નિશા અને રાહુલના લગ્નના છ વર્ષ વિતી ગયા, નિશાનો ખોળો હજી ખાલી હતો, તેના પિયર પક્ષે અને સાસરીમાં પણ કેટલીય આખડી, બાધાઓ લેવામાં આવી હતી. સાસુ વાતવાતમાં સતત નિશાને યાદ દેવડાવતા હતા, હવે આ ઘરમાં આંનદ કિલ્લોલ કરતું એક બાળક હોય તો સારું, બસ ભગવાન તને સારા દિવસો દેખાડે એટલે અમે ગંગા નાહ્યા. નિશા બસ ચુપચાપ સાંભળી જ રહેતી.
નિશા સતત તણાવમાં રહેવા લાગી જ્યારે રાહુલને આ બાબતે કોઈ ગંભીરતા જ નોહતી. તે ઘણી વખત રાહુલને સમજાવતી, “રાહુલ ચાલો સારા ડૉકટરને બતાવી જોઈએ, રિપોર્ટ્સ કઢાવી જોઈએ.” પણ રાહુલ ધરાર એની વાત અવગણતો અને કહેતો “નિશા બાળકરૂપી પુષ્પ આપણા આંગણામાં કુદરતની મરજી હશે તો જ ખીલશે, ભગવાનની ઈચ્છા હશે ત્યારે આપશે તું બધી ચિંતા છોડ અને મસ્ત રહેતા સીખ.”
“રાહુલ તમને પુરુષોને કોણ સંભળાવે? સહન પણ અમારે સ્ત્રીઓએ કરવાનું, પરિવારના મહેણા પણ અમારે સાંભળવાના, તને તારા ફેમિલીમાંથી કોઈ કેહવા નહીં આવે કે તું હજી બાપ કેમ નથી બન્યો કે નથી બનતો, પરંતુ મને વારે વારે યાદ અપાવે કે હું હજી સુધી માં નથી બની શકી.”
એ રાત્રે રાહુલને ઊંઘ ના આવી, તે વિચારોમાં ખોવાયેલો રહ્યો, અડધી રાત્રે ઉઠીને તિજોરીમાંથી મેડિકલ ફાઇલ કાઢીને વર્ષો પહેલાના એના રિપોર્ટ્સ જોવા લાગ્યો,
ચારે કોર નિરાશા હતી છતાં તેણે નક્કી કર્યું મહિને એક વખત આવતા ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉકટરને મળી તે ફરીથી એકવાર એનું ચેકઅપ કરાવી જોશે.
બીજા દિવસે તેણે હોસ્પિટલમાં ઇન્કવાયરી કરી, તેને જાણવા મળ્યું ડૉ બે દિવસ પેહલા જ આવીને ગયા છે હવે બીજા મહીને આવશે, તેણે બીજા મહિનાની એપોઇન્ટમેન્ટ લખાવી દીધી.
હવે તે મક્કમ નિર્ધાર પર આવી ગયો હતો કે નિશાને કોઈપણ ભોગે ખુશ રાખવી છે, જો તેના રિપોર્ટસમાં કોઈ ફરક ન આવે તો કમને પણ તે ટેસ્ટટ્યુબ બૅબી પ્લાન કરશે.
રાહુલ હમણાથી સતત તણાવમાં રહેતો હતો, તેને નિશાાની કહેલી વાત સતત યાદ આવી રહી હતીી.મહિનો પૂરો થયો બહારથી આવેલા ડૉકટરને મળી તેણે બધા રિપોર્ટ્સ કરાવ્યા, અલબત્ત નિશાને આ વાતની જાણ સુધ્ધા થવા દીધી નોહતી.
હૃદયમાં પારાવાર નિરાશા અને ભારે ઉચાટ સાથે તે ઘરે જઈ રહ્યો હતો, ગાડીમાં તેને એક જ વિચાર આવતો હતો કે તે નિશાને ટેસ્ટટ્યુબ બેબી માટે કન્વેન્સ કઈ રીતે કરશે? સુ નીશા તેની વાત માનશે ખરી? આવા વિચારો મા ક્યાં ઘર આવ્યું ખ્યાલ પણ ન રહ્યો.
ઘરે પોહચતા જ મમ્મીએ કહ્યું “બેટા કેમ મોડું થયું? દરરોજ તો આટલું મોડું નથી થતું.”
“મમ્મી આજે ઑફિસમાં કામ થોડું વધારે હતું.” કહીને તે પોતાના રૂમ તરફ ગયો. બાથરૂમમાં જઈ ફ્રેશ થઈને બહાર આવ્યો, નિશા પાસે બેઠયો નિશાનો હાથ હાથમાં લઈ નિશાને કહ્યું “નિશા મારે તને એક વાત કહેવી છે, તું માનીશ?”
“હા ! જરૂર માનીશ, મારે પણ તમને એક વાત કહેવી છે,પણ પહેલા તમે કહો ” નિશાએ કહ્યું.
“ લૅડીઝ ફર્સ્ટ, હવે તું તારી વાત કર પછી હું તને કહું.” રાહુલે કહ્યું.
નિશાએ તેના પેટ પર રાહુલનો હાથ મુકાવતા અને બે લીટી દેખાતી પ્રેગાન્યૂઝ કીટ તેના હાથમાં મુકતા કહ્યું “રાહુલ ! માતાજીએ આપડી પ્રાર્થના સાંભળી લીધી, આઈ એમ સો હેપ્પી, બોલ હવે તું શું કહેતો હતો?”
“વાહ આજે તો ડબલ ખુશીનો દિવસ છે, મને પ્રમોશન મળવાનું છે, એટલે તો આજે ઑફિસમાં મોડુ થયું.”
નિશાની પકડ અને એનો હાથ હળવેથી છોડાવી પોતે ક્યારેય બાપ નહીં બની શકે એ રિપોર્ટ્સની ફાઇલ પોતાના પર્સનલ લોકરમાં મુકવા તે ઉભો થયો.
- મેહુલજોષી
(બોરવાઈ, મહિસાગર)
9979935101
21042021082600