Sumi aunty books and stories free download online pdf in Gujarati

સુમી માસી

આઇસીયુમાં બેડ પર પડેલા કાર્તિકને જોઈ એક ઊંડો નિઃશ્વાસ નાખી સાવિત્રી ઘરે પાછી ફરી ત્યારે અશ્રુવિહોણી ઊંડી ઉતરી ગયેલી હેતુની આંખો પ્રશ્નાર્થભરી નજરે તેના તરફ તાકી રહી હતી.
“બેટા કાર્તિક ઝડપથી ભાનમાં આવી જશે, એવુ ડૉ સાહેબે કહ્યું છે, હું હવે આપડા બંને માટે જમવાનું બનાવી દવ.” આંખમાં આવી ગયેલા આંસુ રોકી રાખતા સાવિત્રી આટલું જ બોલીને રસોડામાં ગઈ.
કૉમામાં સરી પડેલો કાર્તિક આજે ભાનમાં આવશે, કાલે ભાનમાં આવશે, આવી આશામાંને આશામાં ત્રણ ત્રણ માસ પસાર થઈ ગયા, હેતુ પણ જીવતી જાગતી કૉમામાં જ હોય એમ જીવી રહી હતી. પથ્થરની મૂરત જેવી બનીને કાર્તિક વગર યંત્રવત જીવન જીવી રહી હતી, કાર્તિકનું ભાન અને એના જીવનના રંગો એકસાથે જ ઓજલ થયા હતા.
સાવિત્રીએ ભાણું તૈયાર કર્યું અને હેતુને કહ્યું “જા હાથ પગ ધોઈને ફ્રેશ થઈ આવ જમી લઈએ, કાર્તિક આવશે તો મને ઠપકો આપશે, કેહશે કે મૉમ મારી ગેરહાજરીમાં તમે મારી હેતુનું બિલકુલ ધ્યાન રાખ્યું નથી, જો તો ખરી તારી હાલત, ચાલ હવે ઉભી થા.”
હેતુ ચૂપચાપ ઉભી થઇ વોશબેસીનમાં હાથ ધોઈ થાળી સામે ગોઠવાઈ ગઈ. બંને સાસુ વહુએ ફટાફટ જમી લીધું, ડ્રોઇંગરૂમમાં ટીવી શરૂ હતું પરંતુ બંનેમાંથી કોઈનું ધ્યાન ટીવીમાં નોહતું, સાવિત્રીને હેતુ સામે જોઈ પોતાની આપવિતી યાદ આવી જતી, જ્યારે કાર્તિક દસ વર્ષનો હતો અને એ મેઘલી રાત્રે આકાશમાં મેઘરાજાનું તાંડવ શરૂ હતુને હોસ્પિટલમાંથી ફોન આવેલો, રોડ ક્રોસ કરવા જતાં એક પુરપાટ ઝડપે દોડી રહેલી મોટરે વિનોદને હડફેટે લીધો હતો, ભલા રાહદારીઓએ એને હોસ્પિટલમાં પોહચાડયો પરંતુ તે બચી શક્યો નોહતો, વિમા કંપનીઓ પાસેથી મળેલી માતબર રકમ અને વિનોદના બદલામાં તેને મળેલી નોકરીથી તેણે કાર્તિકને ખૂબ લાડકોડથી ઉછેર્યો હતો. અને એવી જ ઘટનાનું પુરાવર્તન થયું હતું, ટોલનાકાથી થોડે દૂર કાર્તિકની કાર પોહચી હશે અને સામે રોંગ સાઇડથી ડિવાઈડર કુદીને આવેલી કાર કાર્તિકની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી, રાત્રે નવના શૉ માં મૂવી જોવા જવાનું નક્કી હોવાથી સજીધજીને કાર્તિકની રાહ જોઈ બેઠેલી હેતુને આ સમાચાર મળ્યા ત્યારે તેના પગ તળેથી ધરતી સરકી ગઈ હોય એમ બેડ પર ફસડાઈ પડી, અને ત્યારથી જ એનું માનસિક સંતુલન બગડ્યું હતું અડધી રાત્રે ચીસ પાડીને બેડમાં બેઠી થઈ જતી, તો વારે વારે બબડતી “મેં કેટલીવાર કહ્યું આ લોકોની મજાક ના કર, આ લોકોની બદદુઆ ના લઈશ પણ મારું માન્યો જ નહીં.” સવિત્રીને સમજાય નહીં કે હેતુ ક્યાં લોકોની વાત કરી રહી છે.
ટીવીમાં ધ્યાન હતું નહીં સાવિત્રીએ બાજુમાં પડેલું રિમોટ હાથમાં લઈ ટીવી ઑફ કર્યું, હેતુને પાસે બેસાડી પ્રેમથી માથે હાથ ફેરવી પૂછવા લાગી “બેટા હેતુ તું ક્યાં લોકોની વાત કરે છે? કોની બદદુવા મારા દીકરાને લાગી છે?” હેતુ સાવિત્રીનો સવાલ સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, સાવિત્રીએ પણ તેને રડી લેવા દીધું, હેતુએ ડુસકા ભરતા ભરતા વાત શરૂ કરી.
“મમ્મી અમારા લગ્ન પહેલાની વાત છે, જ્યારે અમે કૉલેજમાં હતા, ત્યારે અમારું ગ્રુપ કેરલા ફરવા ગયું હતું, કાર્તિક સાથે હું ખુબ જ ખુશ હતી, મરૂસાગર એક્સપ્રેસમાં અમે હસી મજાક કરતા અમારી આંનદદાયક સફરનો આનંદ માણી રહ્યા હતા ત્યારે બોમ્બે સ્ટેશનથી બે માસીબા અમારા કોચમાં ચડ્યા, અને ચાલુ ટ્રેને અમારી પાસે હજાર હજાર રૂપીયાની માંગણી કરવા લાગ્યા, અમારા ગ્રુપમાંથી ઘણાખરાએ પૈસા આપી પણ દીધા, પરંતુ કાર્તિકે પૈસા આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો ત્યારે એ માસીએ કાર્તિક સાથે એવી હરકત કરી કે મને કહેતા પણ શરમ આવે છે, અને આખા કોચમાં કાર્તિક શરમ મહેસુસ કરવા લાગ્યો હતો, બસ ત્યારથી જ્યાં માસીબા જોવે ત્યાં કાર્તિક એમની પાસે જાય અને એમને કહે તમારા તાકાત હોય એટલા શ્રાપ મને આપો, કેટલીક જગ્યાએ ફાટક પાસે કે કોઈ જંકશન પાસે માસીબા ઉભા હોય તો એમની પાસે ગાડી ઉભી રાખે, કાચ ઉતારે અને માસીબા સામે જોઈ ભિખારી છક્કાઓ મને આપો શ્રાપ એમ કહી ગાડી ભગાવી મૂકે, મેં કેટલીય વાર એને સમજાવ્યો આ લોકોની બદદુઆ લેવી સારી નહીં પણ માને તો ને?”
સાવિત્રીએ એને એવું કશુના હોય એમ કહી સમજાવી સુવડાવી દીધી, પરંતુ એનું મન ચગડોળે ચડ્યું, તેણીએ મનોમન બહુચર માતાજીની માનતા રાખી, પોતાના પુત્રને સાજો કરી દેવા આજીજી કરી, અને જાણે ચમત્કાર થયો હોય એમ એજ રાત્રે હોસ્પિટલમાંથી ફોન આવ્યો, કાર્તિકને હોશ આવી ગયું છે અને એને આઇસીયુંમાંથી સ્પેશીયલ વોર્ડમાં શિફ્ટ કર્યો છે, સાવિત્રીએ હેતુને ઉઠાડી કૅબમાં કોલ કરી ટેકસી બોલાવી ફટાફટ બંને હોસ્પિટલ પોહચ્યા.
હોસ્પિટલમાં જઈને જોયું તો કાર્તિક ભાનમાં આવી ગયો હતો, આજે ત્રણ મહિને જતા એણે હેતુને અને એની મમ્મીને જોયા હતા, તેણે ઇશારાથી હેતુને પાસે બોલાવી અને ત્રુટક અવાજે હેતુની માફી માંગી, “સૉરી ડાર્લિંગ ગઈકાલે આપડે મુવી જોવા ન જઇ શક્યા, ટોલનાકા પાસે એક છક્કાએ મગજ બગાડ્યું અને મારી ગાડીનો અકસ્માત થઈ ગયો, સાલાએ બદદુઆ આપી હોત તો મને કંઈ જ ન થાત પણ આ એક એવો મળ્યો કે મેં તેનું અપમાન કર્યું તોયે આશીર્વાદ આપ્યા. મેં એને કહયુ તમારા જેવા ભિખારી છક્કાઓ મારૂ કશું બગાડી લેવાના નથી કોઈ નિર્દોષ માણસની ટોળા વચ્ચે આબરૂ લેતા શરમાતા નથી તમારા શ્રાપ કે આશીર્વાદથી કઈ ફરક ના પડે મને તારે આપવા હોય એટલા શ્રાપ આપ, તો મને કહે છે જા દીકરા તારો વાળ પણ વાંકો નઈ થાય, આ સુમી માસીના આશીર્વાદ છે,અને થોડી જ વારમાં મારો અકસ્માત થયો.”
“સારૂ હોવી તમે આરામ કરો, એ બધી વાતો પછી કરશું.”એમ કહી હેતુએ એને આગળ વાત કરતા અટકાવ્યો.
ત્રણ ચાર દિવસમાં રજા મળી ગઈ, ડૉ એ સવિત્રીબેન અને હેતુને સમજાવ્યું હતું કે “તેના અકસ્માતને ત્રણ માસ થઈ ગયા છે આવું તેને જણાવશો નહીં, ધીરે ધીરે રિકવરી આવે મગજને પૂરતો આરામ મળે પછી બધું નોર્મલ થઈ જશે.”
બીજા બે એક મહિના ઘરે વ્યવસ્થિત આરામ કર્યા બાદ કાર્તિકની તબિયત હવે ખૂબજ સારી હતી, સાવિત્રીએ શરૂઆતમાં ઘરમાં ટીવી, અખબાર, બધુ બંધ કરી કેલેન્ડર પણ જૂના મહિનામાં રાખી કાર્તિકને અણસાર પણ નોહતો આવવા દીધો કે તે ત્રણ મહિના જેટલો સમય હોસ્પિટલમાં કૉમામાં રહ્યો હતો.
બીજા દિવસે કાર્તિક કાર લઈને નીકળ્યો ટોલનાકુ આવતા પહેલા એની ફૂલ સ્પીડમાં જઇ રહેલી કારના બિલકુલ સામે સુમી માસી આવીને ઊભા રહી ગયા, કાર્તિકનો ગુસ્સો સાતમા આસમાને પોહચી ગયો, પણ થોડાક જ દિવસ પહેલા સવિત્રીને વચન આપેલું કે હવે કોઈ માસી જોડે જીભાજોડી નહીં કરે અને મન હોય કે ન હોય સાવિત્રીના નામ પર પણ દસ,વિસ કે પચાસ રૂપિયા માસીબાને આપીને નીકળી જશે.
એટલે કાર્તિકે ખિસ્સામાં હાથ નાખ્યો અને પચાસની નોટ કાઢીને સુમી માસીના હાથમાં આપી, સુમી માસીએ ફરીથી આશીર્વાદ આપતા કહ્યું કે “દીકરા મારા આશીર્વાદ છે, તારો વાળ પણ વાંકો નહીં થાય.” મનમાં ગુસ્સો કરી ગાળો બોલતો કાર્તિક વિચારતો હતો કે “આમને તો મનમાં આવે એવા શબ્દો બોલી આશીર્વાદ આપી દેવાના અને રૂપિયા લઈ લેવાના, કોઈ રૂપિયા ન આપે તો શ્રાપ આપી દેવાનો, મફતમાં આવે છે પૈસા? અત્યારે બીજા પચાસ ઉમેર્યા હોતતો મારો ટૉલટેક્સ ભરાઈ જાત, મમ્મી પણ ખરી છે.” ટૉલ ટિકિટ લઈ ગાડી સહેજ આગળ જવા દીધી ત્યાં ફરીથી એક માસીએ ગાડી સામે હાથ કર્યો, કાર્તિકે કાચ ઉતાર્યો માસીબા બોલ્યા “લાવ દીકરા, માતાજી તને ખૂબ સુખી કરશે.”
“અરે પણ હમણાં તો આપ્યા સુમી માસીને પચાસ રૂપીયા, એ ટોલટેકસ પેહલા ઉભા રહે અને તમે ટોલટેક્સ પછી ખરા છો બધા!”
“એય હિરો અહીંયા હુંજ ઉભી રહુ છું, અને મારૂ નામ છે ચંપા માસી, તું જે સુમી માસીની વાત કરે છે ને! તેને પાંચ મહીના પહેલા આજ ટોલનાકા પર એટેક આવી ગયું તું અને ઢળી પડી હતી, ત્યારથી આ જગ્યા મારા ભાગે આવેલી છે, લાવ ચાલ હવે.”
કાર્તિકે પચાસની નોટ કાઢી ચંપા માસીના હાથમાં આપી ગાડી સ્ટાર્ટ કરી ત્યાં તેની નજર બાજુની સીટ પર પડેલી પચાસની નોટ પર ગઈ, 'દીકરા તારો વાળ પણ વાંકો નહીં થાય,' અવાજ હજી તેના કાનોમાં ગુંજી રહ્યો હતો.

લેખક:- મેહુલજોષી
બોરવાઈ, તા:- ખાનપુર, જિ- મહિસાગર
મો 9979935101
18042021010000

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED