મોઢે બોલુ મા, ત્યાં મને સાચેય નાનપણ સાંભરે. Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોઢે બોલુ મા, ત્યાં મને સાચેય નાનપણ સાંભરે.

મારું મોસાળ વલભીપુર તાલુકાનું મોટી ધરાઈ ગામ. ને મારુ વતન બોટાદ જિલ્લાનું મોટા ઝીંઝાવદર ગામ. મારા બા લીલાબા ને મારા નાની મા હીરબાઇ મા.મારું મોસાળ અને મારું વતન બંને ગામ સરકારી વાહન વ્યવહાર મળવા માટે અગવડતા ભર્યા. અને આ વાત કરું છું તે લગભગ ૩૫ થી ૪૦ વર્ષ પહેલાંની છે. આપણને મામાના ઘેર જવાનો ખૂબ આનંદ હોય. એ વખતનાં કામકાજ ભર્યા દિવસોમાં મહિલાઓને પિયરમાં મળવા જવાનો આખા વર્ષ દરમ્યાન માંડ એકાદો મોકો મળતો.બા આખો દિવસ કામ કરી થાકી ગયાં હોય ત્યારે હું મામાના ઘરે ક્યારે જાશું એમ પૂછતો ત્યાં તેની આંખોમાં ચમક આવી જતી.ને કહેતા, " બેટા, સાતમ - આઠમમાં જાશું. મેં તારા બાપુજીને પૂછી લીધું છે " મામાના ઘેર જવાની વાતથી હું રાજી થઈ જતો.

આખરે ઇન્તેઝાર નો અંત આવતો. મોસાળમાં જવાનો દિવસ આવી જતો. એ વખતે બોટાદ - ભાવનગર સરકારી એસ. ટી. બસ અમારાં ગામમાં થઈ ચાલતી હતી. તે નવાગામ ઢાળ થી અંદરનાં ગામડાંમાં જતી, ને આખું ચક્કર મારી પાછી હાઇવે પર આવી ભાવનગર જતી. બપોર પછી લગભગ ૪ વાગ્યાં આજુબાજુ અમારાં ગામમાં આવવાનો તે બસનો ટાઇમ હતો. પરંતુ બા પિયર જવાના ઉત્સાહમાં ૩ વાગ્યાનાં મને લઈ બસ સ્ટેન્ડ આવી ગયાં હોય. ને વહેલાં આવવા માટે તેની પાસે કારણ પણ હોય.

" ક્યારેક બસ વેલી આવી જાય છે.ઘડીક બસ સ્ટેન્ડ બેસવું સારું"

આમ તો આગલી રાતે પણ પૂરાં ઊંઘ્યા ના હોય. ને જો બસે પાંચ - દસ મિનિટ મોડું કર્યું હોય તો પાછી બસને પણ ગાળ્યું મળે,

" આ અભાગણી રોજ ટેમે આવે ને આજ મોડું કરશે."

એમ કરતાં બસ આવી જાય ને બસમાં ગોઠવાઈ જઈએ. તેમાંય આપણ ને તો બારી ની જ સીટ જોયે. રસ્તામાં બા બધાંને યાદ કરતાં જાય. મામા - મામી ને નાની મા ની વાતો કરતાં જાય. ને વળી પાછા કહેતા જાય,

" કાલે મને હેડકી આવતી હતી. મા હંભારતા હશે."

બા ને બસમાં બેઠેલી બધી સ્ત્રીઓ પિયરમાં મળવા જ જતી હોય તેવું લાગતું. આજુબાજુ સીટમાં બેઠેલી બહેનો સાથે પણ તેનું પિયર ક્યાં તે પહેલો પ્રશ્ન કરતાં.ને બીજો પ્રશ્ન,

" તમે પણ મળવા જાઓ છો? " તે કરતાં. પેલી બહેન નિઃસાસો નાખી કહેતી,

" નારે બહેન હું તો ભાવનગર દવાખાને જાવ છું!"

આવી બધી વાતોમાં બસ રતનપર( ગાયકવાડી) પહોંચી જતી. જે અમારું ઉતારવાનું સ્થળ રહેતું. ત્યાંથી મોટી ધરાઈ લગભગ ત્રણેક કિ.મી. થતુ. ને બસમાંથી ઉતરી બીજું કંઈ વિચાર્યા વગર મોટી ધરાઈના ધૂળિયે રસ્તે ચાલવા જ માંડવાનું. બા નાં એક હાથમાં કપડાંની થેલી હોય ને બીજાં હાથની આંગળી પકડી હું ઠેબા લીધે દોડ્યાં જેમ હાલ્યે જાતો હોવ. બા ને આખો રસ્તો ખૂબ ટૂંકો લાગતો. રસ્તાના કાઠે આવતાં ખેતરની મને ઓળખ કરાવ્યે જતાં,

" જો આ ખેતર આપડા આ મામા નું ને પેલું ખેતર પેલાં મામા નું"

એક વાત કોમન હતી મારાં વતન મોટા ઝીંઝાવદર ને પાદરે નીકળેલી પાડલીયો નદી અહીં મોટી ધરાઈ ને રતનપર વચ્ચે થઈ પસાર થાય છે. ત્યાં ખૂબ પહોળાઈ ધરાવતી નદી અહિ સાંકડી ને ઊંડી થઈ જાય છે. ત્યાં રસ્તાના કાંઠેથી મને આંગળી ચીંધી બતાવતાં,

" જો....પેલું દેખાય તે આપણાં મામાનું કાંઠાનું ખેતર. અમે નાના હતા ત્યારે ત્યાં લાણો લેવાં રોજ આવતાં હતાં. લાણો ખારો હોય એટલે તેને ધોઈને પાડી ને ખવરાવતા."

આ બધી વાત કહેતા તે હજી ગઈ કાલની વાત કરતાં હોય એટલાં હરખાતાં. આમને આમ અડધા રસ્તે ધુમડીયા દાદાનાં મંદિર જેટલે આવી જતાં. હવે હું થાકતો ને કહેતો,

" બા, હું થાકી ગયો, ક્યારે મામાનું ઘર આવશે?".

" લે..., બટા જો સામે તો ગામ દેખાવા માંડ્યું. બસ હમણાં આવી ગયું હમજ."

એમ કરતાં અમે ચાલતાં રહેતાં. મામાના ઘરની આગળ એક વાડો હતો. વાડા પહેલાનો રસ્તો ખૂબ ધૂળીયો હતો. જીણી ધૂળનો ઢફો. ત્યાં ચાલવાની મને બહું મજા આવતી.પગ ધૂળમાં ખૂપી જતાં ને ધૂળની ડમરી ઉડતી.આખરે અમે મામાને ઘેર પહોંચી જતાં.
અમને આવેલાં જોઈ બધાં રાજીરાજી થઈ જતાં. ભાણિયા ને તડકો લાગ્યો હશે તેમ કહી વરિયાળીનું શરબત બનાવતાં. મને મીઠા વાળા પાણીના તગારામાં પગ બોળાવતા. બસ પછી તો મજા જ મજા. રોજે સારું સારું ખાવાનુ, ભાગ લેવા પૈસા મળે, તળાવે આટા મારવા જવાનું. તળાવનાં પાણીમાં પથ્થર ફેંકવાના.તળાવનાં કાંઠે તડકો લેવાં બેઠેલાં કાચબા પકડવા દોડવાનું. બધાં ઘરે ચા પીવા જવાનું,બધાં ભાણુભા... ભાણુભા...કરે...આપણને તો ભાઈ મજા આવી જાય.પણ પેલી કહેવત છે ને " સારા દિવસોને પાંખો ફૂટે " ચાર પાંચ દિવસ તો ઘડીકમાં પૂરાં થઈ જાય.બસ કાલે તો જતું રહેવાનું!

મા કહેતા, "બેન એકાદો દાડો વધું રોકાય જા ને"

પણ જવું પડતું એ વાસ્તવિકતા હતી. રતનપર થી સવારે ૯ વાગ્યે બસ મળતી. ફરી મોટી ધરાઈ થી ૮ વાગ્યે ચાલવાની સફર શરૂ થતી. મામા - મામી, બાળ ગોઠિયા ને નાની મા વાડા સુધી વળાવવા આવે. મને અને બા ને મામા પૈસા આપે. બા ની આંખનાં ખૂણા ભીના થાય. ને બા ભારે હૈયે,

" ઠિક લ્યો ત્યારે બધાં ઊભા રહો, અમે નીકળીએ કહિ "

ચાલી નીકળતાં. પણ નાની મા કહેતા, " લે ભાઈ હું બહેનને આઘેરેક મૂકતી આવું"

ને પાદર સૂધી તે મૂકવા આવતાં ને કેટલીયે ભલામણ કરતાં, " બેન હાસવિને જાજે, પોગીને પોગ્યાં નો કાગળ લખી નાખજે.ભાણિયા ને હાસવજે."


બા કહેતા, "ઠીક લ્યો બા, ઊભા રહો." ને ફરી બંને ની આંખો ભીંજાતી. વળી પાછા નાની મા સાથે ચાલવા લાગતાં ને કેટલીયે સુખ દુઃખની વાતો કરતાં...

ચાલતાં.. ચાલતાં અડધાં રસ્તે પહોંચી જતાં. ને બા ઊભા રહી જતાં ને કહેતાં,

" ઠીક લ્યો બા, ધુમડીયા દાદા નું મંદિર આવી ગયું હવે પાછાં વળી જાઓ."

નાની મા ઊભા રહી જતાં ને વળી ભલામણો ચાલું થતી, " બેન કામ કરવાનુ પણ શરીર હાસવવાનુ, જો...ને હમણાં બહું સુકાય ગઈ છો,ભાણિયા નું પણ ધ્યાન રાખજે."

વળી બંને આખો લૂછતાં.હું બા ની આંગળી પકડી જોયાં કરતો. મા મારાં માથે હાથ ફેરવીને કહેતા, " મારો પોટો..."

વળી પાછા બંને વાતો કરતાં ચાલવા લગતા. આમને આમ રતનપર નું પાદર આવી જતું.

બા વળી કહેતાં, " ઠીક લ્યો બા હવે તો ઠેઠ પોગી ગ્યાં હવે તો પાછા વળો."

નાની મા કહેતાં, " તારા સાસુ બેક બોલ્યે વહમાં છે પણ પેટમાં પાપ નથી.તેને હાસવજે .ને ભાણિયા નું ધ્યાન રાખજે."

વળી ઊભા રહી કંઇક ભલામણો કરતાં.

" હવે તો બેન રતનપર આવી ગયું. હાલ્ય ને જરાક તને બસમાં બેહારીને પછી જ જાવ. તને જગ્યા મળે તો પછી મને ઉપાધિ નો થાય.".

આમને આમ નાની મા બસ સ્ટેન્ડ સુધી આવી જતાં. ત્યાં પણ કંઇક ભલામણો કરતાં. અહિ બસ ટાઈમે આવી જતી. અમને સીટ પણ મળી જતી.હું બારીની સિટે ગોઠવાઈ જતો. બા ઊભા થઈ બારી માંથી નાની મા ને આવજો કહેતાં.નાની મા પણ બારી પાસે આવી બા ને કહેતાં,

" બેન જાળવીને ઉતરી જાજો.ને ભાણિયા ને હાસવજે."
બા ની આંખો ફરી ભરાઈ આવતી ને,

" ઠીક લ્યો...બા...ઊભા......." એટલું તો માંડ બોલી શકતાં ને મે બારીએ રાખેલ હાથ બા નાં આંસુ થી ભીંજાવા લાગતો....ને આજે મારા આંસુ થી....... બસ ઘર..ઘરાટી કરતી ઉપડી જતી....

લેખક: અશોકસિંહ ટાંક
તા. ૪/૪/૨૦૨૧
(મોસાળની યાદોમાંથી)
૯૪૨૮૮૧૦૬૨૧