ઉમાકાંંત મેવાડા (સિવિલ એન્જીનીયર)
મકરસંક્રાંતિ એટલે પતંગ ઉડાડવીને ઉજવાતો એક મજાનો તહેવાર.નાના થી લઇને મોટેરાઓ નો મનપસંદ તહેવાર.આ તહેવાર ઉજવવા પાછળ દરેકના મતે અલગ અલગ કારણો રહેલા છે.ભારત દેશમાં અને ખાસ કરીને આપણાં ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો એક સૌથી પ્રાચીન હિન્દુ તહેવાર છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.ગુજરાત સરકાર દ્વારા તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નું આયોજન પણ કરવામાં આવે છે જેમાં ભારત અને અન્ય દેશોમાંથી પ્રવાસીઓ ગુજરાત આવે છે.
શા માટે ઉજવાય છે મકરસંક્રાંતિ નો તહેવાર ? આમ જો એનું ધાર્મિક મહત્વ જોઇએ તો મકરસંક્રાંતિ,સૂર્યદેવને સમર્પિત એક તહેવાર છે,શુભ સમયગાળાની શરૂઆત ઉતરાયણના તહેવારની ની ઉજવણી થી થાય છે. (સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે.) આમ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે. જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. (ઇ.સ.૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.) આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.મોટાભાગના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ હોય શકે છે.મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે..
આતો થઇ ધાર્મિક મહત્વની વાત પણ કેટલીક માન્યતાઓ અનુસાર, મકરસંક્રાંતિ પર બહાર ખુલ્લા આકાશ નીચે કે ધાબે પતંગ ઉડાવવાની પરંપરા થકી આપણું શરીર સૂર્ય કિરણના સંપર્કમાં આવે છે .જેના લીધે એવું માનવામાં આવે છે કે શરીરની ત્વચાને થતાં ચેપ અને શિયાળા સાથે સંકળાયેલી બીમારીઓથી છુટકારો મળે છે.સૂર્યના પ્રારંભિક કિરણોના સંપર્કમાં રહેવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે વિટામિન ડી નો મુખ્ય સ્રોત છે.સાથે સાથે પતંગ ઉડાવવાનો આનંદ પણ મળે છે.પતંગ ઉડાડવી એ મકરસંક્રાંતિની ઉજવણીનો એક આંતરિક ભાગ છે. અને મકરસંક્રાંતિની સવારથી રંગબેરંગી પતંગો આકાશને શણગારે છે. આ દિવસે તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા,સુંદર અને નવા કપડાં પહેરી વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "એ........કાયપો છે!" "એ કાટ્ટા!" "એ...લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે.આમ તો આ તહેવાર સમગ્ર ભારત દેશમાં ઉજવાય છે. પરંતુ તે મોટાભાગે ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ વધારે ઉત્સાહથી ઉજવાય છે.અહી ગુજરાત માં કેટલીક જગ્યાએ તો દિવાળી પછી તરત જ લોકો પતંગ ઉડાવવાનું શરું કરી દે છે.
આપણે ગુજરાતીઓ તો આ દિવસે(તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) 'ચિકી' (એક મિઠાઇ) ખુબ ખાઇએ અને ખવડાવીએ છીએ.આમ મકરસંક્રાંતિ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. પતંગ શોખીનો રાત્રે કાળા અંધારામાં આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિનો બીજો દિવસ 'વાસી ઉતરાયણ્' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.