ફૂલ નો ફોટો
ચેતના સજીધજીને તૈયાર થઈ રહી હતી. અરે.. ના ના ક્યાંય જવા માટે નહિ પણ પોતાના સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સ પાસેથી અઢળક લાઈક મેળવવા માટે. તે પોતાના કાનની બુટી ને પહેરતી હતી ત્યાંજ તેનો નવ વર્ષનો દિકરો મેઘ તેની પાસે પોતાની તકલીફ લઈને હાજર થઈ ગયો.
"મમ્મી જોને મારે સ્કૂલની ઓનલાઇન નિબંધ સ્પર્ધામાં ફૂલો ના વિષય પર નિબંધ લખવાનો છે, મમ્મી મને તારી મદદની જરૂર છે. પાછો નિબંધ ગુજરાતીમાં લખવાનો છે, અને મારું ઈંગ્લીશ સારું છે. અને ગુજરાતી બિલકુલ નથી આવડતું." મેઘ જવાબની આશામાં પોતાની માં સામે જોતો રહ્યો પણ ત્યાંથી કોઈ જવાબ આવ્યો જ નહિ. ચેતના બસ અરીસામાં જોઈ તૈયાર થવામાં વ્યસ્ત હતી.
મેઘ પોતાની વાત સમજાવવા અરીસાની બાજુમાં ઊભા રહી પોતાની વાતનું રીપીટશેન કરી નાખ્યું. ચેતના તેની સામે જોઇને એક સ્માઈલ સાથે કહી દીધું "મેઘ બેટા જા જઈને રમ મને હેરાન ન કર મારે આપણા ગાર્ડનમાં ઉગેલા ફૂલનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરવો છે.અને જોને બહારનું વાતાવરણ પણ વરસાદી છે, એટલે ફૂલોનો ફોટો પણ સરસ આવશે. અને મારા આ ફોટાને ઢગલો લાઈક્સ મળશે, હું સોશીયલ મીડીયા પર છવાઈ જઈશ તું જોજે ને" ધીમા ગીતના ગણગણતા તૈયાર થવામાં પરોવાઈ ગઈ. તે પોતાના દેખાવ માટે સભાન હતી.
મેઘના ચહેરા પર ચિંતા આવી ગઈ. તેને ખબર હતી કે મમ્મી માટે તેનું સોશિયલ મીડિયાનું કેટલું વળગણ હતું. ફરી બીતાં બીતાં પણ તેણે પોતાની વાત મમ્મીને ફરીને રજૂ કરી દીધી, અને જવાબમાં ગાલ લાલ કલરનો થઈ ગયો. મેઘે પોતાના ગાલ ને ધ્રુજતા હાથે પંપાળ્યો, ગરમ ગરમ ગાલનો સ્પર્શ લઇ મમ્મીનાં રૂમમાંથી ભાગી છૂટયો વિડિયો ગેમના શરણે. મનમાં નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની ચિંતા વધતી જતી હતી,એટલે વિડિયો ગેમ છોડી નેટનું શરણ શોધી લીધું.
ચેતના હવે સંપૂર્ણ તૈયાર થઈ ગઈ હતી, પોતાના નાનકડાં ગાર્ડનમાં જેમાં હજી થોડા પ્લાન્ટ પર સુંદર ફૂલોનો શણગાર હતો. તેણે નવા ઉગાડેલા જાસૂદના અલગ અલગ એંગલથી ફોટા પાડયા અને થોડી સેલ્ફી પણ લીધી ને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધા સાથે તેની ઉપયોગીતા પર સરસ નિબંધ પણ લખી નાખ્યો.
સોશિયલ મીડિયામાં અપલોડ થતાં જ ફોટા ને ઘણા બધા લાઈક્સ મળવા લાગ્યાં. ફોટો શેર કર્યાને થોડા દિવસ પછી ચેતનાએ મેઘની સ્કૂલના જ એક ફ્રેન્ડની મમ્મીનાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફૂલ સબજેક્ટ સાથે નિબંધમાં વિજેતા બનેલા મેઘનો ફોટો જોયો થોડી ખુશી થઈ, બસ થોડી વાર માટે જ પછી તરત જ ચેતનાનો ગુસ્સો ઉછળી પડયો. અને આખા ઘરમાં મેઘ ના નામની બૂમો પાડવા લાગી. અને મેઘ પણ તરત જ ધ્રૂજતો હાજર થઈ ગયો.
મેઘ તું તારી શાળાની નિબંધ સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યો તે મને કહ્યું પણ નહિ. મને આ કોઈકના એકાઉન્ટ પરથી ખબર પડે એ સારું કહેવાય?." જવાબની રાહમાં મેઘની સામે.જોતી રહી.
ધ્રૂજતાં ધ્રૂજતાં મેઘે જવાબ આપ્યો "મમ્મી સ્પર્ધાના આગલે દિવસે મે તને નિબંધમાં હેલ્પ કરવા કહ્યું હતું, પણ... તું બીઝિ હતી. એટલે મેં ગૂગલ પરથી સર્ચ કરી પોતાના શબ્દો જેમતેમ શોધીને આખો નિબંધ મેં લખી નાખ્યો અને જીતી પણ આવ્યો. તને કહેવાનો પ્રયત્ન કર્યો પણ તું બીઝી હતી એટલે મેં દોસ્તની મમ્મીનાં સોશિયલ મીડિયામાંથી રિઝલ્ટ અને ફોટો અપલોડ કર્યાં. કદાચ તને એ જ રીતે હું સમાચાર આપી શકત."
ચેતના પાસે બોલવા માટે કોઈ શબ્દ ન હતા, તે મેઘને બસ જોયા જ કરતી હતી. તેના ફોનમાં ફૂલના ફોટામાં લાઈક્સ વધતાં જતાં હતાં. એ તો પોતાની લાઈક્સ માટે ટળવળતા પોતાના ફૂલ ને જોતી રહી.