Manojbhai ni Mathaman - 1 books and stories free download online pdf in Gujarati

મનોજભાઈ ની મથામણ... 1

       મનોજભાઈ માસ્તર સ્વભાવે ખૂબ મોજીલા, આનંદી, ટીખળી પણ ખરા થોડા. અમરેલી જિલ્લાના ધારી તાલુકા નજીક ના ગામ માં બે હજાર અગિયાર ની ભરતી માં સાયન્સ શિક્ષક તરીકે જોડાયા હતા. નોકરી મળી એટલે સાહેબ ને છોકરી પણ મળીજ ગઈ ને ઘડિયા લગ્નની શરણાઈઓ પણ વાગી ગઈ. આજે જુવો તો મનોજભાઈ માસ્તર, પત્ની શિલ્પા, દીકરી ધરા, અને દીકરો કુશ. અને મનોજભાઈ ખુશ. સાહેબ 4500 ફિક્સપગાર થી વિદ્યાસહાયક તરીકે જોડાયેલા, અને ધીરેધીરે એમના પરિવાર ની જેમ ફિક્સપગાર પણ વધતો ગયો. ગમેતેવી પરિસ્થિતિ હોય મનોજભાઈ ખુશ જ રહે. શિલ્પા ને કહે પણ ખરા કે "જો શિપુ આપડી જરૂરિયાતો જેમ વધતી જાય છે એમ આપણી સંવેદનશીલ સરકાર ફિક્સ વેતન માં પણ વધારો કરતી જાય છે, 4500 ના 5300 કર્યા ને પાછા એમાંથી 7800 કર્યા  આટલો બધો પગાર મળે છે તો સરકાર દોઢસો રૂ ટેક્સ લે પણ ખરી " આપણે કાકા ની જેમ, ફુવા ની જેમ, બીજાબધાં ની જેમ 2500 માં તો નથી જીવવું પડતું ને?" આમ મનોજભાઈ બી પોજેટિવ જ હોય. મનોજભાઈ ને એક ખાતરી જરૂર હતી કે એમના દીકરા ના દીકરા ને ક્યારેય જોવું નહીં પડે ત્યાં સુધીમાં સુપ્રીમ માં સરકાર ફિક્સપગાર નો કેસ હારી જશે અને એમના દીકરા ના દીકરા ને એનું એરિયસ મળશે. ફિક્સપગાર ના કેસ ને મનોજભાઈ એલ આઈ સી ની જીવન આનંદ જેવી પોલિસી ગણતા હતા, જીવન કે સાથ ભી ઓર મરને કે બાદ ભી! એવીજ રીતે કેસ નો ચુકાદો નોકરી કે સાથ ભી ઓર નોકરી કે બાદ ભી. બે ત્રણ રજાઓ નું જોડકું આવે એટલે એક બે રજા ની ગોઠવણ કરી મનોજભાઈ વતન મહીસાગર અચૂક જતા. મનોજભાઈ સ્પષ્ટપણે માનતા કે તહેવાર તો વતન માંજ થાય એટલે આટલી નોકરી માં એકપણ તહેવાર એમણે સૌરાષ્ટ્ર માં નૉહતો ઉજવ્યો. અને એમની વારે ઘડીએ વતન માં જવાની ટેવ ને કારણે એ ટ્યુશન નોહતા રાખતા પણ બહાર લોકો ને એવું કહે કે સરકારી કર્મચારી ટ્યુશન ન કરાવી શકે એટલે આપણે કાયદા માં જ રહી ને નોકરી કરીએ.
         બેન ના આવ્યા પછી આમાં પગાર માં વધારો થયો ને 10000 પગાર થઈ ગયો. આમ કરતા  મનોજભાઈ ફૂલ પગાર માં આવી ગયા. હવે મનોજભાઈ એ હપ્તા બાંધી નાના ફેમિલી માટે મોટી ગાડી લઈ લીધી. વેગેનાર ગાડી નો હપ્તો શરૂ થયો ને મનોજભાઈ પાછા ફિક્સ માં આવી ગયા.
          હવે તો સીએનજી ગાડી લઈલિધી એટલે મનોજભાઈ ના વતન ના ચક્કર પણ વધી ગયા. મહીસાગર થી અમરેલી નું અંતર એમને રોરો ફેરી ના અંતર કરતા પણ ઓછું લાગે. આગળ અપર મા પત્ની શિલ્પા અને સેલ્ફડ્રાઇવ મનોજભાઈ અને બાલ્કની વિભાગ માં ધરા અને કુશ. નોકરી ની શરૂઆત માં જે ગુજરાત એસ ટી એમના અપડાઉન માટે સર્વસ્વ હતી એ કાયમ કહેતા કે ગુજરાત એસ ટી સાથે મારે પુરાનો નાતો છે. હું જેટલું ઘરે રહ્યો છું એના કરતાં વધુ એસ ટી માં રહ્યો છું. દસમાં ધોરણ થી કોલેજ અને હવે નોકરી મળી પણ એસ ટી એ સાથ નથી છોડ્યો. એ એસ ટી બસ ની મુસાફરી હવે એમને કંટાળાજનક લાગતી. મનોજભાઈ બીજા મિત્રો ને કહે પણ ખરા બે માણસ ની ટિકિટ થાય એટલા જ ભાડા ના રૂપિયા જેટલો ગેસ થાય. ઘરની ગાડી તો ખરી! મન ફાવે ત્યાં ઉભું રહેવાય, મનગમતી હોટેલ માં હોલ્ટ કરાય આવા અગણિત ફાયદા એ બીજા શિક્ષકો ને સમજાવે પણ ખરા.
            આ વર્ષે મનોજભાઈ એ તહેવારો ઉજવવા માં રજાઓ મોટાભાગ ની ખર્ચી નાખી, અને આવ્યા એમના સગા માં લગન, મનોજભાઈ મકરસક્રાંતિ ઉજવવા માદરે વતન તો ઉપડી ગયા પરંતુ વાસી ઉત્તરાયણ ના દિવસે જાહેર રજા નોહતી એટલે  પ્રાથમિક શાળા નું મનોજભાઈ સિવાય નું અડધું લશ્કર મરજિયાત રજા પર ઉતરી ગયું. અને મનોજભાઈ ને રજા મળે એમ નોહતી એટલે મનોજભાઈ વાસી મોઢે વાસી ઉત્તરાયણ કરવા સૌરાષ્ટ્રમાં આવ્યા. અને સ્કૂલ માં બાળકો ને કહ્યું જુવો આપડે ઉત્તરાયણ ગુજરાત માં કરી તો વાસી ઉત્તરાયણ સૌરાષ્ટ્રમાં (સૌરાષ્ટ્રમાં આજે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના ભાગ ના લોકો ને ગુજરાત વાળા એવું કહેવામાં આવે છે)  કરી. કહી ને  સ્ટાફ માં હાજર સિપાહીઓ સાથે મળી વાસી ઉત્તરાયણ ઉજવવાનો કાર્યક્રમ ગોઠવી જ દીધો.

                    મિત્રો મનોજભાઈ ની આગળ ની વાત જાણવા માટે આપ સૌ એ બીજો ભાગ વાંચવો જ રહ્યો..જેમાં આપને મનોજભાઈ ની રોમાંચક મુસાફરી ની વાતો જાણવા મળશે...
      (મનોજભાઈ ની મુસાફરી) ભાગ 2... જલ્દી આવશે...
મેહુલ જોષી.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED