Shardaben no Sangharsh books and stories free download online pdf in Gujarati

શારદાબેન નો સંઘર્ષ

આજે મહિલા દિવસે વાંચો મારી કાલ્પનિક વાર્તા..... જેમાં એક સ્ત્રી ના સંઘર્ષ ની વેદના ની વાત છે..... હેપ્પી વુમન્સ ડે..... #જોષી

                શારદાબેન નો સંઘર્ષ

         લગોલગ જે હતી તે દૂર પણ થઇ ગઇ, 
લગીરે કરગરી ક્યાં ચૂર પણ થઇ ગઇ, 
કતારો ભરબપોરે આમ જામે ના..!! 
ઉદાસી ઘર લુટી મશહૂર પણ થઇ ગઇ. 
તુટી ને ચાહવું ગમતું 'તું એને બસ,
અચાનક કા પછી મજબુર પણ થઈ ગઈ...
                                 (કવિ - પિનલ "યોગી")
           
             રિયા શર્મા શારદાબેન ની ત્રીજા નંબર ની દીકરી હતી, રિયા જ્યારે બે વર્ષ ની હતી ત્યારે એના પિતા રમેશભાઈ અસાધ્ય બીમારી સામે જીવન નો જંગ હારી ચુક્યા હતા. ત્યારે મધુ ચાર વર્ષ અને સેજલ છ વર્ષ ની હતી. નાની ઉંમરે વિધવા બન્યા પણ શારદાબેન હિંમત હાર્યા નોહતા. એમણે ગામની ડેરી ના સેક્રેટરી ની મદદ થી લોન લીધી અને બે ગાયો ખરીદી. ગાય માતા ની માવજત કરવાની, અને ડેરી માં દૂધ ભરવાનું અને નાની નાની પણ બચત કરવાની. એ બાપ વગર ની દીકરીઓ ને કોઈ વાતે ઓછું આવવા દેવા માંગતા ન હતા. શારદાબેને ગામમાં સખી મંડળ ની રચના કરી અને સહારા બચત યોજના પણ શરૂ કરી એમની દીકરીઓ માટે ઠીક ઠીક કમાણી કરી લેતા હતા. શારદાબેન દુઃખમય જીવન નો મક્કમતાથી સામનો કરી રહ્યા હતા. પોતાની દીકરીઓને ભણાવી ગણાવી સારા ખાનદાન માં વળાવવી આ એક માત્ર શારદાબેન નું લક્ષ્ય હતું. દીકરીઓ જેમ જેમ મોટી થવા લાગી ત્યારે સંસ્કાર ની સાથોસાથ ઘરકામ શીખવતા, દીકરીઓ ને કહેતા પણ ખરા કે છોકરી ની જાત ને જીવન માં ઘણું સહન કરવું પડતું હોય છે. મેં જે તકલીફો સહન કરી છે એ મારી દીકરીઓ ને સહન ન કરવી પડે એટલે દીકરા ભણો ગણો ને ખૂબ આગળ વધો, પરંતુ એક છોકરી તરીકે ની મર્યાદા ક્યારે ચૂકશો નહીં. શારદાબેન એમના તરફથી આ જગત ની શ્રેષ્ઠ જનની બનવા માટેના બધાજ લક્ષણો ધરાવતા હતા.
       
          આજે શારદાબેન ની મોટી દીકરી સેજલ સ્ટાર્ફ નર્સ માં લાગી ગઈ હતી. અને મધુ સરકારી માધ્યમિક શાળા માં શિક્ષિકા બની ગઈ હતી. બંને દીકરીઓ ને સરકારી નોકરી મળતા શારદાબેન ખુશખુશાલ થઈ ગયા હતા. આખા ગામમાં પેંડા વેહચ્યા હતા. આ બાજુ રિયા બારમાં ધોરણ માં કાઈ ખાસ ઉકાળી શકી નહીં માંડ માંડ કહી શકાય એવા ગ્રેસીંગ ગુણ સાથે એ બારમું પાસ થઈ હતી. અને નજીક ના શહેર માં બી.એ ના પ્રથમ વર્ષ માં એડમિશન લીધું હતું અને કોલેજ જવા  અપડાઉન શરૂ કર્યું કે બસ થી લઈને કોલેજ સુધી ફૂલ ને જોઈ આકર્ષિત થતા ભમરાઓ ની જેમ યુવા હૈયાઓ એની આસપાસ ચકરાવા લાગ્યા.
રિયા કોઈની તરફ ધ્યાન આપ્યા વગર કોલેજ અને પછીના સમય માં બ્યુટીપાર્લર નું શીખવા માટે જતી.
આ બાજુ શારદાબેને મોટી બંને દીકરીઓ માટે સારા ઘર ની શોધ શરૂ કરીદીધી હતી.
                    
                         શારદાબેન ના સગાંવહાલાં પણ હવે એમની દીકરીઓ માટે જગ્યાઓ દેખાડતા હતાં. અને થોડા સમય માં વાસુદેવ ભાઈ જે શારદાબેન ના કાકા ના દીકરા હતા એ સેજલ માટે વાત લઇ ને આવ્યા. શારદાબેન ને કહ્યું છોકરો પોતાનો બિઝનેસ કરે છે મહિને પચાસ હજાર કમાઈ લે છે. એક બેન અને એક ભાઈ આમ બેજ ભાઈબહેન છે. કહેતા હો તો સેજલ ને જોવા એને બોલાવી લઈએ. અને આમ કાર્તિક સેજલ ને જોવા માટે આવ્યો હતો બંને પક્ષે એકબીજાને ગમ્યું અને ગોળધાણા ખવાયા. પરંતુ લગ્ન માટે શારદાબેને એવી શરત રાખી કે બીજી દીકરી મધુ નું સગપણ થઈ જાય એટલે બે દીકરીઓ નું એકસાથે કન્યાદાન કરવું છે. એટલે મધુ નો સબંધ ન થાય ત્યાં સુધી લગ્ન લેવાશે નહીં. વિનોદભાઈ કાર્તિક ના પપ્પા એમને આ વાત માં કાઈ વાંધો હતો નહીં. અને કાર્તિક અને સેજલ ના સગપણ થઈ ગયા.
    

                 હવે મધુ માટે પણ વાતો આવવા લાગી હતી પણ મધુ શિક્ષિકા હતી એટલે એનું સગપણ કોઈ શિક્ષક જોડે થાય આવું શારદાબેન ઇચ્છતા હતા.અને મધુ ની ઈચ્છા પણ એવી કે કોઈ શિક્ષક છોકરો મળે તો વધુ સારૂ. ત્યાંજ એક દિવસ સખી મંડળ ની મિટિંગ માં કાંતા બેને શારદાબેન ને કહ્યું કે "મધુ માટે કોઈ છોકરો જોયો?" એટલે શારદાબેને કહ્યું ના! મધુ શિક્ષિકા છે એટલે કોઈ શિક્ષક છોકરો મળે તો સારૂ બાકી આમ ઘણા લોકો પૂછે છે પણ અમે હજી જવાબ આપતા નથી. એટલે કાંતા બેને કહ્યું મારા ધ્યાન માં એક છોકરો છે! મારા પિયર માં કિશોરભાઈ તલાટી નો છોકરો છે ભૌમિક, સાંભળ્યું છે કે એને ગુજરાતી નિશાળ માં નોકરી મળી છે હમણાં જ ચાર પાંચ મહિના થયા હશે. કાંતા બેન નું પિયર રાયગઢ  શારદાબેન ના ગામ મેઢાસણ થી દસેક કિલોમીટર દૂર હતું. શારદાબેન આમ તો રાયગઢ માં કોઈ ને ખાસ ઓળખતા ન હતા પણ છોકરો શિક્ષક થયો છે એવું સાંભળતા એમણે ઈચ્છા દર્શાવી અને કહ્યું હું મધુ ને વાત કરૂ જો એની મરજી હોય તો હું તને કહીશ પછી વાત આગળ વધારીએ. પછીના શનિ રવિ મધુ ઘરે આવી એટલે શારદાબેને વાત મૂકી અને કહ્યું જો તારી ઈચ્છા હોય તો આપડે વાત આગળ વધારીએ. મધુએ કહ્યું ઠીક છે વાતચીત થશે તોજ ખ્યાલ આવશે મને કાઈ વાંધો નથી. હવે શારદાબેન દૂધ ભરવા ગયા ત્યારે ડેરી માં કાંતા બેન ની રાહ જોતા ઉભા હતા, કાંતાબેન આવ્યા કે તરત શારદાબેને કહ્યું કાંતા તું જે વાત કરતી હતી ત્યાં વાત નાખી જો છોકરા છોકરી ને અનુકૂળ આવે તો આપણ ને કાઈ વાંધો નથી. "અરે શારદાબેન વાત તો મેં એ દિવસ નીજ કરી મૂકી છે હવે તમે ઈચ્છા બતાવો તો હું ત્યાં વાત કરૂ એની વાટ જોતીતી! બાકી કિશોરભાઈ ને તમારી બધી વિગત આપી અને એ લોકો તમે કહો એટલે મધુ ને જોવા આવવા તૈયાર છે. તો આ રવિવારે આવી જાય એમ કહેજો શારદાબેને સંમતિ આપતા કાંતા બેને કિશોરભાઈ ને સમાચાર મોકલી દીધા. મધુ નો ફોન આવ્યો તો એને પણ કહી દીધું કે રાયગઢ વાળાઓ ને રવિવારે બોલાવ્યા છે. મધુ શનિવાર ની રજા મૂકી શુક્રવારે રાત્રે જ મેઢાસણ આવી ગઈ. શનિવારે તે મોડાસા ગઈ રિયા જ્યાં પાર્લર નું શીખતી હતી એ પાર્લર માં જઈ મધુ એ ફેશિયલ, આઈ બ્રો વગેરે બ્યુટી ટ્રીટમેન્ટ લીધી અને શહેર માંથી નવા બે ડ્રેસ પણ ખરીદ્યા તેણીએ રિયા ને પણ એક સરસ ડ્રેસ લઈ આપ્યો, મીઠાઈ અને ચવાણું વગેરે ખરીદી તે ગામ પાછી આવી.  ભૌમિક કેવો હશે?  કયાં ગામ એની નોકરી હશે? એ મને પસંદ કરશે? શુ હું એને પસંદ આવીશ? આવા સવાલો મનમાં ચકરાવે ચઢ્યા તા અને ક્યાં એ ઊંઘી ગઈ એને ખબર જ ન રહી.
           રવિવારે બધા વહેલા જાગી ગયા તા સેજલે પણ આજે રજા લીધી હતી, તેના ફિયાન્સ કાર્તિક ને પણ બોલાવી લીધો હતો. સઘળી તૈયારીઓ થઈ ગઈ હતી. રિયા મધુને ખાસ તૈયાર કરી હતી ! અરીસા સામે બેઠેલી મધુ ને જોઈ રિયા બોલી હતી કે આજે તો સલમાન ખાન આવે તો પણ મારી દીદી ને ના ન પાડી શકે! સલમાન ખાન ઘણી યુવતી ઓ ની જેમ રિયા નો પણ પ્રિયફિલ્મસ્ટાર હતો, એટેલે કોઈપણ છોકરા ની વાત આવે ત્યારે એ એકવાર તો સલમાન ખાન ને વચ્ચે અચૂક લાવતી. રિયા પણ દેખાવડી હતી તેની બંને બેનો ની સરખામણી એ રિયા પાર્લર ન જાય તો પણ સુંદર લાગે એટલી રૂપાળી હતી, અને બ્યુટીપાર્લર ના કામ માં રિયા ની માસ્ટરી પણ ગજબ ની હતી. એની પાર્લર સંચાલિકા એ એને ઓફર પણ કરી હતી કે રિયા તારી ઈચ્છા હોય તો હું તને ફુલટાઇમ જોબ આપી દવ અને તું માંગે તે પગાર આપુ, કારણ કે શીતલ બ્યુટીપાર્લર માં મોટા ભાગે ભીડ રિયા ના કારણે જ રહેતી હતી.
              આજે રિયા એ પણ મધુ એ લઈ આપ્યો તો એજ ડ્રેસ પહેર્યો હતો, રિયા કાર્તિક જોડે મજાક કરતી હતી તે બોલી કેમ જીજાજી મધુ દીદી કેવી લાગે છે? પસ્તાવો નથી થતો ને કે થોડી ઉતાવળ થઈ ગઈ, કાર્તિક પણ ઓછો નૉહતો એ બોલ્યો અરે થોડી નહીં ઘણી ઉતાવળ થઈ ગઈ અને પછી સેજલે સામું જોયું ને બંને ચૂપ થઈ ગયા. શારદાબેને બધી તૈયારી કરી રાખી હતી ગામ માં એમના સગા અને ગામના એક બે આગળ પડતા વડીલો ને પણ કહી આવ્યા હતા કે દીકરીઓ ના સગપણ માં અને લગન માં તમારે જ બધુ કરવાનું છે, એમના પપ્પા તો નથી એટલે મારે તમારા બધાના સહારે જ દીકરીઓ ને એમના ઘરે મોકલવાની છે , કહી ને એમની આંખો ના ભીના ખુણા સાડલા થી લૂછી લેતા.
             
                  કાંતા બેન પણ શારદાબેન ના ઘરે આવી ચુક્યાતા , અગિયાર વાગ્યા ને નિયત સમયે કિશોરભાઈ ની ગાડી એમની શેરી માં આવી પોહચી, ફોર્ડ ફિગો ગાડી ભૌમિક જાતે ચલાવી ને આવ્યો હતો, 
કિશોરભાઈ અને જોડે  એક યુવતી અન્ય યુવક અને એક બીજા ભાઈ આમ પાંચ વ્યક્તિઓ  ગાડી માંથી ઉતર્યા, શારદાબેન અને કાંતા બેન એમને આવકારવા બારણે જ ઉભા હતા. બધા મહેમાનો ઘરમાં આવ્યા ઘરમાં મહેમાનો એ સોફા પર સ્થાન લીધું અને બૈરાઓ બધા નીચે શેતરંજી પર ગોઠવાયા. ને તરત રિયા પાણી લઈ ને આવી. કાંતા બેને કિશોરભાઈ નો પરિચય કરાવ્યો આ છે કિશોરભાઈ  દવે  રાયગઢ થી નજીક ના ગામ માં જ તલાટી કમ મંત્રી છે, આ એમની દીકરી શિલ્પા, તથા આ ભાઈ એમના જમાઈ યોગેશકુમાર અને આ વડીલ કિશોરભાઈ ના મોટાભાઈ અશોકભાઈ છે. અને આ ભૌમિક. ભૌમિક નો પરિચય થતા જ રિયા એ ભૌમિક ની સામે જોયું ભૌમિક પેહલી નજરેજ કોઈપણ યુવતી ને ગમી જાય એવો સ્માર્ટ હેન્ડસમ યુવક હતો અને એમાં પણ આજે એણે હાફ સ્લીવ વાઈટ શર્ટ બ્લુ જીન્સ અને ટાઈટન વોચ અને ગળા માં સોનાની ચેન અને હાથ માં સોનાની ગુરૂ ના નંગ વાળી વીંટી એના વ્યક્તિત્વ ને વધુ આકર્ષક બનાવતા હતા. રિયા મનોમન ભૌમિક ના ભાવ કળવા લાગી અને હા એમજ તો હતું ભૌમિક રિયા ને જોતા જ કન્ફ્યુઝ થઈ ગયો અને વિચાર માં પડી ગયો કે હું જેને જોવા આવ્યો છું એ આજ છોકરી હશે કે? એટલા માં કાંતા બેને શારદાબેન ના ફેમિલી નો પરિચય આપ્યો અને કહ્યું આ એમની નાની દીકરી છે રિયા અત્યારે મોડાસા કોલેજ કરે છે.

                 વાત આગળ ચાલી કિશોરભાઈ એ કહ્યું મારે એક  દીકરી અને એકજ દીકરો છે ભૌમિક, શિલ્પા મારી દીકરી ના લગ્ન ત્રણ વર્ષ પહેલાં કર્યા અને મહિના માંજ ભૌમિક ની મમ્મી નું અવસાન થયું પણ શિલ્પા નું સાસરું  ગામમાં જ છે એટલે દીકરી ઘરે આવે અને  ઘર સાચવી લે છે.  ભૌમિક ને હમણાં જ આ વિદ્યાસહાયક ભરતી માં નોકરી મળી છે હમણાં તો ફિક્સપગાર માં ઘણાય. આમ વાતો આગળ ચાલતી રહી ને પછી મધુ નાસ્તા ની ડિશ લઇ ને આવી, કાંતા બેને મધુ નો પરિચય કરાવ્યો. મધુ એ ભૌમિક ને જોયો અને અચાનક ચોકી ગઈ!  આ એજ ભૌમિક હતો જે હિંમતનગર બીએડ માં એની સાથે હતો. બીએડ અને એમેડ ની મોટાભાગ ની છોકરીઓ ભૌમિક ને પસંદ કરતી. એ બધી છોકરીઓ ના મોઢે ભૌમિક ની વાતો સાંભળતી પણ એણે ક્યારે ભૌમિક ને ધ્યાને નૉહતો લીધો. અને આજે આમ અચાનક ભૌમિક એને જોવા આવશે એ એને ક્યાંથી ખબર હોય? ભૌમિક એમએસસી કર્યા પછી એક વર્ષ પ્રાઇવેટ ફાર્મા કમ્પનીમાં નોકરી શરૂ કરી હતી. પરંતુ સરકારી શાળાઓ માં બીએસસી ની ભરતીઓ શરૂ થતાં એના પપ્પાએ પરાણે બીએડ કરવા નોકરી છોડાવી હતી અને બીએડ કર્યા બાદ ટેટ ની પરીક્ષા પાસ કરી એનાજ તાલુકા માં એને નોકરી મળી ગઈ હતી.

             કાંતા બેન કે શારદાબેન ને ખબર નોહતી કે ભૌમિક અને મધુ એકબીજા ને જાણતાં હશે. કાંતાબેને કહ્યું બેટા તમારે બંને ને વાતચિત કરવી હોય તો તમે અલગ વાતચીત કરી લ્યો. આમ રિયા , મધુ અને ભૌમિક ને બીજે માળે લઈ ને ગઈ થોડી વાર સુધી કોઈ કાઈ બોલ્યું નહીં પરંતુ રિયા બંને ની આંખો વાંચતી હતી, રીયા એટલું નક્કી કરી શકી હતી કે આ બંનેમાંથી કોઈ ના કહેશે એવું લાગતું નથી, અને એટલેજ એ બોલી સારૂ ચાલો તમે વાતચીત કરો હું સેજલ દી પાસે જાવ છું આપડે કબાબ માં હડ્ડી બનવું નથી મધુ સામે જોઈ આંખ મિચકારતા બોલી, અલબત્ત મધુ પણ જાણતી હતી કે સેજલ દી કરતા રિયા ને મધુ જોડે જ વધુ ફાવતું. સેજલ નો સ્વભાવ ખૂબ તીખો હતો ઘણી વખત મધુ ને રિયા કહેતી કે કાર્તિક જીજુ ની દયા આવે છે.

           મધુ અને ભૌમિકે ઔપચારિક વાતચીત કરી, નોકરી ની વાત કરી લગ્ન પછી બંને હિમ્મતનગર સેટ થશે એવું પણ નક્કી કર્યું, ભૌમિકે કહ્યું મમ્મી ના ગયા પછી તે ઘણો અપસેટ થઈ ગયો હતો, એણે કહ્યું મમ્મી ને બચાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ આખરે કેન્સર સામે જિંદગી હારી ગઈ. ભૌમિકે કહ્યું પપ્પા ને હજી સાત આઠ વર્ષ ખૂટે છે પછી રિટાયરમેન્ટ પછી આપડી સાથે જ રહેશે. હવે બંને નીચે આવ્યા અને એકબીજા ને પસંદ છે એવું જણાવતા એ દિવસે જ ચાંદલા વિધિ કરી દીધી અને હવે દિવાળી પછી ના મૂહુર્ત માં લગ્ન કરવા એવું નક્કી થયું. કાર્તિક પણ ખુશ હતો કે મધુ ની સગાઈ થતા સેજલ હવે જલદી થી એની પત્ની થશે.

             મધુ ની સગાઈ ને બે મહિના થઈ ગયા હતા મધુ અને ભૌમિક એકબીજા સાથે મોડે સુધી ફોનપર વાત કરે. એમના ભવિષ્ય નું પ્લાન કરે. મધુ અને ભૌમિક એકબીજા ને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. ક્યારેક ભૌમિક મધુ ને પૂછતો પણ ખરો કે બીએડ કોલેજ માં હું તને નૉહતો ગમતો? ત્યારે મધુ કહે કે  ના તું નહીં કોઈજ ગમતું નોહતું, ભણવું અને નોકરી મેળવવી એજ મારો ધ્યેય હતો. અને આમ પણ અમે બાપ વગર ની દીકરીઓ સમાજ માં અમારી માં ની ઈજ્જત માટે અમારે બધું વિચારવું પડે. અને સાચી જ વાત હતી મધુ ની. શારદાબેન ના સંસ્કાર જ એવા હતા કે એમની દીકરી ક્યારે એવું ના કરે. અરે નાની ઉંમરે વિધવા થયા છતાં શારદાબેન સામું આજ સુધી કોઈ આંગળી કરી શક્યું ન હતું. એટલે આવી ખાનદાન માં ની ખુદદારી અને ખાનદાની એના લોહી માં હોય જ.
         
                આ બાજુ રિયા જે કોલેજ માં મોડાસા જતી ત્યા એના થી બે વર્ષ આગળ ટી વાય માં એનાજ ગામ નો આકાશ કોલેજ કરતો હતો. ઘણી વખત બસ માં જવા આવવા માં એને રિયા જોડે સંગાથ  થઈ જતો. આકાશ રિયા જ્યારે અગિયારમા ધોરણ માં હતી ત્યારથી જ એને પસંદ કરતો હતો પ્રેમ કરતો હતો, પરંતુ રિયા એને પ્રેમ કરે છે કે નહીં એ એને ખબર નોહતી. રિયા નો સ્વાભાવ, વર્તન એટલું કોમ્પ્લિકેટેડ હતું કે કોઈ કળી ન શકે. આજે એણે એની સાથે પ્રેમ થી વાત કરી હોય અને એ એને પ્રેમ સમજી બેસે ત્યાં ગામના બીજા છોકરા સાથે પણ એટલાજ સ્નેહ થી વાત કરતી જુવે અને એનો ભ્રમ ભાંગી જાય.
            આમ જોઈએ તો આકાશ નો રિયા તરફ એકતરફી પ્રેમ હતો. આકાશ આખા ગામ માં એટલો દેખાવડો હતો, કે ગામની કોઈપણ છોકરી ને પ્રપોઝ કરે તો ના ન પાડે. પરંતુ આકાશ ને મન રિયા જ એના સપનાઓ ની સુંદરી હતી. આકાશ એના ફ્રેન્ડ સર્કલ માં  છોકરી ઓ સાથે બિન્દાસ્ત વાતચીત કરી શકતો એ જ્યારે રિયા સામે આવે તો બોલી પણ નૉહતો શકતો. ઘણી છોકરીઓ ને ફ્લર્ટ કરતો આકાશ રિયા સાથે સરખી રીતે વાતચીત કરતા પણ ગભરાતો હતો. છતાંય એને એવું લાગ્યા કરતું કે રિયા પણ તેને પસંદ કરે છે. એક બે વખત એની નજર માં એણે એના માટે એવો ભાવ જોયો છે કે જેને સામાન્ય ન કહી શકાય.
               આ વખતે વેલેન્ટાઈન દિવસે એ રિયા ને પ્રપોઝ કરશેજ એવું એણે મનોમન નક્કી કર્યું હતું. એટલેજ ઉત્તરાયણ પર પણ તે શારદાબેન ના ઘર સામે અમરત ભાઈ ના ધાબે પતંગ ચગાવવા ગોઠવાયો હતો.  એ છેલ્લા કેટલાય સમય થી રિયા નો સંગાથ જંખતો, રિયા પાર્લર થી આવે ત્યાં સુધી ડેપો પર રાહ જોઈ રહેતો. તેણે નોટિસ કર્યું કે છેલ્લા કેટલાય દિવસ થી રિયા ખુબજ ઉદાસ રહેતી, તેના ચહેરા નું તેજ પેહલા જેવું રહ્યું ન્હોતું, એ પેહલા જેવી હસી મજાક નોહતી કરતી. આકાશ આ બધી બાબતો નું અવલોકન કરતો, છતા તેણે વિચાર્યું કે કોઈ ફેમિલી પ્રોબ્લેમ હોઈ રિયા ઉદાસ રહેતી હશે. એ રિયા જોડે વાત કરવાની કોશિશ કરતો ત્યારે પણ રિયા પેહલા જેવોય પ્રતિસાદ નોહતી આપતી. આખરે વેલેન્ટાઈન દિવસ ની રાહ જોયા વિના એણે એક દિવસ રિયા ને પૂછી જ લીધું. "રિયા હું તને કેટલાય સમય થી પસંદ કરૂ છું, તું મને ખુબજ ગમે છે! હું તને મારી બનાવવા ઈચ્છું છું, આજે મને કહીદે તારા મન માં મારા માટે શું છે? આકાશ એકીશ્વાસે બોલી ગયો. રિયા રડી પડી, અને ગુસ્સા માં બોલી હરગિજ નહીં, આકાશ એને સંભાળતા બોલ્યો 
કઈ વાંધો નહીં રિયા , પણ તું ગુસ્સે શુકામ થાય છે? આપણે મિત્રો બની રહેશું, તને પામવું એજ મારી ચાહત નથી. હવે સાચું કહે રિયા તને બીજું કોઈ ગમે છે? મને તારા દિલ ની વાત કરી દે, રિયા ગુસ્સા માં બોલી ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ, અન્ડરસ્ટેન્ડ? યુ મેં લિવ હજી પણ રિયા ગુસ્સા માં જ હતી! તે ધ્રૂજતી હતી. એ સમયે આકાશ ચાલ્યો ગયો પણ એને એટલો ખ્યાલ આવી ગયો કે કોઈપણ છોકરો કોઈ છોકરી ને પ્રપોઝ કરે તો છોકરી આવી રીતે ગુસ્સો તો ના જ કરે! રિયા ના ગુસ્સા પાછળ કોઈ અગમ્ય કારણ રહેલું છે, અને તે હું શોધી ને જ જંપીશ.
             બીજા દિવસ થી આકાશ રિયા ને ખબર ના પડે એમ એનો પીછો કરવા લાગ્યો, આકાશે જોયું કે રિયા મોડાસા ના બદલે હિંમતનગર બાજુ જતી બસ માં બેઠી, એપણ બાઇક લઇ બસ ની પાછળ ગયો હિંમતનગર મોતીપુરા પાસે રિયા ઉતરી ગઈ અને સામે અમદાવાદ હાઇવે બાજુ રસ્તો ક્રોસ કરી ને ગઈ અને એક ફોરવિલ માં બેસી ગઈ. આકાશે એ ગાડી નો પીછો કરવાની કોશિશ કરી પણ ટ્રાફિક માં  ગાડી ઓળખી ના શક્યો અને પાછો ફર્યો. 

             આકાશ ના મન માં ઘણા પ્રશ્નો રમતા હતા, કોણ હશે? કોની ગાડી માં ગઈ હશે? શુ એનો પ્રેમી હશે? આવું ઘણું વિચારતો એક વિચાર એવો પણ આવ્યો કદાચ પાર્લર ના કોઈ ઓડર માં ગઈ હોય, પણ એ દિવસે એની સાથે કરેલુ વર્તન અને આજે જોયેલા  નજારા  પરથી સ્પષ્ટ હતું કે એ પાર્લર ના ઓડર પર તો નહીંજ ગઈ હોય. એ રાત્રે આકાશ ઊંઘી ના શક્યો. એને થતું શારદાકાકી ના સંસ્કાર માં ભૂલ હોય જ નહીં સેજલ બેન અને મધુબેન નું પણ ગામ માં ક્યારે કઈ સાંભળવા મળ્યું જ નથી. તો રિયા એની મમ્મી ની આબરૂ ના માથે કાંકરા ફેરવે એવું તો નાજ બને! પ્રશ્નો વધતા ગયા અને ઉત્તર એક પણ ન હતો, આકાશ ના પ્રશ્નો નો જો કોઈ જવાબ આપી શકે તો એ માત્ર રિયા જ હતી. અલબત્ત હજી પણ ગામ માં રિયા વિશે કોઈ કાઈ જાણતુ ન હતું.

             પરંતુ આકાશે રિયા નો પીછો છોડ્યો ન હતો એ જાણવા માંગતો હતો કે રિયા ની લાઈફ માં કોણ છે! ભલે રિયા એ એને" એ તારો વિષય નથી" એમ કહી દીધું હતું. સાત આઠ દિવસ તો રિયા કોલેજ જ ગઈ અને ત્યાંથી એના રૂટ મુજબ પાછી ઘરે આવતી. ગામ માં બસસ્ટેન્ડે ઉતરતી ત્યારે પણ એનો ચહેરો નિરાશ જ લાગતો હતો. અને બીજા દિવસે રિયા મોડાસા પોહચી આકાશ એની પાછળ જ હતો અને આજે રિયા મોડાસા ડેપો આવી ને કોલેજ જવા ને બદલે શામળાજી બાજુ જતી બસ માં બેઠી આકાશે આ બસ નો પીછો કર્યો. રિયા શામળાજી ઓવરબ્રિજ નીચે ભિલોડા ચોકડી પાસે ઉતરી ગઈ, અને સામે અંબાજી હાઇવે પાસે એજ ફોરવિલ ગાડી ઉભી હતી, રિયા એ ગાડી માં બેસી ગઈ. અને આ વખતે આકાશે એ ગાડી ઓળખી હા! એ ફોર્ડ ફિગો ગાડી હતી. અને આકાશ ને ખબર હતી કે મધુ બેન ની સગાઈ કરી છે એ છોકરા પાસે ફોર્ડ ફિગો ગાડી છે. આકાશે અંબાજી હાઇવે બાજુ પીછો કરવાની કોશિશ કરી પરંતુ ગાડી ક્યાંય આગળ હતી પીછો કરવું નિરર્થક લાગતા આકાશ પાછો વળ્યો.
               આજે ફરીથી વિચારો નું વમળ સર્જાયું. આકાશ વિચારે ચડ્યો "શુ મધુ સાથે સગાઈ કરીને ભૌમિક રિયા ને પણ ફસાવી હશે?" એ ભૌમિક ની ગાડી હતી એતો ચોક્કસ છે, તો રિયા એની બહેન નો સહેજ પણ વિચાર નહીં કર્યો હોય? આકાશ માની જ નૉહતો શકતો કે રિયા જેવી છોકરી એના બનેવી સાથે આવો સબંધ રાખે! હા જીજા સાલી ના ઘણા કિસ્સા બને પણ છે પરંતુ શારદાકાકી ના સંસ્કાર માં આવું બને એ શક્ય જ નહતું. તો પછી તેણે જોયું એ શું હશે?  
આકાશે વિચાર્યું ભૌમિક નો કોઈ મિત્ર હોય અને રિયાને પ્રેમ કરતો હોય મધુ બેન અને ભૌમિક પણ આ વાત જાણતા હોય એવું પણ બને. જે હોય તે રિયા ભલે મારી ન થાય, મને ભલે ના પાડી હોય પરંતુ મારે ય રિયા ના પ્રેમી ને જોવો તો છેજ. આકાશ હવે દરરોજ રિયા ની પાછળ પાછળ જતો અને ફરીથી આજ ઘટનાક્રમ બન્યો આકાશે જોયું એક સુમસાન જગ્યા એ ગાડી ઉભી રહી છે રિયા એના પ્રેમી સાથે જાય છે! પણ આ શું રિયા કોની સાથે જાય છે? પોતે જે જોઈ રહ્યો છે એ ભયાનક સ્વપ્ન કરતા કાઈ ઓછું ન હતું. હા! રિયા મી.કિશોર જોડે? ભૌમિક ના  બાપ જોડે?
આ શુ? એક મોટી ઉંમર નો માણસ અરે એની સગ્ગી બહેન ના સસરા જોડે આવા સબંધ? રિયા અને કિશોરભાઈ ને કઢંગી હાલત માં વધુ જોઈ શકે એમ નૉહતો, આકાશ દુઃખી દુઃખી થઈ તરત નજર હટાવી લીધી અને એના રસ્તે પડ્યો. એ વિચારતો હતો  રિયા આવડા મોટા વ્યક્તિ ને પ્રેમ કરે શક્ય જ નથી! અને કરે તોયે એની બહેન નું ઘર તો નાજ ભાંગે? તો પછી આ વિચિત્ર સબંધ કેવી રીતે શક્ય હતો? આકાશ ની હવે ધીરજ ખૂટી હતી, તે સઘળું શારદાકાકી ને કહી દેવા માંગતો હતો પણ એને આમ કરવું ઉચિત ન લાગ્યું. પરંતુ એણે આ સંબંધ નો કોયડો ઉકેલવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો હતો. રિયા ને પૂછવાથી કઈ જવાબ મળશે એવી એને આશા પણ નોહતી. બીજા દિવસે શનિવાર હતો મધુ ગામ આવી હતી એ બસસ્ટેન્ડ ઉતરી ત્યારે આકાશ ત્યાંજ હતો એણે મધુ ને કહ્યું મધુબેન પ્લીઝ સમય કાઢી ને મારે ઘરે આવજો મારે તમને એક ખાસ વાત કરવી છે. અને હા એકલાજ આવજો. મધુ ને થોડું વિચિત્ર લાગ્યું પણ એને એવુંય થયું નક્કી આકાશ રિયા ની વાત કરવા બોલાવતો હશે. મધુ ને એક બે વખત રિયા એ કહ્યું હતું તમે બંને બેનો પરણી ને સાસરે જશો ત્યારે મમ્મી નું શુ થશે? અને હા હુતો લગ્ન કરીશ તો પણ ગામમાં જ એટલે મમ્મી ને કોઈ ચિંતા નહીં. મધુ ચીમટો ખણી ને રિયા ને પૂછતી પણ ખરી કે સીધે સીધુ કહે કે ગામનો કોઈ છોકરો ગમે છે તને ! કોણ છે એ?  ત્યારે રિયાએ કહ્યું હતું કે એને આકાશ ખુબજ ગમે છે પરંતુ આકાશ ને એ ગમે છે કે નહીં એ ખબર નથી. અને જો આકાશ મને પ્રપોઝ કરે તો હું તરત હા કહી દવ પણ મમ્મી ની બીક લાગે , દીદી મમ્મી ને સમજાવવા ની જવાબદારી તમારી. મધુ આકાશ ને સારી રીતે ઓળખતી હતી એટલે રિયા ની પસંદ પર એને ગર્વ થયો.  એટલે આવીજ વાત કરવા આકાશે બોલાવી હોય પણ એકલાજ આવજો આવું કેમ કહ્યું હશે.? મધુ ઘરે આવી ફ્રેશ થઈ અને ગામ માં બહેનપણીઓ ને ત્યાં જાવ છું એમ કહી તે નીકળી ગઈ, રિયા હજુ કોલેજ થી આવી નોહતી.

            મધુ સીધી આકાશ ને ઘરે પોહચી આકાશ પણ મધુ ની રાહ જ જોતો હતો આવો દીદી એમ કહી એ મધુ ને ઘર ના પાછળ ના ભાગે લઇ ગયો, આકાશે એની મમ્મી ને કહ્યું કે મારે અંગત વાત કરવી છે કોઈ આ બાજુ ના આવે. મધુ હજુ વિચારમાં જ હતી કે આકાશ ને શી વાત કરવી હશે? આકાશે વાત શરૂ કરી અને સીધો આખો ઘટનાક્રમ વર્ણવ્યો મધુ ના પગ તળે થી જમીન ખસી ગઈ. એ માની જ નોહતી શકતી કે એની બહેન આવું કઈ કરે. આકાશે એમ પણ કહ્યું  એના સિવાય આ વાત ગામ માં કોઈ જાણતુ નથી. મધુ સમસમી ગઈ હતી, પરંતુ મધુ શિક્ષક હતી પુરી વાત જાણ્યા સમજ્યા વગર કોઈ નિર્ણય લેવું તેને ગમ્યું નહીં, એટલેજ એણે આકાશ ને કહ્યું કાલે રવિવાર છે હું ભૌમિક ને અહીંયા બોલાવું છું રિયા અને ભૌમિક બંને ને લઈ ને તારા ઘરે આવીશ. આકાશે કહ્યું ઠીક છે દીદી. મધુ ને આજે રિયા પર, ભૌમિક પર ખુબજ ગુસ્સો આવતો હતો, અલબત્ત પોતાની જાત પર ગુસ્સો આવતો હતો કે મેં આ સગાઈ જ કેમ કરી? ભૌમિક નો ફોન આવ્યો પણ એની સાથે સરખી વાત કરી શકી નહીં. રિયા આવી રિયા સાથે પણ સરખી વાત ના કરી, મધુ એ રાત્રે ઊંઘી શકી નહીં એણે  ભૌમિક ને કાલે ઘરે આવવા નો મેસેજ કરી દીધો.
બીજા દિવસે ભૌમિક આવ્યો એટલે રિયા ને કહ્યું ચાલો આપણે મંદિર જઈએ. મધુ, રિયા અને ભૌમિક ત્રણે ભૌમિક ની ગાડી માં ગોઠવાયા એટલે મધુ એ કહ્યું ગાડી પંકજભાઈ ના ઘર બાજુ લઇ લો  આકાશ આપડી જોડે આવે છે. રિયા આશ્ચર્યમાં પડી ગઈ. એટેલે મધુ એ કહ્યું આકાશ આપણ ને કઈક વાત કરવા માંગે છે. રિયા ને ગુસ્સો આવ્યો મેં ના પાડી તો આ આકાશે મારી મધુ દી ને વાત કરી હશે. આજે તો એની ખબર લઈ નાખું. આકાશ ગાડી માં આગળ ભૌમિક ની બાજુ માં ગોઠવાયો અને મધુ એ કહ્યું એ મુજબ ચારેય મંદિરે ગયા. થોડીવાર પછી મધુ એ આકાશ ને કહ્યું બોલ આકાશ કાલે મને કહ્યું એ આજે વાત કર. ત્યાંજ રિયા વચ્ચે બોલી મારે કાઈ નથી સાંભળવું હું એને પ્રેમ નથી કરતી. મધુ હવે ગુસ્સે ભરાઈ અને બોલી તું શાંતિ રાખ, તું કોને પ્રેમ કરે છે એ અમને ખબર છે, ખરૂ ને આકાશ? એટલે હવે ચૂપચાપ સાંભળ એમ પણ તારા કરતા ભૌમિકે વધારે સાંભળવાનું છે. આકાશે રિયા ને પ્રપોઝ કર્યું ત્યારથી આજ સુધીનો ઘટનાક્રમ કહ્યો. રિયા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી.

               ભૌમિક તો આવચક થઈ ગયો હતો, એને પણ કલ્પના નોહતી કે એની નાની સાળી સાથે એના બાપ ના આવા સબંધ હોય. મધુ રિયા પાસે હકીકત સાંભળવા માંગતી હતી. હવે રિયા ચૂપ રહી શકે એમ નોહતી. એ એટલું જ બોલી દી તમારા માટે.... આઈ લવ યુ સો મચ દી........ મધુએ રિયા ને સાંભળતા કહ્યું રિયા પ્લીઝ સમજાય એમ વાત કર. 

               "દી મને ખબર છે તમે ભૌમિક જીજુ ને કેટલો પ્રેમ કરો છો. તમારી સગાઈ પછી જ્યારે પેહલી વખત તમને એમના ઘરે બોલાવ્યા ત્યારે મમ્મી એ ચોખ્ખી ના પાડી હતી કે હું લગન પેહલા છોકરી ને મોકલું નહીં,  હું મારી સેજલ ને પણ મોકલતી નથી એટલે માફ કરશો. અને એમના સગા માં જ લગન હતા એટલે પછી મમ્મી એ આપણને બંને ને મોકલ્યા હતા, તમે ભૌમિક જીજાજી સાથે વરઘોડા માં ફરતા હતા ત્યારે હું ઘરે આવી, હું ત્યાં કોઈ ને ઓળખતી નોહતી, અને તમે બંને એકલા ફરી શકો એટલે હું ઘરે આવી સુઈ ગઈ. બારણું મેં અંદર થી બંધ કરેલું હતું કલાક એક થયો હશે ને કિશોર અંકલ આવ્યા. એમને નહોતી ખબર કે હું ઘરે એકલી આવી ગઈ છું. વરઘોડો ગામ માં  પોહચ્યો હશે ને..... ને..... દીદી અંકલ... એમણે અચાનક મને પકડી લીધી, હું અંકલ અંકલ કરતી રહી પણ ત્યાં કોઈ હતું નહીં..... હા દીદી કિશોર અંકલ ભાન ભૂલ્યા હતા.... કોઈ જંગલી ની જેમ મને નોચી રહ્યા હતા, હું ની સહાય હતી,  હું લૂંટાતી રહી. કિશોર અંકલે મારો રેપ કર્યો પછીયે લાજવાના બદલે ગાજયા અને મને ધમકી આપી જો આ વાત કોઈ ને કરી તો તારી બેન સાથે મારા દીકરાનું સગપણ તોડી નાખીશ. તારી વિધવા માં ની કેટલી બદનામી થશે એ તારે વિચારવાનું, હું રડતા રડતા એટલું બોલી પ્લીઝ અંકલ મારી દીદી ની સગાઈ ના તોડતા હું આ વાત કોઈ ને નહીં કહું. પણ દીદી પછી તો એ મને બ્લેકમેલ કરતા રહ્યા, અને તમારો સબંધ બચાવવા હું મારી આબરૂ લૂંટાવતી રહી, આકાશ..... આકાશ તું મને પહેલાથી જ ગમે છે.... પણ હું તારા લાયક નોહતી. હું તારૂ જીવન બગાડવા માંગતી નોહતી એટલેજ હું ગુસ્સે થઈ હતી.  આકાશે કહ્યું રિયા હું આજે પણ તને એટલોજ પ્રેમ કરૂ છું, તારા સાથે જે બન્યું છે એનાથી મારા પ્રેમ માં કોઈ ફરક નહીં પડે. મધુ ભૌમિક સામે જોઈ બોલી બોલો હવે આપડો સબંધ કઈ રીતે શક્ય છે? આવા જાનવર જેવા તમારા બાપ નું શુ કરવું જોઈએ? અરે મારી મા બિચારી એને ખબર પડશે તો એતો આત્મહત્યા કરી લેશે! આખી જિંદગી ખુમારી થી જીવી છે એ આવાત જાણશે તો એને માથે તો આભ તૂટી પડશે. ત્યાંજ રિયા બોલી દીદી પ્લીઝ તમે સગાઈ ના તોડશો અને મમ્મી ને પણ કશું કહેવાનું નથી. આપડે આપડી માં ની આબરૂ માટે આ ઝેર નો ઘૂંટડો પી જઈશું.
          ભૌમિક કોઈ ની સાથે નજર મિલાવી શકે એમ નૉહતો. એણે આ બંને બહેનો ભલે એના બાપ ને માફ કરે પણ પોતે ક્યારેય માફ નહીં કરે એવું નક્કી કરી લીધું હતું. બધા ઘરે આવ્યા એટલે ભૌમિકે શારદાબેન ને સઘળી હકીકત જણાવી, શારદાબેન નું ત્રીજું નેત્ર ખુલ્યું, રિયા અને મધુ એમને સમજાવવા લાગ્યા ત્યારે શારદાબેને કહ્યું બેટા સમાજ માં આપણી આબરૂ મારી દીકરીઓ ના ભોગે બિલકુલ નથી. ગુનેગાર ને તો સજા થવી જ જોઈએ. લોકો ને જે વાત કરવી હોય એ કરે. એતો રિયા ને લઈ ને પોલીસ સ્ટેશને પોહચ્યા અને કિશોરભાઈ સામે ફરિયાદ નોંધાવી. 
             મારો દીકરો મારા કહ્યા માં નથી આવી ઘણી પ્રેસ નોટ આવે છે પણ બીજા દિવસ ના છાપા માં અલગ પ્રેસનોટ હતી મારા બાપ સાથે મારે કોઈ સંબંધ નથી. અને મારી સાથે સબંધ રાખવા માંગતા હોય એવા મારા તમામ સબંધીઓ ને વિનંતી કે મારા બાપ ના  જામીન કોઈએ થવું નહીં.
       કિશોરભાઈ નોકરી માંથી તપાસ ચાલે ત્યાં સુધી બરતરફ થયા અને હાલ જેલ માં છે, એમના જામીન કોઈએ આપ્યા નથી..... રિયા ધીરે ધીરે બધું ભૂલી ચુકી છે.... આજે સેજલ સંઘ કાર્તિક અને મધુ સંઘ ભૌમિક ના લગ્ન છે અને સાથોસાથ આકાશ અને રિયા ની સગાઈ. 
       ગામ આખું એક અહોભાવ ની દ્રષ્ટિ એ પોતાનો પ્રસંગ સમજી શારદાબેન સાથે ખડે પગે ઉભું છે.
 લેખક- મેહુલ જોષી (પ્રા. શિક્ષક)
લીલીયા, અમરેલી ગુજરાત
વતન- બોરવાઈ , મહીસાગર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED