Desh bhakti books and stories free download online pdf in Gujarati

દેશ ભક્તિ

મુળજીનું એકવડિયું શરીર. વાને થોડો ભીનો વાન. દેખાવે સાધારણ. મજૂરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરે. જેની પણ વાડીએ ખેત મજૂરી કરવા જાય ત્યાં મન દઈને કામ કરવાનું. કામચોરી તેને આવડે જ નહીં. પરંતુ તેનો એક નિયમ. જ્યાં મજૂરીએ ગયો હોય ત્યાં સાંજે ખેતરના શેઢે જ રોકડી મજૂરી લઈ ઘરે આવવાનો. વળતા ગામમાં દુકાનેથી તેલ, ચા, ખાંડ, બટેટા,ડુંગળી, મસાલા,રોજે રોજનું કરિયાણું રોકડે લઈ ને આવવાનું.સાથે પાંચ રૂપિયાના ભાગનું પેકિંગ પણ તેનાં લાડકા છોકરાં માટે રોજ લાવવાનું.જેની રાહ જોઈને તે શેરીના નાકે જ ઉભો હોય. રોજનું લાવીને રોજ ખાવા વાળો પરિવાર.સાંજે મુળજી તેનાં ઘરેથી,તેનો છોરો,ને ઘરડાં મા- બાપ શિયાળાની ઠંડીમાં ફળિયામાં ભઠ્ઠો પેટાવી તાપણી કરી બેઠા હોય, ને અલકમલકની વાતો કરતા હોય. ત્યારે દુનિયાનું આ સૌથી સુખી ને સંતોષી કુટુંબ જોઈ ભગવાનને પણ આનંદ આવે.

મુળજી મોટાભાગે લખુભા ની વાડીએ મજૂરીએ જાય. લખુભા ગામના મોટા ખેડૂત. તેને કાંઈનું કાંઈ કામ રહ્યા જ કરે. ને મુળજી કામનો સારો ને દાનતનો સાફ.એટલે બંનેનું કામ ચાલ્યાં કરે.મુળજી ને ક્યારેક આકસ્મિક પૈસાની જરૂર પડે તો લખુભા આપે પણ ખરા. મુળજી માથે લખુભા નું પાંચેક હજારનું લેણું ખરું.

છેલ્લા અઠવાડિયાથી મુળજી તાવની બિમારીમાં સપડાયો હતો.સ્થાનિક ગામનાં ડોક્ટરની દવા ચાલું હતી. શરીરમાં નબળાઈ ઘણી જણાતી હતી. મુળજી અઠવાડિયાથી મજૂરીએ પણ જઇ શકયો ન હતો. બે દિવસથી બાટલા ચઢાવવાને લીધે થોડી રાહત થઇ હતી. આજે તે પથારીમાંથી ઊભો થઈ હરી ફરી શકતો હતો. કામે ન જઈ શકવાને લીધે, તેના ઘરનું અર્થતંત્ર ખોરવાઇ ગયું હતું. દવા અને ઘર ખર્ચ માટે તેણે લખુભા પાસેથી બીજા બે હજાર રૂપિયા લીધા હતા. લખુભા પણ કામ કરાવવાનાં લોભે પૈસા ધીરતા હતા. આજે બપોરે લખુભા ખબર પૂછવાના બહાને મુળજી કાલ વાડિએ આવી શકે તેમ છે કે નહીં તે જોવા આવ્યા હતા. મુળજી ને આજે ઘણું સારું હતું.

" તું કાલે વાડીએ આવી જા. કાલે બહુ ભીહ નું કામ નથી.હું બહાર ગામ જવાનો છું, એટલે તું આખો દિવસ વાડીએ બેસજે અને રેઢીયાર ઢોરઢાંખર ના આવે તેનું રખોપુ કરજે. તને આખા દાડા ની મજુરી આપી દઈશ." લખુભા એ કહ્યું.

મુળજી એ માથુ હલાવી હા પાડી. મુળજી નો છોરો સાંજનાં નિશાળેથી ભણી ઘરે આવ્યો.એટલે તેણે મુળજીને કહ્યું,

" પપ્પા, કાલે ૨૬ મી જાન્યુઆરી છે.અમારા સાહેબ કિધું છે કે, તમારાં મમ્મી - પપ્પાને પણ સાથે ધ્વજ વંદન કરવા લેતાં આવજો. પછી સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ છે...તમે આવશો ને....?"

મુળજી ને ગયા વર્ષ નો પ્રોગ્રામ યાદ આવ્યો. નિશાળે સાહેબ ભાષણ આપતાં હતાં તે યાદ આવ્યું. " આપણાં દેશને આઝાદ કરવાં કેટલાંય વીરો શહિદ થયાં,ત્યારે આપણે આજે આઝાદીની મજા લઇ શકીએ છીએ.ને આપણાં જવાનો બર્ફીલી ઠંડી,ભીષણ વરસાદ કે ધોમધખતા તડકામાં ખડે પગે આપણી રક્ષા કરે છે. ત્યારે આપણે શાંતિથી રહી શકીએ છીએ. આ વીરો આટલી દેશભક્તિ બતાવે છે તો આપણી પણ કંઈક ફરજ બને ને? બીજું કાંઈ નહિ તો વર્ષમાં આવતાં બે રાષ્ટ્રીય તહેવારમાં આપણે ધ્વજ વંદન કરવાં આપણી નિશાળમાં હાજરી આપીને પણ આપણી દેશ ભક્તિ અદા કરી શકીએ.શું આપણે આપણા દેશ માટે આટલું પણ ના કરી શકીએ?". સાહેબની આ વાત મુળજી ના હાડેહાડ માં ઉતરી ગઈ હતી.

તેનાં છોરાએ ફરી કહ્યું, " પપ્પા આવશો ને? "

ત્યારે મુળજી ભુતકાળ માંથી જાગ્યો. ને કહ્યું, " હા, દિકરા કાલે તો આવવું જ પડેને.."

રાતે વાળું કરી આખું ઘર તાપણું કરી ફળિયામાં તાપતા હતાં. લખુભા ને એમ થયું કે લાવને કાલનું મુળજી આવવાનો તો છે ને તે પાક્કું કરતો આવું. બહાર ખડકીએ આવી લખુભા એ ખોખરો ખાઈ અવાજ દિધો,

" છે અલ્યા મુળજી ઘરે? "

અંદર થી અવાજ આવ્યો, " આવો બાપુ અંદર આવતાં રહો."
મુળજી વહુ ઘૂમટો તાણી અંદર જતાં રહ્યાં. મુળજી એ ઊભા થઈ લખુભા ને આસન આપ્યું. બધાં તાપવા લાગ્યાં. લખુભા એ મુળજીના સમાચાર પૂછવાની ઔપચારિકતા પતાવી. તાપણામાં બળતણ સંકોરતા સીધાં જ મુખ્ય મુદ્દા પર આવ્યાં ,

" કાલે પાછો દાડી એ આવે છો ને? મારે બહારગામ જયાં વગર હાલે ઈમ નથી."

મુળજી એ જરાક મુંઝાય ને કહ્યું, " કાલે બાપુ મારે નિશાળે જાવું જોશે.કાલે ૨૬ મી જાન્યુઆરી છે.એટલે ઝંડાને સલામી આપવા જાવું જોહે."

લખુભા ને આ અણધાર્યા જવાબની આશા નહોતી. તેણે જરાક અણગમો ને પરાણે મો પર કૃત્રિમ હાસ્ય લાવી કહ્યું,

" ભલા માણસ, માસ્તરો ઝંડો ફરકાવી દેહે. આપડું નીયા હું કામ હોય?"

મુળજી એ મક્કમતાથી કહ્યું, " કાલનો દાડો કો'ક બીજાને કહી દયો.મારે તો ઝંડાને સલામી દેવા જાવું જ ઝોહે."

હવે લખુભા નાં ચહેરા પર ગુસ્સાના દર્શન થયાં. કપાળમાં કરચલીઓ થવાં લાગી,

" અલ્યા તારે ભારે દેશ ભક્તિ ફાટી નીકળી લાગે છે.પછી ખબર ને તાવડી ટેકો લઈ જાય ત્યારે અમે ખપમાં લાગવી છી.બીજો કોઈ નહી આવે...!!".

મુળજી એ ઢીલાં થઈ કહ્યું, " તમને જે લાગે તે પણ કાલે તો હું નિશાળે ઝંડાને સલામી દેવા જરૂર જાશ."

હવે લખુભા ની આંખ લાલ થઇ, " તો પછી આગળનાં ૫ ને અત્યારનાં ૨ થઈ મારાં ૭ હજાર ને ૩ હજાર વ્યાજ થઈને કુલ ૧૦ હજાર થયાં.મને બે દાડામાં પોગતાં કરી દેજે નકર હારા વાટ નહિ રે. તમતારે જાજે કાલ ઝંડાને સલામી દેવા."

લખુભા પગ પછાડતાં, ખડકી જોરથી ભટકાડી ધમકી દઈ નીકળી ગયા.

મુળજી ને રાત્રે ઊંઘ ના આવી. પથારીમાં પડખાં ફેરવતો વિચારે, " ઘરમાં ખાવાનાં ફાફા છે.હજી બીમારીમાંથી માંડ ઊભો થયો છું. લખુભા ને દસ હજાર ક્યાંથી આપીશ? એ કરતાં કાલે તેમની વાડીએ મજૂરીએ જતો રહું તો બધી મુશ્કેલી ટળી જાય."

વળી પાછો વિચારે ચડ્યો, " માસ્તર સાહેબ કહેતા હતાં કે આપડાં સૈનિકો બરફમાં પણ રાત ની હાડ ગાળી નાખે એવી ટાઢમાં આપણી રક્ષા કરતાં હોય તો હું એક દાડો ઝંડાને સલામી આપવા જેટલી દેશ ભક્તિ નો બતાવી હકું?"

આ બધાં વિચારોમાં રાત નીકળી ગઈ. સવારે ૮ વાગ્યે નિશાળે સાહેબ, બાળકો ને ગામમાંથી આવેલ વાલીઓને સાવધાન, વિશ્રામ કરાવી. ગામનાં આગેવાનના હાથે ધ્વજ લહેરાવી.ધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત બોલી રહ્યાં હતાં.લાઈન બધ્ધ ઊભેલાં લોકોમાં મુળજી પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉભો હતો.

ત્રિરંગો હવામાં લહેરાઈ રહ્યો હતો. પાતળા શરીર વાળો મુળજી આજે જાણે સરહદ પર ઊભેલાં સૈનિક જેવો અડગ ભાસી રહ્યો હતો. તેનાં મોઢાં પર આત્મસંતોષ છલકી રહ્યો હતો. આજે મુળજી દેશ ભક્તિથી રંગાયેલો હતો.

રાષ્ટ્રગીત પૂરું થતાં સાહેબે રાષ્ટ્રનો જયનાદ કરાવતાં સૂત્રો બોલાવ્યાં.
આઝાદી.....બધાં એક સાથે બોલી ઊઠ્યાં અમર રહો....અમર રહો...

બધાનો નાદ બંધ થયો પણ મુળજી હજું જોરજોરથી અમર રહો...અમર રહો...અમર રહો...નો જય ઘોષ કરી રહ્યો હતો...ત્રિરંગો પવનની એક લહેર આવતાં હવામાં લહેરાય રહ્યો હતો.

લેખક: અશોકસિંહ ટાંક
તા. ૨૯/૧/૨૦૨૧
૯૪૨૮૮૧૦૬૨૧


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED