Ma books and stories free download online pdf in Gujarati

મા

એનિમલ પ્લેનેટ ચેનલમાં એક પ્રોગ્રામ ચાલું હતો. આ ચેનલમાં પ્રાણીઓનાં જીવન અને વર્તન ઉપર ખૂબ જીણવટ ભર્યું અવલોકન આવે છે.શિકારી પ્રાણીઓ,શાકાહારી પ્રાણીઓ,પક્ષીઓ, જીવજંતુઓના જીવન પર ખૂબ ઉંડાણપૂર્વક નું સંશોધન આવે છે. કુદરતે ગોઠવેલ આહરકડી,જીવ જ જીવનો આહાર ખૂબ સારી રીતે બતાવે છે. મને આ ચેનલ જોવી ખૂબ ગમે.

વિલ્ડબિસ્ટ આફ્રિકાનાં જંગલનું એક હરણ અને જંગલી ગાયને મળતું આવતું પ્રાણી છે. તેનાં હજારોની સંખ્યામાં ટોળાં ચરતાં હોય.ચરતાં ચરતાં આગળ વધતાં જાય ને બધું ઘાસ ખલ્લાસ કરતાં જાય. તેની સંખ્યા એટલી મોટી હોય કે નાના શિકારી પ્રાણી તેનાં પર હુમલો કરવાનું પણ સાહસ ના કરી શકે.સિંહ જેવાં પ્રાણી જ તેનો શિકાર કરી શકે.

આવું વિલ્ડબિસ્ટનું ટોળું ચરતું હતું.એક સિંહણે જોયું .તે ટોળામાં પાછળ એક તાજા જન્મેલાં બચ્ચાં સાથેની મા પણ ચરતી હતી. સિંહણને આવું તરત ધ્યાનમાં આવી જતું હોય છે. સિંહની જાતી શિકાર ઉપર હોય ત્યારે ખૂબ સાવચેત હોય છે.એક એક પગલું ધીમે ધીમે મૂકે છે.અને પોતાની જાત ને ઘાસમાં છુપાવી રાખી ખૂબ ધીમે પગલે શિકારની ખૂબ નજીક પહોંચી જાય છે. પછી એકાએક શિકાર પર હુમલો કરી દે છે.જેથી શિકારને ભાગવાનો ગાળો ના રહે.અને શિકારને દબોચી લે છે.

આજે સિંહણ શિકાર પર તો હતી પરંતુ તેને શિકારમાં રોજની માફક એકાગ્રતા નહોતી. તેણે પોતાની જાતને છુપાવવા કોશિશ ના કરી.પોતાની પુછડી ઊંચી નીચી કરી પોતાનો અણગમો પ્રગટ કર્યો. ઘડીક શિકાર તરફ ઝડપથી દોડવા લાગી તો વળી ઘડીક ઊભી રહી પાછી વળી.ઘડીકમાં ઘાસમાં આળોટવા લાગી. વળી ઊભી થઈ સડસડાટ કરતી દોડવા લાગી.

વિલ્ડબિસ્ટ નું ટોળું સજાગ હતું. તેનાં તરફ એકાએક સિંહણનાં હુમલાને પામી ગયાં. ઝડપથી આગળ દોડવા લાગ્યાં.પરંતુ તાજું જન્મેલું બચ્ચું હજી પૂરું ઊભું પણ નહોતું રહી શકતું. તો ભાગી તો કેમ શકે. મા વિલ્ડબિસ્ટ ને તેનું બચ્ચું ત્યાં જ રહી ગયાં.બાકીનું ટોળું ત્યાંથી દૂર ભાગી ગયું.

જંગલી ભેંસોનું ટોળું હોય તો તેનાં સાથીને બચાવવાં ભેંસો સિંહ પર પણ વળતો હુમલો કરીને સાથીને સિંહનાં મોઢામાંથી પણ બચાવે છે. પરંતુ વિલ્ડબિસ્ટ આવું સાહસ કરતાં નથી. મા વિલ્ડબિસ્ટ બચ્ચાને છોડીને ભાગી નહિ.બચ્ચું ભય પારખી ગયું.જેમ તેમ કરી ઊભું થઈ ભાગવા પ્રયત્ન કર્યો પરંતુ તે ફરી પડી ગયું. મા વિન્ડબિસ્ટ સિંહણ સામે સામનો કરવા પ્રયત્ન કર્યો.પરંતુ સિંહણે તેનાં પર હુમલો કરતાં મા ગભરાઈને બચ્ચાને છોડી થોડી દૂર જઈ ઊભી રહી ગભરાટની મારી પગ પછાડવા લાગી ને ફૂફાડા મારવા લાગી. તેની આંખો ચકળવકળ થવાં લાગી.

હવે સિંહણે આસાન શિકાર એવાં બચ્ચાં પર હુમલો કરી દિધો. બચ્ચું માંડ માંડ ઊભું હતું.સિંહણ આવતાં તે નીચે પડી ગયું.મને લાગ્યું સિંહણ બિચારા નાજુક બચ્ચાને હમણાં ગરદન દબોચીને મારી નાખશે. પરંતુ આજે સિંહણ કંઇક જુદા મૂડ માં હતી.તે બચ્ચાંની બાજુમાં આવી બેસી ગઈ.બચ્ચું ઊભું થવાં પ્રયત્ન કરતું હતું.સિંહણે તેને પંજા વડે આધાર આપી ઊભું કર્યું. બચ્ચું ડરનું માર્યું ફરી લથડીને સિંહણની ઉપર પડ્યું.આ બધી અફડાતફડી જોઈ મા વિન્ડબિસ્ટ સિંહણ પર હુમલો કરવાં ધસી આવી.સિંહણે તેનાં પર વળતો હુમલો કરતાં તે ફરી દૂર ભાગી ગઈ.

હવે સિંહણ ફરી આ બચ્ચાં પાસે આવી તેને ધીમે ધીમે પંજા મારવા લાગી.પરંતુ આવા પ્રહારથી શિકાર ઘાયલ પણ ન થાય. આ જોઈ કેમેરા મેન પણ નવાઈ પામી ગયો.સિંહણ નો આ દયા ભરેલો વ્યવહાર નવાઈ પમાડનાર હતો. જો કે ફિલ્માંકન કરતાં આ લોકો ક્યારેય શિકાર કે શિકારીને મદદ નથી કરતાં.આ તો જંગલનો ને કુદરતનો કાયદો છે. તેમાં બળુકા જીતે.

આ સિંહણ પણ બે બચ્ચાની મા હતી. હજી બે દિવસ પહેલાં તે તેનાં બે બચ્ચાને એકલાં મૂકી શિકારે ગઈ ત્યાં હાઈના (ઝરખ) એ તેને મારી નાખ્યાં.આખો દિવસ રઝળપાટ કરવાં છતાં પોતાનાં બચ્ચાં ન મળવાથી સિંહણ આજે ખૂબ અપસેટ હતી. ભૂખ લાગતા શિકારની શોધમાં આ વિન્ડબિસ્ટ નું બચ્ચું મળી ગયું. પરંતુ કેમ આજે સિંહણ તેને મારતી ન હતી. જાણે કેમ સિંહણને આ બચ્ચામાં પોતાનું બચ્ચું દેખાતું હોય તેમ લાગતું હતું. ધીમે ધીમે બચ્ચાને પણ હવે આ સિંહણની બીક ઓછી થઈ ગઈ હતી. એક ઝાડનાં છાયે વિન્ડબિસ્ટનું બચ્ચુંને સિંહણ બાજુબાજમાં બેસી ગયાં. સિંહણ પેલાં બચ્ચાને છાંટવા લાગી ને બચ્ચું સિંહણ ને પોતાની મા સમજી દૂધ પીવા સિંહણનાં પેટે મોઢાં મારવા લાગ્યું. આ અદ્ભૂત દૃશ્ય હતું. કેટલાંય કલાકો સુધી આવું હેત વરસાવવાનું ચાલ્યું.અચાનક સિંહણનું માતૃત્વ ઉભરાવા લાગ્યું.તે ઊભી થઈ ગઈ. મને લાગ્યું હવે તે બચ્ચાં ને મારી નાખશે.પરંતુ તેણે બચ્ચાની નજીક આવી તેને ફરી ચાટવા લાગી ને બચ્ચાને છોડી ને ચાલવા લાગી.

બચ્ચું ઘડીક તેની પાછળ ચાલ્યું.પરંતુ પછી તે ઊભું રહી ગયું ત્યાં સામે જ રઘવાય થઈ ઊભેલી મા વિલ્ડબિસ્ટ દોડીને બચ્ચાં પાસે આવી ગઈ. ને બચ્ચાને ચાટવા લાગી.બચ્ચું પણ ક્યારનું ભૂખ્યું હતું.તે મા ને આવમાં માથા મારતું મા નું દૂધ પીવા લાગ્યું.ઘડીકમાં તો દૂધનાં ફીણ નાં ફોહા બચ્ચાના મોઢે વળી ગયાં. મા બચ્ચાને એક ધારી ચાટી રહી હતી. સિંહણ દૂર ઊભી રહી જોઈ રહી હતી. માતૃત્વનું આ દ્રશ્ય આજે પણ મને યાદ આવતાં આંખો ભીંજાય જાય છે.
" મહાહેત વાળી, દયાળી જ મા તું "

લેખક: અશોકસિંહ એ. ટાંક
શિક્ષક શ્રી, જાંબાળા પ્રા.શાળા.
૯૪૨૮૮૧૦૬૨૧
(હું ખાસ આભારી છું. એનિમલ પ્લેનેટ ચેનલનો)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED