આજના યુવાને શુ કરવું ? I AM ER U.D.SUTHAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજના યુવાને શુ કરવું ?

ઘણા લાંબા સમય પછી  સમાજને લાભકારક થઈ શકે તેવો એક વિષય મળ્યો, ને મારો હંમેશા એ પ્રયત્ન રહ્યો છે કે આજ રીતે કોઈના કોઈ વિષય દ્વારા મારા સમાજના લોકો સમક્ષ કંઈક ઉપયોગી થઈ શકે તેવી માહિતી રજૂ કરી શકું. આજનો વિષય મારો આજના યુવાન માટે છે. આજના યુવાનને હમેશા એક પ્રશ્ન સતાવતો હોય છે.કે કોલેજ પત્યા પછી શું કરવું? જયાં સુધી કોલેજકાળ ચાલુ છે. ત્યાં સુધી તો કદાચ બધો જ સમય બસ એજ કોલેજની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કોલેજનો અભ્યાસ, મિત્રો સાથે હરવા-ફરવા તથા કોલેજના વિવિધ અસાઈનમેંટ અને એકઝામ્સ વિગેરે વિગેરે.. માં ઝડપથી પસાર થઈ જાય છે ને આમ કરતા કરતાં કોલેજના પ્રથમ દિવસમાંથી કોલેજનો છેલ્લો દિવસ કયારે આવી જાય છે તેની ખબર પણ પડતી નથી. ને જયારે કોલેજના છેલ્લા વર્ષમાં પહોંચે ત્યારે મનમાં એક ડર ઉદ્ભવે ! ને એ ડર માંથી એક પ્રશ્નનો ઉદ્ભવ થાય ને પ્રશ્ન એટલે... હવે પછી શું....? કોલેજ તો પતી જશે પણ હવે પછી મારા કરીયરનું શું ? મારે ક્યાં ક્ષેત્રમાં આગળ વધવું ? આવા બીજા અનેક પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે ને પછી એનું નિરાકરણ મેળવવા માટે કોઈને કોઈ માણસને પૂછતા ફરે છે, ને એવામાં પાછા આ દુનિયામાં શિખામણ આપવામાં તો લોકો ઉસ્તાદ હોય જ છે અને આવા લોકો જે કામ પોતે પોતાની લાઈફમાં કયારેય કર્યું નથી હોતું તેવું કામ કરવા આવા વ્યક્તિ ને શીખામણ રૂપે બતાવે છે.સામાન્ય રીતે મેં જોયુ છે કે જે માણસ આપણ ને કહેતો હોય કે દિવસ દરમિયાન કઈ રીતે કામ ને પાર પાડવું જોઇએ અને એવી શીખામણ આપવા વાળા માણસો પોતે જ એવા કામો કેવી રીતે પાર પાડવા તે અંગે ના મોટીવેશનલ વીડીઓ ઇન્ટરનેટ પર જોઇ ને પોતાની જાતે ચાર્જ થયા કરતો હોય છે તે છતા એ કામ પાર પાડી શક્તો નથી.મારા આજના લેખમાં હું કોલેજ કાળ પછીના સમયમાં રહેતી સમસ્યાઓ અને પ્રશ્નો ના  ઉકેલ કેમ લાવવા તે અંગે કંઈ જ કહેવા નથી માગતો કારણ કે એ માટે તો ઘરના અનુભવી વડીલો પાસેથી કે જ્ઞાની લોકો કે પછી સમાચાર પત્રો  કે વિવિધ સામયિકોમાં છાપાતા લેખ દ્વારા તેનો જવાબ ચોક્કસ મળી જશે, પરંતુ હું અહી વાત કરવા માગું છું જે હું તો પોતે પણ પાળુ છું. જાતે અનુભવું છું અને મને લાગે છે કે કદાચ તમે પણ આટલું કરશો તો કોલેજકાળ પછીના સમયમાં આવતી ઘણી ખરી સમસ્યાઓ તથા પ્રશ્નો ઉદ્ભવતા જ અટકી જશે અને જીવનના દરેક તબક્કે ક્યાંકને ક્યાંક જરૂર ઉપયોગી થશે. સામાન્ય રીતે આગળની જિંદગીમાં શું કરવું તેના પણ કદાચ અઢળક વિકલ્પો મળી રહેશે. કોલેજ કાળ પૂર્ણ થયા પછીનો સમય એટલે કદાચ ૨૦-૨૧ વર્ષની ઉંમર ને આ ઉંમરમાં કેટલાક કરવા જેવા અને રોજીંદા જીવનમાં ઉતારવા જેવી કેટલીક બાબતો વિષે વાત કરવા માગું છું. 

                              (૧) વીસ-એકવીસ વર્ષની વય જયાં માણસ કોલેજ લાઈફ પૂરી કરી જીંદગીની ખરી કસોટીમાં પગ માંડી રહ્યો હોય છે. એટલે કે આ વયમાં માણસ કલુલેશ હોય છે. જીવનમાં શું કરવું? શું ના કરવું ? તેની અવઢળમાં હોય છે એટલે આ સમયે કરવા જેવું પહેલું કામ.. કંઈક કરવાની ટેવ પાડો. હા..ટેવ. કોઈ પણ વસ્તુ પાછળ જો મિનીમમ એકાદ મહીનો આપશો તો ધીરે ઘીરે તે તમારી ટેવ બની જશે અને સમય જતાં તમારા રોજીંદા જીવનનું એક નિયમિત કાર્ય બની જશે. અને પછી તમારું મગજ એ કામ રોજ નિયમિત પણે આપોઆપ પૂર્ણ કરી નાખશે. 

૧. રોજ આશરે ૩૦ મિનિટની મિનીમમ કસરત કરો 

૨.ફાસ્ટફુટ બને તેટલા ઓછા કરીને સારા ફળ-શાક ખાઓ 

૩. તમારા મગજની કાળજી લેવાની શરૂ કરો, મતલબ કે ગમે તેવો કચરો ન નાખતા તેમાં ઉપયોગી માહિતી જ ભરો

૪.રોજ એક કલાક તમારૂ મનપસંદ અથવા તમને ગમતા વિષય પરનું કોઈ એક પુસ્તક વાંચો હા ન્યૂઝપેપરમાં આવતી બુધવાર અને રવિવારની પૂર્તિઓમાં આવતા વિવિધ વિષયો પરના લેખ પણ વાંચી શકો છો. બ્લોગ કે ઈન્ટરનેટ પરના નહી હાર્ડબુક વાંચવાની અહીં હું વાત કરૂં છું. 

૫. મોબાઈલ કે વોટ્સ એપ કે પછી ફેસબુક પર ફાળવાતો વધારે પડતો સમય ઘટાડીને ટેકનોલોજી લગતા કોઈ સારા વિડીયોઝ કે કોઈ સારી વ્યકિતત્વ કેળવતી ફિલ્મો જોવી, સારૂ મ્યુઝિક સાંભળવું અથવા કોઈ એક સારી કળા શીખવાની કોશિશ કરો.. હા કોઈ એક મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ શીખી શકાય છે. પેઈન્ટીંગ પણ કરી શકાય છે. વિગેરે...


                            (૨) આ ઉંમરે તમારી રીલેશનશીપની કાળજી રાખો એટલે કે ભરપૂર દોસ્તી કરો, સારા સારા મિત્રો બનાવો, સારી સારી જોવાલાયક અને માણવાલાયક જગ્યાઓની મુલાકાત લો. પોતાના માતા-પિતા જોડે દિવસમાં એકાદવાર બેસી શાંતિથી એમની જોડે વાતચીત કરો. એમને ખૂબ ઊડે સુધી જાણવાની કોશિશ કરો. તેમની જોડે બેસી તેમના ભૂતકાળને જાણવાની અને તેમના અનુભવો મેળવવાની કોશિશ કરો. તમારા સપનો તમારી ઈચ્છાઓ શું છે તે તેમની અને ઘરના બાકીના લોકો જોડે વ્યકત કરો.


                 ઘરના તમામ લોકો, મિત્રો અને નજીકના સગા- સંબંધીઓના જન્મદિવસ અને એનીવર્સરી યાદ રાખી જે - તે દિવસે જે તે વ્યક્તિને શુભેચ્છા પાઠવો જેથી તમારી કાઈન્ડનેશ એ માણસ જીવનભર યાદ રાખશે. શકય હોય તો નાની નાની વાતોમાં મગજ ખરા કર્યા વિના મન મોટું રાખીને દરેક માણસને માફ કરી દેતા શીખો. આ ઉંમરમાં જેટલા લોકો સાથે રીલેશનશીપ સારી હશે એટલા લોકો પાછળની લાઈફમાં મદદ કરશે... પણ હા ઈમોશનલ બ્લેકમેલ કરતાં અને તમને વાપરી જતાં મૂર્ખ બનાવતા લોકોથી દૂરી રાખતા પણ શીખી જાઓ. અને ખોટી વાતમાં ના પાડતા પણ શીખી જાઓ... એ પણ જરૂરી છે.


(૩) તમારા ખિસ્સામાં પડેલા રૂપિયાનું સારી રીતે મેનેઝમેન્ટ કરતાં શીખી જાઓ. માં-બાપના પૈસા ઉડાવવા કરતાં કઈ રીતે પોતે જાતે મહિનાનું ખર્ચ કાઢવું એ વિષે વિચારો.વિચારો હા શેર બજારમાં કયારેય પડશો નહિ...પણ ભણતા હોતો સાઈડમાં નાનકડી કોઈ પાર્ટટાઈમ જોબ મેળવીને ત્યાં અનુભવ લો. પાર્ટ ટાઈમ જોબ તમને ખૂબ સારો એવો અનુભવ આપશે તથા ભવિષ્યમાં એ અનુભવ તમને જીવનના કોઈ ના કોઈ તબક્કે કામ લાગશે સાથે સાથે વર્તમાનમાં આર્થિક રીતે મદદરૂપ સાબિત થશે. જે મેં પણ મારી ડીગ્રી અને સાઈડમાં પાર્ટ ટાઈમ જોબ બંને સાથે કરીને અનુભવ્યું છે. જે આજે પણ ઘણું ઉપયોગી સાબિત થયું છે. તમને જે ક્ષેત્રમાં રસ હોય શોખ હોય તેવા ક્ષેત્રમાં હંમેશા જોબ શોધવાની કોશિશ કરો નહિ કે લોકોનું અનુકરણ કરીને તમારા શોખ ને તમારો પેશન બનાવો અને એજ પેશનને જો તમે તમારો વ્યવસાય બનાવશો તો જીંદગીભર ખુશ રહીને જીવી શકશો. ભલે પછી નાનકડો ધંધો જ કેમ ન કરતાં હોય...


(૪) તમારા કોમ્યુનિકેશન પાવરને વધુ સ્ટ્રોગ બનાવો. મોટાભાગના કિસ્સાઓમાં મિસ અંડરસ્ટેન્ડ થયેલા કોમ્યુનિકેશન હોય છે, જે પરીણામે દુઃખમાં પરિણમે છે. લોકો જોડે વાત કરતાં શીખો. સારો પત્ર કે મેઈલ લખતા શીખો. સામેના માણસને પૂરી રીતે સાંભળી, તેના વાક્યો ને પચાવીને પછી બે વાર વિચારીને બોલતા શીખો મિત્રો હોય, સગા-સબંધીઓ હોય કે પછી પરિવારજનો હોય કે પછી કંપનીનું ઈન્ટરવ્યુ જ કેમ ન હોય સાચું બોલો અને સાચું બોલવાની ટેવ કેળવો. એક વાત સમજો જેટલું અંદર હોય એટલું જ બહાર દેખાય છે. માટે સાચું બોલો...નાના બાળકથી માંડીને મોટા વડીલ સુધી તથા નાના માણસથી લઈને મોટી કંપનીના માલિક સમજી શકે તે રીતે પોતાની વાત મૂકો સત્ય બોલવું સહેલું છે, અને ખૂબ ઉપયોગી પણ છે એટલે શક્ય હોય તો આજથી જ આ ટેવ કેળવવાની કોશિશ કરો. અને જેવા છો તેવા જ દેખાવાની કોશિશ કરો. સોશિયલ મીડીયા પરની વ્યકિત કે લોકોનો પીછો કરવા કરતાં વાસ્તવિક વ્યક્તિઆને મળો તેમજ રીયલ લાઈફમાં


જેવું જીવો છો તે પ્રકારની પોસ્ટ કરો....


 (૫) રખડો મતલબ કે ફરો, પરીવાર સાથે ફરો અને જો પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો એકલા ફરો, ઓછા ખર્ચે ફરતા શીખો અને જો દોસ્તો કે મિત્રો સાથે ફરવા જાઓ તો એવી ટેવ પાડો કે એવા મિત્રો સાથે જાઓ જેમની સાથે તમે તમારી જાતનો સંગાય કરી શકો... જો એકલા પણ મુસાફરી કરશો તો પોતાની જાત સાથે વાતો થશે. પોતાના સપના અને તાકાત વિષે ખબર પડશે. પોતાની અંદરની શક્તિઓ સાથે મુલાકાત થશે.


(૬) તમે પોતેજ તમારી જાતને સક્ષમ બનાવવાની કોશિશ કરો. યાદ રહે યુવાનીમાં મોજ શોખ કરવાની તીવ્ર ઈચ્છાઓ થશે અને તે કરતાં સમય ફટાફટ ભાગી જાય છે, જયારે સાચો સમય આવશે ત્યારે સમય હાથમાં નહી હોય. આ ઉંમરે એક વાત તો નક્કી કરી લેવાની કે આજે જે કામ હાથમાં લઈશ તે પૂરું કરીને જ ઝંપીશ, તેમજ પ્રાયોરીટી મુજબ કામને અગ્રતાક્રમ આપવો કામ પાર પડયા પછી બાકી રહેતા સમયમાં મોજ શોખ કરી શકાય છે (મોજ શોખ એટલે મનગમતી પ્રવૃત્તિ બીજું કંઈ નહીં.) 


(૭) કમ્ફર્ટઝોનમાંથી બહાર નીકળો, મોટાભાગના યુવાનો પોતાના કોલેજ કાળમાં પોતાનું કમ્ફર્ટ શોષતા રહે છે, તેમાંથી કયારેય બહાર નીકળવાનું વિચારતા નથી. પોતાને ગમતું કામ શોધવાની જરાય તસ્દી લેતા નથી માત્ર પોતાના ભણવા પૂરતા કલાક કામ કરીને બાકીના કલાકોમાં ટાઈમપાસ કરે છે, અને એટલે જ કહું છું કે બેટર છે કે તમારી જાતને કમ્ફર્ટઝોનમાંથી બહાર કાઢીને પોતાની જાત સાથે એક્ષપરીમેન્ટ કરો, જો કોલેજમાં હોય તો કોલેજના કલ્ચરલ અને ટેકનીકલ ફેસ્ટમાં ભાગ લો અને તે માટે કમ્ફર્ટઝોન છોડીને પરાણે કામ કરવું પડે તો એ પણ કરો. કોઈ પુસ્તક વાંચવા બેસવું પડે તો તમારૂ મન ના પાડશે તે છતાં ગમે તેમ કરીને તે કામ કરવાની અને તેને પાર પાડવાની કળા શીખી લો.


(૮) મહત્વની વાત કંઈક સર્જન કરવાનું વિચારો... ભલે ને પછી જોબ લાઈફ હોય કે કોલેજ લાઈફ હોય...ઘણી વાર માણસ પોતાની વૃત્તી પ્રમાણે હંમેશા એમજ કહ્યા કરે કે ટાઈમ જ મળતો નથી... પણ ખરેખર એવું છે જ નહી કારણ કે ટાઈમ બધા પાસે હોય છે, કુદરત દરરોજ બધાને એક નવો કડકડતી નોટ જેવો દિવસ આપે જ છે અને દરેકને સરખો જ સમય મળે છે અને કોઈ માણસ એટલો તો બીજી (Busy)હોય જ ના શકે કે થોડો પણ સમય ના કાઢી શકે.. અને સમય કાઢીને પણ ઘણી વાર કામ કરવા પડે છે. આ સમય એવો છે (૨૦-૨૧ વર્ષની વય) કે તમે જે ધારો એ કરી શકો છો.તમારું કરેલું કામ લોકો સમક્ષ મૂકવા માટે પણ અત્યારના સમયમાં તમને સારૂએવું પ્લેટફોર્મ સરળતાથી મળી રહે છે ધારો કે તમે કોઈ લખેલો લેખ કે કવિતા ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર મુકશો એટલે તરત જ ખબર પડી જશે કે તમારા કામમાં કેટલો દમ છે... એટલે આ પ્રકારની કોઈ કામગીરી પણ કરો.


(૯) અને છેલ્લે ખૂબ જ ઊંડાણપૂર્વકનું વિચારો, મતલબ કે કોઈ પણ કામ, વિષય કે વ્યકિત ને ખૂબ ઊંડાણથી સમજો, આ ટેવ જીવનભર સાથે રાખો. જે તમને સફળ બનાવશે, લોકોને સારી રીતે સમજવાની શકિત આપશે. દરેક વ્યકિત પાસેથી સારૂ શીખવા જેવું કંઈક ને કંઈક હોય જ છે, જે તેમની પાસેથી શીખો, કોઈ સમાચારપત્ર, બુક, કોઈ વેબસાઈટ કે પછી કોઈ આર્ટ હોય તેને સમજવાની કોશિશ કરો, અને જો શક્ય હોય તો તેને પોતાના જીવનમાં વણી લો... જો નજીકના લોકો ને પ્રેમ પણ ઉપરછલ્લો ન કરતાં ઊંડો પ્રેમ કરો, ઊંડું જીવો અને ખૂબ ઊંડાણથી ખુશીઓ શોધો....


બસ આટલું કરશો તો ધીરે ધીરે પચીસ વર્ષની ઉંમર સુધીમાં તમે તમારા જીવનમાં ઘણા જ આગળ નીકળી ગયા હશો. સફળતાની કેડી પર પસાર થઈ રહ્યા હશો. જીવનમાં દરેક ક્ષેત્રમાં તમે કઈક ને કંઈક મેળવ્યું હશે અને આ પચીસ વર્ષની ઉંમર સુધીમાં તમે જે કંઈ પણ મેળવ્યું હશે એજ સાચું અને સાર્થક હશે, જે સમગ્ર જીવન દરમિયાન સાથે રહેશે, કારણ કે આ સમય પછીની ઉંમરમાં માણસે લગભગ આપવાનું જ હોય છે. લેવાનું કશું જ હોતું નથી, પણ જે લીધેલું હોય છે તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને આગળનું જીવન સારી રીતે પસાર કરવાનું હોય છે.