રક્ત ચરિત્ર - 24 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 24

૨૪

"એકાદ દિવસમાં સવાઇલાલ નિર્દોષ છૂટી જશે, આટલી નાનકડી સાબિતીઓથી સવાઇલાલને જેલ નઈ થાય. એટલે જે કરવાનું છે એ આજેજ કરવું પડશે." સાંજએ મનોમન એક નિર્ણય લીધો અને દેવજીકાકાને ફોન કરીને હથિયારબંધ માણસો સાથે અડધા કલાકમાં સિંહનિવાસમાં ભેગા થવાનું જણાવ્યું.
એ તૈયાર થઇ, જિન્સની બેકપોકેટમાં બંદૂક મૂકી અને લાંબો કોટ પહેર્યો. બુટમાં બે ચાકુ છુપાવ્યા અને એક કટર શર્ટના છુપા ખિસ્સામાં છુપાવ્યું અને સુરજના ઓરડામાં આવી.
સુરજનો ઓરડો ખુલ્લો હતો અને સુરજ ઘસઘસાટ ઊંઘ્યો હતો.
"હું તારા જાગતા તને જણાવવા માંગતી હતી કે હું તને પ્રેમ કરવા લાગી છું, પણ હું જ્યાં જઉં છું ત્યાંથી પાછી આવી શકીશ કે નહીં એ હું નથી જાણતી. જો હેમખેમ પાછી ફરીશ તો તારી આંખોમાં આંખો નાખીને તારો પ્રેમ સ્વીકાર કરીશ સુરજ, પણ જો હું પાછી ન આવું તો મને ભૂલીને આગળ વધી જજે." તેના માથા પર હાથ ફેરવીને, તેના વાળમાં એક હળવું ચુંબન કરીને પાછળ જોયા વગર સાંજ ત્યાંથી નીકળી ગઈ.

અડધા કલાક પછી ૭ ગાડી ભરીને હથિયારબંધ માણસો સાથે દેવજીકાકા સિંહનિવાસમાં હતા, સાંજ બહાર આવીને ગાડીમાં બેઠી અને બધી ગાડીઓ શહેર તરફ રવાના થઇ.
"આપણે અડધી રાત્રે જઈને આપણા આગલા શિકારને દબોચી લેવા પડશે કાકા, નઈતો સવાઇલાલના છૂટ્યા પછી બધું ભારે થઇ પડશે." સાંજની આંખોમાં અલગ જ આગ હતી આજે.
કોઈ પણ પ્રકારની યોજના વગરનો હુમલો કરવા જતા દેવજીકાકાને સાંજની સલામતીની ચિંતા હતી, પણ એ સાંજના પરિવારના વફાદાર હતાં અને તેમના હુકમ માનવા એ પોતાની ફરજ સમજતા હતા.

અઢી કલાક પછી સાંજ, દેવજીકાકા અને એમના માણસો શહેરથી દૂર આવેલા એક ફાર્મહાઉસની સામે હતાં, બધાંએ સાંજના સમજાવ્યા મુજબ પોતપોતાના હથિયાર તૈયાર રાખ્યા અને પોતપોતાને મળેલા કામને પુરૂ કરવા બધાં અલગ અલગ દિશામાં નીકળી પડ્યાં.
યોજના મુજબજ ૭ જાણ બંગલા આગળ લાડવા લાગ્યા, માલિક જોશે અને તેનેજ બોલશે એ ડરથી ચોકીદાર સાતેયને સમજાવવા આવ્યો અને આનો ફાયદો ઉઠાવીને સાંજ, દેવજીકાકા અને તેમના અમુક માણસો બંગલામાં ઘુસી ગયા.

બંગલામાં આવીને બધાંએ બંગલાના માલિક ક્યાં ઓરડામાં હોઈ શકે તેની તપાસ આદરી, બંગલાની સાઈઝ જોઈને ૧૦-૧૨ ઓરડા હશે એવો અંદાજ લગાવી બધાં તપાસમાં લાગ્યાં. પાંચેક મિનિટ પછી સાંજનો એક માણસ તેને એક ઓરડા તરફ લઇ ગયો, એ આલીશાન ઓરડાના મખમલી પલંગ ઉપર આ બંગલાનો માલિક રામપાલ આરામથી સૂતો હતો.
તેની બાજુમાં સુતેલી તેની પત્નીને જરાય ગંધ પણ ન આવે એટલી સાવચેતીથી સાંજ અને તેના માણસોએ રામપાલને ઉઠાવી લીધો.

નશો ઉતર્યો અને બેહોશ રામપાલ હોશમાં આવ્યો ત્યારે તેં એક ભંગારઘર જેવી લાગતી ઓરડીમાં, એક ખુરશીમાં બંધાયેલો હતો.
"સાંજ? તું જ છે ને અહીં? સાંજ મને જવાબ આપ." રામપાલ બરાડી ઉઠ્યો.
"અરે વાહ, બકરીને ખબર છે કે તેં કઈ સિંહણનો શિકાર છે." સાંજ ખડખડાટ હસી પડી.
"સિંહણ કે છે તું તારી જાતને અને કામ શિયાળ જેવા કરે છે, એટલી હિંમત હતી તો સામી છાતીએ વાર કરવો હતોને." રામપાલએ ત્રાડ પાડી.
"ઓહોહોહોહો...... જુઓ તો કાકા. સામી છાતીએ વાર કરવાની વાતો એ માણસ કરી રહ્યો છે, જેણે મારા બાપુની પીઠમાં છરો ખૂંપ્યો હતો." સાંજએ તેના બન્ને હાથ રામપાલના કાનની નજીક લઇ જઈને તાળીઓ વગાડી.

રામપાલએ હાલ ચૂપ રહેવામાંજ પોતાની ભલાઈ સમજી અને ચૂપ થઇ ગયો, સાંજએ બેકપોકેટમાંથી બંદૂક કાઢી અને રામપાલની આંખો પર નિશાનો સાધ્યો, "કોઈ પણ જાતની હોશિયારી બતાવ્યા વગર હું પૂછું એટલો જવાબ આપ, મારા બાપુના ૭ હત્યારાઓહતા તો એ સાતમો કોણ હતો?"

સાંજનો સવાલ સાંભળીને રામપાલના હોશ ઉડી ગયા, તેના ચેહરાનો ઉડેલો રંગ છુપાવવા એ ઝડપથી સ્વસ્થ થયો અને હિંમત કરીને બોલ્યો, "હું તને જણાવીશ કે એ સાતમો હત્યારો કોણ હતો, બાકી બધાં સાથે બદલો લેવામાં પણ હું મદદ કરીશ બસ એના બદલામાં તું મને માફ કરી દે અને મને છોડી દે.
"તારે સાબિત કરવું પડશે કે તું સાચેજ અમારી મદદ કરીશ અને દગો નઈ આપે." સાંજએ બન્દૂક પાછી ખિસ્સામાં મૂકી દીધી.
"કેવી રીતે સાબિત કરું? તમે જે કહેશો એ કરીશ બસ મને મારશો નઈ." રામપાલ મગરના આંસુ સારવા મંડ્યો.

"ઠીક છે તો નાનજીને હાલજ અહીં બોલાવ, તેને એકલો બોલાવજે ને' હા કોઈ ચાલાકી કરી છે ને તો બીજી જ ક્ષણે તારી ખોપડી ઉડાવી દઈશ." સાંજ રામપાલની સામે બંદૂક તાણીને બેઠી.

"હેલ્લો, નાનજી. એક મહત્વનું કામ આવી પડ્યું છે, હું લોકેશન મોકલુ ત્યાં જલ્દી આવી જા. એકલો આવજે અને કોઈને પણ, ભાભીને પણ ન જણાવતો કે તું ક્યાં જાય છે." રામપાલએ તેનું લાઈવ લોકેશન મોકલ્યું કે તરત સાંજએ ફોન ઝુંટવી લીધો.

વિસેક મિનિટમાં નાનજી ત્યાં આવી પહોંચ્યો, એ જ્યારે આ બંધ ઓરડીમાં આવ્યો ત્યારે રામપાલ ખુરશીમાં બંધાયેલો હતો.
"અરે, ભાઈ તારી આવી હાલત કોણે કરી? ઉભો રે, તને છોડાવું." નાનજીએ દોરડું છોડવા એક ડગલું માંડ્યું અને એના કાન નજીક પાછળથી બંદૂક અડી હોય એવો આભાસ થયો નાનજીને.
"દગો કર્યો તેં મારા સાથે રામપાલ....." સાંજને જોઈને નાનજી બરાડી ઉઠ્યો.
બીજી ખુરશીમાં નાનજીને બાંધ્યા પછી દેવજીકાકા સિવાયના બધા માણસો બહાર જતા રહ્યા.

"તું આ બધું કેમ કરી રહી છે? અમને મારીને તને તારા બાપુ પાછા મળી જશે?" નાનજીએ પૂછ્યું.
"સંતોષ મળશે, તારા જેવો નીચ માણસ આ દુનિયામાં નથી એ વિચાર માત્રથી મને સંતોષ મળે છે તો વિચાર કે સાચેજ તું આ દુનિયામાંથી ઉઠી જઈશ ત્યારે કેટલો સંતોષ મળશે." સાંજએ જવાબ આપ્યો.

"હવે બોલ કે સાતમો ખૂની કોણ હતો?" સાંજ રામપાલ તરફ ફરી, રામપાલ હજુ કઈ જવાબ આપે એના પહેલાંજ પાછળથી કોઈએ સાંજના માથા પર વાર કર્યો.
સાંજની આંખો આગળ અંધારું છવાઈ ગયું, લોહીનો એક રેલો તેના કાન નજીકથી વહેવા લાગ્યો. સાંજએ પાછળ ફરીને જોયું, દેવજીકાકા હાથમાં લોઢાની પાઇપ લઈને ઉભા હતા અને એ પાઇપનો એક છેડો લોહીથી રંગાયેલો હતો.

"દગો." સાંજની આંખમાંથી એક આંસુ જમીન ઉપર પડ્યું અને એ નીચે પછડાઇ.

ક્રમશ: