દીકરીઓ માટે ઘણાં ગીતો છે, પ્રસંગો છે. દીકરા માટે છે પણ કદાચ ઓછાં છે.હું એક પુત્રની માતા છું. મારાં દીકરાએ ક્યારેય ન તો બર્થ ડે ,એનીવરસી મધર્સ ડે વિશ કર્યુ છે કે ન આઇ લવ યુ મોમ કીધું છે. છતાં મારાં માટે એની લાગણી મને અનુભવાય છે. ન બોલીને પણ ઘણું બધું કહેવાય છે એ ભાવના આજે મને સમજાય છે. અમારી વચ્ચે ઘણી મચમચ થાય પણ છે. ક્યારેક ગુસ્સો અણગમો પણ પ્રકટ થાય છે.
છતાં એકબીજાની કાળજી ચિંતા રહે. એક અદ્રશ્ય લાગણી નો તાર જાણે એકબીજાને બાંધી રાખતો હોય તેવું લાગે છે.મને દીકરી જોઈતી હતી પણ હવે મને જરાય અફસોસ નથી કે મને દીકરો છે. મેં એને જે પરિસ્થતિમાં રાખ્યો છે એ પરિસ્થિતિને એણે સહર્ષ સ્વીકારી છે. એટલે જો કદાચ એનાં લગ્ન પછી મને જો કદાચ મનદુઃખ થાય તો એ પરિસિથતિ સ્વીકારવાં હું તૈયાર.
ઘણી વસ્તુઓ એવી હોય છે કે એ પ્રદર્શિત થતી નથી છતાં એનો એહસાસ થયા જ કરે છે. કારણ એનું જોડાણ દિલથી થયું હોય છે વાણીથી નહિ.ખામોશીમાં પણ જાણે અખૂટ શબ્દોનો ભંડાર. એ અનુભૂતિ પ્રતીત થાય છે. માટે જે મા-બાપને ઘરડાં થઈને એમ થાય કે એમની હાલત માટે એક પુત્ર જવાબદાર હોય છે .પણ કદાચ ખરેખર એવું ન પણ હોય. પુત્ર સિવાય કોઈ વિકલ્પ નથી હોતું એટલે એવી ફિલિંગ થતી હશે .
એક પુત્રની પણ મનોવ્યથા હશે જે સામી આવી શક્તી ન હોય. એના માટે કદાચ પહેલેથી જ વધારે પડતી અપેક્ષા રાખવામાં આવી હોય છે.દીકરી માટે પહેલેથી જ પારકી સમજીને ઓછી અપેક્ષા રખાય છે.
હું પોતે દીકરી જ છું. ઘણા લાડ પ્યારથી મા-બાપે રાખી છે. કદી ઓછું આવવા નથી દીધું.ચાહે પરિસ્થિતિ કેવી પણ રહી હોય. જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે એવું લાગ્યું કે પોતાનાં જ શરીરનો અંશ દૂર થયો હોય.જેમ શરીરનાં કોઈ ભાગમાં તકલીફ થાય ને એની અસર પૂરા શરીરમાં જણાય તેવી જ રીતે પુત્રને જો તકલીફ થતી તો એની અસર મને જણાતી ને જણાય છે પણ.મારાં મા પિતાએ એમ જ વિચારીને ઘણો લાડ કર્યો હશે કે લગ્ન પછી પારકે ઘેર જ જતી રહેશે.પણ પુત્ર માટે તો લગ્ન પછી જવાબદારીનો ઢેર. એને લગ્ન પછી જ વધિરે લાડ મળવો જોઈએ.પુત્રને અપખોડો નહિ પણ પહેલાં ઓળખો. કોઈપણ વ્યક્તિને અપખોડવાં પહેલાં ઓળખવો ખૂબ જ જરૂરી છે. ઘરમાં બધાં જ એમ આશા રાખતું હોય છે કે પુત્ર એમનું જ સાંભળે પણ એવું તો કોઈ વિચારતું જ ન હોય કે કેમ આપણે જ પુત્રનું ન સાંભળીએ.
પુત્ર હોય કે પુત્રી સારું છે કે ખરાબ એ સંજોગો પર આધાર રાખે છે.તફાવત માત્ર બદલાતાં વલણ પર હોય છે.રોજબરોજની પરેશાનીમાં માણસ પોતે જ ક્યારેક પોતાથી પણ કંટાળે છે તો ઘરનાં સભ્યોથી ક્યારેક કંટાળે એ
સ્વાભા વિક જ હોવાનું. આદર ,માન ,સમ્માન લાગણી એ માત્ર શબ્દોથી જ સાંભળીને કે બોલીને જ પ્રકટ કરાતા નથી
જો એ દિલની દુવામાં હોય ને તો પણ એની પ્રતીતિ થાય જ છે.
મીઠાં શબ્દોનું દંભ આવરણ રચવા કરતાં હ્રદયનાં તાંતણે કરેલું જોડાણ સારું હોય છે. મીઠી વાણીમાં ફસાવવા કરતાં હૈયામાં વસાવવા ઉત્તમ હોય છે.
જો કે બધાં જ માટે આવું લાગુ પડતું નથી હોતું.ઘણી બાબત સંજોગો પર નિર્ભર હોય છે.માણસની વૃત્તિ પર આધાર રાખે છે.પણ પુત્ર માટે શાંત મગજે ઉપેક્ષાથી નહિ પણ અપેક્ષાથી વિચારવું તો જોઈએ જ.
વાંચવા બદ્દલ ઘણો આભાર.