Rakta Charitra - 9 books and stories free download online pdf in Gujarati

રક્ત ચરિત્ર - 9

સાંજ નું હ્રદય એક ધબકારો ચૂકી ગયું, તેણીએ સુરજ સામે જોયું,"ના તેની આંખો માં ક્યાંક કપટ નથી." એ મનોમન બોલી અને હસી પડી.


સુરજ વિમાસણમાં પડી ગ્યો, સાંજ ના હસવા નો શું મતલબ નીકાળવો એ તેને સમજાતું નહોતું. તે સાંજ ને બાળપણ થી ઓળખતો હતો, તે ગુસ્સામાં હોય કે ખુશ હોય હંમેશા હસી પડતી. તેના ચહેરા ના હાવભાવ જોઈ તેનું મન પારખવું ખુબ મુશ્કેલ હતું.


સુરજ ને વિચારોમાં છોડી સાંજ જવાબ આપ્યા વગર ત્યાં થી જતી રહી.


"અરે શિવી તું અહીં? ક્યારે આવી? ચાલ સાથે નાસ્તો કરીએ..." ઘર ની અંદર થી બહાર જતી શિવાની ને જોઈ સાંજ તેને પાછી ઘરમાં લઈ ગઈ.


"સંજુ તું હવે ઠીક છે ને? બરોબર દવાઓ લે છે ને?" શિવાની એ નાસ્તો કરતાં પુછ્યું.


"હું ઠીક છું ને દવાઓ પણ લઉં છું ટાઈમ સર, તું કે મને કે તું શું કરે છે હાલ અને શાંતિબેન શું કરે છે? એના લગ્ન થઈ ગયા?" સાંજ એ પુછ્યું.


"શાંતિબેન પ્રોફેસર છે કોમર્સ કોલેજ માં ને આવતા મહિને એના લગ્ન છે, અને હું એન્જીનીયરીંગ ના છેલ્લા વર્ષ ની પરીક્ષા ના પરિણામ ની રાહ જોઈ રહી છું." શિવાની એ જવાબ આપ્યો.


"ઓહ નાઈસ, અને એ કોણ છે જેના સાથે તું લગ્ન કરવાની છે? હવે એમ ન કે'તી કે એવું કંઈ જ નથી, તારો ચહેરો બુમો પાડી પાડીને કહે છે કે તું કોઈ ના પ્રેમ મા છે, કોણ છે એ?" સાંજ ના ચહેરા પર રમતિયાળ સ્મિત ફરી વળ્યું.


"હા કોઈ છે જે મને ખુબ ખુબ ખુબ જ પસંદ છે, પણ હું હાલ નહીં કહું એનું નામ તને. સમય આવ્યે સૌથી પહેલા તને જણાવીશ, આફ્ટર ઓલ તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે." શિવાની હસી પડી.


"ઉત્સવ ને કારણે મેં તમને કંઈ જ નહોતું પુછ્યું સાંજ બેટા, પણ એ દિવસે શું થયું હતું એ જાણવું મારા માટે બહુ જ જરૂરી છે." દેવજી ભાઈ એ સાંજ ને એકલી બોલાવી ને પુછ્યું.


"હું મંદિર થી પરત ફરી પછી બગીચાની બહાર નીકળતાં જ પાછળથી કોઈ એ મારા પર વાર કર્યો, પછી એમને મારવા માં મને આટલી બધી ઈજાઓ થઈ ગઈ. હું એમના ચહેરા ન જોઇ શકી કેમકે બધા એ બુકાની બાંધી હતી પણ મને ખબર છે આ કોનું કામ છે." સાંજ એ જવાબ આપ્યો.


"હું પણ જાણું છું કે આ કોનું કામ છે, અને એ લોકો સાથે લડવા માટે રણનીતિ પણ નક્કી છે. હું એમ........" દેવજીભાઈ આગળ કંઈ બોલે એ પહેલાં આંગણાં માંથી ઘણા બધા અવાજ આવવા લાગ્યા હતા. સાંજ અને દેવજીભાઈ બહાર ગયાં, અમુક ગામવાસીઓ આવ્યાં હતાં એમના ચહેરા ઉતરેલા હતા. કોઈ ફરિયાદ લઈને આવ્યા હોય એવો આભાસ થઈ રહ્યો હતો.


સાંજ ખુરશીમાં બેઠી અને હાથ ઉપર કરી ગામવાસીઓ ને બોલવા નું કહ્યું.


"મારું નામ હરખો છે, મુળજી એ મારી જમીન ગીરવે લીધી પછી મને પુછ્યા વગર એ જમીન રતના ને વેંચી દીધી. હવે રત્નો મને મારી જમીન પાછી આલવા તૈયાર નથી, તમે જ ક્યો ખેડૂત ને જમીન વિના શી આવક થાય? મારાં બૈરાં છોકરાં તો ભુખે મરી જાશે...." દુબળો પતળો હરખો જમીન પર બેસી ને રડવા લાગ્યો.


"તમારી તરફેણમાં તમે શું કે'વા માંગો છો?" સાંજ એ રતના સામે જોઈ પુછ્યું.


"મેં ઈ જમીન રોકડા પૈસા આપી ને ખરીદી 'તી. જમીન મું હરખા ને પાછી આલી દુ ચાલો, પણ મારા પૈસા નું શું? હું યે મામુલી મજુર છું કોઈ લખપતિ નથી, મારેય બૈરાં છોકરાં છે." રતનો પણ રડવા જેવો થઇ ગયો હતો.

"રતના કાકા ને જમીન ના થતા હોય એટલા પૈસા આપી ને જમીન હરખા કાકા ને પાછી આપી દો દેવજી કાકા." સાંજ એ હુકમ કર્યો અને એનો અમલ પણ થયો.
"હું તમારો ઉપકાર કદીએ નહીં ભુલુ સાંજ દિકરી, હું ધીમે ધીમે તમારી એક એક પાઈ ચુકવી દઈશ...." હરખા એ બંને હાથ જોડ્યા અને ખુશી ખુશી ત્યાં થી જતો રહ્યો.

"મુળજી એ છેલ્લા ૧૯ વર્ષ માં જેટલી જમીન ઓ ગેરકાનૂની રીતે હડપી છે એ બધા કાગળ હવેલી માં જ છે, તમે બધા કાગળ લઈ આવો, ગામવાળા ની જમીન એમને પાછી આપવી અને બાપુ ની જમીન પાછી કબજે કરવી એ આપણું પહેલું કામ છે." સાંજ ઊભી થઈ ને પોતાના ઓરડામાં જતી રહી.
બે દિવસ માં દેવજીભાઈ એ બધું કામ આટોપી લીધું, ગામવાળાઓને ભેગા કરી સૌને પોતપોતાની જમીન પાછી સોંપી દેવામાં આવી, અનીલસિંહ ની જમીન પાછી સાંજ ના નામે કરી દેવાઈ.
ગામવાસીઓ ખુશ હતા પણ અમુક લોકો હતાં જેમને આ ન ગમ્યું, ખાસ કરીને જેમની પાસે થી ધાકધમકીથી જમીન છીનવી લેવાઈ હતી એમને. જોકે સાંજ એ બધા ને એમના પૈસા પાછા મળી રહે એ ખાસ ધ્યાન રાખ્યું હતું પરંતુ પુરુષપ્રધાન સમાજ ના આ પુરુષો નો પૌરુષી અહમ્ ઘવાયો હતો.
એક સ્ત્રી ના આધિપત્ય ને સ્વીકારવું તેમના માટે ખુબ જ કઠીન કામ હતું અને ત્યાંથી જ ગામ લોકો વચ્ચે મતભેદ ની એક દિવાલ ચણાવા લાગી હતી.
મુળજી ના મોત પછી ગામ લોકો ને એક સમજદાર અને શસ્ક્ત મુખિયા ના નેતૃત્વ ની જરૂર હતી, અને મોટા ભાગના લોકો ના મતે સાંજ જ તેમની મુખિયા હતી.
સાંજ એ ખોટા ધંધા બંધ કરીને એક પછી એક ગામ ના વિકાસ ના કામો ચાલું કર્યા હતા જે તેના પિતા ની મોત પછી બંધ પડી ચુક્યાં હતાં. એક અઠવાડિયા માં તો માધવર ગામ ની કાયા પલટ થઈ ગઈ હતી, અને સુરજ નો અહીં થી જવાનો સમય પણ આવી ચુક્યો હતો.

"સાંજ...... હું કાલે વડોદરા જઈ રહ્યો છું, તું મને મારા સવાલનો જવાબ ક્યારે આપીશ? આપીશ કે નહીં?" સુરજ નું હ્રદય ભારે થઈ ગયું હતું.
"હું તને પ્રેમ નથી કરતી સુરજ, હું ત્યાં આવી હતી તારા બાપુ ની મદદ માંગવા તારા બોલાવ્યા પર નહોતી આવી, મારા બાપુ ને બચાવવા માટે મને કોઈ ની મદદ ની જરૂર હતી એટલે હું ત્યાં આવી હતી." સાંજ એ સપાટ ચહેરે જવાબ આપ્યો.
સુરજ ને આઘાત લાગ્યો હતો, સાંજ નો એક એક શબ્દ તેને તિર ની જેમ ચુભ્યો હતો એ કંઈ જ બોલ્યા વગર ત્યાં થી જતો રહ્યો.
બીજી તરફ શિવાની અને નીરજ ને એકબીજા ને મળવા તળાવ ની પાળે આવ્યાં હતાં, અહીં ઘેઘૂર વૃક્ષો ની વચ્ચે સવાર ના સમયે નિરવ શાંતિ જ રહેતી, ભાગ્યે જ કોઈ આ બાજુ ફરકતું. શિવાની ને જોતા જ નીરજ એ તેને આલિંગન માં લીધી.
"નીરજ મારો મુડ નથી આજે, હું તને છેલ્લા એક અઠવાડિયાથી એક જ સવાલ પુછી રહી છું છતાંય તું કોઈ નિર્ણય પર નથી આવ્યો. તું મારી સાથે લગ્ન કરવા તો માંગે છે ને?" શિવાની રડવા જેવી થઈ ગઈ હતી.
"તું રડ નહીં શિવાની, તું જાણે છે ને સાંજ હમણાં થી કેટલી વ્યસ્ત છે? હું બહુ જલ્દી તેની સાથે વાત કરીને તારા ઘરે આવીશ તારો હાથ માંગવા, હવે રડ્યા વગર થોડી નજીક આવ. કાલ પછી તો તું ક્યાં આવી રીતે મળીશ." નીરજ એ શિવાની ના હોઠ પર તેના હોઠ મુકી દીધા, બન્ને એકબીજામાં એટલા ઓતપ્રોત થઈ ચુક્યા હતા કે એમને ખબર પણ ન પડી કે કોઈ એમને જોઈ રહ્યું છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED