાવી રહ્યું હતું .

મારાં મોટાભાગનાં મિત્રો ફિલ્મ જોઈ આવ્યાં હતાં. તે એક બીજાને ફિલ્મની સ્ટોરી કહે. તો હું ત્યાંથી દૂર ચાલ્યો જતો. કેમ કે સ્ટોરી ખબર પડે પછી જોવામાં મજા ના આવે. રાજાબાબુ જોવાનું હતું તે ફાઇનલ હતું.

આમ ને આમ એક પછી એક વીક પસાર થવાં લાગ્યાં. આ વખતે પૈસાનો કંઈ મેળ પડતો ન હતો. કેટલાંય અઠવાડિયા વીતી ગયાં. રાજાબાબુનાં ગીત પણ હવે જ્યાં જઈએ ત્યાં વાગતાં હોય.આ ગીત પણ પાકા થઈ ગયાં.પણ ફિલ્મ જોવાનો મેળ પડતો ન હતો.

એક વાર તો છ રૂપિયા ભેગાં થઈ ગયાં, ને બે રૂપિયાની મિત્રો પાસેથી ઉધારી કરવાનું નક્કી કરી લીધું . તે દિવસે શાળામાં સૈનિક ફાળો આવ્યો.બહારથી મહેમાનો આવ્યાં. તેણે આપણાં દેશ માટે સૈનિકો કેવાં બલિદાન આપે છે. તેવી દેશદાઝની વાતો કરી.દેશ ભક્તિના ગીતો ગાયા. શૌર્ય ગીતો ગાયા. મારી નસેનસમાં દેશભક્તિ ઊભરાવા લાગી બધાં વિદ્યાર્થીઓ રૂપિયો, બે રૂપિયા ફાળો આપતાં હતાં. મે છ રૂપિયા ફાળામાં આપી દીધાં. દેશભક્તિનો જોશ ઓસર્યો ત્યાં ફરી રાજાબાબુ સાંભર્યું.

હવે તો આવતાં શુક્રવારે રાજાબાબુ ફિલ્મ ઉતરી જવાનું હતું. મને લાગ્યું કે મારા ભાગ્યમાં રાજાબાબુ જોવાનું નથી લાગતું. બે દિવસ શાળામાં ભાગ ન ખાધો. ખિસ્સામાં બે દોકડા ભેગાં થયાં. પણ આજે તો છેલ્લો શુક્રવાર હતો. રાજાબાબુ ફિલ્મ આજે ઉતરી જશે. ને બે રૂપિયામાં મને કોણ ફિલ્મ બતાવે? ઘરેથી મળવાની કોઈ શક્યતાં જ નહોતી. ને એ પણ ફિલ્મ જોવા તો ના જ મળે. હું આજે ખૂબ નિરાશ હતો.

સવારે સ્કૂલે ગયો ત્યાં પણ મન લાગતું ન હતું.બસ ગોવિંદા ને રાજાબાબુ જ દેખાતાં હતાં. બપોરે રજા પડી. પગ ધસડતો ને બેગ ઉપાડતો નિરાશવદને ઘેર આવતો હતો. મનમાં વિચારતો હતો કે સૈનિક ફાળામાં પેલાં છ રૂપિયા ના આપી દીધા હોત તો આજે ફિલ્મ જોઈ શકેત.એમ વિચારી ખિસ્સામાં પડેલાં બંને સિક્કાને ખિસ્સામાં હાથ નાખી સામ સામે ઘસ્યાં.જેમ જાદુઈ ચિરાગને ઘસે ને જીન હાજીર થઈ જાય. તેમ બંને સિક્કા સામ સામે ઘસતાં મનમાં વિચાર હાજીર થઈ ગયો.

મેં ઘરે જઈ ઉતાવળે જલ્દી જમી લીધું.જમીને ઘરે આવવામાં મોડું થશે તેવું કહી હું નીકળી પડ્યો. મારાં મિત્રએ મને એક વખત વાત કરી હતી કે,
" આ જગ્યાએ ચક્કર ફેરવવાની એક રમત છે.તેમાં એક રૂપિયો લગાવો,ને તમારાં નસીબ હોય તો એક નાં દસ મળે."

બસ આજે તો નસીબ અજમાવી જ લેવું છે. હું ત્યાં ગયો એટલે ત્યાં બેઠેલાં એક આધેડ વયના આદમીએ મને આવકાર્યો,

" આવો મુન્ના, અપના નસીબ આજમાવોગે ક્યાં?"

મેં હકારમાં માથું ધુણાવ્યું.

" કિતને સિક્કે લયે હો?"

મેં ખિસ્સામાંથી રૂપિયાના બે સિક્કા આપ્યાં.

" બસ! ઈતને મેં ક્યાં હોગા?"

મેં કહ્યું, " બસ, દો હી હૈ"

" કોઈ બાત નહીં" કહી તેણે મને પ્લાસ્ટીકનાં બે કોઈન આપ્યાં. તે લઈ હું ચક્કર વાળા મશીને ગયો. તે અત્યારનાં કેસિનો ને મળતું આવે તેવું હતું. કેસીનોમાં આડું ચક્કર હોય,આમાં ઊભું હોય. તેમાં ફરતે ૦ થી ૯ સુધીના આંકડાં હોય ને તે આંકડામાં કોઇન નાખવાનું હોલ હોય. મેં એક કોઇન ૭ અને બીજો ૯ નંબરમાં નાખ્યો. વળી રાજાબાબુ યાદ આવ્યું. ચક્કરની બાજુમાં આવેલ એક હેન્ડલ ઊંચું કર્યું.ચક્કર ઘરઘરાટી કરતું ફરવા લાગ્યું. ઘણી વાર સુધી ચક્કર ફર્યું. પછી ઊભું રહ્યું. ૯ નંબરનાં ખાનામાં લાલ લાઈટ થઈ ને નીચે કોઇન બોકસ માં ખડખડ કરતા કોઇન પડવા લાગ્યાં. મારાં માટે આજે નવડો લક્કી રહ્યો. મેં બધા કોઇન ભેગાં કરી પેલાં આદમી ને આપ્યાં.

તેણે મને પ્રલોભન આપ્યું, " આજ તેરે લિયે નવ નંબર લકી હૈ. તું એ દસ કોઇન સે ફિરસે ખેલ દસ કાં સો હો જાયેગા."

હું ઘડીક મશીન સામે જોઈ પેલાં આદમીની યોજનામાં ખેંચાયો. પછી રાજાબાબુ યાદ આવતાં કહ્યું,

" નહિ મુજે અબ નહિ ખેલનાં. મુજે તો રાજાબાબુ દેખનાં હૈ. ઔર ઇસ કે લિયે ઇતના કાફી હૈ"

પેલાં એ મોઢું બગાડી મને દસ રૂપિયા આપી દીધાં. હું દોડતો ટોકીઝે પહોંચ્યો. ત્રણ વાગવામાં હતાં.આજે છેલ્લો શો હતો. ભીડ પણ ઘણી હતી.હું ટિકિટની લાઈનમાં ઊભો રહ્યો. આજે હાઉસ ફૂલ ના થઈ જાય તો સારું એમ વિચારતો હતો.એટલાંમાં મારો વારો આવ્યો. મે અપરની ટિકિટ માંગી.પેલાએ ટિકિટ આપી. દસમાંથી બે પાછા આપ્યાં.મને સપનું જોતો હોય તેવું લાગ્યું. મે ટિકિટને પંપાળી.પાછળથી અવાજ આવ્યો,

" હેડ ને ભૈ,ટિકિટ મલી ગઈ હોય તો બીજાનો ચાન્સ લાગવા દે ને"

મારી ખુશીનો પાર ન હતો. હું દોડીને અંદર પ્રવેશી ગયો. પેલો ટિકિટ ચેકર પાછળ આવ્યો.

" ક્યાં ભઈ ઇમ અંદર પેહી જા છો? ટિકિટ ક્યાં તારી?" મેં ટિકિટ બતાવી.

મેં રાજાબાબુ ફિલ્મ જોઈ તેમ કહેવા કરતાં પીધી એમ કહેવું બરાબર રહેશે. ફિલ્મ જોઈ ને સાંજે છ વાગ્યે ઘરે જતો હતો. રસ્તામાં રાજાબાબુ નું ગીત ગણગણતો જતો હતો.

પક ચિક પક... રાજાબાબુ....,
ચલ ગયાં કોઈ જાદુ....,
ના રહા દિલ કા કાબૂ...

એટલામાં પેલો મને જોઈ ગયો. તેણે મને બોલાવ્યો,

" અભી કિતને કોઇન પડે હૈ?"

મે કહ્યુ, " દો"

" તો એક બાર ઓર ખેલ લે, દો મેં સે દસ હો જાયેગા.આજ તેરા લક કામ કર રહા હૈ".

મે કહ્યુ, " મુજે તો ગોવિંદા સે હિ મિલના થા, વો મૈ મિલ આયા. અબ જેકપોટ લગ જાયે તો ભી મુજે કહાં બચ્ચન સાહેબ સે મિલના હૈ!"

એમ કહી હું પક...ચિક... પક... ગણગણતો વધેલા બે સિક્કા ખિસ્સામાં ઘસતો નીકળી ગયો..

લેખક: અશોકસિંહ એ. ટાંક
તા.૨૧/૧૦/૨૧
મો. નં.૯૪૨૮૮૧૦૬૨૧
કથાબીજ: કૃષ્ણકુમારસિંહ રાજપૂત