રક્ત ચરિત્ર - 23 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 23

૨૩

સવારે નાનકડા ગામ માધવરમાં હાહાકાર મચી ગયો હતો, દેશના ખૂણે આવેલા આ નાનકડા રૂઢિચુસ્ત ગામની નજરોમાં જેને પાપ કહેવાય એવી ઘટના ઘટી હતી. સવારની ઠંડક ઓસરીને બપોરનો તડકો ચડે એના પેહલા તો આખા ગામમાં આ વાત ફેલાઈ ચુકી હતી કે સાંજ અને સુરજ એ એક આખી રાત એક જ ઓરડામાં વિતાવી હતી.

ફેક્ટરીના મજૂરોમાં આખો દિવસ આ ઘટના ચર્ચાનો વિષય બની રહી. ગામ આખામાં સાંજના નામની થું થું થઇ રહી હતી, બધાને મોઢે અલગ અલગ ટીકાઓ હતી પણ નામ એકજ સાંજનું લેવાતું હતું, "અરે સુરજ તો પુરૂષ છે પણ સાંજને તો સમજવું જોવે કે'...."
"માં-બાપ નથી એટલે મનફાવે એમ વર્તે છે છોડી...."
"રાજપરિવારની છે તો શોખ પણ રાજાઓ જેવા જ હોયને......"
"આદમીને તો શું પણ એ છોકરીને તો એની ઈજ્જતની પરવા હોવી જો'વે કે......"

બપોરના સમયએ ગામના અમુક વડીલો સાંજને મળવા ઘરે આવ્યા અને વાત વાતમાં સાંજને આ ઘટનાનું નિરાકરણ લાવવાનું કહી ગયા.
"તમે શું વિચાર્યું છે બેટા?" દેવજીકાકાએ પૂછ્યું.
"વિચારવાનુ શું છે એમાં? તમને પણ આ લોકોની વાતો પર વિશ્વાસ છે કાકા?" સાંજએ પૂછ્યું.
"મને તમારા ઉપર પુરેપુરો વિશ્વાસ છે બેટા, પણ આ સમસ્યાનું નિરાકરણ તો કરવું જ પડશે."દેવજીકાકાના ચેહરા પર ચિંતા હતી.
"તો તમે પણ આ વડીલોની જેમ પરોક્ષ રીતે મને સલાહ આપો છો કે હું સુરજ સાથે લગ્ન કરી લઉં?" સાંજ ગુસ્સામાં હતી.

દેવજીકાકા કઈ બોલે એના પહેલાંજ સુરજ બોલી ઉઠ્યો, "આપણે કાંઈજ ખોટું કામ નથી કર્યું સંજુ, લોકો શું કહેશે એ ડરથી તારે મારી સાથે લગ્ન કરવાની જરૂર નથી. લોકોનું શું છે, ચાર દિવસ આપણી વાતો કરશે અને પાંચમા દિવસે ભૂલી જશે. પણ એમની ચાર દિવસની વાતો માટે હું તારી જિંદગી ખરાબ નહીં થવા દઉં."
"ધન્યવાદ સુરજ......" સાંજની આંખો આભારવશ ભીંજાઈ ગઈ.

એ ઘટના પછીના દિવસો સાંજ માટે ખુબજ ખરાબ રહ્યા, ડગલેને પગલે તેને તિરસ્કારથી ભરેલી નજરોનો સામનો કરવો પડતો હતો, તેણીની સામેના માણસની નજર તેના શરીર ઉપર વધારે રહેતી જાણે કે એ ઘટનાની સાબિતી માટેનું કોઈ સબૂત શોધતા હોય બધાં.
સુરજને કોઈની વાતોનો કોઈ ફરક ન્હોતો પડી રહ્યો, એ હંમેશાની સાંજનો જ બચાવ કરતો હતો પણ સાંજને ફરક પડવા લાગ્યો હતો. ગામલોકોનો વ્યવહાર તેના દિલ પર ઘા કરી ગયો હતો જયારે સુરજનો વ્યવહાર તેના ઘાનો મલમ બની રહ્યો હતો, સાંજનું મન ધીરે ધીરે સુરજ તરફ ઢળી રહ્યું હતું.

આજે સાંજ છત ઉપર એકલી બેઠી હતી, એ ફરી ફરીને અથમતા સુરજને જોઈ લેતી હતી. બહારથી શાંત દેખાતી સાંજનું મન તોફાને ચડ્યું હતું, અમુકજ ક્ષણોમાં હજારો વિચારો આવીને જતાં રહ્યાં પણ સાંજને તેની સમસ્યાનું નિરાકરણ ન મળ્યું.
"બેનબા, હાલો! વાળું તૈયાર છે." રતન આટલુ બોલીને ત્યાંથી પાછી વળી રહી હતી ને' એનું ધ્યાન ગયું કે હંમેશાની જેમ આજ સાંજએ તેના સાદનો જવાબ નથી દીધો.
"તમે હજુયે પેલી ઘટના વિશે વિચારી રહ્યાં છો બેનબા?" રતનએ સાંજના ખભા પર હાથ મુક્યો.
રતનના સ્પર્શથી સાંજ હકીકતની દુનિયામાં પરત ફરી, તેણીએ તેની ભીની આંખો લૂંછી, સ્વસ્થ થઇ અને નીચે જતી રહી.

"આ એકદમ સાચો સમય છે અરુણના મનસુબા જાણવાનો, સાંજબેન જમી લે પછી અરુણને મળવું પડશે." રતનએ મનોમન વિચાર્યું અને નીચે આવી ગઈ.
જમ્યા પછી બધાં ચુપચાપ પોતપોતાના ઓરડામાં જતાં રહ્યાં, બધું કામ પતાવીને રતન સીધી અરુણના ઓરડામાં ગઈ.
"અરે રતન! આવ અંદર આવ." અરુણએ રતનને બારણા પાસે જોઈને અંદર આવવાનું કહ્યું.
"ના, હું તો તમને બેનબાનો સંદેશો આપવા આવી હતી. બેનબાએ તમને થોડીવાર પછી ભંડારઘરમાં મળવા આવવાનું કહ્યું છે અને કોઈ જોઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખજો એવુ પણ કહ્યું છે." રતનએ તેની યોજનાનું પહેલું પાસું ફેંક્યું અને સફળતાની પ્રાર્થના કરતી ત્યાંથી ચાલી ગઈ.

"સાંજએ મને એકલો અડધી રાત્રે સ્ટોરરૂમમાં મળવા કેમ બોલાવ્યો હશે? ક્યાંક એને ખબર તો નથી પડી ગઈને કે મારું અહીં આવવાનું સાચું કારણ શુ છે? નક્કી એને બધી ખબર પડી ગઈ છે એટલે તેણીએ મને એકલો બોલાવ્યો છે, જેથી સ્ટોરરૂમમાં એ આરામથી મને મારી શકે." અરુણ ખરેખર ખુબજ ગભરાઈ ગયો હતો પણ એ જાણતો હતો કે જો એ સ્ટોરરૂમમાં નઈ જાય તો એનું આવી બનશે.
પોતાની જિંદગીની સલામતીની પ્રાર્થના કરતો અરુણ ડરતા ડરતા સ્ટોરરૂમમાં આવ્યો ત્યારે સ્ટોરરૂમમાં અંધારું હતું અને એક યુવતી હાથમાં બંદૂક સાથે અંધારામાં ઉભી હતી.

બંદૂક જોઈનેજ અરુણના મોતિયા મરી ગયા, એ રડમસ આવજે બોલ્યો, "સાંજ તું મારી બાળપણની દોસ્ત છે ને તો મને માફ નઈ કરે, હું જાણીજોઈને તારા ઉપર નજર રાખવા નથી આવ્યો સાંજ. જેમ તું તારા પરિવાર માટે બધું કરી રહી છે એમ હું પણ મારા પરિવાર માટે અહીં આવ્યો છું. હું તારી પળપળની ખબર એ સ્ત્રીને નહીં આપું તો એ સ્ત્રી મારા પરિવારને ખતમ કરી નાખશે."

અરુણની વાત પુરી થતાંજ અંધારામાં ઉભેલી યુવતી અજવાળામાં આવી, તેને જોઈને અરુણને ઝટકો લાગ્યો, "રતન તું?"
"હા, હું. હું જાણતી હતી કે તમે સાંજબેનને નુકસાન પહોંચાડવા માંગો છો એટલે હકીકત જાણવા આ નાટક કર્યું." રતન બોલી.
"તેં મારી સાથે આટલો ખરાબ મજાક કર્યો, તારી હિમ્મત કેમ થઇ આવું કરવાની." અરુણ ગુસ્સે ભરાયો.

"હિમ્મત તો મારાંમાં ખુબજ છે અરુણ સાહેબ, અને હવે તમારું રાજ હું જાણું છું તો મારી સાથે આવી રીતે વાત કરવી તમને પોસાશે નઈ." રતન હસી પડી.
"તારો ઈરાદો શું છે? શું ઈચ્છે છે તું?" અરુણ રતનનો ઈરાદો ઘણી હદ સુધી સમજી ચુક્યો હતો.
"તમારે મારું એક કામ કરવું પડશે, અને જો તમે મારું કામ નહીં કરો તો તમારી આ હકીકતને હું મારી રીતે બેનબાને જણાવીશ." રતનએ જવાબ આપ્યો.

"સારુ, તું કહીશ એજ કરીશ હું." અરુણ કમને બોલ્યો, રતનએ વિગતવાર તેણીની યોજના અરુણને જણાવી.
રતનની વાત સાંભળીને અરુણની આંખો ફાટી ગઈ, તેણે ડરતા ડરતા પૂછ્યું, "તને ભાન છે તું શું કે છે?"
રતનના ચેહરાની નસોં તંગ થઇ ગઈ, "હા, હું જાણું છું કે હું શું બોલી રહી છું. મારી જિંદગીની ખુશીઓનો વિચાર હું નઈ કરું તો બીજું કોણ કરશે, મારેજ મારી ખુશીઓ માટે બધું કરવું પડશે."

ક્રમશ: