માંડવી Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માંડવી

સવારમાં ઉઠતાની સાથે માધુ સીમ ભણી દોડ્યો, એની આંખોમાં ઉલ્જણ અપાર હતી, હાફળો ફફાડો મેલાં કપડાં ધારણ કરી, વિખરાયેલાં અલયબદ્ધ વાળ, એમાંય ક્યાંક ક્યાંક પાકેલાં રંગની છાંટ, ઉંમરથી પરિપક્વ બનેલી કસાયેલી ચામડી ને એમાંય સીમમાં કરેલી મજૂરી થકી બદલાયેલો ઘેરો રંગ,પગમાં ત્વરિત ઝડપ એવી કે જોડા પહેર્યાં વગર દોટ મૂકી એ જોઈ સૌને અજબ લાગ્યું કે કોઈ દિવસ ઠાકોરજીની સેવા કર્યા વગર ઘરની બહાર ના નીકળનાર વ્યક્તિને આજે આમ જોવું નવીન હતું!
ઓસરીથી પરસાળ સુધી આવતા આવતાં એને સીમમાં લઈ જવાના સાધનો લૂગડાં બધુંય ભેગું કરી નાખ્યું ઘડીક વારમાં! તગારામાં મુકેલ કોદાળી અને ધારીયું આજે એના સાથી એવા બની ગયા કે એની જોડે સીમમાં ધાવા માંડ્યા! જાણે એમનું કંઇક અધૂરું કામ પતાવીને પાછા વળવાની ઉતાવળ હોય!
" એલા માધા, કાં હાઈલો? અટાણમાં?" શેરીમાં ધના દાદાએ ટોકયો. ઉતાવળીયા પગલાને જરાં ટેકવી લીધા માધા એ, ધના દાદા એટલે શેરીમાં વડીલ આશરે પંચાણું વતાવેલ ઉંમર, વગર કહ્યે સમજી જવાનો એમનો અનુભવ એટલે બધાય એમને માને એટલે ધનો જરાં ખમ્યો, "દાદા, ઇ તો જાવ સુ, માંડવી નીંદવા?"
" કાં?"
" ઠાકોરજી ની સેવા હાટુ!" એણે બે હાથ જોડયા ને ઠાકોરજીના ઓવારણાં લીધાં.
" તો જરાં પોરો ખા, લેતો જા મારા પાહે થી, ઘણી ઝાઝી પઇડી છે કોઠારમાં!"
" ભલે દાદા, મારે ખાવી હોય ઇ ટાણે લેતો જઈશ, પણ હમણાં તો મારા ઠાકોરજી માંગે હે, ઇ તો મારી પાહે જ પોહાય!"
" ઇ નથ હમજાતું કી ઠાકોરજી અને તારે માંડવી હાટુ કાં આવા ઉધામા? કાં ઉપાડો લીધો છે પહેલાં પહોરે ઇ ય સેવાના ટાણે?"
" અરે હા, ઇ તો મારા સમણા માં દીઠા મને ઠાકોરજી, એમને મારા ખેતરની માંડવીની હઠ લીધી છે!"
"હુ વાત કરે? ઠાકોરજી તારા સપનામાં? ઘેલો થઈ ગ્યો સે?"
" ના બાપા, હાસુ! ઠાકોરજી ને ખાવી સે!"
" ભલે, જતો આવ્ય! જે શી કીશના!"
" જે શી કિશના!" માધો ઉતાવળો થઈ વાટ પકડી ચાલ્યો, એના મનનો તરવરાટ ધના દાદા પારખી ગયા. એની મનઃસ્થિતિ ની એમને ખ્યાલ આવી ગયો.
માધો ઘરમાં એકલો અટૂલો રહેતો, એનો હર્યોભર્યો સંસાર કાળ ની થપાટે હરિનાં ધામમાં વિલોક પામ્યો હતો. એના બે નાનાં બાળકો જે સાવ જ નાની ઉંમરમાં બીમારીનો ભોગ બન્યાં બાદ ટૂંકા જીવનકાળમાં એનાથી વિખૂટા બની ગયા હતા, બાળકોના વિરહમાં માધાની પત્ની માતૃત્વનો ભાવનાને આધીન સહી ન શકી અને તે પણ એમની જોડે ટુંક સમયમાં માધાને નોધારો મૂકીને બાળકો સંગ પરલોક સિધાવી.
માધાની જીંદગી માં હવે એ એકલો અને એના ઠાકોરજી એકલાં જ હતાં, એની લાલાની સેવા એ જ એનું જીવવાનું કારણ હતું. લાલા ની સેવા કરવામાં એનો આખો દિવસ નીકળી જતો, થોડો ઘણો સમય મળી જાય તો સીમમાં જઈને થોડું ઘણું વાવેતર કરી આવે અને પોતાનો રોટલો રળી આવે.
આજે એના ઘરે અનાજનો દાણો સુદ્ધાં નહોતો, એને એના કાનજી માટે પ્રસાદ કરવાં શું કરશે એ વિડંબના હતી, એને એનાં સપનામાં કાનજીએ માંડવી માંગી એ એનો વહેમ હતો કે એના કાનજીની લીલાં! વાવેતરમાં માંડવી પાકી ગઈ હતી ને એનો પ્રસાદ કરવો એ એની ભાવના બધું સમજાઈ ગયું ધના દાદા ને!
માધાની નિસ્વાર્થ સેવા માટે એની દોટ અને ધના દાદાની સૂઝ આજે ઘણું બધું કહી કહી ગઈ! ઈશ્વરે ધારેલું અને નસીબમાં લખેલું હોય એને કોઈ ટાળી ના શકે! એ છપ્પન ભોગ હોય કે માંડવીનો પ્રસાદ!
" હાવ હરખપદુડો સે! સાવ ભોળો! એનો લાલો અને એ પોતેય!"- ધના દાદા બોલી ઉઠ્યા.