Slave - 19 - The last part books and stories free download online pdf in Gujarati

ગુલામ – 19 - છેલ્લો ભાગ

ગુલામ – 19

લેખક – મેર મેહુલ

( અભયનો પત્ર અને ઉપસંહાર )

વરસાદનું જોર વધી રહ્યું હતું, પુરા ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર થઈ હતી અને ત્યારબાદ અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હતી. પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ઇંચને બદલે ફૂટમાં પાણી મપાવા લાગ્યા હતાં. ભાવનગર જિલ્લામાં તેની તુલનાએ ઓછો વરસાદ હતો પણ ભાલ પ્રદેશમાં હંમેશાની જેમ બધી નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી.

ભુપતભાઇ અને અભય વચ્ચે જે દિવસે બોલબાલી થઈ હતી તે દિવસથી ભુપતભાઇનું અભય તરફનું વર્તન વધુ ખરાબ થઈ ગયું હતું. તેઓએ વાતવાતમાં અભયને વડકા કરવા લાગ્યાં હતાં. પહેલાં કરતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી તો પણ આ વખતે અભય માનસિક રીતે શાંત હતો, સ્થિર હતો. પિતાનાં શબ્દોને ઘોળીને પી જતો હતો.

અશોકભાઈની તબિયતમાં સુધારો ન થતાં તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પણ એક અઠવાડિયામાં જ તેઓનાં મૃત્યુનાં સમાચાર મળ્યા. ફરી પૂરું ગામ શોકમાં ડૂબી ગયું. ફરી એ બાર દિવસનું બેસણું, સ્ત્રીઓનું છાતી કુંટવું, પુરુષોનું બનાવટી રડવું અને એ જ નાટકો.

અભય માટે ફરી એ જ ત્રાંસ શરૂ થઈ ગયો હતો. ભુપતભાઇ પહેલાં કરતાં વધુ કડક થઇ ગયાં હતાં. અભયને એક મિનિટ માટે પણ નવરો નહોતો થવા દેતા. પરિણામે અભયનું વર્તન પણ બદલાવા લાગ્યું હતું. એ હવે ગુમસુમ રહેવા લાગ્યો હતો.

અશોકભાઈનાં પાણીઢોળનાં દિવસે બધાં મિત્રોએ નદીએ નાહવા જવાનું નક્કી કર્યું હતું. અભયને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અભયે ઘસીને ના પાડી દીધી પણ દોસ્તોનાં દબાણને કારણે એ તેનાં પિતાને પુછવા ગયો.

“બાપા, બધા ભાઈબંધ નદીએ નાવા જાય છે. હું એની સાથે જાઉં છું” અભયે કહ્યું. એ જાણતો હતો, તેનાં પિતા તેને ના ક પાડશે પણ ઉદયે તેને સમજાવ્યો હતો એ મુજબ એ તેનાં પપ્પાને જાણીજોઈને પુછવા ગયો હતો.

“નથી જાવાનું” ભુપતભાઇએ વડકું કર્યું.

“વાંધો નય બાપા” અભયે સસ્મિત કહ્યું અને ચાલવા લાગ્યો.

“બીજીવાર પુછવા પણ ના આવતો” ભુપતભાઇએ વડકું કર્યું. અભયનાં પગ થંભી ગયાં. એ પાછળ ફર્યો અને પિતા સામે ઘુરકીને જોવા લાગ્યો.

“હામુ હુ જોવે છો, તને જ કવ છું” ભુપતભાઇએ ફરી વડકું કર્યું, “ કામધંધો કરવો નથી અને આખો દી રખડવું જ છે, તારો બાપ તને પાળવા હવે નવરો નથી. કામ નો થાય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જા”

અભય મૌન બનીને સાંભળતો હતો. તેની અંદર આગ લાગી હતી. જો અત્યારે તેની સામે બીજું કોઈ હોત તો અત્યારે ક્યારનો તેને બે થપાટ લગાવી દીધી હોત.

“હવે કાંઈ બોલવાનું છે ?” અભયે તીખાં શબ્દોમાં દાંત ભીંસીને કહ્યું.

“ હૂ કીધું તે ?” કહેતાં ભુપતભાઇ ઊભાં થયાં અને બધાની સામે અભયનાં ગાલ પર તમાચો ચોડી દીધો.

“શું કરો છો ભુપતભાઇ ?” એક વડીલે આવીને ભુપતભાઇને વાર્યા, “છોકરો છે તમારો”

“નથી !!, મારો છોકરો નથી મારો છોકરો આવો નો પાકે. બધાની વચ્ચે મારી ઈજ્જતનાં ધજાગરા કરે છે” ભુપતભાઇનો ગુસ્સો કાબુ બહાર ચાલ્યો ગયો. અભયને જોઈને તેને વધુ ગુસ્સો આવતો હતો.

“એવું ના બોલો, આ ઉંમરના છોકરાંઓને જલ્દી ખોટું લાગી જાય છે, તેની સાથે અત્યારે દોસ્ત બનીને રહેવાની જરૂર હોય છે”

“દોસ્ત નથી, દુશ્મન છે મારો. આજ સુધી કાંઈ ઉકાળ્યું નથી. બાપાનાં પૈસા જ ઉડાવ્યાં છે અને અત્યારે મારી સામે બોલે છે” ભુપતભાઇ તલવારની તીક્ષ્ણ ધાર જેવાં શબ્દો બોલતાં હતાં જે અભયનાં મગજની આરપાર થઈ ગયાં હતાં.

“શાંત થાઓ ભાઇ. છોરૂ-કછોરું થાય, માવતર કમાવતર નો થાય”

ભુપતભાઇએ ઊંડો શ્વાસ લીધો. એક ફૂંફાડો માર્યો અને શાંત થતાં કહ્યું, “મારી નજર સામેથી દૂર કરો એને, નયતર વધુ બોલાય જાહે મારાથી”

એક વડીલે અભયને જવા ઈશારો કર્યો. અભય ધૂંધવાયને પગ પછાડતો રસ્તો ચીરીને નાસી ગયો. અભયનાં ગયાં પછી બધાં ભુપતભાઇ તરફ નફરતની નજરથી જોવા લાગ્યાં. ભુપતભાઇને પોતાની ભૂલનું ભાન થયું એટલે તેણે ઉદયને ફોન કર્યો અને અભયની ભાળ લેવા કહ્યું.

*

અભય ચાલતો ચાલતો પ્રતાપગઢથી દૂર આવેલાં હડમતાળા પહેલા આવતાં નાળ તરફ આગળ વધતો હતો. તેનાં ખભે એક બેગ હતું, આંખોમાં આંસુ હતાં, ચહેરા પર ગુસ્સો હતો, વિચારોમાં પિતા માટે અઢળક નફરત હતી. એક અવાવરું જગ્યા જોઈને એ એક પથ્થર પર બેસી ગયો અને વાળ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મન ભરીને રડ્યા બાદ તેણે બેગમાંથી નોટપેન કાઢી અને લખવાનું શરૂ કર્યું,

‘મેં શું ભૂલ કરી એ તો કહો બાપા, શું એક દીકરાને તેનાં બાપા પાસે દરખાસ્ત રાખવાની પણ મંજૂરી નથી ?, શું એક દીકરાને સપનાં જોવાની પણ મંજૂરી નથી ?, અરે શું બાપ-દિકરાનાં સંબંધો એટલા માઠાં થઈ શકે છે ?, તમારી ઈજ્જત એ સોનાની અને મારી ઈજ્જત ધૂળની બાપા ?, મોટા ભાઈને તો તમે કોઈ દિવસ નથી ખિજાતાં, એ તમારાં વિચારો સાથે સહમત થાય છે એટલે ?, હું તમારાં વિચારો સાથે સહમત નથી થતો તો શું હું ગુલામ છું ?, હું નથી સહન કરો શકતો હવે, મારામાં સહનશક્તિ રહી જ નથી. તમે ચોવીશ કલાક મારી નજર સામે રહો છો, જ્યારે પણ તમારો ચહેરો મારી નજર સામે આવે છે ત્યારે હું ગુલામ હોઉં એવું મહેસુસ કરું છું.

ના બાપા, છોકરાં ગુલામ નથી હોતાં. તમારાં જમાનામાં તમે જેમ રહ્યાં હશો, તમને જે વાતાવરણ મળ્યું હશે, તમને જે વિચારો, જે માણસો મળ્યા હશે એવું જ મને મળે એવું જરૂરી નથી. પરિવર્તન સંસારનો નિયમ છે અને પેઢી સાથે પરિવર્તન આવે જ છે. હું જ દુનિયાનો કમનસીબે છોકરો છું જેનાં પિતા આ પરિવર્તનને સ્વીકારવા નથી માંગતા. પોતે કરેલી ભૂલો એ ભુલો એનો દીકરો ના કરે એ માટે દીકરાને એટલી હદે દબાવી રાખો છો કે છોકરાને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. હા બાપા, મારો શ્વાસ રૂંધાય છે.

બીજાં લોકો આવીને મને કંઈ પણ બોલો જાય તો મને ફરક નથી પડતો પણ એ વ્યક્તિ જે મને મારાં જન્મથી ઓળખે છે, જેનું લોહી મારી રગોમાં વહે છે, એ જ જ્યારે મને આવા શબ્દો કહે ત્યારે હૃદય આ આઘાત સહન નથી કરી શકતું. તમારાં બોલેલાં એક એક શબ્દો મારાં મગજમાં કંડારાય ગયાં છે. કદાચ આગળ જતાં જો આપણાં સંબંધ સારાં થશે તો પણ તમારાં બોલેલા શબ્દો મને એ વાત યાદ અપાવશે કે તમે મને કંઈ નજરથી જોયો હતો.

આપણાં સંબંધની વાત રહી તો આજથી હું આપણાં સંબંધ વિચ્છેદ કરું છું. તમે જ મને પાણીમાં ડૂબવાની સલાહ આપી હતી અને પહેલીવાર તમારી સલાહ મને યોગ્ય લાગે છે. જતાં પહેલાં હું એક વાત કહેવા માગું છું જે આજ સુધી નથી કહી શક્યો.

કોઈપણ પિતા પોતાનાં દીકરાને સમજ્યા વિના તરછોડશો નહિ, દીકરા માટે તેનાં માતા-પિતા જ સર્વસ્વ હોય છે. એ દીકરીની જેમ જણાવી નથી શકતાં. એને પણ તમારાં સાથની જરૂર હોય છે, કોઈ ભૂલ કરે તો ભૂલ સુધારવવાવાળાની જરૂર હોય છે. કોઈ છોકરાંને માતા-પિતા પર બોજો બનીને રહેવું ગમતું નથી, તેની પણ ઘણી મજબૂરી હોય છે. બધા જ દીકરા પોતાનાં માતા-પિતા સારી અને સવલતવાળી જિંદગી જીવે એવું ઇચ્છતાં હોય છે તો મહેરબાની કરીને એને સમજવાની કોશિશ કરજો.

છેલ્લી વાત, મારાં ગયા પછી મારું બારમું ના કરશો. હું પહેલેથી જ આ રિવાજોથી પરે છું. બની શકે તો મને સમજવાની કોશિશ કરજો અને બીજાં છોકરાઓમાં મને શોધશો.

તમારો દીકરો – અભય’

અભયે ડાયરી બંધ કરી. ફરી તેની આંખોનો બંધ તૂટી ગયો. અભય ઉભો થયો, મોબાઈલ અને ચપ્પલ ત્યાં જ રાખી એ ટેકરી ચડવા લાગ્યો. તેનાં મગજમાં એ દ્રશ્યો ઘુમવા લાગ્યાં જ્યારે તેનાં પિતાએ તેને તરછોડેલો. એ મૂછ મુંડાવીને આવેલો ત્યારની વાત, ભાભીનાં શ્રીમંતની વાત, લોકડાઉનમાં નોકરીની વાત, બહેન બહેન કહીને ભાણીયા આપશે એ વાત, મોટરસાયકની વાત અને થોડાં સમય પહેલાં બધી જ વાતો તેનાં મગજમાં ઘુમતી હતી. ટેકરી પર જઈને તેણે ઊંડો શ્વાસ લીધો. તેનું મગજ વિચાર શૂન્ય થઈ ગયું, શરીર બરફ કરતાં પણ વધુ ઠંડુ થઈ ગયું, મગજમાંથી નીકળેલી એક ધ્રુજારી પૂરાં શરીરમાં થઈને પગ પાસે આવીને સ્થૂળ થઈ ગઈ અને અભયે કૂદકો માર્યો.

પાણીમાં પડીને અભય ક્રિયાશૂન્ય થઈ ગયો. તેની નજર સામે વારાફરતી પોતાનાં પરિવારનાં સદસ્યોનાં હસતાં ચહેરા આવી રહ્યાં હતાં. થોડીવાર થઈ એટલે શરીરમાં રહેલો ઓક્સિજન પૂરો થઈ ગયો. શરીરને જીવંત રહેવા માટે નવા ઓક્સિજનની જરૂર હતી પણ અભયની આસપાસ પાણી સિવાય બીજી કશું નહોતું. જયારે ઓક્સિજન વિના તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો ત્યારે બે હાથ ફેલાવ્યાં અને ઉપર આવવાની કોશિશ કરી પણ અભયને તરતાં નહોતું આવડતું. પાણીના પ્રવાહ સાથે એ પણ લાકડાની જેમ વહેવા લાગ્યો.

*

છેલ્લી ત્રણ કલાકથી બધાં અભયને શોધી રહ્યાં હતાં પણ અભયનો કોઈ પત્તો નહોતો. ભુપતભાઇ સાથે તેનો પૂરો પરિવાર અને પ્રતાપગઢનાં લોકો ચિંતામગ્ન થઈને ભુપતભાઇનાં ફળિયામાં એકઠાં થઈ ગયાં હતાં. ભુપતભાઇને પોતાની ભૂલ હવે સમજાઈ રહી હતી અને મનમાં અમંગળ વિચારો પણ આવવા લાગ્યાં હતાં. અભય મળે એટલે તેની માફી માંગીને તેને ઈચ્છા પડે એમ કરવા દેવાનો વિચાર ભુપતભાઇને આવ્યો પણ હવે ખૂબ જ મોડું થઈ ગયું હતું એ ભુપતભાઇ નહોતાં જાણતા.

એક છોકરો હાંફતો હાંફતો આવ્યો અને જોરથી ભુપતભાઇનાં ઘરની ખડકી ખોલી.

“કાકા, મને આ પેલાં નાળા પાસેથી મળ્યું” છોકરાએ ગભરામણ સાથે કહ્યું. તેનાં હાથમાં એક બેગ, મોબાઈલ અને એક ચપ્પલની જોડી હતી.

“આ તો અભયનું છે” ભુપતભાઇએ વસ્તુ હાથમાં લઈને કહ્યું.

“ફોન નિચે આ ચિઠ્ઠી રાખેલી હતી” પેલાં છોકરાએ ચિઠ્ઠી આપતાં કહ્યું.

“વાંચ જલ્દી” એક વડીલ ભુપતભાઇની બાજુમાં આવીને ઊભા રહ્યા. છોકરાએ મોટા અવાજે ચિઠ્ઠી વાંચી.

ચિઠ્ઠીમાં લખેલું સાંભળીને ભુપતભાઇ ત્યાં જ ઢગલો થઈ ગયાં, તેની સાથે તેનો પરિવાર પર રડવા લાગ્યો. થોડીવારમાં પૂરાં પ્રતાપગઢમાં રાડારાડ થઈ ગઈ.

“તમે બધાં પેલાં રોવાનું બંધ કરો” એક વડીલે વડકું કર્યું પણ તેનો અવાજ રડવાનાં અવાજ વચ્ચે દબાય ગયો. ભુપતભાઇ પણ બે હથેળી વચ્ચે માથું રાખીને ચોધાર રડતાં હતા.

“ભુપત, ઉભો થા અને પેલાં એ જગ્યાએ ચાલ” એક વડીલે સલાહ આપી. એ જ મિનિટે પ્રતાપગઢમાંથી એકસાથે આઠ-દસ મોટરસાયકલ દોડી અને નાળા પાસેની જગ્યાએ પહોંચી. જેટલાં લોકોને તરતાં ફાવતું હતું તેઓ બધાં નદીમાં કૂદી પડ્યા અને અભયની શોધખોળ કરવા લાગ્યાં. ત્રણ કલાકની મહેનત પછી પણ અભય ના મળ્યો.

આખરે, અભય હવે આ દુનિયામાં નથી રહ્યો એવું બધાંએ સ્વીકારી લીધું અને ઘર તરફ પાછા ફર્યા. ઘરનો મહાલો કંઈક આવો હતો,

એક જીગરી દોસ્ત હતો, જેણે થોડાં દિવસ પહેલાં જ પોતાનાં દોસ્તને આત્મહત્યા ન કરવા માટે મનાવ્યો હતો, ખૂણામાં ઉભેલો એ દોસ્ત મૌન બનીને રડી રહ્યો હતો.

એક મોટો ભાઈ હતો, જેને હજી વિશ્વાસ નહોતો આવતો કે તેનો નાનોભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યો.

એક ભાભી હતા, જેણે બે વર્ષના બાળકને ખોળામાં તેડ્યું હતું, સાડીનાં પલ્લું વડે ચહેરો ઢાંકેલો હતો અને આંખોમાં આંસુનું ઝરણું હતું.

એક બાપ હતો, જે ખૂણામાં બેસીને ચુપચાપ રડતો હતો.

એક માં હતી, જેને થોડી કલાક પહેલાં જ પોતાનાં જુવાન છોકરાને ગુમાવ્યો હતો. એ બિચારી રડી શકે એવી હાલતમાં પણ નહોતી. બે હાથ માથા પર પછાડીને એ બેસી ગયેલાં અવાજે રુદન કરતી હતી.

કુળનો એક દિપક હવે બુઝાઈ ગયો હતો, જે કદાચ ઘણાં ઘરોને, ઘણાં માતા-પિતાઓનાં વિચારોને રોશન કરીને બુઝાયો હતો.

(સમાપ્ત)

ઉપસંહાર

માતા-પિતા કોઈ દિવસ પોતાનાં સંતાનોનું ખરાબ નથી ઇચ્છતાં, તેઓ હંમેશા પોતાનાં બાળકોનાં હિત વિશે જ વિચારતાં હોય છે પણ ઘણીવાર ગેરસમજ અથવા અહમને કારણે વાત વણસે ત્યારે ભુપતભાઇ અને અભયનાં સંબંધ જેવી પરિસ્થિતિ સર્જાય છે. તો અહીં પિતા અને પુત્ર બંનેને સમજવું જરૂરી બને છે. અંગ્રેજીમાં ‘Toxic Perents’ નામનો એક શબ્દ છે, જેનો ગુજરાતી અર્થ ‘વાતવાતમાં ટોક-ટોક કરતાં માતા-પિતાં’ એવો થાય છે. નવલકથામાં જણાવ્યાં અનુસાર બાળક જ્યારે જન્મે ત્યારે તેને વહાલ કરવાનો હોય છે, ત્યારબાદ તેનાં ગુરુ બનીને બાળકનાં જીવન ઘડતરમાં યોગદાન આપવાનું હોય છે. જ્યારે એ જ બાળક અઢાર વર્ષનું થાય ત્યારે તેની સાથે મૈત્રીપુર્ણ સબંધ બાંધવાના હોય છે.

ઘણાં માતા-પિતા બાવિશ વર્ષનાં યુવાન સાથે પણ દસ વર્ષનાં બાળક જેવું વર્તન કરે છે, જે અયોગ્ય છે. બાવિશ વર્ષનું બાળક નથી હોતું, બાવિશ વર્ષનાં યુવાન હોય છે. જે માતા‌-પિતાં પોતાનાં બાળકને સમજે અથવા સમજવાની કોશિશ કરે છે તેઓને અભિનંદન અને જે માતા‌-પિતાનાં સબંધ અભય અને ભુપતભાઇ જેવા છે, તેઓને બે હાથ જોડીને વિનંતિ છે. તમે તમારાં પુત્ર/પુત્રીને બાજુમાં બેસારો, તેની સાથે વાતચિત કરો.એ સામેથી પોતાનાં સુખ-દુઃખની વાતો કરે તેવું વાતાવરણ ઘરમાં બનાવો. એ સામે ચાલીને બધું કહેશે એવી અપેક્ષાએ બેસી રહેશો તો એકવાર ચેતજો, અભય પાગલ નહોતો.

અહીં, આ નવલકથાનો પ્રથમ અંક પૂર્ણ થાય છે. અગાઉ જણાવ્યા મુજબ નવલકથાનાં બે અંક છે માટે પહેલાં અંક પરથી કોઈપણ પાત્ર વિશે ધારણ ન બાંધશો. સિક્કાનો હજી એક પહેલુ સામે આવ્યો છે, આગળનાં ભાગમાં બીજો પહેલુ સામે આવશે.

અહીં, પિતાનાં પાત્રને વધુ પડતું નકારાત્મક આલેખવામાં આવ્યું છે, હકીકતમાં જૂજ પિતા જ એવાં હશે એ આ પ્રકારની વિચારસરણી ધરાવતાં હશે, ખાસ કરીને ગામડામાં. માટે પિતાનાં નકારાત્મક પાત્ર માટે લેખક વિશે ખોટા મત ન બાંધશો. બીજો અંક વાંચીને નવલકથાનો સાર સમજવાનો પ્રયાસ કરશો.

- મેર મેહુલ

Contact info. - 9624755226

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED