માસ્તર સાહેબ કરિયાણાની દુકાને આવીને ઊભા રહ્યા. સુઘડ કપડાં, ઇનશર્ટ કરેલ શર્ટ,પગમાં પોલિશ કરેલાં બ્લેક શૂઝ પહેરેલા હતાં. બીજાં ગ્રાહક વસ્તુની ખરીદી કરી લે તેની વાટે એકબાજુ અદપ વાળી ઉભા હતા. કોઇ અધીરાઈ નહિ કોઈ ઉતાવળ નહીં.મોઢે માસ્ક લગાવેલો.પોતાનો વારો આવતાં, દુકાનનાં કાઉન્ટર નજીક જઈ ને ખિસ્સામાંથી યાદીની ચિઠ્ઠી કાઢી.
ચિઠ્ઠીને ચશ્મામાંથી નજર કરી બરાબર વાંચી.યાદીમાં એક તેલનો ડબ્બો, પાંચ કિલો ખાંડ,કિલો ચા, પાંચકિલો ભાત, બે કિલો રેંટિયો તુવેર દાળ લખેલાં હતાં. માસ્તર સાહેબ ને આવેલાં જોઈ ને શેઠે અણગમો પ્રગટ કરતાં પરાણે આવકાર આપ્યો.
" આવો માસ્તર"
સાહેબે પોતાની આદત મૂજબ પહેલો પ્રશ્ન કર્યો. " શીંગ તેલનાં ડબ્બાં નો શું ભાવ છે?"
શેઠે પરાણે સ્મિત આપતાં કહ્યું, " માસ્તર તમારાં વધું નહીં લેવી"
સાહેબે પાક્કી ખાતરી કરવા ફરી પૂછ્યું, " તો પણ શું લેશો એ તો કો?"
" ૨૩૮૦"
સાહેબે જીણવટ ભરી તપાસ આદરી " ૧૫ કિલો કે ૧૫ લીટર?"
" ૧૫ કિલો"
" શેઠ તમારાં ભાવ ૩૦ રૂપિયા વધું છે." સાહેબે સીધો ભાવ કિધો.
" તમારાં ૨૩૫૦ લઈ લઈશ.. રાજી?" શેઠે મોઢું બગડતાં કહ્યું. તેલનો ભાવ ફાઇનલ થયો.
" ખાંડના કેટલાં લેશો?"
"૩૭".
" એમાં પણ તમારો૧ રૂપિયો વધુ છે. "
" ૩૬ બસ હવે રાજી માસ્તર ?"
" વાઘબકરીની મિલી ચા નો શું ભાવ છે?"
શેઠે તેની દુકાનમાં કામ કરતાં માણસ સામે આંખ મિચકારતાં, મજાક કરતાં કહ્યું, " માસ્તર મિલી રેવા દયો વાઘ બકરી ચા જ લઈ જાવ વાઘ જેવા થઈ જશો."
એમ કહી સાહેબને આડકતરી રીતે બકરી જેવા કહી દિધા.ને શેઠે ખંધુ હસતાં ૩૪૦ નો ભાવ કીધો.
સાહેબે કહ્યું, " તો ચા રેવા દયો હું હોલસેલ માંથી લઈ લઈશ ત્યાં મને ૩૨૦ માં મળશે."
" માસ્તર તમે તો સાવ વેદિયા જ રહ્યાં.તમારે ભેગુ કરીને ક્યાં લઈ જાવું છે?હું પણ ૩૨૦ લઈશ બસ ને હવે?"
સાહેબે પોતાનાં ભાવમાં મળતાં હા પાડી. એમ કરતાં કરતાં એક એક વસ્તુના ભાવ રકજક કરીને કરાવ્યો.આખરે બધી વસ્તુનો સોદો ફાઇનલ થયો. કાઉન્ટર પર એક એક વસ્તું મુકાવા લાગી.
શેઠનાં મોઢાં પર અણગમો સાફ દેખાતો હતો. તેણે સાહેબને સીધો પ્રશ્ન કર્યો.
" હે માસ્તર, તમારે આટ આટલો પગાર તોય આટલી ચીકણાઈ કેમ કરો?"
સાહેબે કહ્યું, " એમાં ચીકણાઈ ની ક્યાં વાત આવી. સાચો ભાવ લગાડવો તે તમારો ને મારો ધર્મ છે.હું તમને ભાવથી ઓછાં આપતો હોવ કે તમારાં પૂરાં પૈસા ના આપતો હોવ તો કહો!! વ્યાજબી નફો લેવો તે તમારો પણ ધર્મ છે ને?"
શેઠ માસ્તર સાહેબનું લાંબુ લચક,સત્ય ધર્મનું ભાષણ સાંભળવા જરાય તૈયાર ન હતો. તેણે મોટું બગાસું ખાઈ ને પોતાનો અણગમો પ્રગટ કર્યો.કાચી યાદીમાં ગરબડીયા અક્ષરે વસ્તુ, વજન,ને સામે કિંમત લખવા લાગ્યો. કેલ્ક્યુલેટર માં ટોટલ કરી નીચે ૩૫૫૫ નો આંકડો મૂક્યો.સાહેબે બે હજારની બે નોટ કાઢી આપી.શેઠે સાહેબની હાંસી ઉડાવતા નોટ પંપાળી ખંધુ હસી કહ્યું,
" માસ્તર બાકી કડકડતી કાઢી હો.... ગરમા ગરમ એટીએમ માથી તાજી જ કાઢી લાગે છે?પગાર કેટલો હશે ? ૫૦૦૦૦ તો હશે જ કા?"
સાહેબે કશું જ બોલ્યાં વગર માત્ર સ્મિત આપ્યું. શેઠે બધી વસ્તુ સમાય તેવી પ્લાસ્ટિક બેગ કાઢી.
સાહેબે કહ્યું, " પ્લાસ્ટિક બેગ રહેવા દયો.હું કાપડની થેલી લાવ્યો છું."
એમ કહી સાહેબે જૂનાં પેન્ટમાંથી સીવી ને બનાવેલી મોટી થેલી કાઢી.શેઠે ફરી મોઢું મરડી પ્લાસ્ટિક બેગ પાછી મૂકી. વધું કહી બોલી શેઠ પ્લાસ્ટિક પર્યાવરણને કેટલું નુકશાન કારક છે.તે અંગે માસ્તર સાહેબનું લાંબુ લચક ભાષણ સાંભળવાના મૂડમાં બિલકુલ ન હતાં. શેઠે ૪૫૦ રૂપિયા સાહેબને પાછાં આપ્યાં. સાહેબે ઉપરનાં ૫ રૂપિયાનો સિક્કો આપી ૩૫૫૫ પૂરાં કર્યાં . શેઠે સિક્કો હાથમાં લઈ કેટલીય વાર સુધી પંપાળ્યો ને સાહેબને જતાં પાછળથી તિરસ્કારથી જોતો રહ્યો.ને ધીમેથી તેનાં માણસ સામે જોઈ ને બોલ્યો,
" આ મસ્તરો આવાં કેમ હશે? આટલો પગાર તોય ચીકણાં ભીંડા જેવાં કાં?"
એમ કહી બધાં જોરથી હસી પડ્યાં.સાહેબે સાંભળ્યું નો સાંભળ્યું કરી હાથમાં થેલી લઈ આગળ વધી ગયાં.
કલાક થઈ હશે ત્યાં સાહેબ વળી દુકાને પ્રગટ થયાં.દુકાને ભીડ હતી. સાહેબ એકબાજુ કોઈને નડે નહી તે રીતે સંકોડાઈને ઊભા રહી ગયાં.શેઠે ત્રાસી નજરે તેને જોયાં.મોઢું બગાડીને માણસ સામે જોઈ બોલ્યાં,
" પાછાં માસ્તર માથું પકવવા આવી ગયાં છે.તેને જલ્દી વળાવને."
પેલાં વાણોતરે; તોછડાઈથી કહ્યું, " બોલો માસ્તર?"
સાહેબે હાથનાં ઇશારાથી ભીડ ઓછી થઈ જાય પછી કહું તેમ સમજાવ્યું. વાણોતરે પણ સાહેબ સામે જોઈ અણગમો પ્રગટ કર્યો.
ભીડ ઓછી થઈ. સાહેબ કાઉન્ટર પાસે આવ્યાં.ખિસ્સામાંથી શેઠે ગરબડિયા અક્ષરે લખેલી બીલ ની ચિઠ્ઠી કાઢી કાઉન્ટર પર મૂકી. શેઠે ચિઠ્ઠીમાં નજર કરી પછી સાહેબ સામે જોઈ મોઢું ત્રાસુ કરી બોલ્યો,
" માસ્તર, હજી શેનાં ભાવ વધું લાગ્યાં છે?"
સાહેબે ખિસ્સામાંથી ૩૭૫ રૂપિયા કાઉન્ટર પર મૂક્યાં. તમે મને રેંટિયો તુવેર દાળનું બે કિલો ને બદલે પાંચ કિલોનું પેકિંગ આપી દીધું હતું ને બિલમાં બે કિલોના જ પૈસા લગાડેલા હતાં.ઉપરનાં ત્રણ કિલોનાં પૈસા લઈ લો."
શેઠ શર્મિંદો થઈ ઘડીક સાહેબ સામે તો ઘડીક બીલ સામે તો ઘડીક વાણોતર સામે જોવા લાગ્યો.સાહેબે આપેલાં પૈસા હાથમાં પંપાળવા લાગ્યો.સાહેબ બીજું કશું બોલ્યાં વગર ત્યાંથી નીકળી ગયાં.શેઠનાં હાથ અચાનક, જઈ રહેલાં માસ્તર સાહેબ પાછળ જોડાઈ ગયાં. ઊપર મ્યુઝિક સિસ્ટમની દુકાનમાં ફૂલ વોલ્યુમમાં " સત્યમ્.... શિવમ્..... સુન્દરમ્......." સોંગ ગુંજતું હતું.
લેખક: અશોકસિંહ ટાંક
(સત્ય ઘટના પર આધારિત)
તા.૪/૨/૨૦૨૧
૯૪૨૮૮૧૦૬૨૧