સાચું નામ તેનું કેશવ પણ બધાં તેને કેશુ કહે.નાનપણથી તે ગરીબીમાં ઉછરેલો. મા બાપ મજૂરી કરી જેમ તેમ કરી ઘર ચલાવે. ગામનાં છેવાડે તેનું ઘર.ઘર એટલે આમ તો ઝૂંપડું જ ગણાય તેવું. અડધા ઘરને વિલાયતી નળિયાં,ને અડધા ને પતરાથી માળેલું.એક રૂમ,નાનું રસોડું ને ઓસરી.આગળ તડકો ના આવે એટલા માટે બાવળના લાકડા નો માંડવો કરેલો ને તેના ઉપર ઘાસ નાખેલું. મકાન ની ભીતો અને તળિયે ગોરમટી ( લીંપણ માટે વપરાતી ચીકણી માટી) અને જીણું કુવળ ( ઘઉં નાં ઘાસનાં એક દમ બારીક ટુકડા) ભેગુ કરી લીંપણ કરેલું હતું.
કેશુ તેનાં મા બાપનો એકનો એક. કેશુ ડાયો છોકરો.ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ભણવા જાય.ભણવામાં પણ ઠીકઠાક કહેવાય તેવો હતો.ને કામમાં પણ ખૂબ હોશિયાર.નિશાળે રજા હોય ત્યારે મા બાપ સાથે દાડિયે જતો રહે. વાને થોડો કાળો પણ શરીરે તંદુરસ્ત.નિશાળે બધાં સાહેબોનો કેશુ માનીતો હતો.
તેની સાથે ભણતો દીપો તેનાં જ ઘર પાસે રહે. દીપો ભણવામાં ખૂબ હોશિયાર.તે વર્ગમાં પહેલો નંબર આવે.કેશુ ને દીપો પાક્કા મિત્ર હતાં. સાહેબ દીપાને કંઈ કામ ચીંધે તો દીપો તે કામનો હવાલો કેશુને આપી દેતો ને કેશુ હોંશેહોંશે તેનું કામ કરી નાખતો.બદલામાં કેશુ ને દીપામાંથી હોમ વર્ક જોઈ જોઈને લખવા મળતું.
ગામડે સાત ધોરણની જ શાળા હતી. આઠમાં ધોરણથી બહાર ગામ હાઈસ્કૂલ માં ભણવા જવું પડતું. દીપા ને તેનાં બાપુજી એ અપડાઉન કરવાં નવી સાઇકલ લઈ દિધી.પણ કેશુનાં બાપા ને આવો વેંત ન હતો. કેશુએ ભણવાનું છોડી દીધું ને મજૂરીએ લાગી ગયો. જીપા એ તેનાં ગામની શાળાએ જઈ સાહેબોને આ વાત કરી.સાહેબોએ ફાળો કરી જૂની સાઇકલ લઈ કેશુ ને આપી. ને તેના બાપુજીને કેશુને ભણાવવા માટે સમજાવ્યા.કેશુ પણ બાજુનાં ગામમાં હાઈસ્કૂલમાં ભણવા લાગ્યો. દસમાં ધોરણ સુધી દીપાને કેશુની જોડી સાથે ભણી. દીપો ખૂબ સારા ટકા સાથે બોર્ડની પરીક્ષામાં પાસ થયો ને કેશુ પણ પાસિંગ માર્કસ સાથે પાસ થઈ ગયો. દીપા ને ptc માં એડમીશન મળી ગયું. કેશુ વળી પાછો છૂટક કામમાં પરોવાય ગયો.
સમય તેનું કામ કર્યે જતો હતો. દીપાને બીજા જિલ્લામાં શિક્ષક તરીકે નોકરી મળી ગઈ. ને કેશુ બાજુના તાલુકા પ્લેસ પર સફાઈ કામદાર તરીકે કામે લાગી ગયો. દીપો રજામાં ગામડે આવે ત્યારે બન્ને સાથે રહેતાં ને નાનપણની યાદો તાજી કરી આનંદ માણતા.
કેશુ તેની હોશિયારી ને કામની ધગશને લીધે સફાઈ કામદારમાંથી સફાઈ સુપરવાઇઝર બની ગયો. હવે તેની આવક પણ સારી એવી થવાં લાગી. તે નોકરીની સાથે સાથે સફાઈના કોન્ટ્રાક્ટ પણ રાખતો થયો.ગામડે ઝૂંપડામાંથી પાક્કું મકાન બનાવી નાખ્યું. હવે દીપો રજામાં આવે ત્યારે કેશુ પહેલાં જેટલો ફ્રી નહોતો રહેતો. એટલે બંને વધારે મળી શકતાં ન હતાં.
બંનેનાં લગ્ન થયાં. દીપો રસોડું લઈ નોકરીનાં સ્થળે જતો રહ્યો.ને કેશુ અહિ ગામડે જ રહ્યો. કેશુ ને ધીમેધીમે મિત્રો બદલાતાં ગયાં. ને તેનાં જીવનમાં સંગતની અસર દેખાવા લાગી. મહેનતું ને ભલો કેશુ ધીમેધીમે રાત્રે મોડો ઘરે આવવા લાગ્યો. કેશુ ઘરે આવે ત્યારે તેણે દારૂનું સેવન કરેલું હોય.તેની સમજુ પત્ની તેને સમજાવતી પણ દારૂ મગજને ઘેરી વળેલો હોય તે આ સમજણને ત્યાં સુધી પહોંચવા ન દે ! દિવસો જવાં લાગ્યાં.કેશુના ઘરડાં મા બાપને પણ કેશુ ની આ આદતની ખબર પડી ગઈ . હવે તો રોજ મોડી રાત્રે ભવાડા થવાં લાગ્યાં.કેશુની પત્ની દારૂ પીવાની ના પાડે તો કેશુ તેને માર જૂડ કરવાં લાગ્યો.બિચારા ઘરડાં માવતર વચ્ચે પડે તો તેને પણ ધક્કે ચડાવતો. દીપાને આ વાતની ખબર પડી તે ગામડે આવ્યો ને કેશુને દારૂ છોડવા ખૂબ સમજાવ્યો. કેશુ એ તેને તો મોઢે હા એ હા રાખી પરંતુ તેનામા કઈ ફેર ન પડ્યો.હવે તે દીપો આવે ત્યારે તેને તે મળતો બંધ થઈ ગયો.
દિવસેને દિવસે કેશુનું પીવાનુ વધતું ગયું.હવે તો તેની નગરપાલિકાની નોકરી પણ કેટલાંય દિવસ ગેર હાજર રહેવાના લીધે છૂટી ગઈ. તે આખો દિવસ ઘરે પડ્યો રહેતો ને તેની ઘરવાળીને વાતે વાતમાં મારવા લાગ્યો .તે બિચારી આનાથી કંટાળીને તેનાં પિયરમાં રિહામણે ચાલી ગઈ. બેકારીને લીધે હવે તો ખાવાનાં પણ વાંધા પડવા લાગ્યાં. કેશુ ની સારી કમાણીને લીધે તેણે તેનાં માવતરને દાડિયે જતાં બંધ કરાવી દીધા હતા. પરંતુ હવે બિચારા શું કરે ફરી દાડિયે જવા લાગ્યાં. ને કેશુ ઘરે પડ્યો પડ્યો તેનાં માવતરની કમાણીમાંથી ખાતો ને દેશી દારૂ પીધા રાખતો.
આમને આમ સુદ્દઢ શરીરવાળો કેશુ સૂકાવા લાગ્યો. તેને લીવરની બીમારી લાગુ પડી ગઈ. તેને પેટમાં પાણી ભરાવા લાગ્યું.જમવાનુ એકદમ ઓછું થઈ ગયું.લાચાર માવતર તેને ભાવનગર સરકારી હોસ્પિટલ લઈ ગયાં. ત્યાં બધી તપાસ કરતાં તેની કિડની પણ ફેલ હતી.તેને ડાયાલિસિસ કરાવવું પડ્યું. હોસ્પિટલના બેડમાં તે માંડ દેખાય એટલી હદે ગળી ગયો.તેની સેવા કરવા આવે તેવું બીજું કોઈ નહોતું.તેનાં મા બાપ દિવસ રાત તેની પાસે વારાફરતી બેસી રહેતાં.ને બેડની બાજુમા ગોદડું પાથરી સૂઈ રહેતાં.સદાવ્રત ચલાવતી સેવાભાવી સંસ્થાનાં ટિફિન માં જમી લેતાં.
કેશુ આખો દિવસ પથારીમાં વલખાં માર્યાં કરતો ને ઘડીક થાય ત્યાં કહેતો, " મને દારૂ લાવી આપો.હવે હું નહિ જીવું.મને એકવાર પીય લેવાં દયો. નકર મારો જીવ અવગતીએ જાશે." બિચારા લાચાર માબાપ કેશુને ફોસલાવી,પંપાળી સુવરાવી દેતા.ને છાનાછાના આંસુ પાડી લેતાં.પોતાની નજર સામે પોતાનાં સંતાનને મોત તરફ જતો જોવો તેનાથી મોટી કમનસીબી બીજી કઈ હોય?
દીપાને ખબર પડી તે દવાખાને ખબર પૂછવા આવ્યો. તેને આવેલો જોઈ કેશુ ભાવુક થઈ ગયો. દીપો બેડ પાસે નાના ટેબલ પર બેસી ગયો. કેશુએ તેનો હાથ પકડી લીધો.ને આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં.કેશુના મા બાપ પણ ડૂસકાં ભરવા લાગ્યાં.વાતાવરણ ગમગીન થઈ ગયું.ઘડીક કોઈ કશું બોલ્યું નહિ.
" દીપા તું મારો લંગોટિયો ભાઈબંધ છો.તું તો મારી વાત માનીજા, મે પંદર દિવસથી દારૂ પીધો નથી.મારી નાડ્યું તૂટે છે.આમેય હું હવે જીવવાનો નથી.તું મને દારૂ લાવી દે.મારું મોત સુધારી દે." આમ કહી કેશુ એ દીપાનો હાથ જોરથી દબાવી દીધો.
દીપો તેને કહેવા લાગ્યો, " ભલા માણસ, અહિ દવાખાને દારૂ ક્યાંથી લાવવો? અહીં કોઈ તને દારૂ ન પીવા દે.ને મે તને દારૂ છોડવા કેટલો સમજાવ્યો હતો? તે જાતે તારી જિંદગી ખરાબ કરી છે."
" મારે તારી સલાહની જરૂર નથી.તું મને દારૂ લાવી દે.આજે તો હું મરી જ જવાનો છું.ભાઈબંધ મે તારા કેટલાંય કામ કર્યા છે.તું મારું આટલું કામ નહિ કરે? તને ભાઈબંધીનાં હમ છે." આમ કહી કેશુ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.
દીપો તેની સામે ઘડીક તાકી રહ્યો. પછી ઉભો થઈ ચાલવા લાગ્યો.હોસ્પિટલની બહાર જઈ રિક્ષા કરી આડોડિયા વાસમાં જઈ દેશી દારૂની કોથળી લઈ આવ્યો.પાછો આવી હોસ્પિટલની બહાર લારીમાંથી એક લીલું ત્રોફુ લીધું ને તેમાંથી પાણી પી ગયો.એક ખૂણામાં જઈ ખાલી ત્રોફામાં દારૂ ભરી દિધો. ત્રોફાને એક પારદર્શક બેગમાં સીધું ગોઠવી બિંદાસ રીતે હોસ્પિટલમાં આવી ગયો.કેશુનાં બેડ પાસે આવી તેણે ધીમે રહી આ ત્રોફૂ તેનાં હાથમાં પકડાવી ને પીવા માટે સ્ટ્રો આપી.
કેશુ ખીજાણો, " અલ્યા, મારે હવે મરવા ટાણે નાળિયેર પાણી નથી પીવું." એમ કહી ત્રોફુ ફેંકવા જતો ત્યાં દીપાએ તેને પકડી લીધો ને સામે જોઈ આંખ મિચકારી. ભાઈબંધ નો આટલો ઇશારો તો કાફી હોય. કેશુ સમજી ગયો.
સ્ટ્રોમાંથી ચૂસકી ભરતાંની સાથે જ તે અલગ દુનિયામાં પહોંચી ગયો.ધીમે ધીમે જેમ દારૂ તેનાં શરીરમાં જવાં લાગ્યો તેમ તે શાંત થવાં લાગ્યો.છેલ્લી બુંદ સૂધી તેણે દારૂ ખેચી લીધો. પછી કંઈ પણ બોલ્યા વગર દીપાનો હાથ પકડી શાંત થઈ પથારીમાં સૂઈ ગયો.તેની આંખો ધીમે ધીમે વિચાવા લાગી.શરીર ઢીલું થવાં લાગ્યું.તે ગાઢ નિંદ્રામાં પોઢવા લાગ્યો.એકાદ કલાક થઈ હશે.દીપો હજી પથારી પાસે જ બેઠો હતો.કેશુએ દીપાનો હાથ પોતાનાં હાથમાં દબાવી રાખ્યો હતો.કેશુનાં હાથની પક્કડ અચાનક ઢીલી પડી ગઈ. આંખો સ્થિર થઈ ગઈ. એટલાંમાં ડોક્ટર રાઉન્ડ પર નિકળ્યા તેણે કેશુને તપાસ્યો. તે ગંભીર મોઢું કરી બોલ્યા, " દર્દીએ દેહ છોડી દીધો છે."
કેશુનાં માવતરનું આક્રંદ સંભળાય રહ્યું હતું.દીપો તેને સંભાળી રહ્યો હતો.હોસ્પિટલની હવા જાણે થંભી ગઈ હોય તેવું લાગતું હતું.
(કાનૂની સૂચના: દારૂ પીવો કે પાવો કાનૂની ગુન્હો બને છે. અને સ્વાસ્થ્ય માટે હાની કારક છે.)
લેખક: અશોકસિંહ ટાંક
૧૦/૪/૨૦૨૧
( મારા મિત્રએ કહેલી સત્ય ઘટના પર આધારિત)
૯૪૨૮૮૧૦૬૨૧