Sister-in-law books and stories free download online pdf in Gujarati

ભાભી



કેશા, સાસરે ઢગલોબંધ સંસ્કારો લઈને આવી હતી. સાથે થોડાં અરમાનોની થેલી પણ ખરી. જોકે સબંધ નક્કી થયો ત્યારથી લગ્ન વચ્ચેના ત્રણ મહિનામાં જ આખા પરિવારના સ્વભાવનું અવલોકન કરી લીધું હતું. આ ઘરમાં પરણીને પાંચ વર્ષમાં તેણે આખા ઘરને પોતાનું બનાવવાના બધા જ પ્રયત્નો કર્યા હતા.

પરિવારમાં તેના સસરા માનદભાઈ ,સાસુ માલીનીબેન અને નણંદ પૂજા, જેને કારણે એ અહી હતી તે તેના પતિ નીરજ. ઘરનાં બધાં જ આમતો ખૂબ પ્રેમાળ. બાકી બધા ઘરોની જેમ નાની નાની ખેંચતાણ ચાલુ જ રહે છે

લગ્ન પછી પણ કેશાએ નોકરી ચાલુ જ રાખી હતી. અને ઘરને સંપૂર્ણ ટેકો પણ કરતી. જોકે તેના સાસુ અને નણંદ નાની નાની વાતમાં ભૂલો કાઢવા હાજર જ રહેતાં સાસુની કાન ભંભેરની નણંદોનો જન્મસિદ્ધ અધિકાર હતો.
કેશા માટે મેણાં એક સામાન્ય વાત હતી. પૂજા સતત કંપ્લેન કર્યા કરતી "જોને મમ્મી આજે ભાભી એ રસોઈ બરોબર નથી કરી, તો ક્યારેક મમ્મી ભાભી જાણી જોઈને મોડાં આવ્યાં. આવું તો કંઈ કેટલુંય.

"ભાભી તમે રસોઈ કરતી વખતે ગેસ ખૂબ બાળો છો." એક દિવસ સવાર સવારમાં જ સાથે સાસુ પણ બોલવામાં ચાલુ થઈ ગયાં કેશા પોતાનું કામ ચૂપચાપ કર્યે જતી હતી. સાથે ઓફિસ જવાની તૈયારી પણ ચાલુ હતી. ત્યાં જ કેશાના સસરા બહારથી ફરીને આવ્યા સાથે નણંદ માટે સંબંધ પણ લઈ આવ્યાં. ઘર કુટુંબ સારું હતું.

કેશાએ આપેલ પાણી પીતાં કહ્યું "માલિની ઘર પરિવાર ખૂબ સારું છે અને છોકરો પણ ઘણું ભણેલો છે "

"જુઓ તમે જે વાત લઇ આવ્યા છો ને એ છોકરાને મે જોયો છે, અને પૂજાએ પણ જોયો છે ઘર પરિવાર બધું બરોબર પણ છોકરાની એક બહેન છે અને એ પણ નાની. આપણી પૂજાને નણંદ અને સાસુનો ત્રાસ સહન કરવો પડે" કેશા પોતાની સાસુની વાત સાંભળતી ઓફિસ માટે ઘરમાંથી નીકળી ગઈ. પણ સાસુની વાત તેના મનમાંથી ન નીકળી. પોતાના દિકરા માટે સારી વહુ જોઈએ છે. જે પોતાના પરિવારનો પૂરતો ખયાલ રાખે પણ પોતાની દિકરી માટે નણંદ નથી જોઇતી.

ઑફિસ્થી ઘરે આવી ત્યારે નણંદ પૂજાની વાત પાકી થઈ ગઈ હતી. છોકરો બહાર નોકરી કરે છે. એટલે પૂજાએ એકલું જ પોતાના પતિ સાથે રહેવાનું છે ઘરની કોઈ બીજી જવાબદારી જ નહિ, બસ આ વાત પર સંબંધ નક્કી થઈ ગયા.

લગ્ન પણ બસ છ મહિનામાં આટોપાઈ ગયાં કેશાએ આનંદ પૂર્વક આખા લગ્નનો ભાર પોતાના પર ઉપાડી લીધો હતો. અને પૂજા પોતાના સારણમાં ભાભી બની સેટ થવાનો પ્રયત્ન કરવા લાગી. તેના પતિની જોબ પણ પોતાના જ શહેરમાં થઇ જતાં પૂજાને સાસરાં ભેગા રહેવાનો વારો આવ્યો

એક દિવસ કેશા સવારનાં કામમાં હતી ત્યાં રડતાં રડતાં પૂજા ઘરે આવી. અને પોતાના સાસુ અને નણંદ વાત વાતમાં તેનો વાંક કાઢે છે ખૂબ હેરાન કરે છે ખૂબ રડવા લાગી. માલિની બહેન તેને સમજાવવાનો પ્રયત્ન કરતાં રહ્યાં.

કેશા બધાના ચા નાસ્તાની તૈયારી કરી રહી હતી ત્યારે ઉતાવળમાં તેનાથી કપ તૂટી ગયો. એ જોઈને પૂજા પોતાની વાત ભૂલી કેશાને સંભળાવવાનું શરૂ કરી દીધું. "મમ્મી જો ભાભી એક કામ વ્યવસ્થિત નથી કરી શકતાં અને જો કેટલું મોડું કર્યું છે ચાય નાસ્તા માટે"

માંલીનીબેન પણ ચાના કપ તૂટવાનો અફસોસ કરતાં કેશાના કામની ખામીઓ ગણવા લાગ્યાં. પણ કેશા કોઈ પણ વાતનો જવાબ આપ્યા વગર પોતાનું કામ કરે જતી હતી ઘરમાં અશાંતિનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું.

અચાનક જ માનદ ભાઈએ કહ્યું. "પૂજા તારાં નણંદ અને સાસુ તને વાત વાતમાં ટોકે છે ત્યારે ત્યું ઘર છોડી માં બાપના ઘરે આવતી રહી.. બેટા તું કોઈની ભાભી બનીને પણ સમજી ન શકી કે તું તારી ભાભીની નણંદ છે અને તું પણ રોજ અહી તેને મેણાં સંભળાવે છે. તેમ છતા પણ છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ પ્રકારની ફરિયાદ વગર કે સામો જવાબ આપ્યા વગર કોઈની પણ મદદ વગર નોકરીની સાથે ઘરનું કામ કરે અને બધાની સંભાળ લે છે. જો એ ધારે તો આ ઘર મૂકીને જઈ શકે છે એ પગભર છે પણ એણે ક્યારેય એવો વિચાર સુધ્ધા નથી કર્યો. પૂજા અત્યારે જ તું તારા ઘરે પાછી જા અને પ્રેમથી રહેવાનો પ્રયત્ન કર તું નણંદ છે તેમ કોઈની ભાભી પણ છે. દરેક સંબંધનું માન રાખવું જોઈએ.

હવે પછી કેશાને કોઈ પણ કઈ પણ કહેશે તે નહી ચલાવાય. માલિની બહેન પણ માનદભાઈ સામે જોતાં જ રહિ ગયાં. પણ પહેલીવાર જ તેમણે કેશાને માનથી જોઈ. આખરે તે પણ કોકનાં ભાભી અને નણંદ બને હતા.

કેશા આંખના ખૂણા રૂમાલથી સાફ કરતી પોતાની ઓફિસ જવા નીકળી ગઈ. તે વિચારતી રહી કે એક સ્ત્રી બધી પરિસ્થિતિ અનુભવતી હોવા છતાં સામાન પરિસ્થિતિને કેમ સમજી ન શકે?

સમાપ્ત

story by _- shesha Rana (Mankad)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED