An occasion books and stories free download online pdf in Gujarati

એક પ્રસંગ

ઘણાં સમય પહેલાંની આ વાત છે. ગુજરાતની અમુક શાળાઓમાં ગાંધીજીનાં સિધ્ધાંતોને અનુસરીને શિક્ષણ અપાતું હતું. આવી જ એક શાળામાં જાગૃતિ ભણતી હતી. આ શાળામાં મુખ્ય વિષયો સાથે અમુક બીજાં વિષયો પણ શિખાવડતાં હતાં જે જીવનમાં પ્રેક્ટિકલ રીતે કામ લાગે. આ શાળામાં છોકરીઓ માટે સિવણનો વિષય હતો ને છોકરાંઓ માટે સુથારીકામનો વિષય હતો. પાંચમા ધોરણમાં આવ્યાં પછી આ વિષયો સિલેબસમાં આવતાં હતાં.

જાગૃતિ છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારનો આ પ્રસંગ છે. ઈતિહાસનાં પિરિયડ પછી સિવણનો પિરિયડ હતો. આ પિરિયડમાં સિવણ વર્ગમાં સિવણનો ડબ્બો લઈને જવાનું. ક્લાસરૂમમાં શિખાવાડવામાં આવતું નહિ. બૅલ વાગી. ઈતિહાસનાં સર ગયાં એટલે છોકરીઓ સિવણ વર્ગમાં ગઈ ને છોકરાંઓ સુથારી વર્ગમાં ગયાં.

સિવણ ટીચરનું નામ મીરાં હતું. મીરાં ટીચર ખૂબ જ કડક. જરા કોઈ વાત કરતું હોય કે બરાબર સિવણકામ ન કરતું હોય તો લાંબી લાકડાંની ફૂટપટ્ટીથી મારે. બધી જ છોકરીઓ એમનાંથી ખૂબ જ ડરે. મીરાં ટીચરનો ધાક એકદમ જ જોરદાર હતો. પણ ખૂબ જ સારું સિવણકામ શિખાવાડતાં હતાં. અલગ-અલગ જાતનાં ટાંકા લેતાં શિખવાડતાં. સરળ ભરતકામમાં ફાંક, બખિયો, ઓટણ, દોરાટણ , ગાજ-બટન, હૂક-આઈ વગેરે.

બધી જ છોકરીઓ એક એક ટેબલ પાસે જઈને બેસી ગઈ. ડબ્બો ખોલ્યો. કપડું કાઢ્યું. સિવણનો બીજો સામાન કાઢ્યો.
મીરાં ટીચરે બધાંને અલગ-અલગ ટાંકા લઈ સીવવાનું બતાવ્યું. હોમ વર્કમાં એક ચોરસ કપડાંનાં ટુકડામાં બખિયો કરી લાવવાનું કહ્યું.

"બધાંએ જ પોતાનાં હાથેથી કરવાનું છે. મશીનમાં કરીને લાવવાનું નથી. સમજ્યા." વાઘની ત્રાડ જેવાં અવાજે બોલ્યાં.

"હા, ટીચર..." બધી જ છોકરીઓ એકસાથે બોલી ઉઠી. એ સાથે જ બૅલ વાગી. બધી છોકરીઓએ સામાન ડબ્બામાં મૂક્યો. લાઈન બનાવી ક્લાસરૂમમાં જતી રહી.

બખિયો કરવો એટલે ખૂબ જ અઘરું કામ. ઘણો સમય જાય એને કરવા માટે.જો કે એક અઠવાડિયાનો સમય હતો, કારણ સિવણનો પિરિયડ અઠવાડિયામાં એક જ વાર આવતો હતો. પણ છેક સુધી કોઈપણ છોકરીએ હાથમાં સોય પકડી ન હતી. બધાંને જ કંટાળો આવ્યો હતો.

અઠવાડિયા પછી સિવણનો પિરિયડ આવ્યો. મીરાં ટીચરે બધાં પાસે હોમ વર્ક માંગ્યું. જાગૃતિ અને એનાં જેવી બીજી ચાર છોકરીઓને છોડી બધાંનું જ મશીન વર્ક કરેલું હતું. એક પછી એક બધાંએ પોતાનાં નંબર પ્રમાણે સિવેલું કપડું દેખાડ્યું. ટીચરે બધાંને જ દસમાંથી દસ માર્ક આપ્યાં ને જાગૃતિ અને પેલી ચાર છોકરીઓને દસમાંથી છ માર્ક આપ્યાં.

જાગૃતિને નવાઈ લાગી. ટીચરે પોતે જ મશીન વર્ક કરાવવાની ના પાડી હતી ને આજે એમણે એ લોકોને જ વધારે માર્ક આપ્યાં. એ પેલી બીજી એનાં જેવી જ ચાર છોકરીઓ અંદરો અંદર વાત કરવા લાગી.

"મેં તો પાંચ દિવસની મહેનતે હાથેથી બખિયો કર્યો હતો, મને એમ કે ટીચર મારાં વખાણ કરશે , પણ...."

"અમે પણ જાતે જ બખિયો હાથેથી ભર્યો છે."

"ચાલ આપણે ટીચરને પૂછવા જઈએ."

પાંચેય ડરતાં- ડરતાં ટીચર પાસે જઈને પૂછે છે કે આવું કેમ કર્યું.

પહેલાં તો ટીચર સ્વભાવ મુજબ ખૂબ જ ગુસ્સે થઈ પાંચેયને ખિજાઈ. પછી ધીરે રહીને કીધું,

" એ લોકોનું કેવું એકસરખું હતું. તમારાં પાંચેયનું કેવું આડુંઅવળું જાય છે."

"ટીચર એ લોકોનું મશીન વર્ક છે, અમે હાથેથી કરેલું છે."

"તો તમારે પણ મશીન વર્ક જ કરાવી લેવું જોઈએ. હાથથી કરેલું આમેય ગંદું તો દેખાય છે. "

"પણ..., ટીચર તમે તો કીધું હતું કે મશીન વર્ક નહિ ચાલે."

"મેં તો એવું કીધું જ નથી. મેં તો એવું કીધું હતું કે મને હોમવર્ક કરેલું જોઈએ."

પાંચેય છોકરીઓ ટીચર સામે વધારે કંઈ બોલી નહિ. ચૂપચાપ આવીને બેસી ગઈ.

આમાં વાંક કોનો હતો? ટીચરનો? જાગૃતિ અને એ ચાર છોકરીઓનો? કે પછી બાકીની બીજી છોકરીઓનો?

આમાં વાંક હતો પરિસ્થતિનો. મીરાં ટીચર ઉંમરલાયક હતાં. કહેલી વાત ભૂલી જતાં હતાં. એ શું બોલ્યાં હતાં એ તેમને યાદ રહ્યું નહિ. મશીન વર્ક કરેલી છોકરીઓની સંખ્યા વધુ હતી. જાગૃતિ લોકો માત્ર પાંચ જ જણ હતાં. એટલે એ લોકોનું કંઈ ચાલ્યું નહિ. ઈમાનદારીથી હોમવર્ક કર્યું છતાં ઉચિત ફળ એનું મળ્યું ન હતું. બાકીની છોકરીઓએ ચીટીંગ કરી છતાં ફાવી ગઈ હતી. પરિસ્થિતિ પ્રતિકૂળ હોય છે ત્યારે સત્ય અને ઈમાનદારી જેવાં મૂલ્યો અસત્ય અને બેઈમાની સામે હારી જાય છે. આવી પરિસ્થિતિમાં મનુષ્ય હતાશ અને નિરાશ થઈ જાય છે.
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED