૧
હૂં હમેશાંથી એક સ્ત્રી ના સંઘર્ષ, બલિદાન, કોમળતા અને કઠોરતાને આવરી લેતી કથા લખવા માંગતી હતી. આ કથા સંપૂર્ણ પણે કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ, જાતિ, સ્થળ અને ઘટના સાથે સમાનતા સંજોગ માત્ર છે.
રિંકલ ચૌહાણ
_________________________________
પિતાના વચનને જાળવવા, સત્ય ને શોધવા, ન્યાય ખાતર પરિવાર સામે લડવા નીકળેલી એક યુવતી ની આ કથા છે. કરમની કઠણાઈ એ આ કોમળ યુવતીના હાથ હથિયાર ઉપાડવા તૈયાર થયા અને એના નસીબમાં લખાયું રક્ત રંજિત "રક્ત ચરિત્ર"
"ન્યાય એ જ ઘર્મ છે. ન્યાયની રક્ષા માટે પોતીકા સામે લડતાં પણ ખચકાવું નહીં." પિતાએ આપેલી સિખામણ યાદ કરી એ આગળ વધી. "યાદ કર એ દિવસ જ્યારે મારી આંખોની સામે તે મારા પિતા અનિલસિંહ પર આ જ ધારિયાથી વાર કરેલો. હું એ જ 6 વર્ષીય છોકરી છું, જેના પગમાં આ ધારીયું ફેકીને તું અભિમાનથી બોલ્યો હતો કે મે તારા પિતાને માર્યા છે તારા માં હિંમત હોય તો આવી જજે બદલો લેવા. જો હું આવી ગઈ મારા પિતાની મોતનો બદલો લેવા." મૂળજી ઠાકોર મોતના ભયથી ફફડવા લાગ્યો. મોત હાથવેંત છેટું હતું, આજીજી કરે કે માફી માંગે એ પહેલાં જ ધારીયાના એક જ વાર થી મૂળજી ઠાકોરનું માથું ધડથી અલગ થઈ ગયું. એક છોકરીના હાથે પોતાના માલિક નું મોત થયું એ જોઇને મૂળજી ઠાકોરના માણસો રોષે ભરાયા. એક જણ લાકડી લઈને એને મારવા આગળ વધ્યો.
"હું અહીં જે કામથી આવી હતી એ થઈ ગયું છે. હવે જેને મરવાની ઇચ્છા હોય એ જ આગળ આવે. હું સાંજ સિંહ મારા સ્વર્ગસ્થ પિતા અનિલસિંહ ની સોગંદ લઉં છું કે આગળ આવેલ એક એક ને મૃત્યુ આપીશ." સાંજ ભયંકર ગુસ્સામાં હતી. ભૂતકાળમાં અનિલસિંહ સાથે કામ કરનારા તમામ લોકો સાંજની પાછળ ઉભા હતા. અનિલસિંહ નું નામ સાંભળી અને એમના માણસોને હથિયારબધ્ધ જોઈ મુળજી ઠાકોરના માણસોના હાંજા ગગડી ગયા. માલિકના મૃત્યુથી આમેય એમનું આત્મબળ ટુટ્યું હતું. મૂળજીના માણસો પણ એના જેવા જ સ્વાર્થી હતા, હવે લડવાનો કોઈ મતલબ એમને ન'તો દેખાતો. મૂળજી ના બધા જ માણસો ત્યાંથી નાસી છુટ્યાં.
મૂળજી ઠાકોર માધવર ગામનો કાળોતરો નાગ કહેવાતો. એક સમય હતો જ્યારે માધવર ગામ ન્યાય અને સત્યનું પ્રતિક ગણાતું. અનિલસિંહ માધવર ગામના કર્તાધર્તા હતા. ન્યાય અને સત્યનું શાશન ચાલતું હતું એમના રાજમાં. ગામમાં એમનો પડ્યો બોલ ઝીલાતો. એક દિવસ એક કાર એક્સિડન્ટમાં એમનું મૃત્યું થયું. એમના મૃત્યુથી માધવરના વળતાં પાણી થયા ને ગામ માં અન્યાયનું શાસન ચાલુ થયું.
મૂળજી ઠાકોરનું મૂળ કામ કોઈપણ ભોગે રૂપિયા કમાવવાનું હતું. અને રૂપિયા પાછળ આંધળી દોટમાં દોડતાં વચ્ચે આવનાર દરેકને એ મરાવી નાખતો. ધીરે ધીરે એ ગામનો સૌથી પૈસાદાર માણસ બની ગયો અને આખું ગામ ગરીબીની ગર્તામાં ધકેલાઇ ગયું. ગરીબ લોકોને વ્યાજે પૈસા ધીરતો અને વ્યાજના દેવા તળે ગામ લોકોને દબાવીને રાખતો. ગામમાં સુખ માત્ર મૂળજી ઠાકોરના ઘરે હતું. અને આજે મૂળજી ઠાકોરના મોતથી ગામ આખાની ગુલામીનો અંત આવ્યો. ગામલોકો આજે દિવાળી મનાવી રહ્યા હતા. 19 વર્ષ પછી માધવરમાં ખુશીઓ આવી હતી.
***
"જાણી જોઈને કાદવમાં પથ્થર નાખવાનો શું મતલબ છે સાંજ? એ લોકોએ તને આમંત્રણ તો આપ્યું ન'તું, એમનું એ જોઈ લેત. તારે વચ્ચે પડવાની જરૂર ન'તી." સાંજનો મોટો ભાઈ નીરજ ગુસ્સામાં બોલી રહ્યો હતો. નીરજ હંમેશાં પોતાના સ્વાર્થથી મતલબ રાખતો. એણે ક્યારેય પિતા અનિલસિંહ ના કામ પસંદ નહોતા કર્યાં. આજે પોતાની બેન ને પિતાના રસ્તે જતાં જોઈ એ ગુસ્સે ભરાયો હતો.
જ્યારે અનિલસિંહ નું મૃત્યુ થયું ત્યારે નીરજ 8 વર્ષ નો અને સાંજ 6 વર્ષની હતી. માતાનું મૃત્યુ તો સાંજ ના જન્મ વખતે જ થઈ ગયેલું, પિતાએ જ બન્નેનો ઉછેર કર્યો હતો. નિરજ હંમેશાં પિતાની પ્રવૃત્તિઓથી નાખુશ રહેતો અને સાંજ હંમેશાં એમના જેવી બનવા માંગતી હતી. સાંજ હંમેશાથી પિતાની રાહ પર આગળ વધવા માંગતી હતી, અને એની શરૂઆત એણે મૂળજી ઠાકોરને મારી ને કરી દીધી હતી.
"ન્યાય જ ધર્મ; સત્ય જ સર્વોપરી, આ બન્નેના સમન્વયથી બને છે સાર્થક જીવન. માત્ર પોતાના સ્વાર્થ માટે જીવવું એ મારા સંસ્કાર નથી ભાઈ, હું હંમેશાં પપ્પા જેવી બનવા માંગતી હતી. અને મને મારા કામ માટે કોઈ દિલગીરી કે ક્ષોભ નથી." સાંજ મક્કમતાથી પોતાનો પક્ષ મૂકી ત્યાંથી નીકળી ગઈ.
***
"સાંજ બેટા હજુ એકવાર વિચારી લો, તમે જે રસ્તે આગળ વધવા જઈ રહ્યાં છો ત્યાંથી પાછા ફરવાનો કોઈ વિકલ્પ નથી. અમે બધું જોઈ લઈશું બેટા, તને આ રસ્તો છોડી દો." દેવજીભાઈ સાંજને સમજાવી રહ્યા હતા. દેવજીભાઈ અનિલસિંહ સાથે વર્ષોથી કામ કરતાં હતાં અને એમના મૃત્યું પછી એમના બન્ને બાળકોની સાર-સંભાળ એમણે જ રાખી હતી.
"વિચાર તો મે 19 વર્ષ પેલાં જ કરી લીધો હતો કાકા. એક જ લક્ષ્ય સાથે હું જીવી રહી છું, અને તમે એમ કહો છો કે એ લક્ષ્ય જ છોડી દઉં હું. મારો નિર્ણય અડગ છે દેવજીકાકા. જેમણે મારા દેવતુલ્ય પિતા ને મારી આંખો સામે નિર્દયતાથી મારી નાખ્યા હતા, એક એક નો ચહેરો મને આજે પણ યાદ છે. ગણી ગણીને મારીશ હું બધાને." સાંજ બદલાની આગમાં બળી રહી હતી. એ આગ ભવીષ્ય માં ઘણા લોકોને દઝાડવાની હતી.
"પણ સાંજ બેટા તમે હજુ બાળક છો. તમારી સામે તમારી જિદંગી પડી છે. માલિક એ મરતાં પહેલાં તમારી અને નિરજ ની જવાબદારી મને સોંપી ને વચન લીધું હતું કે હું હંમેશાં તમારું રક્ષણ કરું." દેવજી ભાઈ છેલ્લી વાર સાંજ ને સમજાવવાના આશય થી બોલ્યા.
"આ બદલો જ મારી મંજિલ છે. એક સમયે અકારણ એ અધર્મીઓ એ મારા પિતાનું લોહી વહાવ્યું હતું. એમને એમના કર્મોના હિસાબ તો અાપવા જ પડશે. એમને સજા મળશે, હું આપીશ. એક એકને મારીને એમના રક્તથી લખીશ 'રક્ત ચરિત્ર'...."
ક્રમશઃ