Avan Savan books and stories free download online pdf in Gujarati

અવન સવન

ચારુ ભાઈને વિનુભાઈ બંને મિત્રો. એક દિવસ લાલા કુંભારે બંનેને એક ઝાડ આપ્યું.
ને કહ્યું, "આ ઝાડ અવન સવન નું છે, આને ઘરે વાવવાથી ઘરે બરકત આવે."

બંને એ હોંશે...હોંશે...વિનુભાઈના ઘરે આવી વાવી દીધું. પાણી પાયું..ઝાડ તો કોળી ગયું. ને વધવા લાગ્યું. બંને મિત્રો નવરા પડે એટલે અવન સવન ફરતે ફર્યા કરે. ગોડ કરે,ખાતર નાખે.નવી ફૂટેલી કૂંપળો ને પંપાળ્યા કરે. વિનુભાઈ ના બાપુજી ગજુ બાપુ આ બધું જોયા કરે.

" અલ્યા, તમને આ ઝાડવું બહુ વાલુ લાગે છે!!"

" બાપુજી, આ અવન સવન નું ઝાડ છે. આ ઝાડ ઘરે હોય તો ઘરમાં બરકત રહે. આ બહુ પવિત્ર ગણાય."

ગજુ બાપુ ચુંગી માથી ધુમાડા કાઢતા લાંબી દાઢી ખંજવાળતા આ તરફ જોઈ રહ્યા. આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા. અવન સવન સારી માવજતને લીધે વધવા લાગ્યું. એક દિવસ ઘરે લેણિયાટ આવ્યા. જેમ તેમ કરી નવો વાયદો આપી ગજુ બાપુએ તેને વળાવ્યા.

ગજુ બાપુ ખિજાઈ ગયા, " અલ્યા, વિનિયા તું કહેતો હતો ને કે આ અવન સવન વાવીશું એટલે ઘરમાં બરકત આવશે. આ તો ભૂખ આવી હોય એવું લાગે છે."

" બાપુજી, ઝાડ મોટું થશે એમ બધું સારું થઈ જશે." વિનુભાઈ એ કહ્યું.

ગજુબાપુ લાંબી દાઢી ખંજવાળતા ચુંગીમાંથી ધૂમાડા કાઢતાં અવન સવન ની સામે જોઈ રહ્યા!!

હમણાંથી ગજુ બાપુની દીકરી ચકુ સાસરિયામાં ઝઘડો કરીને દસ દિવસથી રિસામણે આવેલી હતી. તેનું સમાધાન કરાવવા શિવગર બાપુ આજે આવ્યા હતા. બંને ઓસરીમાં ખાટલે બેઠા બેઠા ચૂંગી ફૂકતા હતાં.

" હમણાંથી તો કોણ જાણે કેવી માઠી બેઠી છે. કાંઈને કાંઈ મુશ્કેલી આવ્યા જ કરે છે." ગજુ બાપુ દાઢી ખંજવાળતા બોલ્યા.

તેને સાંત્વના આપતા શિવગર બાપુ બોલ્યા, " અલ્યા જિંદગીમાં આવું બધું તો હાલ્યા જ કરે."

એટલામાં શિવગર બાપુ નું ધ્યાન સામે અવન સવન પર પડ્યું. " અલ્યા ગજુબાપુ માળું આ ક્યું ઝાડવું છે? "

" ઇ જોવોને અમારો વીનુ ને એનો ભાઈબંધ ચારુ બેય ક્યાંકથી લાવ્યાં છે. એમ કહે છે કે આ અવન સવનનું ઝાડ છે. ઘરે વાવવાથી ઘરમાં બરકત રહે છે!"

શિવગર બાપુ ઉભા થઈ ઝાડ જોવા લાગ્યા. " આ તો અવન છે. આને એકલું નો રોપાય.આની હાર્યે સવન હોય તો શુભ ગણાય.આ એકલું હોય તો ઘરમાં ઉપાધિ વધે."

ગજુ બાપુ માથુ ખંજવાળવા લાગ્યાં, " હં...હવે હમજાયું, અલ્યા વિનીયા ક્યાં ગ્યો? આયા આવ તો જોઈ!?"

બાપુનો રિકાટ જોઈ વિનુભાઈ તરત હાજર થઈ ગયાં.સાથે પાછળ પાછળ ધીમી ચાલે ચારુભાઈ પણ હાજર થઈ ગયાં." જી, બાપુજી..."

" આ જો શિવગર બાપુ શું કે છે? આ તારું ડોહુ અવન સવન નથી. આ તો એકલું અવન છે.ને ઈ બેય ભેગા જોઈ.બેય સાથે હોય તો ઘરમાં બરકત આવે.એકલું હોય તો ઘરમાં ઉપાધિ વધે. તમે જે દિવસથી વાવ્યું છે. તે દિવસથી ઉપાધિના પાર નથી રહ્યાં. તે વાવ્યું તે દિવસે જ તારી મા પડી ગઈ ને પગે પ્લાસ્તર આવ્યું.દવાખાનું આવ્યું એટલે લેણું થયું.મને પણ જો ને હમણાંથી કટેવ રેવાં માંડી છે. સુવાસ ચડવા માંડ્યો છે.તારી દુકાન પણ હમણાંથી મંદી માં હાલે છે. રાજાવદર વાળા હરુગીરીને આંખમાં ગાંડા બાવળનો કાંટો વાગ્યો તે આંખમાં ફૂલું પડી ગયું. ને અધૂરામાં પૂરું બાકી હતું તે તારી બેન ચકૂડી રિહામણે આવી છે. આ તને આપ્યું કોણે?"

વિનુભાઈ ડરતાં ડરતાં બોલ્યા, " લાલા કુંભારે. "

ગજુબાપુએ ચૂંગીમાંથી ધુમાડાનાં ગોટેગોટા કાઢ્યાં.ધુમાડા ગોટવાતા તેનાં માથા પર ફરવા લાગ્યાં. ગજુબાપુની આખો લાલ ચણોઠી જેવી થઈ. ને આદેશ ફાટ્યો,

" ઉપાડ આ તારા અવન સવન ને આપી દે પેલા લાલા કુંભારને મારા ઘરે આ નો જોઈએ.આ આવ્યું ત્યારથી હખનો હડખો નથી આવ્યો."

બાપુનું રૌદ્ર સ્વરૂપ પારખી જઈને વિનુભાઈ એ આદેશને માથે ચડાવ્યો.જલ્દીથી કોશ લઈ ઝાડ ખોદવા લાગ્યાં. સાથે પરમ મિત્ર ચારુભાઇ પણ ધીમી ગતિએ તેને મદદ કરવા લાગ્યાં.ઝાડને ખોદીને કેરામાંથી અલગ કર્યું.વિકાસ પામેલાં મૂળિયાં તૂટી ગયાં.બંને મિત્રો ને પણ ખૂબ દુઃખ થયું.પણ શું થાય? ગજુબાપુ હજુ ચુંગિ માથી ધુમાડાનાં ગોટે ગોટા કાઢતાં સામે ઘુરકિયા કરતાં બેઠાં હતાં.

બંને અવન નું ઝાડ હાથમાં લઈ લાલા કુંભારના ઘરે ગયાં. લાલો બંનેને જોઈ સામે આવ્યો,

" અલ્યાં આ અવન સવન કેમ ઉખેડી આવ્યાં?"

વિનુભાઈ એ આપવીતી સંભળાવી.એકલું અવન ઘરે વાવવાથી કેટલી તકલીફ આવી તે બધી ગણાવી.ને છેલ્લી વાત કરતાં કહ્યું,

" આના લીધે મારી બેન ચકુડી રિહામણે આવી. એટલે મારા બાપુજી બહું ખિજાયા.તમે આ ઝાડ તમારા ઘરે વાવી દેજો. હું પાછું દેવા આવ્યો છું."

લાલો કુંભાર ખિજાયો, " અલ્યા વિનુ તુંય ખરો લાગે છે.હું મારાં ઘરે આ ઝાડ વાવું તો મારી બેન જાગુડી પણ રિહામણે આવે... આ ને તું જ લઈ જા..જે કરવું હોય તે કર આનું. મારે આ નો જોઈએ.".

વિનુભાઈ નાં હાથમાં રહેલું અવન નું ઝાડ, વિનુભાઈ ને ચારુભાઈ ત્રણેય લંઘાઈ ને એકબીજા સામે જોઈ ઊભા રહ્યાં.

લેખક: અશોકસિંહ એ.ટાંક તા.૧૭/૧/૨૧ મો.૯૪૨૮૮૧૦૬૨૧
કથાબીજ: નારસંગભાઈ ટાંક


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED